Home Blog

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “મન રામ પદ કમલ લીન…”, ભાગ – ૫૫ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-055/) માં માતાજીના પ્રથમ દર્શન કરતા સાથે જ તેઓની બાહ્ય અને આંતરિક પરિસ્થિતીનું વર્ણન, વાલ્મીકિય રામાયણમાં સીતાજીના મેલા વસ્ત્રો, ઝાંખા આભૂષણો વગેરેનું વર્ણન છે, જ્યારે માનસમાં આવું કોઇ વર્ણન કેમ નથી? વાલ્મિકિય રામાયાણ મુજબ માતાજી કેવા લાગતા હતા? તેનું વર્ણન, નેત્રોને ચરણોમાં સ્થિત કરવાનું કે ધ્યાન કેન્દ્રિત કરવાનું મહત્વ, ચરણોને લગતા એક અદ્‌ભૂત પ્રયોગ વગેરે કથા જોઇ હતી.

હવે આજની કથામાં પ્રથમ તો આજે અયોધ્યા ખાતે રામજીલાલાની પ્રાણપ્રતિષ્ઠાનો અતિશુભ, મંગલકારી દિવસ છે. આ ધન્ય ઘડી બાબતે કંઇપણ અને કેટલું પણ લખવામાં આવે તો અલ્પ અને અધુરુ જ છે. ૫૦૦થી પણ વધુ વર્ષો બાદ પુન:નિર્માણ થયેલા ભારતવર્ષના આરાધ્ય દેવ એવા પ્રભુ શ્રીરામચંદ્રજીના ભવ્યાતિભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની બધાને ખૂબ-ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. શ્રીરામ મંદિર અને અયોધ્યાનગરી તો અલૈકિક રીતે સજાવવામાં આવેલ છે, પરંતુ આખા દેશમાં અને વિશ્વના દરેક ખૂણે એક અનેરો અદ્વિતિય આનંદ છવાયેલો જોવા મળે છે. “अवधपुरी प्रभु आवत जानी। भई सकल सोभा कै खानी॥” આ સમયે પૃથ્વી પર ઉપસ્થિત આપણા બધાના ધન્ય ભાગ્ય છે કે આ સુઅવસરના આપણે સાક્ષી છીએ. આ ધન્ય ઘડીને સાથે મળી ઉજવીએ. આજે તા. ૨૨.૦૧.૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૨૯:૦૮ થી ૧૨:૩૦:૩૨ અન્ય તમામ કાર્યક્રમો સાથે આ ૮૪ સેકન્ડ માટે સંપૂર્ણપણે પ્રભુમય થઈ, અનેક જન્મોના ફેરાઓ ફર્યા બાદ વિસરાય ગયેલા અને આપણા હૃદયમાં સદાયે પ્રતિષ્ઠિત શ્રી રાઘવેન્દ્ર સરકારને યાદ કરીએ, તેનો અનુભવ કરીએ તેવી બધાને પ્રાર્થના. શ્રીરામ મંદિર અનંતકાળ સુધી રહે અને તેની સાથે આપણા હૃદયમાં બિરાજેલા પ્રભુ શ્રીરામનું અવિરત સ્મરણ રહે, તેને જ સમર્પિત રહીએ, તેના મય થઈ જઈએ, તેવા ભાવ અને વંદન સહ આજની સુંદરકાંડની સુંદર કથાની શરૂઆત કરીએ.

તરુ પલ્લવ મહુઁ રહા લુકાઈ કરઇ બિચાર કરૌં કા ભાઈ

શ્રીહનુમાનજી વૃક્ષના પાંદડામાં છુપાઇ ગયા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ! હવે શું કરુ?

તરુ પલ્લવ” અર્થાત વૃક્ષના પાંદડામાં. અહીં પલ્લવ એટલે કે પાંદડુ. અહીં પાંદડુ એવો એકવચનનો ઉપયોગ થયેલો છે એટલે કે શ્રીહનુમાનજી એક પાંદડાની પાછળ છુપાઇ શક્યા. “મસક સમાન રૂપ” અર્થાત મચ્છર જેટલું નાનુ રૂપ ધારણ કરેલુ હતુ એટલે પાંદડાની પાછળ છુપાઇ શક્યા. “કરઇ બિચાર” અર્થાત વિચાર કરવા લાગ્યા. શ્રીહનુમાનજી હવે વિચારે છે કે આટલી સઘન સુરક્ષા વ્યવસ્થા છે, માતાજી શોકમગ્ન છે, નજર ઝૂકેલી છે, આજુબાજુ જોતા પણ નથી. આવી પરિસ્થિતિમાં, “કરૌં કા” મતલબ શું કરવું? “કરૌં કા ભાઈ” અર્થાત હે ભાઇ! હવે શું કરુ? પોતાની સાથે વાત કરવાની કે વિચારોમાં પોતાને કંઇક કહેવાની આ એક રીત છે.

શ્રીહનુમાનજી બુદ્ધિમતામ્‌ વરિષ્ઠમ છે, માટે વગર વિચાર્યું કોઇ કામ નહોતા કરતા. દરેક કાર્ય વિચારીને કરવાથી સફળતા સુનિશ્ચિત થાય છે. આપણે ઘણીવાર વગર વિચાર્યે કંઇક કરી નાખીએ છીએ, પછી પસ્તાયે છીએ કે આ શું થઇ ગયું? આમ ન કર્યુ હોત તો સારુ થાત, આ ખોટું થઈ ગયુ, વગેરે. અહીં શ્રીહનુમાનજી હજુ વિચારતા હતા કે આગળ શું કરું? ત્યાં –

તેહિ અવસર રાવનુ તહઁ આવા સંગ નારિ બહુ કિએઁ બનાવા

તે જ સમયે ઘણી જ સ્ત્રીઓને સાથે લઇને ઠાઠ-માઠથી રાવણ ત્યાં આવ્યો.

તેહિ અવસર” એટલે કે તે સમયે. ક્યા સમયે? તો જ્યારે શ્રીહનુમાનજી વિચાર કરી રહ્યા હતા કે શું કરું? શું કરું? તે સમયે. “રાવનુ તહઁ આવા” અર્થાત રાવણ ત્યાં આવ્યો. જ્યારે ભક્ત અસમંજસમાં હોય, વિચારોમાં હોય, દ્વિધામાં હોય કે આ પરિસ્થિતિમાં કે આ સમયે હવે હું શું કરું? ત્યારે ભગવાન કંઇકને કંઇક સંકેત આપે, કોઇ તો સુસંયોગ ઉભો કરી જ દે કે જેથી આગળનો રસ્તો મળી જાય. શ્રીહનુમાનજી વિચારી રહ્યા હતા કે શું કરું? ત્યાં ભગવાને રાવણને મોકલી દિધો. આગળ શું કરવાનુ છે કે શું થશે, તેની વ્યવસ્થા પ્રભુએ કરી દીધી. જ્યાં અશોકવનમાં માતાજી અશોકવૃક્ષ નીચે બેઠા હતા, ત્યાં રાવણ આવ્યો. આવ્યો તો આવ્યો, પણ કેવી રીતે? “સંગ નારિ બહુ કિએઁ બનાવા” એટલે કે ઘણી સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમાઠ સાથે આવ્યો.

રાવણ ઘણી જ સ્ત્રીઓને સાથે લઈને આવ્યો હતો. જેથી જાનકીજીને એવું લાગે કે, તે સ્ત્રીઓને બહુ સુખ આપી રહ્યો છે કે આપતો હશે. આમ કહીએ તો વટ પાડવા કે જો મારી સાથે કેટલી અને કેવી-કેવી સુંદર સ્ત્રીઓ છે? સામાન્ય રીતે પુરુષને આકર્ષિત કરવા સ્ત્રીઓ સુંદર શણગારથી સજતી હોય છે અને સ્ત્રીઓને આકર્ષિત કરવા પુરુષો પ્રભાવશાળી કાર્ય કરતા હોય છે અથવા તો ઘણા ખાલી તેવો દેખાવ કરતા હોય છે. અહીં માતાજીને પ્રભાવિત કરવા રાવણ દેખાડા સાથે ધામધૂમથી  આવે છે.

રાવણ એકદમ સરસ તૈયાર થઈ, સ્ત્રીઓ સાથે ઠાઠમાઠથી માતાજી પાસે આવ્યો. આ પ્રસંગને વર્ણવતા શ્રીવાલ્મીકિજીએ લખ્યુ છે કે, જેમ દેવતાઓ અને ગાંધર્વોની પત્નીઓ દેવરાજ ઇન્દ્રની પાછળ ચાલે છે, એ જ રીતે અશોકવનમાં જઈ રહેલા રાવણની પાછળ લગભગ સો વિશ્વસુંદરીઓ ચાલતી હતી. આ સમયે રાવણ ધનુષ વિનાના સાક્ષાત કામદેવ જેવો લાગતો હતો. આવા ઠાઠમાઠ અને વૈભવના દેખાડા સાથે રાવણ ત્યાં આવ્યો કે જેથી કદાચ મિથિલેશનંદિની તેનાથી પ્રભાવિત થઈ જાય.

અહીં ગોસ્વામી શ્રીતુલસીદાસજીએ એવી પણ ટકોર કરી તેવું સમજી શકાય કે, ભક્તિની સમીપ પહોંચીને પછી હવે શું કરું? શું કરું? તેવુ વિચારવામાં બહુ સમય ન બગાડવો જોઇએ. તુરંત જ સમર્પિત થઈ જવુ જોઇએ, નહિતો રાવણરૂપી વિઘ્ન વચમાં આવી જાય. સોંદર્ય, વૈભવ અને એવા અનેક ઠાઠ ભક્તનું ધ્યાન ભટકાવવા સામે આવી જાય જેનાથી આપણે ભટકી પણ જઈ શકીએ.  જો ભટકી ગયા તો કામ તમામ. તો જ્યારે ભક્તિની સમીપ પહોંચીએ તો તુરંત સંપૂર્ણ સમર્પિત થઈને રહેવું. અહીં તો શ્રીહનુમાનજી હતા, એટલે ભટકવાનો કોઇ ચાન્સ ન હતો. ત્યારબાદ બાબાજીએ લખ્યુ છે કે –

બહુ બિધિ ખલ સીતહિ સમુઝાવા સામ દાન ભય ભેદ દેખાવા

તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા. સામ, દાન, ભય અને ભેદ બતાવ્યા.

ખલ” અર્થાત દુષ્ટ. અહીં બાબાજીએ રાવણને દુષ્ટ સંબોધન કરીને પછી “સીતહિ સમુઝાવા” એટલે કે જનકનંદિનીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તેવુ નોંધ્યુ છે. દુષ્ટ લોકોની સમજાવવાની રીતે અધર્મમય હોય છે અથવા ગોસ્વામીજી કહેવા માંગે છે કે અધર્મમય વાતોથી રાવણે માતા સીતાજીને “બહુ બિધિ” અર્થાત અનેક પ્રકારે સમજાવવા પ્રયત્ન કર્યો. અહીં રાવણની અધર્મમય વાતોનું વર્ણન કરવું યોગ્ય ન લાગતા તેનો છેદ ઉડાડીને બાબજીએ કહી દીધુ કે “બહુ બિધિ”.

રાવણની અધર્મમય વાતોથી મિથિલેશકુમારી ઉપર કોઇ પ્રભાવ ન પડ્યો એટલે હવે નીતિઓનો સહારો લીધો. રાવણ રાજા હતો અને એવું કહેવાય છે કે રાજાના હૃદયમાં નીતિ વસતી હોય છે, “સામ દાન અરુ દંડ બિભેદા નૃપ ઉર બસહિં નાથ કહ બેદા ”. રાવણે વિદેહરાજકુમારીને આ બધી નીતિઓ બતાવી. અહીં રાવણ માતા જાનકીજીને આ બધી નીતિઓ બતાવે છે અર્થાત સમજાવે છે, પ્રલોભન આપે છે, ભય બતાવે છે અને પ્રભુ શ્રીરામ હજુ સુધી તેઓને બચાવવા ન આવ્યા વગેરે વાતોથી ભેદ પાડવાનો પ્રયત્ન કરે છે. તે માતાજીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે, પોતે તેઓને હરિ લાવ્યો તેમાં તેણે કોઇ અનુચિત કર્મ નથી કર્યુઁ. પારકી સ્ત્રીઓ નજીક જવુ અને/અથવા તેનું પરાણે હરણ કરવું, તેનો ઉપભોગ કરવો, એ તો રાક્ષસોનો ધર્મ છે. તમે સ્ત્રીઓમાં અમૂલ્ય રત્ન છો. આ તમારુ સુંદર યૌવન વીતી રહ્યુ છે, જે પાછુ આવવાનુ નથી. આવી લોભામણી વાતો થકી રાક્ષસરાજ રાવણ માતાજીને રીઝવવા મથે છે. યુવાન દિકરીઓ માટે પણ આસપાસના રાક્ષસો ઓળખવા બાબાજીએ આ સુંદર હિંટ આપી છે અને આવા રાક્ષસોના લક્ષણો કેવા હોય, તે વર્ણવ્યુ છે. આગળ શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે –

કહ રાવન સુનુ સુમુખિ સયાની મંદોદરી આદિ સબ રાની

તવ અનુચરીં કરઉઁ પન મોરા એક બાર બિલોકુ મમ ઓરા

રાવણે કહ્યુ – હે સુમુખી! હે ચતુર! સાંભળ, આ મારુ વચન છે કે મંદોદરી વગેરે તમામ રાણીઓને હું તારી દાસી બનાવી દઇશ. તું એકવાર મારી સામે જો તો ખરી!          

