Home Blog Page 17

પબ્લિક ગ્રિવન્સ પોર્ટલ – PG Portal

પી. જી. પોર્ટલ – https://www.youtube.com/watch?v=39IDREhHrTc

કોઇપણ દેશની સરકારનો મુખ્ય આશય તેની પ્રજાને સારામાં સારી જાહેર સેવા પુરી પાડવાનો હોય છે અને દરેક સરકાર માટે સૌથી મોટો પડકાર પણ એ જ હોય છે. જ્યારે જાહેર (રાજ્ય વ્યવસ્થા) તંત્ર આપેલ વચન મુજબ કે નિયત કરેલા ધોરણો મુજબ સેવા પુરી પાડી શકે નહીં ત્યારે ફરિયાદને અવકાશ રહે છે. જાહેર સેવાને લગતી ફરિયાદોનો સમયસર અને યોગ્ય નિકાલ એ જાહેર તંત્રની પ્રાથમિક્તા રહેવી જોઇએ. ભારત સરકાર દ્વારા પણ નાગરિકોને જાહેર સેવા બાબતે કોઇ ફરિયાદ હોય કે તેના અધિકારોનું માન ન જળવાતું હોય તો તેને લગતી ફરિયાદ કરવા એક વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવેલું છે. સરકારના વિવિધ ખાતા, વિભાગો અને અન્ય સરકારી સંગઠનોની કામગીરી સંદર્ભે ઉદ્‌ભવતી ફરિયાદોના નિવારણ માટે વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગને મુખ્ય સંકલન એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. વર્ષ – ૧૯૬૧ના કામગીરી વહેંચણીના નિયમો એટલે કે, Allocation of Business Rule અન્વયે જાહેર ફરિયાદના નિવારણ ક્ષેત્રમાં વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગનું મુખ્ય કાર્ય સામાન્ય જાહેર ફરિયાદ નિવારણ અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સંબંધિત ફરિયાદો સંદર્ભમાં નીતિ વિષયક બાબતો અને સંકલનની કામગીરીનું છે. વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ હેઠળનું જાહેર ફરિયાદ ડિવિઝન નીચે મુજબની મુખ્ય જવાબદારીઓ સુપેરે નિભાવે  છે.

જાહેર ફરિયાદોના નિવારણ માટે નીતિ વિષયક માર્ગદર્શિકા બહાર પાડવી

કર્મચારી ગણની ફરિયાદોના નિવારણ માટે નીતિ વિષયક માર્ગદર્શિકા બહાર પાડવી

માહિતી અને સુવિધા કેન્દ્રો સ્થાપી નાગરિક અધિકારપત્રને વધુ અસરકારક બનાવવા સેવા વિતરણ સુધારણા ઉપર ભાર મૂકવો.

મળેલ ફરિયાદોની વિગતોનો ઉપયોગ કરી પાયારૂપ સુધારા હાથ ધરવા         

ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય તે માટે એક કેન્દ્રિય જાહેર ફરિયાદ નિવારણ અને મોનીટરીંગ સીસ્ટમ વિકસાવવામાં આવેલ છે જે પી. જી. પોર્ટલ (Public Grievance Portal)ના નામથી વ્યાપક રૂપે જાણીતી છે અને તા. ૧લી જુન, ૨૦૦૭થી કાર્યરત છે. પી. જી. પોર્ટલ એન.આઈ.સી. દ્વારા વિકસિત એનઆઈસીનેટ ઉપર પ્રસ્થાપિત ઓનલાઇન વેબ-એનેબલ્ડ સીસ્ટમ છે. પી. જી. પોર્ટલની વેબસાઇટનું એડ્રેસ https://pgportal.gov.in છે. આ પોર્ટલની મોબાઇલ ઍપ્લિકેશન MyGrievance પણ વિકસાવવામાં આવેલ છે જે https://pgportal.gov.in/Home/MobileApp લિંક અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી સીધી ડાઉનલોડ કરી શકાય છે.

પી. જી. પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી કોઇપણ ફરિયાદ સરળતાથી અને કેન્દ્રિયકૃત પ્લેટફોર્મ ઉપર નોંધાવી શકે તથા નોંધાયેલી ફરિયાદોનું યોગ્ય મોનીટરીંગ થાય અને નિવારણ સમયમર્યાદામાં થાય તેવો છે. વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DAR&PG) (http://pgportal.gov.in), રાષ્ટ્રપતિ ભવન સેક્રેટરીએટની પબ્લિક વિંગ (http://helpline.rb.nic.in), વડાપ્રધાન કચેરી (PMO)ની પબ્લિક વિંગ, કેબીનેટ સેક્રેટરીએટનું ડાયરેક્ટર ઓફ પબ્લિક ગ્રિવન્સ (DPG) (http://dpg.gov.in) તથા પેન્શન અને પેન્શન સુધારણા વિભાગ (DP&PW) (http://pgportal.gov.in/pension/) વગેરે પી. જી. પોર્ટલ પર ફરિયાદો સ્વીકારવા માટે નોડલ એજન્સીઓ છે. આ બધી જ નોડલ એજન્સીઓને પી. જી. પોર્ટલ મારફતે ફરિયાદો મળે છે અને આવી મળેલી ફરિયાદોના નિયમાનુસાર નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે છે. વધુમાં, પી. જી. પોર્ટલ પર નાગરિકો ફરિયાદ નિવારણ થયા બાદ પોતાના પ્રતિભાવ પણ આપી શકે છે. પી. જી. પોર્ટલમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે.   

ફરિયાદી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે.

નોંધાયેલી ફરિયાદોની અદ્યતન સ્થિતિ જોઇ શકે છે.

ફરિયાદ ખૂલી હોય ત્યારે અધવચ્ચે વિગતો ઉમેરી શકે છે અને ફરિયાદ નિવારણ થયા બાદ પોતાના પ્રતિભાવ આપી શકે છે.

સરકારના તમામ ખાતાઓ, વિભાગો, રાજ્યો વગેરે માટે ફરિયાદોના રીયલ ટાઇમ સઘન નિરીક્ષણની વ્યવસ્થા છે.

ફરિયાદોના ખાતા, વિષય, વિભાગ, રાજ્ય વગેરે વાર વિશ્લેષણની સુવિધા છે.

સરકારી ખાતું/કચેરી વચગાળાનો જવાબ પાઠવી શકે છે.

પી. જી. પોર્ટલ ઉપર રાષ્ટ્રના સાર્વભૌમત્વને લગતી બાબતો, અન્ય દેશો સાથે સંબંધોને લગતી બાબતો, માહિતી અધિકાર હેઠળની બાબતો, પેટા ન્યાયિક બાબતો, વ્યક્તિની અંગત અને કૌટુંબિક બાબતો અને સૂચનો પ્રકારની ફરિયાદો બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.      

