Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: । શ્રી હનુમતે નમો નમ: । શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: ।

અગાઉના બે લેખ એટલે કે ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત:  (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/ )માં આપણે સમુદ્રનો પ્રભુ શ્રીરામ જોડે સંબંધ અને ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-019/ )માં મૈનાક પર્વતનો શ્રીહનુમાનજી સાથેનો સંબંધ તથા તેને સંલગ્ન અન્ય રસપ્રદ બાબતો જોઈ હતી. સમુદ્રના આદરભાવ અને મૈનાકના સ્નેહનું અપમાન ન થાય અને પોતાનું કાર્ય પણ વિલંબમાં ન પડે, તે માટે શ્રીહનુમાનજી પોતાનું બુદ્ધિ કૌશલ્ય દર્શાવતા ચતુરાઈ પૂર્વકનો શાસ્ત્રોક્ત રસ્તો કરે છે, જેની કથાથી આગળ વધીશું.

:: દોહા – ૧ ::

હનૂમાન તેહિ પરસા કર પુનિ કીન્હ પ્રનામ રામકાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ

શ્રીહનુમાનજીએ મૈનાક પર્વતને હાથથી સ્પર્શ કર્યો અને પછી પ્રણામ કરીને કહ્યું, હે મૈનાક! શ્રીરામચંદ્રજીનું કાર્ય કર્યા વિના વિશ્રામ ક્યાંથી હોય?

મૈનાક પર્વતનો શિષ્ટાચાર અને આદર જોઇને શ્રીહનુમાનજી ખૂબ જ પ્રસન્ન થયા. શ્રીહનુમાનજીએ સમુદ્રમાંથી બહાર નીકળેલા અને સેંકડો સૂર્ય સમાન ઝળહળતા મૈનાક પર્વતને કહ્યું, હે મૈનાક! તમે સનાતન ધર્મનું યથાયોગ્ય પાલન કરનારા છો. આપના આતિથ્ય ભાવથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું, પરંતુ અત્યારે હું પ્રભુ શ્રીરામનું કાર્ય કરવા જઇ રહ્યો છું. જ્યાંસુધી આ કાર્ય પૂર્ણ ન થાય, ત્યાંસુધી મારે વિશ્રામ કઇ રીતે હોઇ શકે? મૈનાકના આતિથ્યનો તિરસ્કાર ન થાય, તે માટે અંજનીનંદનએ પોતાના હાથથી મૈનાકનો સ્પર્શ કર્યો. મૈનાકને સ્પર્શ કરીને પ્રતિક સ્વરૂપે તેઓએ આતિથ્ય સ્વીકાર અને વિશ્રામ બન્ને ભાવોની પૂર્તિ કરી. અહીં શ્રીહનુમાનજીની કુશાગ્ર બુદ્ધિ અને તેઓ વિવેકની ખાણ છે, તેના દર્શન થાય છે.

આપણે વ્યવહારમાં ઘણી વખત આવી પ્રતિકરૂપી ક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. કોઇ કાર્ય આખું વિધિપૂર્વક કરવું શક્ય ન હોય, તો તેના પ્રતિકરૂપે ટૂંકમાં કરવામાં આવે છે. ઉદાહરણ રૂપે ઘરમાં કોઇ પૂજા કે યજ્ઞ હોય અને તેમાં ગૌદાન આપવાનો સંકલ્પ કરવામાં આવે, તે સમયે ખરેખર ગાયને બદલે કિંમતી ધાતુની ગાય કે તેના બદલે દક્ષિણા આપીએ છીએ. આધુનિક વાત કરીએ તો, સોશિયલ મીડિયા કે ટૂંકા મેસેજમાં Thank Youને બદલે ty, Welcomeને બદલે wc વગેરેનો ઉપયોગ કરીએ છીએ.