મંદોદરી આદિ” આપણે અગાઉ જોઇ ગયા છીએ કે રાવણના મહેલમાં વિશ્વની એકથી એક સુંદર સ્ત્રીઓ તેની રાણીઓ હતી. આ બધી રાણીઓમાં સર્વશ્રેષ્ઠ હતી, તેની પટરાણી મંદોદરી. જેમ આપણે ઘણી જગ્યાએ સનકાદિ, કામાદિ વગેરે શબ્દો વાપરીએ છીએ. જેમાં પ્રમુખ સ્થાન ધરાવનાર વ્યક્તિ કે ગુણની સાથે આદિ શબ્દ જોડી વ્યક્તિસમૂહ કે વસ્તુસમૂહ વિશે જણાવવામાં આવે છે. તેવી રીતે એકથી એક ચડિયાતી તમામ સુંદર રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પટરાણી મંદોદરી હતી. જેથી પટરાણી મંદોદરીના નામ સાથે આદિ શબ્દ જોડી રાવણની તમામ રાણીઓના સમૂહ વિશે અહીં જણાવવામાં આવ્યુ છે કે “મંદોદરી આદિ સબ રાની” અર્થાત મંદોદરી, ખુદ પટરાણી અને અન્ય રાણીઓને “તવ અનુચરીં કરઉઁ પન મોરા” એટલે કે આ બધી સ્ત્રીઓને તમારી દાસી બનાવી દઈશ, આ મારુ પ્રણ છે.

રાવણ પટરાણી મંદોદરી સહિત આ તમામ રાણીઓને માતા જાનકીજીની દાસીઓ બનાવી દેવાની વાત કરે છે ને તે પણ શેના બદલામાં? “એક બાર બિલોકુ મમ ઓરા” અર્થાત તેની સામે ફક્ત એકવાર જોવા માટે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં એવું પણ વર્ણવેલુ છે કે રાવણ વિદેહનંદિનીને કહે છે કે હું અનેક લોકમાંથી જે-જે રત્નો લાવ્યો છું, એ બધા પણ તમારા થશે અને આ રાજ્ય પણ હું તમને સમર્પિત કરી દઇશ. રાવણ પોતાને પૃથ્વીનો અધિપતિ માનતો હોય, સમસ્ત પૃથ્વી પણ જાનકીજીને સમર્પિત કરવાની વાત કરે છે.

પ્રાથમિક દ્રષ્ટિએ તો રાવણની આ વાતો મોહાંધ કે કામાંધ વ્યક્તિની બહેકી-બહેકી વાતો લાગે, પરંતુ બાબાજીના દરેક શબ્દોમાં જીવનદર્શન, સમાજદર્શન સમાયેલુ હોય છે. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, પરંતુ હવે પછીના ભાગમાં ઉક્ત ચોપાઈઓને બે અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-055/

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

વ્હાલી દિકરી નીરજાને જન્મદિવસની શુભકામનાઓ સહ સમર્પિત…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “ભક્તિ રે કરવી એણે…”, ભાગ – ૫૪ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-054/) માં માતા જાનકીજીના દર્શન કરવા માટે વિભીષણજી યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્‌ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની વગેરે કથા જોઇ હતી. માતા જાનકીજીને હૃદયપૂર્વક પ્રણામ કરી આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

કૃસ તનુ સીસ જટા એક બેની જપતિ હૃદયઁ રઘુપતિ ગુન શ્રેની

શરીર દૂબળું થઈ ગયુ છે અને માથાના વાળની એક જ વેણી જેવી જટા થઇ ગઇ છે. હૃદયમાં શ્રીરઘુનાથજીના ગુણસમૂહોના જપ કરતા રહે છે.

શ્રીહનુમાનજીએ માતાજીને પહેલી વખત જોયા તેનું માનસકારે એકદમ ટૂંકમાં વર્ણન કર્યું છે. પ્રથમ તો બાહ્ય વર્ણન કરતા ગોસ્વામીજીએ લખ્યુ છે કે, “કૃસ તનુ સીસ જટા એક બેની” અર્થાત શરીર ખૂબ જ દૂર્બળ થઇ ગયેલુ હતુ અને માથાના બધા વાળ એક જ લટ જેવા થઇ ગયા હતા. સીતાજી ત્યાં ફક્ત ફળોનો જ આહાર કરતા હતા અને વારંવાર ઉપવાસો પણ કરતા હતા, તેથી તેઓનું શરીર દૂબળુ પડી ગયેલું વર્ણવેલુ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ વાળની ખૂબ જ માવજત કરતી હોય છે અને તેને ત્રણ લટમાં વિભાજીત કરી તેનો ચોટલો વાળતી હોય છે. વાળની યોગ્ય માવજત ન થાય, વધુ પડતા મેલા થઇ જાય, ત્યારે આવા એક જટા જેવા થઇ જતા હોય છે. સાધુ-સંતોની વાળની આવી સ્થિતિ, જટા થઇ ગયેલા વાળ, જોવા મળતી હોય છે. માતાજીના વાળ પણ આવી એક વેણી જેવી જટા થઇ ગયા હતા.

ત્યારબાદ આંતરિક વર્ણન કરતા શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે કે, “જપતિ હૃદયઁ રઘુપતિ ગુન શ્રેની” અર્થાત તેઓના હૃદયમાં પ્રભુ શ્રીરામના ગુણસમૂહોનો તેઓ નિરંતર જાપ કરતા હતા. ફક્ત રામનામનું રટણ કરવું અને પ્રભુના ચરિત્રનું અને ચરિતનું મનન કરવું, તેની કથા અને વિવિધ પ્રસંગો મનમાં વાગોળવા, તેઓની દીનબંધુતા, કરુણા, અસીમ કૃપા યાદ કરતા-કરતા રામનામ લેવુ, આ બન્નેમાં તફાવત છે. શ્રીહનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિના સ્વામી છે. તેઓની સિદ્ધિના બળે માતાજીને જોતાવેત જ જાણી લીધુ કે, તેઓ પ્રભુનું સ્મરણ કરે છે અને તેઓનું અંત:કરણ પ્રભુમાં સ્થિત છે. “એકસ્થહૃદયા નૂનં રામમેવાનુપશ્યતિ” અર્થાત એકાગ્રચિત્તે મનની આંખોથી માત્ર પ્રભુ શ્રીરામનું જ નિરંતર ધ્યાન કરતા હતા. તેઓ પ્રભુની વાતો-કિસ્સાઓ યાદ કરે છે, પ્રભુની કરૂણતા, વીરતાઅને મર્યાદાના પ્રસંગો યાદ કરે છે. પ્રભુનો સ્નેહ યાદ કરે છે અને તેઓને હૃદયમાં ધારણ કરેલા છે, અથ: તેનું સતત સ્મરણ પણ કરતા રહે છે.

માનસમાં સીતાજીનું વર્ણન ટૂંકમાં કરવામાં આવેલુ છે, જ્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં તેઓનું શારીરિક, તેઓની અવસ્થાનું અને આસપાસનું વિગતે વર્ણન કરવામાં આવેલુ છે. વાલ્મીકિય રામાયણમાં તેઓના મેલા વસ્ત્રો, ઝાંખા આભૂષણો વગેરેનું વર્ણન છે, જ્યારે માનસમાં આવું કોઇ વર્ણન નથી, કારણ કે બાબાજીએ અગાઉ જ લખી દીધુ હતુ કે “દિવ્ય બસન ભૂષન પહિરાએ, જે નિત નૂતન અમલ સુહાએ” અર્થાત અત્રિ મુનિના પત્ની અનસૂયાજીએ જાનકીજીને એવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા હતા કે જે નિત્ય નૂતન, નિર્મળ સોહામણાં જ રહે છે.

ડૉ વસંત પરીખે તેઓની વાલ્મીકિ કૃત રામાયણ આધારિત શ્રીસુંદરકાંડ પરની બુકમાં સીતાજીના વર્ણનમાં એવું લખ્યુ છે કે, ‘સ્નાનાદિસંસ્કાર પામ્યા વિનાની, અનલંકૃતિ, દેશાન્તરમાં આવી પડેલી આ સીતા સંસ્કાર (વ્યાકરણના નિયમ પ્રમાણેના) નહીં પામેલી, અલંકાર વિનાની અને અર્થાન્તર પામેલી વાણી જેવી લાગતી હતી’. પરંતુ મારા મતે તો શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં જ દર્શાવેલા વર્ણન મુજબ “ભર્તૂવાત્સલ્યભૂષિતામ્‌” અર્થાત પતિનું વાત્સલ્ય કે સ્નેહ જ જેનું આભૂષણ છે, તેવા “ઉત્થિતા મેદિનીં ભિત્ત્વા ક્ષેત્રે હલમુખક્ષતે, પદ્મરેણુનિભૈ: કીર્ણા શુભૈ: કેદારપાંસુભિ:” એટલે કે હળના ફળપૂણી(હળનો આગળનો મોઢાનો ભાગ)થી ખેતર ખેડતી વખતે પૃથ્વીને ચીરીને કમળના પરાગની જેમ ક્યારીની સુંદર ધૂળથી લપેટાઇને પ્રગટ થયેલા સીતા, “રામસ્ય વ્યવસાયજ્ઞા લક્ષ્મણસ્થ ચ ધીમત:, નાત્યર્થં ક્ષુભ્યતે દેવી ગંગેવ જલદાગમે” અર્થાત જેમ વર્ષાઋતુ આવે તો પણ દેવી ગંગા વધારે ઉત્તેજિત કે વ્યાકુળ થઇ જતા નથી, તેમ પ્રભુ શ્રીરામ અને બુદ્ધિશાળી લક્ષ્મણજીના અમોઘ પરાક્રમ જાણનારા જનકનંદીની શોકથી વધુ વિચલિત નથી. કારણ કે હૃદયમાં પ્રભુ શ્રીરામ ધારણ કરેલા છે, મનમાં અવિરત પ્રભુ સ્મરણ છે અને –

:: દોહા –૮::

નિજ પદ નયન દિએઁ મન રામ પદ કમલ લીન । પરમ દુખી ભા પવનસુત દેખિ જાનકી દીન ॥

શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે. જનકદુલારીને દીન જોઇને પવનપુત્ર શ્રીહનુમાનજી ઘણા જ દુ:ખી થયા.

નિજ પદ નયન દિએઁ” અર્થાત સીતાજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે. આપણા શાસ્ત્રોમાં નેત્રોને ચરણોમાં સ્થિત કરવાનું, ધ્યાન કેન્દ્રિત કરવાનું ખૂબ મહત્વ છે. અહીં માતાજીએ પોતાના નેત્રો ચરણોમાં સ્થિત કરેલા હતા. તેના મર્મ સમજીએ તો – પહેલો, મન વચન અને કર્મ ત્રણેયના સંયમને ત્રિદંડ સન્યાસ કહેવામાં આવે છે. ચરણોમાં ધ્યાન સ્થિત કરવુ તે ત્રિદંડ સન્યાસનું એક અગત્યનું લક્ષણ છે. સીતાજીનો લંકાનો આ સમય સન્યાસનો સમય હતો, માટે માતાજીએ પોતાના નેત્રો ચરણોમાં સ્થિત કરેલા હતા. બીજો, બન્ને પગના અંગુઠાઓની વચ્ચે નજર સ્થિર કરવી એ યોગાંગસિદ્ધ એક પ્રકારની મુદ્રા છે. અહીં જાનકીજીની યોગાવસ્થાનું નિરૂપણ કરવામાં આવેલું છે. ત્રીજો, નજર ચરણોમાં સ્થિર કરવાથી ચિત્તવૃત્તિ શાંત થાય છે. નેત્રોની ચંચળતા મનની ચંચળતાનું મુખ્ય કારણ છે. ચિત્ત શાંત કરવું હોય, ક્યાંક સ્થિર કરવું હોય, તો નેત્રોનો સંયમ જરૂરી છે. આમ, પ્રભુમાં મન સ્થિર કરવા નેત્રોનો સંયમ દર્શાવેલો છે. ચોથો, અને એક સુંદર મર્મ જોઇએ તો, પ્રભુ શ્રીરામના ચરણોમાં ૪૮ ચિહ્નો છે. ભગવાનના જમણા પગમાં અંકિત ૨૪ ચિહ્નો માતાજીના ડાબા પગમાં રહેલા છે અને ભગવાનના ડાબા પગમાં અંકિત ૨૪ ચિહ્નો માતાજીના જમણા પગમાં રહેલા છે. અહીં માતાજીનું મન પોતાના ચરણોમાં રહેલા પ્રભુના ચરણોના ચિહ્નોના દર્શનમાં લીન છે, તેવું દર્શાવેલું છે.