પી. જી. પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોનું સામાન્ય રીતે ૬૦ દિવસમાં નિવારણ લાવવાનું હોય છે. જો સમયમર્યાદામાં નિવારણ થઇ શકે તેમ ના હોય, તો અરજદારને કારણોની વિગત સહ વચગાળાનો જવાબ કરવાનો હોય છે. આ ૬૦ દિવસની મર્યાદા ફરજિયાત નથી. જો ફરિયાદનું નિવારણ નિયત સમયમર્યાદામાં ના થાય તો સબંધિત અધિકારી સામે પગલાં લેવાની કોઇ જોગવાઈ નથી પરંતુ કોઇ અધિકારી પોતાની ફરજ પ્રત્યે ઉપેક્ષા કરતા જણાય કે કર્તવ્યચ્યુતિ જણાય તો સબંધિત ખાતા કે વિભાગની જવાબદારી છે કે આવા કર્મચારી/અધિકારીઓ સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરે.

આમ, પી. જી. પોર્ટલ નાગરિકોને દેશના કોઇપણ ખાતા, વિભાગ, દેશ કે કેન્દ્રશાસિત પ્રદેશની સામે કોઇપણ ફરિયાદ હોય તો તે નોંધાવવાનું અને તેનું નિરાકરણ લાવવા માટેનું એક ખૂબ જ સારુ માધ્યમ છે. પી. જી. પોર્ટલની બહોળી પ્રસિધ્ધિ અને જાહેર જનતામાં તેનો વધુમાં વધુ પ્રચાર થાય તથા નાગરિકો આ સુવિધાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા થાય, તે માટે વર્ષ – ૨૦૧૫માં ડીડી-ગિરનાર ચેનલ ઉપર ડીજીટલ ઇન્ડિયા શૃંખલાના ભાગરૂપે પી. જી. પોર્ટલ વિષય ઉપર એક પ્રોગ્રામ રજુ થયેલ હતો. આ પ્રોગ્રામમાં વિષય નિષ્ણાત તરીકે ડૉ. નીતાબેન શાહ, પૂર્વ નિયામક (ઇ – ગવર્નન્સ), ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લીમીટેડ (GIL)ની સાથે મને પણ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ પ્રોગ્રામની લિંક https://www.youtube.com/watch?v=39IDREhHrTc છે.

વ્હાલા વાચક મિત્રો, નમ્ર નિવેદન છે કે, આ પોર્ટલ વિશે જાહેર જનતામાં જાગૃતિ વધે, તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે હેતુથી આ લેખને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની નૈતિક જવાબદારી અદા કરજો અને લેખ વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું અને ડીડી-ગિરનાર પર પ્રસિધ્ધ થયેલ મારા આ પ્રોગ્રામને https://www.youtube.com/watch?v=39IDREhHrTc લિંક ઉપર ક્લિક કરી જોવાનું ચૂકશો નહીં.

આભાર…

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ભારત – ૧ (Ease of Doing Business & India – 1)

1

નમસ્કાર વાચક મિત્રો,

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિષય પરના અગાઉના લેખમાં આપણે જોયું કે, વિશ્વ બેંક દ્વારા તેના ૧૯૦ સભ્ય દેશોના અર્થતંત્રને સુદ્રઢ તથા વિકસિત બનાવવાના આશય સાથે ‘ડુઇંગ બિઝનેસ’ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ સભ્ય દેશોના અર્થતંત્રમાં નવો ધંધો શરૂ કરવા અને તે ચલાવવા નિયમનકારી વાતાવરણ એટલે કે, જે-તે દેશના કાયદા અને નિયમોની જોગવાઇઓનો અભ્યાસ કરવામાં આવે છે, તેને સમજવામાં આવે છે અને દરેક સભ્ય દેશનું અર્થતંત્ર વિશ્વ કક્ષાનું બને અને તેનો વધુમાં વધુ વિકાસ થાય તેવા હેતુ સાથે જરૂરી સૂચનો કરવામાં આવે છે. ત્યારબાદ આ સૂચનો અને સુધારાઓની અમલવારીનું સર્વેક્ષણ પણ કરવામાં આવે છે. સભ્ય દેશોના અર્થતંત્રમાં એવા સુધારાઓ સુચવવામાં અને તેનું અમલીકરણ કરવા આગ્રહ રાખવામાં આવે છે, જેથી તેઓના દેશમાં નવા ધંધા-વ્યવસાય શરૂ કરવા સરળ બને, તેને ચલાવવામાં અનુકૂળતા રહે, વધુ ધંધા-વ્યવસાય શરૂ થતા વધુ રોજગારીની તકો ઉભી થાય, જેના પરિણામ સ્વરૂપ નાગરિકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને આમ, દેશનો સર્વગ્રાહી અને સાતત્ય પૂર્ણ વિકાસ થાય.

વિશ્વ બેંક દ્વારા આ પ્રોજેક્ટ વર્ષ – ૨૦૦૨માં અમલમાં મૂકવામાં આવેલ હતો. વિશ્વ બેંક વિવિધ સભ્ય દેશોના પૂર્વનિર્ધારીત શહેરો(ભારતમાં દિલ્હી અને મુંબઈ)માં સુચવેલા માપદંડો આધારિત અભ્યાસ કરે છે અને તે મુજબ ૧૯૦ દેશોને ક્રમ આપવામાં આવે છે. પ્રથમ ડુઇંગ બિઝનેસ અહેવાલ, વર્ષ – ૨૦૦૩માં ૫ (પાંચ) સૂચક આંકો આધારિત ૧૩૩ દેશોના અભ્યાસ આધારે જાહેર કરવામાં આવેલ હતો. જ્યારે વર્ષ – ૨૦૧૯ના અહેવાલમાં ૧૧ (અગિયાર) સૂચક આંકો અને તેના આધારિત ૧૯૦ દેશોનો અભ્યાસ કરી તેના અવલોકનો અને દેશોના ક્રમ સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે.

ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાનના સંકલન, દેખરેખ, નિરીક્ષણ અને નિયંત્રણ માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ (Department for Promotion of Industry and Internal Trade – DPIIT) દ્વારા આગેવાની લેવામાં આવેલ છે. ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાનને સફળ બનાવવા નીચે મુજબના મુખ્ય પગલાઓ લેવામાં આવેલ છે.

૧. વિશ્વ બેંકની નિષ્ણાત ટીમના સહયોગથી વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપ્રણાલી પર આધારિત વ્યાપાર સુધારણા કાર્ય યોજનાતૈયાર કરી અમલમાં મૂકવામાં આવી છે.

૨. વ્યાપાર સુધારણા કાર્ય યોજનાની સરળ અમલવારી માટે વિવિધ નોડલ વિભાગોની નિયુક્તિ અને ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે.

૩. અર્થતંત્રમાં સુધારાઓના અમલીકરણ માટે વિવિધ વિભાગોને પ્રોત્સાહિત કરવા તથા તેઓની સાથે સંકલનની કામગીરી.

૪. ઉપભોક્તાઓ અને અન્ય પક્ષકારોની જાગરૂકતા માટે સુધારાઓની માહિતીની બહોળી પ્રસિદ્ધિને લગતી કામગીરી.