શ્રીહનુમાનજી મૈનાકને સ્પર્શ કરે છે, તે સંદર્ભમાં તેઓના વ્યક્તિત્વ આધારિત એક સરસ વાત કરવી છે. આપણે ત્યાં એક એવો વર્ગ છે જે કહે છે કે ધનને સ્પર્શ ન કરાય. એક વર્ગ છે જે સ્ત્રીઓનું મુખ ન જોવાય તેવી માન્યતા ધરાવે છે. તો આજ-કાલ એક વર્ગ એવો પણ છે કે જે દિકરીઓએ કેવા કપડા પહેરવા, કેમ રહેવું અને શું કરવું જોઇએ તેની સલાહો આપતા ફરે છે. આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ અને દરેકને પોત-પોતાની માન્યતા પ્રમાણે અને અન્યને નુકશાન ન થાય તેમ જીવવાનો હક છે. કોઇ કંઇપણ માન્યતા ધરાવી શકે છે. પરંતુ કોઇ વસ્તુનો તિરસ્કાર શા માટે? એકને (સ્ત્રીઓને) બંધન શા માટે? જે લોકો ધનને ન અડવાની કે સ્ત્રીઓનું મુખ ન જોવાની વાત કરે છે તેઓ વળી પોતાને ધાર્મિક પણ કહેવડાવે છે, ખરેખર તો આપણે નક્કી કરવાનું. દિકરીઓએ કે સ્ત્રીઓએ કેવા કપડા પહેરવા જોઇએ અને કેમ રહેવું જોઇએ તે નક્કી કરનારા દંભી લોકો અને સમાજના આવા ઠેકેદારો એવું કેમ નથી સમજતા કે કચરો પોતાના મગજમાં ભરેલો છે, ધનનો કે માયાનો સંયમ પોતાના મગજ ઉપર નથી અને સમાજને સમજાવવા નીકળી પડે છે.

પાશ્ચાત દેશોમાં કેવા પહેરવેશ છે અને કેવી રહેણી-કરણી છે? તે આપણે જાણીએ જ છીએ. પરંતુ, ત્યાંના લોકોના મગજ વિચલિત નથી થતા, સૌથી વધુ સંશોધનો ત્યાં જ થાય છે, નવી-નવી પ્રોડક્ટસ્‌ એ લોકો જ શોધે છે. ત્યાં શરીર ઉપરના ઓછા કપડા મગજ વિચલિત નથી કરતા, મનની સ્વચ્છતા કામ કરે છે. ધનનો સ્પર્શ ન કરવાની વાતો કરનારા એ જુએ કે શ્રીહનુમાનજીએ આખા સુવર્ણના પર્વતને સ્પર્શ કર્યો છે. જેના મનમાં આસક્તિ હોય તેને જ આ બધુ નડે છે, મન નિર્મળ હોવું જોઇએ.

શ્રીહનુમાનજીએ મૈનાકને સ્પર્શ કર્યો, પરંતુ મનમાં ભાવના ખરાબ ન હતી, તેથી તેઓને માયા વ્યાપતિ નથી. જે લોકો તેનાથી ભાગે છે, તેઓ જાતે જ સિદ્ધ કરે છે કે સુવર્ણ, ધન કે માયા તેઓ કરતા વધુ તાકાતવર છે. અહીં કુદરતી રીતે સામે આવતી સંપત્તિની વાત છે, જે ધર્મના ઓથા હેઠળ ધન શોધવા જાય છે, તેઓને તો આવું કહેવાનો પણ કોઇ અધિકાર નથી. શ્રીહનુમાનજીનું વ્યક્તિત્વ નિર્મળ, નિર્મોહી અને નિર્લેપ છે. તેઓ પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત છે. તેને કોઇ માયા વ્યાપતી નથી. જો આપણું મન પણ વિશુદ્ધ અને પવિત્ર હોય, તો આવી કોઇ બાબત આપણને વિચલિત કરી શકતી નથી, તેવું મારું સ્પષ્ટ અંગત માનવું છે.

શ્રીતુલસીદાસજી અહીં એવું પણ કહેવા માગે છે કે, જ્યારે ભક્તિના પથ ઉપર પ્રયાણ કરીએ એટલે સૌથી પહેલા પોતાનાઓની લાગણી જ તેમાં વિઘ્નરૂપે સામે આવતી હોય છે. મૈનાક શ્રીહનુમાનજીની યાત્રામાં બાધારૂપ થવાના આશયથી નહોતો આવ્યો, પરંતુ હિતેચ્છુ તરીકે વિશ્રામ આપવા આવ્યો હતો. પ્રભુકાર્ય કરતી વખતે કે ભક્તિની શોધમાં શરૂઆતનું વિઘ્ન પ્રમાદ તરીકે પણ આવી શકે. જો આપણે પ્રમાદમાં આસક્ત થઇ જઇએ તો મૂળકાર્ય અધુરું જ રહી જાય. વળી, આવી સહાય આપણા નજીકના કે હિતેચ્છુ જ આપતા હોય છે અને પ્રભુકાર્યમાં વિલંબનું કારણ બને છે. જ્યારે સહાય કરનારાનો આશય શુદ્ધ હોય, ત્યારે તેનું અપમાન કે અનાદર કરવાને બદલે સ્પર્શ માત્ર કરીને કે પ્રતિક સ્વરૂપે સ્વીકારીને આગળ વધવું જોઇએ. બાબાજી ઔર ભી સુંદર બાત બતાતે હૈ, કીન્હ પ્રનામ પ્રતિક સ્વરૂપે સ્વીકાર કરી, પછી પ્રણામ કરીને, આદર સાથે પ્રભુકાર્ય માટે કે ભક્તિના પથ ઉપર આગળ વધી જવું જોઇએ.

રામકાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ જે કાર્ય હાથ ઉપર લઇએ તેમાં મન, વચન અને કર્મથી પ્રવૃત થવું જોઇએ અને કાર્ય પૂર્ણ ન થાય ત્યાંસુધી અવિરત પ્રયત્ન અને અથાક મહેનત કરતી રહેવી જોઇએ. ઘરનું, ઓફીસનું કે સમાજનું કોઇપણ કાર્ય હોય, આટલી જ તત્પરતાથી કરવું જોઇએ, એ જ ધર્મ છે. નિષ્ઠાપૂર્વકની સ્વામીભક્તિની બાબતમાં પણ શ્રીહનુમાનજી આદર્શ જ છે.

માનસકારના શબ્દો ખરેખર ચુનિંદા છે. મોહિ કહાઁ બિશ્રામનો એવો મતલબ પણ કરી શકાય કે મને આરામની જરૂર જ ક્યા છે? રામકાર્ય કરતા હોઇએ તો શ્રમ ન પડે, અલૌકિક આનંદ જ મળે. તેમાં વિશ્રામની આવશ્યકતા રહેતી નથી. આમ, શ્રીહનુમાનજી મૈનાક પર્વતના આતિથ્યને પુરેપુરુ માન આપી, નિષ્કામ ચિત્તે પ્રતિક સ્વરૂપે સેવાનો સ્વીકાર કરી, તેઓને આદરપૂર્વક પ્રણામ કરી અને મનમાં પ્રભુ સ્મરણ સાથે પોતાના નિશ્ચિત ધ્યેય પ્રભુકાર્ય માટે ત્યાંથી આગળ વધે છે.

જાત પવનસુત દેવન્હ દેખા જાનૈં કહુઁ બલ બુદ્ધિ બિસેષા

સુરસા નામ અહિન્હ કૈ માતા પઠઇન્હિ આઈ કહી તેહિં બાતા

દેવતાઓએ પવનપુત્ર શ્રીહનુમાનજીને જતાં જોયા. તેમના વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા માટે તેઓએ સુરસા નામની સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને શ્રીહનુમાનજીને કહ્યું

માનસકારે ચોપાઇની શરૂઆત જાત શબ્દથી કરી છે અને પછી લખ્યુ છે પવનસુત. પવનસુત એટલે લખ્યુ છે કે બહુ જ વેગથી જઇ રહ્યા છે અને તેના વેગ વિશે પણ આપણે પુરાણોક્ત વાત અગાઉ જોઇ ગયા છીએ. આટલી ઝડપથી જતા હોય ત્યારે એવું માનવું ઉચિત નથી કે મૈનાક જોડે વાતચિત કર્યા પછી દેવતાઓએ શ્રીહનુમાનજીને આગળ જતા જોયા હશે અને કંઇક વિચાર્યુ હશે. મારું માનવું છે કે દેવતાઓએ અગાઉથી જ તેને જતા જોયા છે. મૈનાક સાથેના વાર્તાલાપથી તો દેવતાઓને વિચારવાનો સમય મળી ગયો. આગળ અહીં દેવન્હ શબ્દ પ્રયોજવામાં આવેલ છે. જેનો અર્થ દેવતાઓ એવો બહુવચનમાં થાય છે, એટલે કે કોઇ એક દેવની વાત નથી થઇ રહી. બધા દેવતાઓ મળી પ્રભુની આ લીલા જોઇ રહ્યા છે. આગળ શ્રીતુલસીદાસજી લખે છે, જાનૈં કહુઁ બલ બુદ્ધિ બિસેષા એટલે કે વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો ભાવ છે. દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કેમ કરવી હશે? તેની વિગતો આપણે હવે પછીના લેખમાં જોઇશુ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.

ગયા અંકનો પ્રશ્ન – રાજા જનકના નાના ભાઈનું નામ શું છે? – કુશધ્વજ.

આ અંકનો પ્રશ્ન – અશોક વાટિકાનું બીજું નામ શું હતું?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here