વાત ચરણોની નીકળી છે તો એક અદ્‌ભૂત પ્રયોગની વાત કરવી છે. આ પ્રયોગ ખરેખર કરવા જેવો છે. કુટુંબ, સમાજ, કાર્યસ્થળ કે અન્ય કોઇપણ જગ્યાએ બિનજરૂરી ધર્ષણથી કે વિજાતીય આકર્ષણથી બચવાનો એક સુંદર પ્રયોગ છે. આ પ્રયોગના પ્રત્યક્ષ પ્રમાણો જોયેલા અને અનુભવેલા છે. આપની સામે જે વ્યક્તિ આવે, ઘરે કોઈ આવે, કચેરીએ કોઇ આવે, મીટીંગ કે મેળાવળામાં કોઇ આવે, તો સૌથી પહેલા સામેવાળી વ્યક્તિના પગ સામે જોવું, તેના ચરણો ઉપર નજર નાખવી. આ સમયે શક્ય હોય તો, પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું. સામેવાળી વ્યક્તિ ગમે તેટલી ખરાબ હશે, ગમે તેવા આશયથી આવી હશે, ગમે તેવા પૂર્વગ્રહો સાથે આવી હશે કે વિજાતીય આકર્ષણથી આવી હશે; તે તમારા માટે સારુ જ વિચારશે કે કરશે અને તમારી તરફેણમાં, તમારા હિતમાં જ કામ કે વાત કરશે. વિજાતીય આકર્ષણથી બચવાનો આ અક્સીર નૂસખો છે.

મન રામ પદ કમલ લીન” અર્થાત સીતાજીનું મન શ્રીરામ ભગવાનના ચરણ કમળોમાં લીન હતું. અહીં એક પ્રશ્ન સ્વાભાવિક જ ઉદ્ભવી શકે કે, આગળની ચોપાઇમાં લખ્યુ છે કે, “જપતિ હૃદયઁ રઘુપતિ ગુન શ્રેની” અર્થાત હૃદયમાં શ્રીરઘુનાથજીના ગુણ સમૂહોનું સ્મરણ કરી રહ્યા હતા. અહીં આ દોહામાં લખ્યુ છે, “મન રામ પદ કમલ લીન” એટલે કે મન પ્રભુના ચરણકમળોમાં લીન હતુ. મન એક સમયે બે જગ્યાએ સ્થિર કઇ રીતે હોઇ શકે? તો મન બે પ્રકારના હોય છે. એક બાહ્ય મન અને બીજુ આંતર્મન. બાહ્ય સ્થૂળ મન ચરણોમાં લીન હતુ, જ્યારે આંતર્મન પ્રભુના ગુણ સમૂહો એટલે કે પ્રભુએ પોતાના માટે શિવધનુષનો ભંગ કર્યો, પરશુરામજીના ક્રોધ અને ગર્વને ચૂર કર્યો, જયંતની આંખ ફોડી નાખી વગેરેને યાદ કરી રહ્યા હતા. દીનદયાળુ પ્રભુ શ્રીરામ પોતાને છોડાવવા જરૂર આવશે, તેવા ભાવ સાથે પ્રભુના ચિંતનમાં લીન છે.

પરમ દુખી ભા પવનસુત દેખિ જાનકી દીન” અર્થાત જાનકીજીને દીન જોઇને પવનપુત્ર શ્રીહનુમાનજી ઘણા જ દુ:ખી થયા. “પરમ દુખી” રાવણ માતાજીને હરિ ગયો એટલે પ્રભુ શ્રીરામ દુ:ખી હતા અને તેઓના દુખે શ્રીહનુમાનજી દુ:ખી હતા જ. હવે માતાજીની આવી દીન દશા જોઇને “પરમ દુખી” ઘણા વધુ દુ:ખી થઇ ગયા. દીન દશા અને પતિપારાયણતા જોઇ વાલ્મીકિય રામાયણમાં લખ્યુ છે કે, શ્રીહનુમાનજી વિચારે છે કે આવા પતિવ્રતા જાનકીજી માટે શ્રીરામ સકળ જગતને ઉપરતળે કરી નાંખે તો પણ ઉચિત જ છે. અહીં માનસકારે માતાજી માટે ‘જાનકી’ સંબોધનનો ઉપયોગ કર્યો છે. જાનકીનો એક ભાવાર્થ રાત-દિવસ જાગવું એવો પણ થાય છે. અગાઉ માનસકારે લખ્યુ છે કે, “બૈઠેહિં બીતિ જાત નિસિ જામા” તેઓની રાત્રીઓ બેઠા-બેઠા જ વિતી જાય છે. રાત-દિવસ સતત જાગતા રહીને એક જ આસન ઉપર પ્રભુમાં મન લીન કરવું એ યોગીઓનું કામ છે. જાનકીજી યોગીરાજ જનકજીની પુત્રી છે, માટે અહીં ‘જાનકી’ એવું સંબોધન કરવામાં આવેલું હોઇ શકે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “શ્રમદાન – શ્રેષ્ઠદાન”, ભાગ – ૫૩ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-053/) માં પ્રભુ શ્રીરામનો અધમોદ્ધારણ કૃપાનો ગુણ, જો દ્રવ્યદાન ન કરી શકો તો કંઇ નહી, પરંતુ શ્રમદાન ચોક્કસ કરવું જોઇએ, સાચા સંત સદ્‌ગુરુ જ્યારે જીવના અંતરાત્માને ઢંઢોળે એટલે જીવ તરત જ જાગૃત થઈ જાય અને પ્રભુકાર્ય તરફ વળી જાય, જનકસુતા અર્થાત જેવી રીતે સંસારમાં રહીને પણ જનકજી નિર્લેપ હતા, તેવી રીતે લંકા-માયાવી નગરીમાં રહીને પણ જનકદુલારી તમામ બાબતોથી નિર્લેપ હતા, શ્રીહનુમાનજીની માતા સીતાજીને મળવાની તિવ્ર ઉત્કંઠા વગેરે કથા જોઇ હતી. શ્રીહનુમાનજીને માતાજીના દર્શન માટે આટલા ઉત્સુક જોઇને વિભીષણજીએ શું કર્યું? ત્યાંથી આજની કથામાં આગળ વધીએ.

જુગુતિ બિભીષન સકલ સુનાઈ ચલેઉ પવનસુત બિદા કરાઈ

વિભીષણજીએ માતા જાનકીજીના દર્શનની બધી જ યુક્તિઓ કહી સંભળાવી. પછી શ્રીહનુમાનજી વિદાય લઈને ચાલ્યા.

શ્રીહનુમાનજીને માતાજીના દર્શન માટે આટલા આતુર જોઇને, “જુગુતિ બિભીષન સકલ સુનાઈ” અર્થાત વિભીષણજીએ માતા જાનકીજીના દર્શનની બધી જ યુક્તિઓ કહી સંભળાવી. માતા જાનકીજીના દર્શન કરવા માટે કેમ યુક્તિઓ અજમાવવી પડે તેમ હતી? કારણ કે આપણે અગાઉ જોઇ ગયા તેમ, સલામતીની બાબતમાં લંકા અભેદ્ય કિલ્લો છે. વળી, સુંદર નામના શીખર ઉપર આવેલી અશોકવાટિકા કે જ્યાં જનકનંદીની સીતાજીને રાખવામાં આવ્યા હતા, તે રાવણનો અંગત સમય, ફુરસદનો સમય તેની રાણીઓ સાથે કે અંગત સ્વજનો સાથે ગાળવાની અંગત અને સૌથી સુરક્ષિત જગ્યા હતી. અહીંની સુરક્ષા વ્યવસ્થા અન્ય તમામ સ્થળો કરતા વધુ સઘન હતી. આ જગ્યાએ કોઇનું પણ પહોંચવું લગભગ અશક્ય હતુ. એવું પણ વાંચવામાં આવ્યુ છે કે, રાવણની મંજુરી વગર તેના જીવતાજીવ અશોકવાટિકામાં પ્રવેશ કરવો અશક્ય હતો. આ સંજોગોમાં વિભીષણજીએ ત્યાં પહોંચવા માટેની યુક્તિઓ શ્રીહનુમાનજીને વર્ણવી કે જેથી તેઓ અશોકવાટિકામાં વિના વિઘ્ને પહોંચી શકે.

વિભીષણજીએ યુક્તિઓ વર્ણવી તેને ભક્તિમાર્ગ ઉપર પ્રભુપ્રાપ્તિના દ્રષ્ટિકોણથી જોઇએ તો, જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, તેઓનું માર્ગદર્શન ન મળે, તેઓની અનુકંપા પ્રાપ્ત ન થાય, ત્યાંસુધી ભક્તિ કે પ્રભુપ્રીતિ પ્રાપ્ત થતી નથી, “ભગતિ તાત અનુપમ સુખમૂલા, મિલઈ જો સંત હોઇ અનુકૂલા”. વિભીષણજીએ જ્યારે યુક્તિઓ વર્ણવી પછી તરત જ શ્રીહનુમાનજીએ ત્યાંથી વિદાય લીધી, “ચલેઉ પવનસુત બિદા કરાઈ”.  અહીં ચલેઉ એટલે કે તુરંત ચાલ્યા અને તેઓ અતિશિઘ્રતાથી, પવનવેગે, ચાલ્યા હશે માટે પવનસુત સંબોધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “ચલેઉ પવનસુત” માતાજીને મળવા શ્રીહનુમાનજી પવનવેગે ચાલ્યા.

કોઇને મળીએ અને પછી છુટા પડવાનું થાય, તો વિદાય લઇ પછી જ છુટા પડવું; એ શિષ્ટાચાર છે. કોઇને મળીએ અને આપણું કામ પુરું થાય કે આપણે જોઇતી વિગતો મળી જાય એટલે ત્યાંથી નીકળી જવું, કોણ તું અને કોણ હું? આભાર માનવાનું તો ઠીક, હું જાઉં છું, તેટલું કહેવાનો શિષ્ટાચાર પણ રાખવામાં ન આવે, તે યોગ્ય નથી. અહીં શ્રીહનુમાનજી માતાજીને મળવા ભલે આતુર હતા, પવનવેગે ત્યાંથી ચાલ્યા પણ ખરા, પરંતુ તેઓ બળ, બુદ્ધિ અને વિવેકની ખાણ છે. તેણે વિદાય લીધી અને પછી જ ત્યાંથી નીકળા છે. આજ્ઞા મેળવીને વિદાય લેવાથી સામેવાળા પ્રત્યે પ્રેમ અને આદરભાવ પ્રગટ થાય છે. બન્ને રામભક્તો મળ્યા હતા, સત્‌સંગનો પરફેક્ટ માહોલ હતો, તો સ્વાભાવિક જ રામદૂતને અહીંથી જવાનું મન ન થાય, પરંતુ, “રામકાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ” અર્થાત જવું આવશ્યક જ હતું. જવાની આવશ્યકતા, માતાજીને મળવાની ઉત્કંઠા, પવનવેગે ગમન અને વિદાય માંગવાનો શિષ્ટાચાર, આ બધાનો સંગમ “કરાઈ”થી શોભી રહ્યો છે. સત્‌સંગ છોડવાનું મન નથી એટલે “બિદા કરાઈ” વિદાય કરાવવામાં આવી. જ્યારે કોઇ જઈ રહ્યુ હોય તો, બે હાથ જોડીને, નમ્રતાથી વિદાય આપવી જોઇએ અને કવિ કાગે લખ્યુ છે તેમ, “એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે… આવકારો મીઠો આપજે રે…

કરિ સોઇ રૂપ ગયઉ પુનિ તહવાઁ બન અસોક સીતા રહ જહવાઁ

શ્રીહનુમાનજી ફરી તે જ પહેલાના જેવું મચ્છરનું રૂપ ધારણ કરીને ત્યાં ગયા, જ્યાં અશોક વનમાં સીતાજી રહેતા હતા.