૫. સુધારાઓના અમલીકરણ દરમ્યાન રહી ગયેલ ત્રૂટીઓ જાણવી અને તેને દૂર કરવા નિયમિત પ્રતિભાવો મેળવવા.

૬. અમલમાં મૂકવામાં આવેલા સુધારાઓની નિયમિત સમીક્ષા કરવી અને તેના અમલીકરણમાં આવતા અવરોધો દૂર કરવા.

૭. દેશના તમામ રાજ્યોમાં વ્યાપાર સુધારણા કાર્ય યોજનાની અમલવારીનુંસંકલન, દેખરેખ અને તેના ઉપર નિયંત્રણની કામગીરી.

૮. સુધારાઓ સમજવા અને તેના સુચારૂ અને સુદ્રઢ અમલીકરણ માટે વિશ્વ બેંકની ડુઇંગ બિઝનેસ ટીમની સમયાંતરે મુલાકાત કરવી અને તેની સાથે અસરકારક સંવાદ સાધવો.

ઉક્ત પરિવર્તનશીલ પગલાઓની ફલશ્રુતિ રૂપે વિવિધ ક્ષેત્રોમાં ઘણા સુધારાઓ અમલમાં આવેલ છે. ૧) વૈધાનિક અને નિયમનકારી સુધારાઓ જેવા કે, માલ અને સેવા કરની અમલવારી, ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી (નાદારી) કોડ, વાણિજ્યિક અદાલત અધિનિયમ વગેરેની અમલવારી, એકીકૃત ઇમારત પેટા નિયમોનું અમલીકરણ, લવાદી અને સમાધાન અધિનિયમ તથા કંપની કાયદામાં સુધારા વગેરે. ૨) સરકારી પ્રક્રિયા પુન: નિર્માણ(Government Process Reengineering)ને લગતી બાબતો જેવી કે, બાંધકામની મંજુરી માટે કોમન એપ્લિકેશન ફોર્મ, બાંધકામ મંજુરી મેળવવા માટે સંયુક્ત નિરીક્ષણ, ધંધો શરૂ કરવા તથા બાંધકામ મંજુરી મેળવવા માટે માની લેવામાં આવેલ (ડીમ્ડ) મંજુરીની પ્રથાની અમલવારી, ઝડપી કસ્ટમ મંજૂરી માટે સીધા બંદરની અંદર આવવાની મંજૂરી, નવી કંપની સ્થાપવાની વિવિધ પાંચ સેવાઓ માટે એક જ ફોર્મ – Simplified Proforma for Incorporating Company (SPICe). ૩) ઉદ્યોગસાહસિકોમાં વિશ્વસનીયતા દર્શાવતા અગત્યના પગલાઓ જેવા કે, વિદેશ વેપાર અને બાંધકામની મંજુરી માટે જોખમ આધારિત રૂપરેખા અને મંજુરીની અમલવારી, સ્વ-પ્રમાણપત્ર અને ત્રાહિત પક્ષકારના પ્રમાણપત્રોને માન્યતા, ઇ-બાહેંધરીને બદલે નોટરાઇઝ્ડ સોગંદનામાની અમલવારી. ૪) વિવિધ મંજૂરીઓ ફી મુક્ત કરવામાં આવેલ છે અથવા ફીમાં ઘટાડો કરવામાં આવેલ છે જેમ કે, શોપ અને એસ્ટાબ્લીસમેન્ટ કાયદા હેઠળ નોંધણી માટે કોઇ ફી નહીં, બાંધકામની મંજુરી માટેની ફીમાં ઘટાડો, વીજળી કનેકશન મેળવવા માટેની ફીમાં ઘટાડો વગેરે.

આમ, દેશના અર્થતંત્રને ખરા અર્થમાં વેગવંતુ બનાવવા, માળખાકીય સુધારાઓ લાવવા, વિવિધ દેશોની શ્રેષ્ઠ કાર્યપ્રણાલીઓ અમલમાં મુકી વિશ્વ કક્ષાનું બનાવવા અને સાતત્ય પૂર્ણ વિકાસ હાંસલ કરવા માટે મૂળભૂત પરિવર્તનશીલ પગલાઓ ભરવામાં આવ્યા. આ સુધારાઓની અમલવારી કરવા બધા રાજ્યો વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરી પ્રોત્સાહિત કરવામાં આવી રહેલા છે કે જેથી સમગ્ર દેશના તમામ રાજ્યોનો એકસરખો અને એકસાથે વિકાસ થાય. વિશ્વના ૧૯૦ દેશો પૈકી ભારતના છેલ્લા એક દશકાના ક્રમ નીચે મુજબ છે:

વર્ષ – ૨૦૧૯માં રજુ થયેલ ૧૬મા અહેવાલમાં ભારતના ક્રમમાં ગત વર્ષની સરખામણીએ ૨૩ અંકોના સુધારા સાથે ૭૭મો ક્રમ છે જે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક છે.

વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ ૧૬મા અહેવાલમાં વિશ્વના ૧૯૦ દેશો દ્વારા તા. ૨જી જુન, ૨૦૧૭ થી ૧લી મે, ૨૦૧૮ દરમ્યાન લેવામાં આવેલા સુધારાત્મક પગલાઓનો અભ્યાસ કરવામાં આવેલ છે, જેમાં સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશોમાં ભારતનું નામ સામેલ છે અને ભારતનો ૧૦ પૈકી ૬ સૂચક આંકોના ક્રમમાં સુધારો થયેલ છે.

ભારત વિશ્વભરના દેશોમાં સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદીમાં સતત બીજા વર્ષે પણ સ્થાન પામ્યું છે.

દક્ષિણ એશિયાઇ અને બ્રિક્સ (બ્રાઝિલ સંઘીય ગણરાજ્ય, રશિયન સંઘ, પ્રજાસત્તાક ભારત, લોકોનું પ્રજાસત્તાક ચીન અને દક્ષિણ આફ્રિકા ગણરાજ્ય) દેશોમાં સૌથી વધુ સુધારા અમલમાં મૂકતાં દેશોમાં પ્રથમ સ્થાન મળેલ છે.

વર્ષ ૨૦૧૪ની સરખામણીએ દક્ષિણ એશિયાઇ દેશોમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૪ની સરખામણીએ બ્રિક્સ દેશોના સંદર્ભમાં પાંચમા સ્થાનેથી ત્રીજા સ્થાને બઢતી.

ભારતના ક્રમમાં છેલ્લા બે વર્ષમાં ૫૨ અને છેલ્લા ચાર વર્ષમાં ૬૫ અંકોનો સુધારો.

ગત વર્ષના Distance to Frontier – DTF આંક(વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપ્રણાલીની અમલવારીથી જે-તે દેશનું અર્થતંત્ર કેટલું દૂર છે તે દર્શાવતો આંક)માં ૬૦.૭૬ થી ૬૭.૨૩ મુજબનો સુધારો.

વર્ષ – ૨૦૦૮થી અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ એક પણ સુધારા માટે વિશ્વ બેંક દ્વારા સુધારો કરવાથી સરળતા ઘટી હોય તેવું નકારાત્મક તારણ આપેલ નથી.

આમ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાન હેઠળ વિવિધ સૂચક આંકને લગતા કરવામાં આવેલા સુધારાઓથી અર્થતંત્રમાં હકારાત્મક ફેરફાર આવેલ છે અને વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ક્રમમાં સુધારો થયેલ છે તેમજ  વિશ્વભરમાં દેશની શાખ વધી છે. વિદેશી રોકાણકારનો અર્થતંત્રમાં વિશ્વાસ વધતાં વિદેશી રોકાણ વધી રહ્યું છે, જે દેશના સર્વગ્રાહી અને સ્થિર વિકાસના મજબુત પાયા સમાન છે. વાચક મિત્રો આશા રાખું છું કે, આ લેખ આપને માહિતી સભર રહેશે. આ બ્લોગ વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં…. આભાર…

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease of Doing Business – EoDB)

0

નમસ્કાર વાચક મિત્રો,

પહેલા તો અગાઉના તા. ૨૦.૦૪.૨૦૧૯ના ‘શું શિક્ષિત કર્મચારી નગરી (ગાંધીનગર) ખરેખર કેળવણી પામેલ છે?’ વિષય પરના બ્લોગને બહોળા પ્રમાણમાં મળેલ પ્રતિસાદ બદલ આપ સહુનો હ્રદયપૂર્વક આભારી છું.

આજે આપણે એક એવા વિષય વિશે વાત કરીશું જે આપણા અર્થતંત્રને પાયાથી સુધારવામાં અને વૈશ્વિક કક્ષાના ધારા-ધોરણો સાથે સુસંગત એવું સમૃદ્ધ અર્થતંત્ર ઊભું કરવા માટે અગત્યની છે. ખાનગી ક્ષેત્રનો વિકાસ એ કોઇપણ અર્થતંત્ર સમૃદ્ધ થવાની પૂર્વશરત છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જ્યારે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય છે, ત્યારે વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય છે અને રોજગારી વધતા માથાદીઠ આવકમાં વધારો થાય છે. જેના પરિણામ સ્વરૂપ પ્રજાની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે અને ઘરેલું રોકાણ પણ વધે છે. આ પરિસ્થિતિને સર્વગ્રાહી રૂપે જે-તે દેશ, રાજ્ય કે વિસ્તારની આર્થિક સુખાકારી અને સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય.

કોઇપણ જવાબદાર સરકારે તેના દેશની આર્થિક સુખાકારી અને વિકાસ માટે સ્થાનિક નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઇ)ને પ્રોત્સાહિત કરવા જોઇએ તથા તેને અનુકૂળ વ્યાવસાયિક નિયમનના કાયદાઓ અને નિયમો બનાવવા જોઇએ. અસરકારક ધંધાદારી નિયમન કાયદાઓ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને વિકસવા તથા નવીનીકરણ માટે આધારભૂત બને છે. આપણે જાણીએ જ છીએ કે, ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)માં નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઇ)નો સિંહફાળો છે.

વિશ્વભરમાં વિવિધ દેશોના વ્યવસાય માટેના નિયમનકારી વાતાવરણને સમજવા અને તેને સુધારવા તથા વૈશ્વિક કક્ષાના બનાવવાનો ઉદ્દેશ્ય પૂરો કરવાના મુખ્ય આશય સાથે વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા “ડુઇંગ બિઝનેસ” પ્રોજેક્ટ અંતર્ગત વ્યવસાયી નિયમનમાં સુધારાઓ માટે હેતુલક્ષી માપદંડો સુચવવામાં આવે છે. વિશ્વ બેંક દ્વારા આ પ્રોજેક્ટ વર્ષ – ૨૦૦૨માં અમલમાં મૂકવામાં આવેલ હતો. વિશ્વ બેંક વિવિધ દેશોના નક્કી કરેલા શહેરો (ભારતમાં દિલ્હી અને મુંબઈ)નો સુચવેલા માપદંડો આધારિત અભ્યાસ કરે છે અને તે મુજબ ૧૯૦ દેશોને ક્રમ આપવામાં આવે છે. પ્રથમ ડુઇંગ બિઝનેસ અહેવાલ, વર્ષ – ૨૦૦૩માં ૫ (પાંચ) સૂચકાંકો આધારિત ૧૩૩ દેશોના અભ્યાસ આધારે જાહેર કરવામાં આવેલ હતો. જ્યારે વર્ષ – ૨૦૧૯ના અહેવાલમાં ૧૧ (અગિયાર) સૂચકાંકો અને તેના આધારિત ૧૯૦ દેશોનો અભ્યાસ કરી તેના અવલોકનો અને દેશોના ક્રમ સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે. વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા નિયત કરવામાં આવેલા વિવિધ ૧૧ માપદંડો આ મુજબ છે:

૧. નવો ધંધો – વ્યવસાય શરૂ કરવો – નવો ધંધો – વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા, સમય, ખર્ચ તથા ઓછામાં ઓછી મૂડીની આવશ્યકતા, વિવિધ પરવાનાઓ વગેરે.

૨. બાંધકામના પરવાના – બાંધકામના પરવાનાને લગતી જોગવાઈઓ જેવી કે, ગોદામ બાંધવાના પરવાનાની પ્રક્રિયા, સમય અને ખર્ચ.

૩. વીજળી મેળવવી – નવા ધંધાના મકાન-દુકાન માટે કાયમી વીજ જોડાણ મેળવવાની પદ્ધતિ, સમય અને ખર્ચ.

૪. મિલકતની નોંધણી – વ્યાવસાયિક હેતુથી નવી ખરીદવામાં આવેલ સ્થાવર મિલકતની નોંધણીની પ્રક્રિયા, સમય અને ખર્ચ.

૫. ધિરાણની ઉપલબ્ધિ – નવા સ્થાપવામાં આવતા ધંધા – વ્યવસાય માટે ધિરાણના ઉપલબ્ધ સ્ત્રોતો, પ્રક્રિયા, બાંહેધરીની આવશ્યકતા, ખર્ચ વગેરે.

૬. લઘુ રોકાણકરોની સુરક્ષા – ધંધાના માલિક/ડિરેક્ટરની જવાબદારી, શેરહોલ્ડરને દાવો દાખલ કરવાની સરળતા વગેરે.

૭. કર ચૂકવણી – કેટલા પ્રકારના કર ચૂકવવાના થાય છે? કરના પત્રકો ભરવામાં તથા અન્ય બાબતોમાં વ્યતીત થતો સમય, કાચા નફાના પ્રમાણમાં કરની ટકાવારી વગેરે.

૮. આયાત – નિકાસની સરળતા – આયાત – નિકાસ માટે જરૂરી દસ્તાવેજો, મંજુરીની પ્રક્રિયા, સમય અને ખર્ચ વગેરે.