કરિ સોઇ રૂપ” અર્થાત પાછુ પોતાનું અગાઉનું રૂપ ધારણ કરીને. વિભીષણજીને મળવા માટે “બિપ્ર રૂપ” વિપ્રનું રૂપ ધારણ કર્યું હતુ. હવે ફરી “મસક સમાન રૂપ” મચ્છર જેવડું રૂપ ધારણ કરી લીધુ. કેમ ફરી મચ્છર જેવડું સુક્ષ્મ રૂપ ધારણ કરી લીધું? અશોકવાટિકાની સઘન સુરક્ષા વ્યવસ્થા વગેરે તો ઠીક, પરંતુ જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, તો નાનુ બનવું પડે, રાંક થઈને રહેવું પડે. અહીં શ્રીહનુમાનજી ભક્તિ સ્વરૂપા માતા વૈદેહીને મળવા જતા હતા એટલે ફરી નાનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ પ્રસંગે ગંગાસતીનું આ વાત ખૂબ સુંદર રીતે સમજાવતું ભજન યાદ કરીએ –

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું,

મેલવું અંતરનું અભિમાન રે,

સતગુરુ ચરણમાં શીશ રે નમાવી,

કર જોડી લાગવું પાય રે…. ભક્તિ રે કરવી એણે…

આગળ જોઇએ, “તહવાઁ” એટલે કે ત્યાં. વિભીષણજીએ અગાઉ માતા જાનકીજી ક્યાં રહે છે? તે સ્થળનું નામ નહોતુ કહ્યુ. એટલું જ કહ્યુ હતુ કે, “જેહિ બિધિ જનકસુતા તહઁ રહી”, માટે માનસકારે લખ્યુ છે, “ગયઉ તહવાઁ” અર્થાત ત્યાં ગયા. કયાં ગયા? “બન અસોક સીતા રહ જહવાઁ” એટલે કે અશોકવનમાં કે જ્યાં જનકદુલારીને રાખવામાં આવ્યા હતા. આ અશોકવાટિકા કેવી હતી તેનું માનસમાં વિગતે વર્ણન નથી, પરંતુ શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ અશોકવાટિકાનું વિગતે વર્ણન કરવામાં આવેલુ છે.

અશોકવાટિકામાં વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓ હતી, પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. આ પક્ષીઓ તથા હરણાંઓના લીધે તેની શોભા અનુપમ હતી અને ઉદયકાળના સૂર્ય જેવા અરૂણ વર્ણની દેખાતી હતી. કોયલો અને મોરના ટહુકાઓથી વાટિકા નિરંતર ગૂંજતી રહેતી હતી. શ્રીહનુમાનજીના વાટિકામાં પ્રવેશથી માળામાં સૂઈ રહેલા પક્ષીઓ જાગી ગયા અને માળામાંથી ઉડવા લાગ્યા. પક્ષીઓના ઉડવાથી અનેક પ્રકારના વૃક્ષો ઉપરથી રંગ-બેરંગી ફૂલો શ્રીહનુમાનજી ઉપર વરસવા લાગ્યા. આવા સુંદર રંગીન ફૂલોથી આચ્છાદિત શ્રીહનુમાનજી અશોકવનમાં પુષ્પોના પર્વતની જેમ શોભતા હતા અને ઋતુરાજ વસંત જ વાટિકામાં વાનરવેશે વિચરી રહ્યા હોય, તેવું લાગતુ હતું.

આ વાટિકામાં જુદા-જુદા પ્રકારની નિર્મળ જળથી પરિપૂર્ણ વાવડીઓ હતી. જેની અંદર પરવાળાં અને મોતીની રેત હતી અને વાવડીના તળિયે સ્ફટિકમણિઓ જડેલા હતા. અહીં કમળોથી શોભતા ઘણાં સરોવરો પણ હતા. જેના પગથિયાં મણિઓના હતા અને મોતીઓની રેત શોભતી હતી. બધી ઋતુઓમાં ફૂલ આપનારાં મનોરમ ગંધયુક્ત વૃક્ષોથી ભરાયેલું તથા જાત-જાતના કલરવ કરનારા મૃગો અને પક્ષીઓથી સુશોભિત એ ઉદ્યાન બહું રમણીય પ્રતીત થતું હતું. આવી અદ્‌ભૂત, અવર્ણનીય, અલૌકિક અશોકવાટિકામાં શ્રીહનુમાનજીએ સુવર્ણમય અશોકનું વૃક્ષ જોયું અને આ અશોક વૃક્ષની નીચે જનકસુતાને બેઠેલા જોયા. અશોકવાટિકા ખૂબ જ સુંદર હતી અને તેનું અદ્‌ભુત સૌંદર્ય અનુપમ હતું, પરંતુ શ્રીહનુમાનજીનું ચિત્ત વૈદેહી જાનકીજીની શોધમાં જ એકાગ્ર હતુ એટલે આ બધુ જોયા વગર કે આ બધાના વર્ણન વગર માનસમાં સીધું જ લખ્યુ છે કે, શ્રીહનુમાનજી અશોકવનમાં ગયા અને ત્યાં જઈને માતા સીતાજીને અશોકવૃક્ષ નીચે બેઠેલા જોયા. આગળ બાબજી લીખતે હૈં –

દેખિ મનહિં મહુઁ કીન્હ પ્રનામા બૈઠેહિં બીતિ જાત નિસિ જામા

સીતાજીને જોઇને શ્રીહનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યાં. તેમને (જાનકીજીને) ત્યાં બેઠાં બેઠાં જ આખી રાત્રિના બધા પ્રહર વીતી જાય છે.

માતા જાનકીજીને જોઇને ‘દેખિ’ પહેલા તો “મનહિં મહુઁ કીન્હ પ્રનામા” અર્થાત મનોમન પ્રણામ કર્યાં. અહીં રૂબરૂ મળવાનો આ યોગ્ય સમય ન હતો. રાવણ સીતાજીને પામવા અનેક યુક્તિઓ કરતો હતો. જો અશોકવાટિકામાં જઈને શ્રીહનુમાનજી સીધા જ માતાજીને રૂબરૂ મળે, તો માતાજી તેને માયાવી જાણી યોગ્ય પ્રતિભાવ ન પણ આપે. વળી, જો રાક્ષસીઓને ખબર પડી જાય તો ઘર્ષણ પણ થાય. આ બધામાં પ્રભુકાર્ય થવામાં વિલંબની સંભાવના ધ્યાને લઈને શ્રીહનુમાનજી પહેલા તો માતાજીને મનોમન પ્રણામ કરીને અટકી ગયા.

શ્રીહનુમાનજીએ જોયું કે, માતાજીની આખી રાત ત્યાં અશોકવૃક્ષ નીચે બેઠાં-બેઠાં જ વીતી જાય છે. અલગ-અલગ વિદ્વાનોના મતે રાત્રીના પ્રહરો બાબતે અલગ-અલગ મંતવ્યો જોવા મળે છે. કોઇ ત્રણ પ્રહરની રાત્રી કહે છે, તો કોઇ સાડાત્રણ પ્રહરની, તો વળી કોઇ ચાર પ્રહરની રાત્રી ગણે છે. શિવરાત્રીના સંદર્ભમાં રાત્રીના ચારેય પ્રહર શિવપુજાનું વિધાન જોવા મળે છે. અહીં પ્રહર બાબતે મતમતાંતરનો છેદ ઉડાડતા માનસકારે “નિસિ જામા” અર્થાત જેટલા પ્રહર હોય તેટલા, આખી રાત વીતી જાય છે, તેવું વર્ણવ્યું છે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૩ | શ્રમદાન – શ્રેષ્ઠદાન । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “કાર્પણ્ય શરણાગતિ…”, ભાગ – ૫૨ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-052/) માં શ્રીહનુમાનજીની કાર્પણ્ય શરણાગતિ એટલે કે ‘સંપૂર્ણ સમર્પણની ભાવના’, બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત છે, શ્રીહનુમાનજી નિત્ય પ્રાત:સ્મરણીય છે અને પ્રભુ શ્રીરામનું નામ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે વગેરે વિશેની કથા જોઇ હતી. આગળ શ્રીતુલસીદાસજી લખે છે કે શ્રીહનુમાનજીએ કહ્યુ કે –

:: દોહા – ૭ ::

અસ મૈ અધમ સખા સુનુ મોહૂ પર રઘુબીર

કીન્હી કૃપા સુમિરિ ગુન ભરે બિલોચન નીર

હે સખા! સાંભળો, હું આવો અધમ હોવા છતાં પણ શ્રીરામચંદ્રજીએ તો મારા ઉપર કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને શ્રીહનુમાનજીના નેત્રો પ્રેમાશ્રુઓથી ભરાઈ ગયા.

પહેલા વિભીષણજીએ પ્રભુપ્રાપ્તિ સંદર્ભમાં પોતાના દુર્ગુણો અને અપાત્રતા કહી, પછી શ્રીહનુમાનજીના દર્શનથી તેઓએ ભરોસો જતાવ્યો કે ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થશે જ. શ્રીહનુમાનજીએ પણ પોતાને નીચા દેખાડી વિભીષણજીને વિશ્વાસ અપાવ્યો કે જો મારા ઉપર કૃપા કરી છે, તો આપના ઉપર પણ ચોક્કસ કૃપા કરશે અને પછી પ્રભુ શ્રીરામના અધમોદ્ધારણ કૃપાનો ગુણ યાદ કરીને, તેઓના નેત્રો પ્રેમાશ્રુઓથી ભરાઈ ગયા. રામભક્ત પોતાનામાં અયોગ્યતા અને હિનતા હોવા છતાં તેના ઉપરની પ્રભુની અસીમ કૃપા યાદ કરે, ત્યારે રોમાંચ થવો જોઇએ. આ તેની પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રમાણ જ છે.

જાનતહૂઁ અસ સ્વામિ બિસારી ફિરહિં તે કાહે ન હોહિં દુખારી

એહિ બિધિ કહત રામ ગુન ગ્રામા પાવા અનિર્બાચ્ય બિશ્રામા

જાણવા છતાંય આવા સ્વામીને ભૂલીને જે ભટકતાં ફરે છે, તેઓ દુ:ખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રીરામજીના ગુણસમૂહોને કહેતાં તેમણે અનિર્વચનીય શાંતિ પ્રાપ્ત કરી.    

“જાનતહૂઁ અસ સ્વામિ બિસારી” અર્થાત જાણવા છતાંય આવા સ્વામીને ભૂલીને. શું જાણવા છતાંય? તો સદ્‌ગુરુઓ પાસેથી સાંભળ્યા મુજબ અને શાસ્ત્રો, પુરાણો વગેરેના વાંચનથી આપણે જાણીએ છીએ કે દીનદયાળું ભગવાન શ્રીરામ અધમોદ્ધારણ કૃપાનો ગુણ ધરાવે છે. તે પાપી, પામર અને કાયર જીવ ઉપર પણ અસીમ દયા કરે છે, તેનો ઉદ્ધાર કરે છે. આવું જાણતા હોવા છતાં, “અસ સ્વામિ” એટલે કે આવા સ્વામી. આ ક્યા સ્વામી? તો શ્રીરાઘવેન્દ્ર સરકાર. શ્રીરાઘવેન્દ્રના અધમોદ્ધારક કૃપાના ગુણને જાણતા હોવા છતાં તેને “બિસારી” ભૂલીને. શ્રીહનુમાનજી વિભીષણજીને કહે છે કે આપ પ્રભુના આ ગુણને જાણો છો, પરંતુ જાણી-જોઇને ભૂલી ગયા છો. બાકી “મન ક્રમ બચન ચરન રતિ હોઈ, સપનેહુઁ સંકટ પરૈ કિ સોઈ” અર્થાત મન, વચન અને કર્મથી જેઓને પ્રભુ ચરણમાં પ્રેમ છે, તેઓને સ્વપ્નમાંયે સંકટ નથી હોતું. આપ દુ:ખી છો એવું આપને લાગે છે કારણ કે આપ પ્રભુના ગુણોને ભુલી ગયા છો, માટે “ફિરહિં તે કાહે ન હોહિં દુખારી” આપ દુ:ખી છો તેવું આપને લાગે છે.

આપ મન અને વચનથી પ્રભુને ભજો છો, પરંતુ કર્મથી પ્રભુભક્તિ ભુલી ગયા છો. મનથી ભગવાનને યાદ કરો છો, પ્રભુના ગુણગાન ગાવ છો, પરંતુ કોઇ પ્રભુકાર્ય કરતા નથી. રાવણ માતાજીને હરિ લાવ્યો, પરંતુ આપે શું કર્યું? અહીં કર્મ ઘટે છે. પરમ પુજ્ય સદ્‌ગુરુ દેવ શ્રીવિશ્વંભરદાસજી વારંવાર કહે છે કે કોઇ ધર્મનું કાર્ય થઈ રહ્યુ હોય (મંદિર નિર્માણ, ઉત્સવ વગેરે), સામાજિક કાર્ય થઈ રહ્યુ હોય (સમૂહલગ્ન વગેરે) ત્યાં કંઇક દાન કરવું. જો દ્રવ્યદાન ન કરી શકો તો કંઇ નહી, પરંતુ શ્રમદાન ચોક્કસ કરવું. આવા પ્રસંગોમાં શ્રમદાનને સૌથી ઉત્તમદાન કે શ્રેષ્ઠદાન ગણી શકાય. અહીં શ્રીહનુમાનજી પણ વિભીષણજીને કર્મથી પ્રભુને યાદ કરવાનું કહે છે. પ્રભુભક્તિનો પ્રભાવ જાણતા હોવા છતાં માણસ જ્યારે ભોગવિલાસ પાછળ ભટકે છે, ત્યારે જ દુ:ખી થતો હોય છે.