૯. કરારની અમલવારી – દેવા કરારને અમલમાં મૂકવા માટેની પ્રક્રિયા, સમય અને ખર્ચ.

૧૦. નાદારીનું નિરાકરણ – નાદારીના કિસ્સામાં પતાવટની કાર્યવાહી હેઠળ વ્યતીત થતો સમય, ખર્ચ અને વસૂલાતનો દર વગેરે.

૧૧. કામદારોને રોજગારી – રોજગારીની તકો, વેતન, કામના કલાકો, સુવિધાઓ વગેરે.

નોંધ – ઉક્ત ૧૧ માપદંડો પૈકી વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં પ્રથમ ૧૦ માપદંડોના અભ્યાસ તારણો ના આધારે ક્રમાંક આપવામાં આવેલ છે.

વિવિધ દેશોને તેઓના અર્થતંત્રમાં ધંધો સ્થાપવામાં ઉક્ત માપદંડોના પરીપ્રેક્ષ્યમાં કેટલી અનુકૂળતા પ્રદાન કરવામાં આવી છે? કે અનુકૂળ માહોલ ઉભો કરવા માટે કાયદાઓ અને નિયમોમાં કેવા અને કેટલા સુધારા-વધારા કરવામાં આવેલ છે? તેના આધારે ૧ થી ૧૯૦ મુજબ ક્રમ આપવામાં આવે છે. જે-તે દેશ કે અભ્યાસ એકમમાં સ્થાનિક કંપનીની સ્થાપનાથી લઇ સંચાલન અને આનુષંગિક બાબતો માટેની અનુકૂળતા મુજબ ગુણ આપવામાં આવે છે. અહીં તમામ માપદંડોને સરખુ મહત્વ આપવામાં આવેલ છે. જેમ ગુણ વધુ તેમ સ્થાનિક કંપનીની સ્થાપનાથી લઇ સંચાલન અને આનુષંગિક બાબતો માટેની અનુકૂળતા વધુ તેવું માનવામાં આવે છે. તમામ માપદંડો માટે મળેલ ગુણો મળી કૂલ ગુણ નક્કી કરવામાં આવે છે.

વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ ૧૬મા અહેવાલમાં વિશ્વના ૧૯૦ દેશો દ્વારા તા. ૨જી જુન, ૨૦૧૭ થી ૧લી મે, ૨૦૧૮ દરમ્યાન લેવામાં આવેલા સુધારાત્મક પગલાઓના અભ્યાસનો સમાવેશ કરવામાં આવેલ છે. વર્ષ – ૨૦૦૩થી અત્યાર સુધીમાં વિશ્વના તમામ દેશોએ મળી કુલ ૩૫૦૦થી વધુ સુધારાઓ કરેલ છે, જે પૈકી ૧૬મા અહેવાલના સમયગાળા દરમ્યાન ૧૯૦ માંથી ૧૨૮ દેશો દ્વારા ધંધા – વ્યવસાયની અનુકૂળતા વધારતા સર્વાધિક ૩૧૪ સૂધારાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ સૂધારાઓ પૈકી ૧/૩ સૂધારાઓ નવો વ્યવસાય શરૂ કરવા અને કરારની અમલવારીના ક્ષેત્રમાં કરવામાં આવેલા છે. વર્ષ – ૨૦૧૯માં રજુ થયેલ આ ૧૬મા અહેવાલમાં પ્રથમ ક્રમાંક પર ન્યુઝીલેન્ડ છે, જ્યારે ભારતનો ક્રમ ૭૭મો છે જે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક છે. આ સમયગાળામાં સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશોમાં ભારતનું નામ સામેલ છે. વળી, ભારત અને જીબૌટી (આશરે ૧૦ લાખની વસ્તી ધરાવતો આફ્રીકાનો ટચૂકડો દેશ) સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદીમાં સતત બીજા વર્ષે પણ ચમક્યા છે.

વિશ્વના ટોચના ક્રમ ધરાવતા અને ૧૬મા અહેવાલના સમયગાળામાં સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદી નીચે મુજબ છે.

અનુ. નં. વિશ્વના ટોચના ૧૦ ક્રમ ધરાવતા દેશો સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશો
ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાન
સિંગાપુર જીબૌટી
ડેનમાર્ક ચીન
હોંગ કોંગ અઝરબૈજાન
દક્ષિણ કોરિયા ભારત
જ્યોર્જિયા ટોગો
નૉર્વે કેન્યા
યુનાઈટેડ સ્ટેટ્સ આઇવરી કોસ્ટ
યુનાઈટેડ કિંગડમ તુર્કી
૧૦ મેસોડોનિયા રવાંડા

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ખ્યાલ અને તેના પરીપ્રેક્ષ્યમાં ભારત અને ગુજરાત વિશે કહેવું છે, જે હવે પછીના બ્લોગમાં આવરી લેવાનો પ્રયત્ન કરીશ. વાચક મિત્રો, અગાઉના બ્લોગને આપેલ પ્રતિસાદ માટે ફરીથી આપના આભાર સહ આ બ્લોગને વધુમાં વધુ કોમેન્ટ અને સુચનોના સ્વરૂપમાં પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા રાખુ છૂં તથા આગળ વધુને વધુ વાચક વર્ગ/મિત્રોને આ બ્લોગની લિંક મોકલવા આગ્રહભરી વિનંતી કરુ છૂં.

શું શિક્ષિત કર્મચારી નગરી (ગાંધીનગર) ખરેખર કેળવણી પામેલ છે?

ગાંધીનગર – ગુજરાતનું પાટનગર. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાના ભારતના રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુને અંજલી સ્વરૂપ સુચન પરથી નામાંકિત આ શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ. આ સુ-આયોજિત નગર ઇ.સ. ૧૯૭૧માં ગુજરાતનું સાતમું (૧. આનર્તપુર – વડનગર પાસે આવેલુ, ૨. દ્‌વરાવતી – દ્વારકા, ૩. ગિરિનગર – જુનાગઢ, ૪. વલ્લભી – ભાવનગર, ૫. અણહિલપુર – પાટણ તથા ૬. અમદાવાદ પછી) પાટનગર બન્યુ ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી હિતેન્દ્ર દેસાઇ હતા. વસતી ગણતરી – ૨૦૧૧ મુજબ ૨,૦૬,૧૬૭ની જનસંખ્યા ધરાવતા ગાંધીનગરની આશરે ૯૧% પ્રજા (૯૫.૧૮% પુરુષો અને ૮૬.૫૨% સ્ત્રીઓ) શિક્ષિત છે. જે દેશની સરેરાશ ૭૪.૦૪ અને ગુજરાતની સરેરાશ ૭૮.૦૩ કરતા ઘણી વધુ છે. અહિ, શિક્ષણ એટલે ફક્ત અક્ષરજ્ઞાન નહીં પણ શિક્ષણ એટલે અક્ષયજ્ઞાન જે માનવજીવનને સંસ્કારે છે. ગાંધીનગરમાં અધિકારી/કર્મચારીઓના રૂપમાં આટલો મોટો શિક્ષિત વર્ગ હોવા છતાં અમૂક અ-સંસ્કૃત હરકતો ખરેખર અચરજ પમાડે તેવી છે.

1.ચીફ આર્કિટેક શ્રી એચ. કે. મેવાડા અને તેમના સહયોગી શ્રી પ્રકાશ એમ. આપ્ટે દ્વારા સુ-વ્યવસ્થિત રચાયેલા ગાંધીનગરના દરેક સેક્ટરની આંતરિક અને બાહ્ય રચનાનુસાર ચાર રસ્તાઓના સર્કલનું નિર્માણ થાય છે. સેક્ટરના આવા આંતરિક રસ્તાઓ ઉપરથી પસાર થઇએ તો ઠેર-ઠેર વિવિધ વિધિઓ કરી તેની જાત-જાતની અને ભાત-ભાતની વસ્તુઓ આવા ચાર રસ્તાઓ ઉપર મુકેલી જોવા મળે છે. શું આ શિક્ષિત સમાજ/પ્રજા પાસે એટલી અપેક્ષા ન રાખીએ શકાય કે આ વસ્તુઓ અંધશ્રધ્ધાથી પ્રેરાઇ બગાડવા કરતા જરૂરીયાતમંદોને પહોચે તો વધુ ઉચિત રહે?

2.ગાંધીનગરની સ્થાપનાને પાંચ દાયકાથી વધુ સમય થયા બાદ નવમી વાયબ્રંટ સમિત – ૨૦૧૯ના અરસામાં ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા જે હજુ પૂર્ણ રીતે કાર્યરત થઇ રહેલ છે. ગાંધીનગરના રસ્તાઓ ખૂબ જ સુંદર અને પહોળા (બન્ને બાજુ ત્રણ-ત્રણ લેનવાળા) છે પરંતુ જ્યારે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ ચાલુ હોય અને વાહનોએ થોભવાનું હોય ત્યારે કહેવાતા ભણેલા-ગણેલા લોકો પૈકી કેટલાક હજુ ટ્રાફિક સિગ્નલની લાઇટ જોવા જ ટેવાયેલા નથી અને અમૂક સાક્ષરો ડાબીબાજુ વળનારા વાહનો માટે ખાલી રાખવાની ત્રીજી લેન રોકી ઉભા રહી જાય છે જેથી બધો ટ્રાફિક જામ થઇ જાય છે અને લીલી લાઇટ શરૂ થયા બાદ જ ત્રીજી લેનના વાહનો પણ નીકળી શકે છે. આ ખરેખર અચરજ પમાડે તેવી જ નહિ પણ હાસ્યાસ્પદ બાબત પણ છે. આ બાબતે તાલીમ પણ કેમ આપવી કે જેના નિયમો વાંચી, તેની પરીક્ષા પાસ કરી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવેલું હોય છે?  દંડ એ જ ઉપાય…

3.જાહેર સ્થળોએ થૂંકવું એ ખરેખર ધૃણાસ્પદ અનેનિંદનીય બાબત છે. ગાંધીનગરની સરકારી કચેરીઓ કે જ્યાં મોટાભાગે ભણેલા લોકો જ આવે-જાય છે ત્યાં સીડી ઉપર કે લિફ્ટમાં પાનની પીચકારી મારેલી અવશ્ય જોવા મળશે અને હા, “અહિં થૂંકવાની મનાઈ છે” તેવી સુચનાની આસપાસ તો અચૂક. વળી અમૂક સાક્ષરો બહાર પીચકારી ન મારતા કચરાપેટી (કચરો નાંખવાની પેટી)માં થૂંકે છે કે જે કચરાપેટી કોઇ હાથથી સાફ કરે છે. કોઇ ઉપાય છે, આ માનસિકતાનો????

4.ગાંધીનગરમાં મોટાભાગે સરકારી કર્મચારી/અધિકારીઓ રહે છે, તેઓ પોતાની કામગીરીના ભાગરૂપે અરજદારો લાઇનમાં ઉભા રહી, શાંતિ જાળવી સહકાર આપે તેવી અપેક્ષા રાખે છે જે વાજબી પણ છે. પરંતુ આ પૈકી અમૂક કર્મચારી/અધિકારીઓ જ્યારે પોતે અરજદાર તરીકે અન્ય કોઇ કચેરીમાં જાય ત્યારે લાઇનમાં ઉભા રહેવાનું કે રાહ જોવાનું ડહાપણ દાખવી શકતા નથી. છે ને મજાની કેળવણી પામેલ પ્રજા?

આ તો ફક્ત જૂજ ઉદાહરણો જ છે… મિત્રો બ્લોગ વાંચી આપની કોમેન્ટ આપવાનું ભૂલશો નહિ…

પરમ પુજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજ ગુરુદેવની માનસિક પુજા….

શ્રી ગણેશાય નમ:

હે પરમ પુજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજ, હું અબુધ – અજ્ઞાની બાળક છું. હું આપના શરણે છું. આપ મારા હ્રદયકમળ પર બિરાજમાન છો. હું આપની સેવા કરું છું. જલથી પગ પખાળું, પંચામૃતથી પગ પખાળું, ફરી જલથી પગ પખાળી, સ્વચ્છ કરી, બાજોઠ પર પધરાવી, અબીલ-ગુલાલ-કંકુ-ચોખા-ચંદનથી પુજન કરી, ફુલ ધરાવું છું. ચરણ સ્પર્શ કરી, ચરણામૃત લઇ, સામગ્રી ધરાવી, આરતી ઉતારું છું.

જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય જય ગુરુદેવ

ગુરુબ્રહ્મા, ગુરુ વિષ્ણું, ગુરુદેવો મહેશ્વર,

ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:

હે વિશ્વંભરદાસજી મહારાજ, હું અબુધ, અજ્ઞાની, કામી અને પામર મનુષ્ય છું. હું આપના શરણે છું. આપ મારો ઉધ્ધાર કરો, ઉધ્ધાર કરો, ઉધ્ધાર કરો. મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. મારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. મને સદબુધ્ધી, સદભાવના, સદવિચાર આપો. મારી દુર્બુધ્ધિ અને વિકારો કાપો. માતા-પીતાની સેવા કરી શકું તેવી શક્તિ અને કૃપા કરો. આપની ભક્તિ આપો. સુખ-સંપતિ,સમૃધ્ધિ અને શાંતિ આપો. વિદ્યા અને વિનંમ્રતા આપો. હું અબુધ અજ્ઞાની બાળક આપના ચરણોમાં ફુલની જેમ સમર્પિત થાઉં છું, મારું જીવન ફુલ જેવું નિર્મળ, સુવાસિત અને પરોપકારી બનાવો. લોકા: સમસ્તા: સુખિનો ભવન્તુ, લોકા: સમસ્તા: સુખિનો ભવન્તુ, લોકા: સમસ્તા: સુખિનો ભવન્તુ.