એહિ બિધિ કહત રામ ગુન ગ્રામા” અર્થાત આ પ્રમાણે પ્રભુ શ્રીરામના ગુણસમૂહોને કહેતા-કહેતા “પાવા અનિર્બાચ્ય બિશ્રામા” એટલે કે અનિર્વચનીય વિશ્રામ પ્રાપ્ત કર્યો. જેનુ વર્ણન ન થઈ શકે, તેવી પરમ શાંતિ પ્રાપ્ત કરી. “કહત ગુન ગ્રામા” ભગવાનના ગુણગાન કે કથા કહિ શકાય, પરંતુ તેનાથી મળતી પરમ શાંતિ અવર્ણનીય જ હોય છે. બાબાજીએ ‘કહત રામ ગુન ગ્રામા, બિશ્રામ પાવા’ લખ્યુ છે. અહીં શ્રીરામના ગુણસમૂહો કહેતા પરમ શાંતિનો અનુભવ કર્યો. પહેલા બન્નેએ પોત પોતાના અવગુણો કહ્યા. જીવ જ્યારે એકબીજાની પોતાની કથા કહે તેનાથી શાંતિ ન મળે. રોજીંદી જીંદગીમાં આપણે જોઇએ જ છીએ કે મોટાભાગે કોઇ પોતાની જીંદગીથી સંતુષ્ટ હોતુ નથી, કાયમી ફરીયાદો જ હોય છે. આવી જીવ પારાયણ એટલે કે વ્યથાથી શાંતિ ન મળે. જ્યારે કોઇ એકબીજાને રામકથા કહે કે એકબીજા સામે પ્રભુ શ્રીરામના ગુણસમૂહોનું વર્ણન કરે, ત્યારે જ પરમ શાંતિનો અનુભવ થાય. જીવનમાં કોઇની સામે બહુ રોદણા ન રોવા, પરંતુ શક્ય હોય તેટલો સત્‌સંગ કરવો જોઇએ. જ્યારે શ્રીહનુમાનજીએ કહ્યુ કે આપ પ્રભુકાર્ય નથી કરતા, ત્યારે –

પુનિ સબ કથા બિભીષન કહી જેહિ બિધિ જનકસુતા તહઁ રહી

પછી વિભીષણજીએ શ્રીજાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા, તે સઘળી કથા કહી સંભળાવી.

શ્રીહનુમાનજીએ કહ્યુ હે ભાઈ! કંઇક ભગવાનનું કામ પણ કરો, એટલે વિભીષણજી તુરંત જ માતા જાનકીજી ત્યાં જેવી રીતે રહેતા કતા, તેની સઘળી કથા કહી સંભળાવી. સાચા સંત સદ્‌ગુરુ જ્યારે જીવના અંતરાત્માને ઢંઢોળે એટલે જીવ તરત જ જાગૃત થઈ જાય અને પ્રભુકાર્ય તરફ વળી જાય. વિભીષણજીએ તુરંત જ પ્રભુકાર્યની શરૂઆત કરી દીધી.

જેહિ બિધિ” અર્થાત જેવી રીતે. માતાજી જેવી રીતે ત્યાં રહેતા હતા, તે વાત કરી. કેવી રીતે રહેતા હતા તેનું અહીં વિગતવાર વર્ણન નથી આપ્યું, પરંતુ માનસકારે એક જ શબ્દમાં બધુ કહી દીધું, “જનકસુતા”. જનકસુતા અર્થાત જેવી રીતે સંસારમાં રહીને પણ જનકજી નિર્લેપ હતા, તેવી રીતે લંકા-માયાવી નગરીમાં રહીને પણ જનકદુલારી તમામ બાબતોથી નિર્લેપ હતા. “તહઁ રહી” એટલે કે ત્યાં રહેતા હતા. રાવણ જાનકીજીને મહેલમાં લાવ્યો જ ન હતો. પહેલેથી જ તેણીને અશોકવાટીકામાં રાખ્યા હતા. સીતાજી પહેલેથી ફક્ત ત્યાં જ રહે છે, એટલે તો શ્રીહનુમાનજીએ આખી લંકામાં શોધ કરી, ત્યારે અન્ય કોઇ જગ્યાએ તેઓ મળ્યા ન હતા. જેવા વિભીષણજીએ માતાજીના સમાચાર સંભળાવ્યા કે –

તબ હનુમંત કહા સુનુ ભ્રાતા દેખી ચહઉઁ જાનકી માતા

ત્યારે શ્રીહનુમાનજીએ કહ્યુ, હે ભાઈ! સાંભળો, હું માતા જાનકીજીને જોવા માંગુ છું.

જ્યારે વિભીષણજીએ માતા જાનકીજી લંકામાં કેવી રીતે રહે છે? તેનું વર્ણન કર્યું, ત્યારે શ્રીહનુમાનજીને માતા સીતાજીને મળવાની તિવ્ર ઉત્કંઠા થઇ. ઉપર દોહા – ૭માં શ્રીહનુમાનજીએ વિભીષણજીને સખા એટલે કે મિત્ર કહ્યા હતા. અહીં “ભ્રાતા” અર્થાત ભાઇ કહે છે. બન્ને પ્રભુ શ્રીરામના જ ભક્તો છે એટલે કે મિત્રો છે અને અહીં માતાજીને મળવાની વાત આવી તો બન્ને ભાઈઓ પણ છે. “દેખી ચહઉઁ જાનકી માતા” અર્થાત અહીં શ્રીહનુમાનજી માતા જાનકીજીને જોવાની આતુરતા જતાવે છે, “રામ કાજ કરિબે કો આતુર”. વિભીષણજીને કહે છે કે, આપ મને જલ્દીથી જણાવો કે હું કઇ રીતે માતા જાનકીજીના દર્શન ઝડપથી કરી શકું? ભગવાનના ગુણસમૂહોનું વર્ણન કરીને-સાંભળીને અનિર્વચનીય શાંતિ મળી હતી. તેને છોડીને શ્રીહનુમાનજી માતાજીના દર્શન માટે ઉત્સુક છે. શ્રીહનુમાનજીને માતાજીના દર્શન માટે આટલા ઉત્સુક જોઇને વિભીષણજીએ શું કર્યું? “જુગુતિ બિભીષન સકલ સુનાઈ” અર્થાત વિભીષણજીએ માતા જાનકીજીના દર્શનની બધી જ યુક્તિઓ કહી સંભળાવી. અહીંથી આગળની કથા આવતા અંકમાં જોઇશુ.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌ | विभीषणजी कृत श्रीहनुमत्स्तोत्रम् | Shree Hanumat Strotram by Vibhishanji

શ્રી ગણેશાય નમ:

આપને તથા આપના પરિવારને અંજનીનંદન શ્રીહનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌

નમો હનુમતે તુભ્યં નમો મારુતસૂનવે નમ: શ્રીરામભક્તાય શ્યામાસ્યાય ચ તે નમ:

ભાવાર્થ: – હે શ્રીહનુમાનજી! હું આપને નમસ્કાર કરું છું. હે મારુતિનંદન! હું આપને પ્રણામ કરું છું. હે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત! આપનું અભિવાદન કરું છું. જેમનું મુખારવિંદ શ્યામ વર્ણનું છે, તેવા આપને કોટી-કોટી નમસ્કાર કરું છું. (૧)

નમો વાનરવીરાય સુગ્રીવસખ્યકારિણે લંકાવિદાહનાર્થાય હેલાસાગરતારિણે

ભાવાર્થ: – હે પવનપુત્ર! આપ સુગ્રીવજીની ભગવાન શ્રીરામ જોડે મિત્રતા કરાવનાર અને લંકાને બાળીને ભસ્મ કરવાના આશયથી વિશાળ મહાસાગરને રમતમાત્રમાં પાર કરનારા છો, એવા વાનરવીર શ્રીહનુમાનજી હું આપને પ્રણામ કરું છું. (૨)

સીતાશોકવિનાશાય રામમુદ્રાધરાય ચ । રાવણાન્તકુલચ્છેદકારિણે તે નમો નમ:

ભાવાર્થ: – હે મહાવીર હનુમાનજી! આપ માતા સીતાજીના શોકને દુર કરવાવાળા અને પ્રભુ શ્રીરામની મુદ્રિકા ધારણ કરનારા છો. રાવણકુળના વિનાશક એટલે કે રાવણકુળના સંહારના મુખ્ય કારણ એવા ભગવાન શંકરના અગિયારમા રુદ્ર સ્વરૂપ, શ્રીહનુમાનજીને હું કોટી-કોટી વંદન કરું છું. (૩)

મેઘનાદમખધ્વંસકારિણે તે નમો નમ: અશોકવનવિધ્વંસકારિણે ભયહારિણે

ભાવાર્થ: – હે અંજનીનંદન! આપ અશોકવાટિકાનો નાશ કરવાવાળા અને મેઘનાદના યજ્ઞનો પણ વિધ્વંસ કરનારા છો, એવા ભક્તોના તમામ ભય અને સંકટ હરનારા, સંકટમોચન શ્રીહનુમાનજી હું આપને વારંવાર નમસ્કાર કરું છું. (૪)

વાયુપુત્રાય વીરાય આકાશોદરગામિને વનપાલશિરશ્છેદલંકાપ્રાસાદભજ્જિને

ભાવાર્થ: – હે મારુતિનંદન શ્રીહનુમાનજી! આપ વાયુદેવના પુત્ર, શ્રેષ્ઠ વીર, આકાશમાં ગમન કરનારા અને અશોકવાટિકાના રક્ષકોના શિરચ્છેદ કરી લંકાના ઊંચા-ઊંચા મહેલોની અટારીઓને ધરાશાયી કરનારા છો. (૫)

જ્વલત્કનકવર્ણાય દીર્ઘલાંગૂલધારિણે સૌમિત્રિજયદાત્રે ચ રામદૂતાય તે નમ:

ભાવાર્થ: – આપના શરીરની ક્રાંતિ તપતા સોના જેવી છે, આપનું પુંછ લાંબુ છે અને આપ સુમિત્રાનંદન શ્રીલક્ષ્મણજીને વિજય અપાવનારા છો. એવા રામદૂત શ્રીહનુમાનજી હું આપને નમસ્કાર કરું છું. (૬)

અક્ષસ્ય વધકર્ત્રે ચ બ્રહ્મપાશનિવારણે લક્ષ્મણાંગમહાશક્તિઘાતક્ષતવિનાશિને

ભાવાર્થ: – આપ અક્ષકુમારનો વધ કરનારા, બ્રહ્મપાશમાંથી મુક્તી અપાવનારા તથા શ્રીલક્ષ્મણજીના શરીર ઉપર મહાશક્તિથી થયેલા આઘાતનું નિવારણ કરનારા છો. (૭)

રક્ષોઘ્નાય રિપુઘ્નાય ભૂતઘ્નાય ચ તે નમ: ઋક્ષવાનરવીરૌઘપ્રાણદાય નમો નમ:

ભાવાર્થ: – હે હનુમાનજી! આપ રાક્ષસો, શત્રુઓ અને ભૂતોના સંહારક અને રીંછ તથા વાનરવીરોના સમુદાયના જીવનદાતા છો. એવા હે સંકટમોચન શ્રીહનુમાનજી! હું આપને વરંવાર વંદન કરું છું. (૮)

પરસૈન્યબલઘ્નાય શસ્ત્રાસ્ત્રઘ્નાય તે નમ: વિષઘ્નાય દ્વિષઘ્નાય જ્વરઘ્નાય ચ તે નમ:

ભાવાર્થ: – આપ શત્રુઓના અસ્ત્રો-શસ્ત્રોનો નાશ કરનારા અને તેના સેનાબળને મસળી નાખનારા છો, તેવા હે શ્રીહનુમાનજી! હું આપને નમસ્કાર કરું છું. ઝેર, શત્રુઓ અને ત્રિવિધ તાપોનો નાશ કરનારા આપને પ્રણામ કરું છું. (૯)

મહાભયરિપુઘ્નાય ભક્તત્રાણૈકકારિણે પરપ્રેરિતમન્ત્રાણાં યન્ત્રાણાં સ્તમ્ભકારિણે ૧૦

ભાવાર્થ: – આપ મહા ભયંકર શત્રુઓનો નાશ કરનારા, ભક્તોના એકમાત્ર તારણહાર તથા બીજા દ્વારા પ્રેરિત મંત્રો-યંત્રોને અટકાવી દેનારા કે નિષ્ફળ બનાવી દેનારા છો. (૧૦)