:: શ્રી રામ જય રામ જય જય રામ ::

ડાકોર યાત્રા – જય રણછોડ… માખણ ચોર…

વ્હાલા સખા અને ભાઇ શ્રી નિધિપ જોશીને સમર્પિત

તાજેતરમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોર ખાતે આવેલ આવેલ અને વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોના હ્રદયની નજીક એવા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી. ડાકોર ગાંધીનગરથી ૧૦૦ કિ.મી.,  અમદાવાદથી ૮૪ કિ.મી. અને નડીયાદથી માત્ર ૩૬ કિ.મી.ના અંતરે આવેલું છે. ડાકોરની જનસંખ્યા આશરે ૨૫ હજારની છે જ્યારે સાક્ષરતા દર આશરે ૮૭% જેટલો છે. ગાંધીનગરથી ડાકોર જવા માટે ઘણા માર્ગો પૈકી ત્રણ-ચાર માર્ગો વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ ગાંધીનગરથી કોબા સર્કલ થઇ સરદાર પટેલ રીંગ રોડ મારફતે મહેમદાવાદ અને મહુધા વાળા રસ્તે. બીજો કઠવાળા અને કઠલાલ થઇ ડાકોર. ત્રીજો ચિલોડા, દહેગામ થઇ છીપડી તથા કઠલાલના માર્ગે તથા ચોથા એક્સપ્રેસ હાઇ-વે થઇને પણ ડાકોર જઈ શકાય છે.

સામાન્ય રીતે કોઇપણ યાત્રાનો અહેસાસ ખૂબ આહલાદક, દિવ્ય અને તાજગી ભરી દેતો હોય છે, પરંતુ મારા માટે ડાકોર તેનાથી અદકેરું મહત્વ ધરાવતું યાત્રા સ્થળ છે. શ્રી કૃષ્ણ અને સુદામાજીની મિત્રતા એક મિશાલ છે એ આપણે જાણીએ છીએ અને તેણે જ મને મિત્રના રૂપમાં ભાઇની ભેટ આપેલ છે. શ્રી નિધિપ જોષી અને હું ૨૦૦૫-૦૬ આસપાસ એચડીએફસી બેંક (HDFC Bank)ની સહયોગી સંસ્થા એટલાસ ડોક્યુમેન્ટરી ફેસીલીટેટર કંપની પ્રાઇવેટ લીમીટેડ (ADFC Pvt. Ltd.) માં જોડે કામ કરતા હતા અને સારા મિત્રો હતા. ત્યારપછી ૨૦૦૬ની શરૂઆતમાં જોડે જ યુટીઆઇ બેંક (UTI Bank) હાલ એક્સીસ બેંક (Axis Bank)માં જોડાયા. મારું ફરજનું સ્થળ વલ્લભ વિદ્યાનગર શાખા હતું, જ્યારે શ્રી નિધિપ જોષીનું વડોદરા હતું. એક વખત મિત્ર નિધિપ વલ્લભ વિદ્યાનગર આવેલા અને અમે જોડે ડાકોર ગયેલા. આ સહયાત્રાની ફલશ્રુતિ રૂપે ભગવદ કૃપાથી અમારા મિત્રતાના સંબંધો ભાઈઓના સંબંધમાં પરિણમ્યા અને નિધિપના રૂપમાં ભાઇની ભેટ મળી. નિધિપભાઇ હાલ એચડીએફસી બેંક (HDFC Bank)માં રાજકોટ ખાતે ઉચ્ચ હોદ્દા ઉપર ફરજો બજાવે છે.

ગાંધીનગરથી ડાકોરની ૧૦૦ કિ.મી.ની યાત્રા માટે અમે પ્રથમ માર્ગ પસંદ કરેલો, જે દરમ્યાન ૪૦ થી ૪૫ કિ.મી.નો વિસ્તાર ગાંધીનગર – અમદાવાદની સરહદનો છે, જેથી મુસાફરી વખતે રસ્તાની બન્ને બાજુ ભૌતિક વિકસિત માહોલ જોવા મળે છે. મહેમદાવાદ પસાર કરી મહુધા તરફ આગળ વધતા આજુ-બાજુ આશરે અડધા જેટલા ખેતરો ખાલી હતા અને બાકીના ખેતરો પૈકી અમુકમાં ઉનાળું બાજરી અને અમુકમાં તમાકુનો પાક જોવા મળતો હતો. તો વળી કોઇ-કોઇ જગ્યાએ બટેટા અને ડુંગળીના ઢગલા જોઇ તાજેતરમાં કાઢવામાં આવેલા હોવાનું પ્રતિત થતું હતું. આ ઉપરાંત થોડા-થોડા અંતરે નીલગીરીના હરોળ બંધ વૃક્ષો સરસ દ્રષ્ટિગોચર થતાં હતા, એવામાં મહુધાથી ડાકોર જતા રસ્તાની જમણીબાજુ નિલગીરીના વૃક્ષોનું ઘનઘોર જંગલની પ્રતિતિ કરાવતું પણ સુવ્યવસ્થિત ખેતર જોવા મળ્યું અને તે પુરું થતાંની સાથે મુખ્ય રસ્તા પરથી ડાકોર તરફ જવા વળવાનો રસ્તો આવી ગયો. હવે ડાકોર ૩ કિ.મી. દૂર હતું.

ડાકોર સ્થિત રણછોડરાયજીનું મંદિર કે જ્યાં શ્રી દ્વારકાધિશજીની પુજા થાય છે તેના ઇતિહાસ વિશે વાત કરીએ તો, મંદિરની સ્થાપના પહેલા મહાભારતના સમયમાં આ વિસ્તાર ‘હિડંબા વન’ તરીકે ઓળખાતો. હિડંબા એ ભીમના પત્નિ અને ઘટોત્કચના માતા હતા. ઝરણાંઓ અને તળાવોથી સમૃધ્ધ અને વૃક્ષોથી ઘનઘોર તથા આનંદદાયી હોય, આ વન ઋષિ-મુનિઓ માટે તપ કરવા આશ્રમ સ્થાપવા આકર્ષણનું કેન્દ્ર રહેતું. ડંક નામના ઋષિ અહિં આશ્રમ બાંધી ભગવાન શંકરની તપસ્યા કરતા. તેઓના તપથી પ્રસન્ન થઇ ભગવાન શંકરએ વરદાન માંગવાનું કહ્યું જેમાં ઋષિ ડંકએ ભગવાન મહાદેવને પૃથ્વી પર રહેવા વિનંતી કરી. મહાદેવ તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઇ ગયા અને શિવલિંગના સ્વરૂપમાં તેઓની પ્રતિકૃતિ છોડતા ગયા. જેનું મંદિર ડંકનાથ મહાદેવના નામે પ્રસિધ્ધ છે જે ગોમતી તળાવની પાળે આવેલું છે. તેના ઉપરથી આ ડાકોર વિસ્તાર પ્રાચીન સમયમાં ‘ડંકોર’ નામે પણ જાણીતો હતો.

વર્ષોના વહાણા વિતતા ગયા અને ડંકપુર ગામ ધીમે-ધીમે ડાકોરમાં પરિવર્તીત થઇ ગયું અને ડંકનાથ મહાદેવના નામે જાણીતું ડાકોર હવે શ્રી રણછોડરાયજી (શ્રી કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ)ના નામે હાલ પ્રસિધ્ધ છે. ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરની સ્થાપના વિશે ઘણી દંતકથાઓ પ્રવર્તે છે. આવી એક દંતકથા અનુસાર, ડાકોરમાં રહેતા શ્રી કૃષ્ણ ભક્ત બોડાણા દર પૂનમના દિવસે નિયમિત દ્વારકા જતા અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસી દલ અર્પણ કરતાં હતા. તેઓ વૃધ્ધ થતાં નિયમિતપણે દ્વારકા પહોંચી શકતા ન હતા. પરંતુ ભક્ત શ્રી બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇ ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તેઓ પોતે ડાકોરમાં આવીને વસશે. આમ, ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત બોડાણા સાથે ડાકોર આવ્યા અને એક મૂર્તિના સ્વરૂપમાં સ્થાયી થયા. આ બાબતની દ્વારકાના બાહ્મણોને જાણ થતા તેઓ મૂર્તિ લઇ જવા ત્યાં આવ્યા. ભક્ત શ્રી બોડાણાએ મૂર્તિ પાછી ન લઇ જવા વિનંતી કરતા, દ્વારકાના બાહ્મણોએ ભક્ત શ્રી બોડાણા ગરીબ છે તેવું જાણતા હોવાથી એવી શરત મૂકી કે, જો તેઓ મૂર્તિના વજન જેટલું સોનું આપે, તો તેઓ મૂર્તિને ત્યાં જ રહેવા દેશે. ભક્ત શ્રી બોડાણા ગરીબ હતાં પરંતુ રામચરિતમાનસમાં ગોસાઈ તુલસીદાસજીએ કહ્યું છે ને કે, ‘હોઇ હૈ સોઈ જો રામ રચિ રાખા’. ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત બોડાણાના પત્ની ગંગાબાઇની નાકની વાળીથી પ્રભુ શ્રી કૃષ્ણ તોળાઇ ગયા. ભગવાન શ્રી કૃષ્ણને નાકની વાળીથી તોળ્યા હતા તે સ્થળ ગોમતી ઘાટ તરીકે ઓળખાય છે અને આજે પણ અસ્તિત્વમાં છે.

હાલના સુપ્રસિધ્ધ શ્રી રણછોડરાયજી મંદિરનું નિર્માણ વર્ષ ૧૭૭૨માં થયું હતું. આ મંદિર પવિત્ર ગોમતી તળાવની સમીપ આવેલું છે. મંદિરનો વિસ્તાર ૧૬૮ X ૧૫૧ ફૂટ છે તથા તેમાં ૮ ગુંબજો અને ૨૪ સોનેરી શિખરો આવેલા છે. આ મંદિર ૯૦ ફૂટ ઊંચુ અને તેના મુખ્ય ગુંબજની ટોચ ઉપર ધજા ચડાવવામાં આવે છે. મુખ્ય ગુંબજની રચના ઉપર મહારાષ્ટ્રીયન શૈલીના મંદિરની અસર જોવા મળે છે જ્યારે આખા મંદિરની રચના હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સંયોજનને પ્રતિબિંબિત કરે છે. મંદિરના મુખ્ય કક્ષની દીવાલો ઉપર ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્રના દ્રશ્યો ચિતરવામાં આવેલા છે. પૂનમના દિવસે મોટા પ્રમાણમાં યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાય છે અને ધજા અર્પણ કરે છે.

શ્રી રણછોડરાયજી મંદિરનો દર્શનનો સમય વૈષ્ણવ પરંપરા મુજબના આદર્શ સમય મુજબ સવારે ૬:૪૫ થી સાંજે ૭:૩૫ની વચ્ચે રાખવામાં આવે છે. દિવસ દરમ્યાન મંગલા, બાલ ભોગ, શૃંગાર ભોગ, ગ્વાલ ભોગ, રાજભોગ, ઉથાપન, શયન ભોગ તથા સખડી ભોગ વગેરે દર્શન સમયાંતરે થાય છે. અમે બપોરે ૩:૩૦ વાગ્યે ડાકોર પહોંચ્યા હતા એટલે ઉથાપનના દર્શન માટે ભક્તોની લાઇન થઇ જ ગયેલ હતી પરંતુ બહુ ભીડ ન હતી. બપોરે ૪:૦૦ વાગ્યા બાદ તરત જ જય રણછોડ… માખણ ચોર… અને શ્રી રણછોડરાયજી અને શ્રી દ્વારકાધિશના જય-જયકાર સાથે દર્શન ખૂલ્યા અને અમે સહકુટુંબ પત્ની, દિકરી, બહેન, ભાણેજ તથા સાસુ-સસરા બધા શ્રી રણછોડરાયજીના દિવ્ય અને રમણીય સ્વરૂપના મન ભરી દર્શન કરી કૃતાર્થ થયા. દર્શન કર્યા બાદ પ્રદક્ષિણા પથ પર કેસરવાળા દૂધનો સ્વાદ લીધો અને મંદિરની અંદર મળતા મગસના પ્રસાદને લેવાનું તો કંઇ ભૂલી શકાય? આ ઉપરાંત બહાર નીકળતા જામફળ, બખાઇ, ગૂંદી, જાંબુ અને નાના આમળા વગેરે તાજા ફળો મળતા હતા. ડાકોરની અન્ય એક પ્રખ્યાત ચીજ એ ગોટાનો લોટ, તેમાં મધ્યમ તીખો અને તીખો એવા બે પ્રકારના લોટ મળે છે દરેક વ્યક્તિ પોતાના સ્વાદ અનુસાર લઇ શકે. આ ઉપરાંત અહીં લોખંડની વસ્તુઓ જેવી કે, ખમણી, તળવાના જારા, બકડીયા, સાણસી વગેરે ગૃહ વપરાશની વસ્તુઓ પણ સારી મળે છે. 

દર્શન કરી બજારમાં થઇ નીકળતી વખતે પવિત્ર ગોમતી તળાવના જળપાનની ભાવના સાથે ત્યાં ગયા તો ખરા પણ ગંદકી!!!!! જળ માથે ચડાવીને ધન્ય થયાનો આત્મસંતોષ લીધો. આશા રાખીએ કે સ્થાનિક તંત્ર પવિત્ર ગોમતી તળાવની ચોખ્ખાઈ માટે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જરૂર પગલાં લેશે. અહીં મંદિરની આસપાસ ખાનગી પાર્કિંગ ફૂટી નીકળ્યા છે અને સામાન્ય માણસોએ તેનો જ ઉપયોગ કરવો પડે છે. આમ, સુપ્રસિધ્ધ શ્રી રણછોડરાયજી મંદિર, ડાકોર પવિત્ર ક્ષેત્રની યાત્રા એક યાદગાર પ્રવાસ બની ગયો….