પય:પાષાણતરણકારણાય નમો નમ: બાલાર્કમંડલગ્રાસકારિણે ભવતારિણે ૧૧

ભાવાર્થ: – સમુદ્રના જળ ઉપર પથ્થરો અને પહાડોના તરવાના કારણ સ્વરૂપ, બાળપણમાં સુર્યને ગ્રસી જનારા અને ભક્તોને ભવસાગર પાર કરાવવાવાળા આપને હું વારંવાર નમસ્કાર કરું છું. (૧૧)

નખાયુધાય ભીમાય દન્તાયુધધરાય ચરિપુમાયાવિનાશાય રામાજ્ઞાલોકરક્ષિણે ૧૨

ભાવાર્થ: – આપનું સ્વરૂપ વિકરાળ છે. આપ નખ અને દાંતોને હથિયાર તરીકે ધારણ કરનારા છો તથા શત્રુઓની માયાનો નાશ કરનારા અને ભગવાન શ્રીરામની આજ્ઞાથી પ્રજાના પાલનહાર છો. (૧૨)

પ્રતિગ્રામસ્થિતાયાથ રક્ષોભૂતવધાર્થિને કરાલશૈલશસ્ત્રાય દ્રુમશસ્ત્રાય તે નમ: ૧૩

ભાવાર્થ: – રાક્ષસો અને ભૂતોનો વધ કરવો એ આપનું લક્ષ્ય છે, દરેક ગામમાં આપ મૂર્તિરૂપે પ્રતિષ્ઠિત છો એટલે કે દરેક ગામમાં આપનું મંદિર અવશ્ય હોય જ છે. વિશાળ પર્વતો અને વૃક્ષો આપના શસ્ત્રો છે, તેવા હે હનુમાનજી! હું આપને નમસ્કાર કરું છું. (૧૩) 

બાલૈકબ્રહમચર્યાય રુદ્રમૂર્તિધરાય ચ વિહંગમાય સર્વાય વજ્રદેહાય તે નમ: ૧૪

ભાવાર્થ: – આપ એકમાત્ર બાલ-બ્રહ્મચારી, રુદ્રરૂપે અવતરેલા અને ગગનગામી છો. આપનું શરીર વજ્ર સમાન કઠોર છે, આપના આવા તમામ સ્વરૂપોને હું પ્રણામ કરું છું. (૧૪)

કૌપીનવાસસે તુભ્યં રામભક્તિરતાય ચ દક્ષિણાશાભાસ્કરાય શતચન્દ્રોદયાત્મને ૧૫

ભાવાર્થ: – લંગોટ એકમાત્ર આપનું વસ્ત્ર છે, આપ નિરંતર રામભક્તિમાં મગ્ન રહો છો. દક્ષિણ દિશાને પ્રકાશિત કરવા માટે આપ સૂર્ય સમાન છો અને સેંકડો પૂનમના ચંદ્રો જેવી આપના શરીરની ક્રાંતી છે. (૧૫)

કૃત્યાક્ષતવ્યથાઘ્નાય સર્વક્લેશહરાય ચ સ્વામ્યાજ્ઞાપાર્થસંગ્રામસંખ્યે સંજયધારિણે ૧૬

ભાવાર્થ: – આપ તાંત્રિક વિદ્યાઓથી થતા આધાતના દુ:ખોનો નાશ કરનારા, તમામ પ્રકારના કષ્ટોનું નિવારણ કરનારા અને સ્વામીની આજ્ઞાથી પૃથા(કુંતી)પુત્ર અર્જુનને મિત્રતા પ્રદાન કરવાવાળા છો. (૧૬)

ભક્તાન્તદિવ્યવાદેષુ સંગ્રામે જયદાયિને કિલ્‌કિલાબુબુકોચ્ચારઘોરશબ્દકરાય ચ ૧૭

ભાવાર્થ: – આપ ભક્તોને વિવાદ તથા સંગ્રામમાં દિવ્ય વિજય અપાવનારા અને  ‘કિલકિલા’ તથા ‘બુબુક’ના ઉચ્ચારવાળા ભીષણ નાદ કરવાવાળા છો. (૧૭)

(કિલકિલા = યુદ્ધમાં શબ્દ, રાગ અને નગારાનો અવાજ. બુબુક = યુદ્ધના ગંભીર રુદનનો ધ્વનિ)

સર્પાગ્નિવ્યાધિસંસ્તમ્ભકારિણે વનચારિણે સદા વનફલાહારસંતૃપ્તાય વિશેષત: ૧૮

મહાર્ણવશિલાબદ્ધસેતુબન્ધાય તે નમ: (૧૮.૫)

ભાવાર્થ: – આપ નાગ, અગ્નિ અને તમામ વ્યાધિઓને અટકાવી દેનારા, હંમેશા વનમાં રહેનારા તથા ફળોનો આહાર કરીને વિશેષ રીતે સંતુષ્ટ થનારા છો. શીલાઓથી સેતુનું નિર્માણ કરી સમુદ્રને બાંધનારા, હે મહાવીર! હું આપને નમસ્કાર કરું છું. (૧૮-૧૮.૫)

વાદે વિવાદે સંગ્રામે ભયે ઘોરે મહાવને ૧૯

સિંહવ્યાઘ્રાદિચૌરેભ્ય: સ્તોત્રપાઠાદ્‌ ભયં ન હિ । (૧૯.૫)

ભાવાર્થ: – આ સ્ત્રોત્રનો પાઠ કરવાથી વાદ-વિવાદ, યુદ્ધ અને ઘોર વનમાં સિંહ-વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી તથા ચોરોથી ભય લાગતો નથી. (૧૯ – ૧૯.૫)

દિવ્યે ભૂતભયે વ્યાધૌ વિષે સ્થાવરજંગમે ૨૦

રાજશસ્ત્રભયે ચોગ્રે તથા ગ્રહભયેષુ ચ જલે સર્વે મહાવૃષ્ટૌ દુર્ભિક્ષે પ્રાણસમ્પ્લવે ૨૧

પઠેત્‌ સ્તોત્રં પ્રમુચ્યેત ભયેભ્ય: સર્વતો નર: તસ્ય ક્વાપિ ભયં નાસ્તિ હનુમત્સ્તવપાઠત: ૨૨

ભાવાર્થ: – જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરે છે, તે દૈવિક તથા ભૌતિક ભય, વ્યાધિ, સ્થાવર કે જંગમ સંબંધિ ઝેર, રાજાના શસ્ત્રો, ગ્રહો, જળ, સર્પ, અતિવૃષ્ટિ, દુકાળ તથા પ્રાણસંકટ વગેરે પ્રકારના ભયોથી મુક્ત થઈ જાય છે. આ હનુમત્સ્તોત્ર કરવાથી તેને કોઇપણ પ્રકારનો ભય સતાવતો નથી. (૨૦-૨૨)    

સર્વદા વૈ ત્રિકાલં ચ પઠનીયમિદં સ્તવમ્‌ સર્વાન્‌ કામાનવાપ્નોતિ નાત્ર કાર્યા વિચારણા ૨૩

ભાવાર્થ: – દરરોજ ત્રિકાળ અર્થાત સવારે, બપોરે અને સાંજે આ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. આવું કરવાથી તમામ કામનાઓની પૂર્તિ થાય છે, તેમાં શંકાને કોઇ સ્થાન નથી. (૨૩)

વિભીષણકૃતં સ્તોત્રં તાર્ક્ષ્યેણ સમુદીરિતમ્‌ યે પઠષ્યન્તિ ભક્ત્યા વૈ સિદ્ધયસ્તત્કરે સ્થિતા: ૨૪

ભાવાર્થ: – વિભીષણજી દ્વારા રચિત આ સ્તોત્રનો ગરુડજીએ શ્રદ્ધાપૂર્વક પાઠ કર્યો હતો. જે મનુષ્ય આ પાઠ ભક્તિભાવ પૂર્વક કરશે તેને સર્વે સિદ્ધિઓ સહજ હસ્તગત થઈ જશે.

ઇતિ શ્રીસુદર્શનસંહિતાયાં વિભીષણગરુડસંવાદે વિભીષણકૃતં હનુમત્સ્તોત્રં સમ્પૂર્ણમ

આ રીતે શ્રીસુદર્શન સંહિતા અંતર્ગત વિભીષણ-ગરુડ સંવાદમાં વિભીષણજી દ્વારા રચિત શ્રીહનુમત્સ્તોત્ર પૂર્ણ થયો.

શ્રીહનુમાનજીના જન્મની વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી રસપ્રદ કથાઓ વાંચવા – રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ – ઉપર ક્લિક કરો.

આજ રોજ તા. ૧૬.૦૪.૨૦૨૨ના રોજ રાજયોગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ પૂજ્ય કેશવાનંદજી બાપુની તપોભૂમિ એવા ‘ખોખરા હનુમાનજી ધામ’ ખાતે ગુજરાતના ગૌરવ સમી ૧૦૮ ફૂટ ઉંચી શ્રીહનુમાનજીની પ્રતિમાનું શ્રીહનુમાન જન્મોત્સવના પાવન અવસરે અનાવરણ કરવામાં આવ્યું છે. દેશના ચારેય ખૂણે શ્રીહનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવાના પ્રોજેક્ટના ભાગરુપે વર્ષ – ૨૦૧૦માં શિમલા ખાતે પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના ભાગરૂપે આ બીજી પ્રતિમા છે સ્થાપિત કરવામાં આવી. આ મૂર્તિમાં ૭ લાખ જેટલી રામનામ લખેલી ચિઠ્ઠીઓ મૂકવામાં આવેલી છે. ત્રીજી પ્રતિમા રામેશ્વરમ્‌ ખાતે સ્થાપિત કરવામાં આવી રહેલ છે, જેનું નિર્માણ કાર્ય શરુ થઈ ગયું છે અને ચોથી પ્રતિમા પશ્ચિમ બંગાળમાં પ્રસ્થાપિત કરવાનું આયોજન છે.

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રીરામનવમીના પાવન પર્વની આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “અબ મોહિ ભા ભરોસ હનુમંતા”, ભાગ – ૫૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-051/)માં વિભીષણજી પોતાના ઉપર પ્રભુ શ્રીરામની કૃપા થશે જ તેવો દ્રઢ વિશ્વાસ જતાવી દે છે, “પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા” અને “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા” આ બે વચ્ચેની પાતળી ભેદ રેખા, પ્રભુ શ્રીરામના ‘રઘુવીર’ નામ સંબોધનમાં સમાવિષ્ટ પાંચ પ્રકારની વીરતા, પ્રભુનો સેવકો પર સદાય પ્રેમ વરસાવતા રહેવાનો વિલક્ષણ સ્વભાવ અને ભગવાનને આપણી ઉપર કૃપા કરવાનો મોકો આપતા રહેવા સુધીની કથા જોઇ હતી. આગળ શ્રીતુલસીદાસજી લખે છે કે શ્રીહનુમાનજીએ કહ્યુ કે –

કહહુ કવન મૈં પરમ કુલીના કપિ ચંચલ સબહીં બિધિ હીના

પ્રાત લેઈ જો નામ હમારા તેહિ દિન તાહિ ન મિલૈ અહારા

ભલા કહો, હું જ ક્યો મોટો કુળવાન છું? જાતિએ ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાત:કાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો તેને તે દિવસે ભોજન ન મળે;   

જ્યારે વિભીષણજી કહે છે કે હું તામસ શરીરવાળો છું, મને સંગ પણ સારા લોકોનો નથી, હું કોઇ પ્રભુકાર્ય પણ કરતો નથી અને પ્રભુના ચરણકમળોમાં પ્રીતિ પણ નથી. તો પણ શું ભગવાન મારા ઉપર કૃપા કરશે? ત્યારે શ્રીહનુમાનજી કહે છે , અરે ભાઈ! “કહહુ કવન મૈં પરમ કુલીના” તો કહેં, હું વળી ક્યાં કોઇ ઉચ્ચકુળનો છું? તમે તામસ શરીરધારી છો, પરંતુ તમારું કુળ તો ઉત્તમ છે, “ઉત્તમ કુલ પુલસ્તિ કર નાતી”. મારું તો કુળ પણ ઊંચુ નથી અને વધુમાં “કપિ ચંચલ” અર્થાત વાનરનું શરીર અને ચંચળ સ્વભાવ છે. આ પામર પશુનું કામી શરીર, કિષ્કિંધા કાંડમાં લખ્યુ છે, “મૈં પાઁવર પસુ કપિ અતિ કામી”, અને ચંચળ સ્વભાવના લીધે જ્ઞાન, કર્મ અને ઉપાસના એકેય થતા નથી. તેનાથી આગળ શ્રીહનુમાનજી કહે છે કે “સબહીં બિધિ હીના” અર્થાત શુભ કર્મ કરવાની બધી જ વિધિઓ કે પ્રભુપ્રીતિ પ્રાપ્ત કરવાની બધી રીતોમાં હું દીન છું, પામર છું.

પ્રાત લેઈ જો નામ હમારા તેહિ દિન તાહિ ન મિલૈ અહારા ” અર્થાત જે લોકો સવારમાં અમારું નામ લે તેઓને તે દિવસે ભોજન પણ નસીબ થતું નથી. મોટાભાગે લોકો શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર ચોપાઈઓ વાંચતા હોય, એટલે આ ચોપાઈ પણ વાંચી જાય. ઘણા લોકો આ ચોપાઇનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન નથી કરતા. વળી એવી બેહૂદી માન્યતા વાળા લોકોનો પણ આપણા દેશમાં થોડો સમુહ છે, જે લોકો આ ચોપાઈને આધાર લઈને શ્રીહનુમાનજીનું સવારમાં સ્મરણ નથી કરતા. આ તો થઈ રામાયણ કાળની વાત, આજે પણ જામનગર નજીક એક તાલુકા સ્થળ છે, ધ્રોલ. એવું કહેવાય છે કે જો સવારમાં ઉઠતાવેત કે ઉઠીને પહેલા જ જો ધ્રોલ નામ લેવામાં આવે તો તે દિવસે જમવાનું નસીબ થતું નથી. આવો કોઇ શ્રાપ છે. આ કારણોસર ત્યાંના સ્થાનિક,  આજુબાજુના વિસ્તારના અને અન્ય પરિચિતો ધ્રોલ નામ લેવાને બદલે ‘સામે ગામ’ એવા શબ્દનો આજેય પણ ઉપયોગ કરે છે.

આવી માન્યતાઓ અને યોગાનુયોગ બનતી ઘટનાઓથી કંઇક અલગ વિચારીએ તો શું કોઇ વ્યક્તિ, પ્રાણી કે સ્થળ આટલું ખરાબ કે અપશુકનીયાળ હોઈ શકે? આ ચોપાઈ ઉપર થોડુ ચિંતન કરવાની આવશ્યકતા છે. શું અહીં વર્ણવ્યું છે તેમ શ્રીહનુમાનજીએ નીચા કુળના, ચંચળ સ્વભાવના, પ્રભુપ્રાપ્તિની રીતિઓ માટે હિન અને સવારમાં તેઓનું નામ લેનારને આખો દિવસ જમવાનું ન મળે તેટલા અપશુકનિયાળ હતા? આટલું ખરાબ કોઇ હોઇ શકે? નહી…. અહીં ચિંતનની, મનનની ખાસ આવશ્યકતા છે. “કહહું કવન…… થી …. ન મિલૈ અહારા” સુધીની ચોપાઇઓમાં વર્ણવેલી બાબતો “કાર્પણ્ય શરણાગતિ”નું લક્ષણ છે. કાર્પણ્ય શરણાગતિ એટલે સંપૂર્ણ સમર્પણની ભાવના. આપણા ભક્તિમાર્ગમાં ભક્ત પોતાને હિન અને નીચામાં નીચો માનવાની અને ભગવાનને સર્વોપરિ – સર્વશક્તિમાન માનવાની પ્રણાલી છે. જેમાં ભગવાનની પરમ કરૂણતા અને કૃપાળુતા દર્શાવવાનો ભાવ છે. તેનાથી ભક્ત નબળો બની જતો નથી. અમૂક મોડર્ન વક્તાઓ તેને વખોળે છે કે પોતાને હલકા ગણી-ગણીને જ આપણું ઝમીર ગુમાવી દીધુ છે. પોતાની જાતને જ હલકી ગણવી અને બ્રહ્મચર્યના નામે શરીરના કુદરતી આવેગો રોકી શરીર ઉપર અત્યાચાર કરવામાં આવે છે. આવું લોકોને સમજાવવામાં આવે છે. આ વાત કોઇ સામાન્ય એકલ-દોકલ લેખ લખનાર કે વક્તવ્ય આપનારની નથી, બેસ્ટસેલર બુકો લખનાર અને બહોળો વાચકવર્ગ ધરાવનારની છે. મારા મતે પહેલા તો બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત જ છે. વિદેહી જનકરાજા સંસારી હતા, આપણા આરાધ્ય દેવો સંસારી જ છે અને શિવલિંગની તો આપણે પૂજા પણ કરીએ છીએ, આમાં બધુ જ બ્રહ્મચર્ય આવી ગયું. વાત રહી પોતાને હિન કે નબળો કહેવાની અને ભગવાનને સર્વશક્તિમાન કહેવાની, તો ભક્ત કેટલો પણ શક્તિશાળી કે પરાક્રમી હોય, પોતાને નબળો અને પ્રભુને સર્વશક્તિમાન કહે, માને કે સ્વીકારે તેમાં કોઇ ઝમીર મરી જતું નથી. રામભક્ત કે રામદૂત કહેવડાવી, પ્રભુના જ ચરણોના અનુરાગી રહીને પણ અને વળી તેનાથી જ શ્રીહનુમાનજીની બુદ્ધિ, બળ, પરાક્રમ, વિવેક વગેરે અતુલ્ય હતા, રહ્યા અને આજે પણ છે જ.

ભક્તિનો માર્ગ જ શરણાગતિનો માર્ગ છે. પ્રભુ સર્વશક્તિમાન અને સર્વોપરિ જ છે. તેને સ્વીકારવા ન સ્વીકારવાનો પ્રશ્ન જ નથી. પ્રભુની સામે આપણે પામર જીવ પોતાને નબળા કે અશક્તિમાન ગણીએ, ભગવાનને દીન ભાવે ભજીએ તો આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ-અહંકાર વગેરે દુર્ગુણો હાવી ન થાય અને આપણે ભક્તિના માર્ગ ઉપર સતત સ્થિર રહી શકીએ. આ કોઇ વ્યક્તિગત શરણાગતિ થોડી છે? કે ઝમીર મરી જાય. અર્જુન એક મહાન યોદ્ધો જ હતો, છતાં યુદ્ધના મેદાનમાં શ્રીકૃષ્ણને સંપૂર્ણ શરણાગત થઇ જાય છે કે હે કાનુડા! મને કંઇ સમજાતુ નથી, તું કહે તેમ કરું. અહીં તે સંપૂર્ણ સમર્પણ ભાવથી પોતાની લગામ ભગવાનના હાથમાં સોંપી દે છે અને આ સમયે શ્રીકૃષ્ણ એક સખા કે ગુરુ તરીકે તેનું માર્ગદર્શન કરે છે. આ માર્ગદર્શન રૂપી ગીતાજી આજે ધર્મના સીમાડાઓથી પર માનવજાત માટેના એક ઉત્તમોત્તમ ગ્રંથ સ્વરૂપે આપણી સમક્ષ છે. આમા અર્જુનનું કયું ઝમીર મરી પરવાર્યું હતું? પ્રભુમાં સંપૂર્ણ શરણાગતિ જ જીવનો એકમાત્ર આધાર છે.  બાકી શ્રીહનુમાનજી તો નિત્ય પ્રાત:સ્મરણીય છે.

अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्चविभीषणः। कृपःपरशुरामश्च सप्तैते चिरंजीविनः॥

सप्तैतान्संस्मरेन्नित्यं मार्कण्डेय मथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधि विवर्जित।।

મિત્રો, આજે રામનવમીનો પરમ પવિત્ર દિવસ છે. આદર્શ પુત્ર, આદર્શ બંધુ, આદર્શ પતિ, આદર્શ રાજા વગેરે જેવા અનેક માનવીય સંબંધોની આદર્શ આચાર સંહિતા પ્રસ્થાપિત કરનાર મર્યાદા પુરુષોત્તમ, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ, સચ્ચિદાનંદ, આનંદકંદ, પરબ્રહ્મનું સુંદર સાકાર સ્વરૂપ પ્રભુ શ્રીરામનો આજે પ્રાગટ્‌ય દિવસ છે. પ્રભુ શ્રીરામનું નામ જ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે, “રામ નામ કલિકલ્પતરુ સકલ સુમંગલ કંદ, સુમિરત કરતલ સિદ્ધિ સબ પગ પગ પરમાનંદ”. તેનું સ્મરણ કરતાં જ સર્વ સિદ્ધિઓ સુલભ થઈ જાય છે અને ડગલેને પગલે પરમાનંદની અનુભૂતિ થાય છે. આવા પરમ કૃપાળુ, દીનદયાળુ, કરુણાનિધાન રાઘવેન્દ્ર સરકારના જન્મદિવસના પાવનપર્વથી ગયા વર્ષે આ જ દિવસે વિઘ્નહર્તા ગજાનન મહારાજની સ્તુતિ, વિદ્યાની દેવી માતા સરસ્વતીજીની પ્રાર્થના, પરમકૃપાળુ દીનદયાળુ કરૂણાનિધાન પ્રભુ શ્રીરામના આશ્રિત થઈ, રામદૂત શ્રીહનુમાનજીને વંદન કરીને તથા પરમ પૂજ્ય ગુરુદેવના હૃદયથી આશીર્વાદ મેળવી શ્રીસુંદરકાંડની આ સુંદર કથાનો પ્રારંભ કર્યો હતો. પ્રભુ શ્રીરામનું ચરિત અને શ્રીસુંદરકાંડની આ કથા તો અનંત છે, “હરિ અનંત, હરિ કથા અનંતા”. તેના વિશે કંઇપણ લખવું એ મારી ક્ષમતા બહારની વાત છે.

કબિ ન હોઉઁ નહિ ચતુર કહાવઉઁમતિ અનુરૂપ રામ ગુન ગાવઉઁ।।

કહઁ રઘુપતિ કે ચરિત અપારા। કહઁ મતિ મોરિ નિરત સંસારા॥

હું જે કંઇપણ લખી રહ્યો છું, જે ભાવો વ્યક્ત કરી રહ્યો છું, તે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની જ અસીમ કૃપાનો પ્રતાપ છે. અહીં હું પણ ગુરુદેવને કાર્પણ્ય શરણાગતિ ભાવથી સંપૂર્ણ સમર્પિત છું. તેઓની અસીમ કૃપા માત્રથી જ હું કાલીઘેલી ભાષામાં પ્રભુની વાતો કરી રહ્યો છું, તેની કથા લખી રહ્યો છું. મારી કોઇ અંગત ક્ષમતા નથી કે શ્રીસુંદરકાંડ વિશે કંઇપણ લખી શકુ. આધ્યાત્મની દુનિયામાં હું રજ સમાન છું. આ લેખમાળાના કોઇપણ મણકામાં કોઇપણ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને પ્રતિભાવો મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

હું તો સંસારમાં આસક્ત પામર મનુષ્ય છું, છતાં પોતાની બુદ્ધિ અનુસાર કંઇક પ્રભુકાર્ય કરી રહ્યો છું. શ્રીહનુમાનજીના ચરિત્ર અને ચરિતની વાતો માટે તો અનેક જન્મો પણ ઓછા પડે. અહીં હું જે કંઈ કથા લખી રહ્યો છું, તે ‘કથા કરું મતિ અનુસાર’ છે. સતત એક વર્ષથી ચાલતા આ શ્રીસુંદરકાંડરૂપી સુંદર યજ્ઞમાં આપ સહુનું યોગદાન પણ અમૂલ્ય છે. આપના પ્રતિભાવો અને પ્રોત્સાહનરૂપી આહુતિઓ જ આ યજ્ઞની અત્યાર સુધીની સફળ યાત્રાનું પ્રેરકબળ છે. આપના આશીર્વાદ, આપની શુભેચ્છાઓ સતત વરસાવતા રહેજો, જેથી શ્રીસુંદરકાંડની આ સુંદર લેખમાળામાં એક પછી સુંદર-સુંદર મણકાઓ ઉમેરાતા રહે અને આપણે સહુ સાથે મળી તેને માણતા રહીએ. આ લેખમાળાના છેલ્લા એક વર્ષથી સતત પ્રસિદ્ધ થતા લેખો પાછળ પ્રભુકૃપા અને ગુરુકૃપા ઉપરાંત મારા સ્નેહી અને સ્વજનોનું પણ અમૂલ્ય યોગદાન છે, આ તમામને હૃદયપૂર્વક વંદન કરું છું.

રામનવમીના પાવન પર્વ નિમિતે પ્રભુ શ્રીરામના જન્મની કથા અને સ્તુતિ “ભયે પ્રગટ કૃપાલા” વિશે વાંચવા માટે અહીં è  “રામાયણ – શ્રીરામ જન્મ” ક્લિક કરવા વિનંતી છે.

ફરીથી પ્રભુ શ્રીરામના પ્રાગટ્‌યોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “એકલા ચોલો રે….”, ભાગ – ૫૦ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/)માં વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તેના પરિપ્રેક્ષ્યમાં એક સત્ય ઘટના, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે અને વિભીષણજી પોતાને કર્મ, જ્ઞાન અને ઉપાસના ત્રણેયથી રહિત જણાવે છે, ત્યાંસુધીની કથા જોઇ હતી. જ્યારે સાચા સંત મળેને એટલે જીવનના ઘણાય પ્રશ્નોના જવાબ તો આપમેળે જ મળી જતા હોય છે. બીજું કંઇ ન થઈ શકે તો કંઇ નહી, પ્રભુ ઉપર દ્રઢ શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. આવી જ દ્રઢ શ્રદ્ધા સાથે વિભીષણજી આગળ જે કહે ત્યાંથી  આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

અબ મોહિ ભા ભરોસ હનુમંતા  બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા

હે હનુમાનજી! હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે શ્રીરામચંદ્રજીની મારા ઉપર ચોક્કસ કૃપા છે; કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી.

અબ મોહિ ભા ભરોસ હનુમંતા ।  બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા ॥ શ્રીરામચરિતમાનસ અને ખાસ કરીને શ્રીસુંદરકાંડની મારી સૌથી વધુ પ્રિય ચોપાઇઓ પૈકીની આ એક ચોપાઇ છે. વિભીષણજીમાં પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરવાના અન્ય કોઇ ગુણ હોય કે ન હોય, પરંતુ તેઓને સાચા સંતનો સમાગમ થઇ ગયો, શ્રીહનુમાનજી જ તેઓ માટે પ્રભુપ્રાપ્તિનું દ્વાર હતા. આગળની ચોપાઈ “તામસ તનુ કછુ સાધન નાહીં પ્રીતિ ન પદ સરોજ મન માહીં ।।”માં દર્શાવ્યા મુજબ ગુણ રહિતતાને લીધે તેઓને વિશ્વાસ ન હતો કે તેઓને ભગવાન મળશે કે કેમ? પરંતુ હવે અહીં પાકો વિશ્વાસ જતાવી દીધો, “અબ મોહિ ભા ભરોસ હનુમંતા” કે ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થશે જ કારણ કે, “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા”.

અહીં એક પ્રશ્ન એવો ઉદ્‌ભવે કે આ લેખમાળાના ૩૫માં મણકામાં એવું લખ્યું છે કે, “પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા” પુણ્યનો ઉદય થયા વગર સંત મળતા નથી, તેનો સંગ થતો નથી, તેની કૃપા થતી નથી. અહીં લખ્યું છે કે, “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા” અર્થાત હરિની કૃપા વગર સંત મળતા નથી. ગોસ્વામીજીએ એક વખત એવું કહ્યુ કે પુણ્યનો ઉદય થયા વગર સંત મળતા નથી અને બીજી વખત એવું કહ્યુ કે હરિકૃપા વગર સંત મળતા નથી. બાબાજી શબ્દોની પસંદગી, વિચારોની સ્પષ્ટતા અને કથામાં વાતોની એકસુત્રતામાં પ્રવિણ છે, તો પછી આવા અલગ-અલગ કથન કેમ? એક જગ્યાએ એવો મત વાંચવામાં આવ્યો કે બન્ને એક જ વાત છે. હરિકૃપા થાય તો જ પુણ્યનો ઉદય થાય અને તો જ સંત મળે અથવા તો સંત મળે એટલે પુણ્યનો ઉદય થાય અને તો જ હરિકૃપા થાય.

આ વાતને જેમ સમજવી હોય તેમ સમજાય, પરંતુ મારા મતે આ બન્ને ચોપાઈઓમાં કહેવામાં આવેલી વાતો વચ્ચે એક નાનકડી ભેદ રેખા છે. જ્યારે પુણ્યનો ઉદય થાય અને શોધવા જાવ તો સંત મળે, પરંતુ હરિકૃપા થાય કે હોયને તો સંત સામેથી મળે. વિભીષણજીની સાથે શ્રીહનુમાનજી સામેથી પરિચય કરવાનું વિચારતા હતા અને તેઓની ઘરે જેમ સામેથી ગયા હતા, તેમ પ્રભુકૃપા હોય તો સંત સામેથી આપણી ઘરે પધારે અથવા તો સામેથી જ મળી જાય. ભાગ્ય ઉઘડે તો આપણે ઘરેથી બહાર નિકળીએ, સત્‌સંગમાં જઈએ, કથાવાર્તા-ભાગવત સાંભળવા જઈએ, મંદિરે દર્શન કરવા જઈ શકીએ અર્થાત જીવ સંતને કે ભગવાનને શોધવા જઈ શકે તેવા સંજોગો ઊભા થાય. જ્યારે પ્રભુકૃપા થાય તો બહાર નિકળવાના, સંતને મળવાના કે તેનું સાનિંધ્ય પ્રાપ્ત કરવાના સંજોગો આપોઆપ ઊભા થઇ જાય, સત્‌સંગ અનાયાસે જ થઈ જાય. હે પરમપુજ્ય સદ્‌ગુરુ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજ! અમે તો પામર જીવ છીએ, અમને કંઇ ખબર નથી, આ અમારા પુણ્યનો ઉદય થયો છે કે હરિકૃપા. અમને તો બસ આપનો અનુગ્રહ, આપની અનુકંપા, આપના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, તે જ અમારું સર્વસ્વ છે. અમે તો બસ દીનભાવે, શરણાગતભાવે આપના શરણોમાં છીએ. આપ જ અમારી ઉપર અસીમ કૃપા રાખજો. અમારું ધ્યાન અને ધ્યેય પ્રભુ તરફથી ક્યાંય ભટકે નહી, તેવી કૃપા કરજો. જય ગુરુદેવ…. આગળ ગોસ્વામીજીએ લખ્યુ છે –

જૌં રઘુબીર અનુગ્રહ કીન્હા તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા

જ્યારે શ્રીરઘુવીરે કૃપા કરી છે, ત્યારે જ તમે મને સામેથી દર્શન આપ્યા છે.

જૌં રઘુબીર અનુગ્રહ કીન્હા” અર્થાત જ્યારે રઘુકુળના વીર શ્રીરામચંદ્રજીએ કૃપા કરી. અગાઉ “બાર બાર રઘુબીર સઁભારી । તરકેઉ પવન તનય બલ ભારી ॥” ચોપાઇ સમજતી વખતે આ લેખમાળાના ૧૭મા મણકામાં જોયું હતુ કે ‘રઘુબીર’ નામનું સ્મરણ કરવાથી વીરતા સુનિશ્ચિત થાય છે. આજે ભગવાનના ‘રઘુબીર’ સંબોધન વિશે થોડું વિગતે જોઇએ. પ્રભુના ‘રઘુબીર’ નામમાં પાંચ પ્રકારની વીરતાનો સમાવેશ થાય છે.

ત્યાગવીરો દયાવીરો વિદ્યાવીરો વિચક્ષણ: પરાક્રમમહાવીરો ધર્મવીર: સદા સ્વત:

પંચવીરા: સમાખ્યાતા રામ એવ ચ પંચધી રઘુવીર ઇતિ ખ્યાત: સર્વવીરોપલક્ષણ:

પહેલી વીરતા છે, ત્યાગવીર. સવારે જેમનો રાજયાભિષેક થવાનો હોય, તે વ્યક્તિ આગલી રાત્રે માતાએ – એ પણ જન્મદાત્રી માતા નહી એવી – પિતા પાસે માંગેલા બે વચનોને પિતાશ્રીની આજ્ઞા માની, અયોધ્યાનું રાજ્ય છોડી, વનવાસી થઇ જાય, તેને જ સાચો ત્યાગવીર ગણી શકાય. બીજી વીરતા છે, દયાવીર. ભગવાન શ્રીરામ કેટલા દયાળું છે? કેવા દીનબંધુ છે? તેની અસંખ્ય કથાઓ છે. અહીં અહલ્યાના ઉદ્ધારને યાદ કરીને આગળ વધીએ. ત્રીજી વીરતા છે, વિદ્યાવીર. જેમનું નામ લખવા માત્રથી પથ્થર સમુદ્રમાં તરવા લાગે, તે એક વિદ્યા જ છે. આવી તો અસંખ્ય વિદ્યાઓ શ્રીરામ ધરાવતા હતા. ચોથી વીરતા છે, પરાક્રમવીર. પૃથ્વિ પરનો એક પણ રાજા શીવધનુષને ઉઠાવવું તો ઠિક, તસુભાર હલાવી પણ ન શક્યો. આ સમયે જનકજી ઉંડા આધાતમાં હતા, ત્યારે શીવધનુષને ઉઠાવી, પ્રત્યંચા ચઢાવવાનું અને પ્રત્યંચા ચઢાવવા જતા તેનો ભંગ કરવાનું પરાક્રમ પ્રભુ શ્રીરામમાં જ હતું. પાંચમી વીરતા છે, ધર્મવીર. પ્રભુ શ્રીરામે દરેક જગ્યાએ ધર્મને પાળ્યો છે, ધર્મનો આદર કર્યો છે કે ધર્મને પ્રસ્થાપિત કર્યો છે. વિભીષણજી હોય કે સમુદ્ર, શરણે આવનારને શરણાગતિ આપવી, તે ધર્મવીરતાનું જ સૂચક છે. આ પાંચેય પ્રકારની વીરતા કોઇ એકમાં જ હોય, તેવા પ્રભુ શ્રીરામ એકમાત્ર છે.

તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા” અર્થાત ત્યારે જ તમે મને સામેથી દર્શન આપ્યા છે. આગળ શ્રીહનુમાનજીએ જ વિચાર્યું હતું કે, “એહિ સન હઠિ કરિહઉઁ પહિચાની” એટલે કે આમની સાથે સામેથી જ પરિચય કરીશ. શ્રીહનુમાનજીનાઆ વિચારનું અનુસંધાન અહીં મળે છે. “કરિ પ્રનામ પૂઁછી કુસલાઈ” થી “તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા” સુધીની ચોપાઇઓમાં વિભીષણજી જ બધુ બોલે છે. પહેલા શ્રીહનુમાનજીને કુશળતા પુછે છે, ત્યારબાદ પોતાના ઉપર પ્રભુ શ્રીરામ કૃપા કરશે કે કેમ? તે પણ તેઓ જ પુછે છે અને પોતાના ઉપર પ્રભુકૃપા થશે જ તેવો ભરોસો પણ પોતે જ જતાવે છે. હવે શ્રીહનુમાનજી કહે છે –

સુનહુ બિભીષન પ્રભુ કૈ રીતી । કરહિં સદા સેવક પર પ્રીતી

હે વિભીષણજી ! સાંભળો પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ વરસાવ્યે રાખે છે.

સુનહુ બિભીષન” અર્થાત હે વિભીષણજી ! સાંભળો. અહીં શ્રીહનુમાનજી શું સાંભળવાનું કહે છે? તો “પ્રભુ કૈ રીતી” એટલે કે પ્રભુની રીત, પ્રભુનો સ્વભાવ, પ્રભુની કરની. પ્રભુ શ્રીરામનો સ્વભાવ કેવો છે? “કરહિં સદા સેવક પર પ્રીતી” અર્થાત કોઇ જ ભેદભાવ વગર તમામ જીવો ઉપર અવિરત પ્રેમ જ વરસાવવો. સેવક ઉપર કોઇપણ કારણ વગર અથવા થોડી સેવાથી પણ ખુશ થઈને અસીમ કૃપા કરવી, “કહહુ કવન પ્રભુ કૈ અસિ રીતી। સેવક પર મમતા અરુ પ્રીતી।।”. પ્રભુ પોતાના તમામ સેવકોને એકસમાન પ્રેમ કરે છે. અહીં શ્રીહનુમાનજી પ્રભુના વિલક્ષણ સ્વભાવનું વર્ણન કરે છે, કારણ કે તેઓ જ “જાનત પ્રીતિ-રીતિ રઘુરાઈ”. પ્રભુનો સ્વભાવ અને તેઓની ભક્તો પ્રત્યેની પ્રીતિને શ્રીહનુમાનજી જ સાચી રીતે જાણે છે.

આ પ્રસંગે મને એક સરસ વાત યાદ આવી ગઈ. મારા સૌથી નાના મામા, સંત સ્વરૂપ રાજુમામા, એવું કહેતા કે, “ઉદય ! હંમેશા કોઇપણ નાનું-મોટું સારુ કામ કરતુ રહેવું. ભગવાનને આપણી ઉપર કૃપા કરવા માટે બસ બહાનું જોઇએ. ભલેને કોઇ નાનું અમથું સારુ કામ કર્યું હોય અથવા તો કોઇ માટે ફક્ત સારો વિચાર જ કેમ ન કર્યો હોય. દિલથી કોઇના માટે ફક્ત શુભ વિચારવાથી પણ પ્રભુની અસીમ કૃપા રહે છે, Just give reason to the God (બસ, ફક્ત ભગવાનને કૃપા કરવાનું કારણ આપો).” પ્રભુ શ્રીરામ અતિશય માયાળું છે, દીનદયાળું છે, તેઓની આવી જ રીતી છે કે તેઓ સદાય સેવક ઉપર પ્રીતિ રાખે છે.

પ્રભુને કૃપા કરવાનું હંમેશા કારણ આપતા રહેવાના શુભ સંકલ્પ સાથે આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||