Home Informative રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ

રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ

9
રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ

શ્રી ગણેશાય નમ:

પ્રનવઉઁ પવનકુમાર ખલ બલ પાવક ગ્યાન ઘન ।

જાસુ હૃદય આગાર બસહિં રામ સર ચાપ ધર ॥

જેઓ જ્ઞાનની ઘનમૂર્તિ છે, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ-બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે, તેવા પવનકુમાર શ્રી હનુમાનજીને હું સાદર પ્રણામ કરું છું. સુજ્ઞ વાચકશ્રીઓ, આપને તથા આપના પરિવારને હનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

શ્રી હનુમાનજી મહારાજ આપણા બધાનું એક પ્રિય પાત્ર છે. હનુમાનજીનું ચરિત્ર શ્રેષ્ઠ અને અપરંપાર છે. તેઓ સંકટમોચન છે. શ્રી રામ પ્રભુના અનન્ય અને પરમ ભક્ત છે. શ્રી હનુમાનજીએ સીતાજીની શોધનું દુર્ગમ કાર્ય કર્યું હતું, લંકા નગરીને બાળીને ભસ્મ કરી હતી, રાવણના પુત્ર અક્ષકુમારનો વધ કર્યો હતો. જ્યારે લક્ષ્મણજી ઉપર વિપદા આવી પડી, ત્યારે વૈદ્ય સુષેણને લંકામાંથી લાવનાર અને સંજીવની જડીબુટ્ટી લાવનાર પણ શ્રી હનુમાનજી જ હતા. લંકામાં જઈ માતા સીતાજીનો શોક હરનારા અને વનવાસ પૂર્ણ કરી શ્રી રામ અયોધ્યાપુરીમાં પધારી રહ્યાં છે, તે સંદેશો ધર્મસ્વરૂપ શ્રી ભરતજીને આપનાર પણ શ્રી હનુમાનજી જ હતા. શ્રી રામજી અને સીતાજીના હૃદયમાં શ્રી હનુમાનજીનું કેવું સ્થાન છે? તે સીતાજી દ્વારા પોતાના ગળામાં પહેરેલી માળા ભેટ સ્વરૂપે આપવા અને વિભીષણ, સુગ્રીવ તથા અંગદને પોત-પોતાના સ્થાને પરત મોકલ્યા બાદ શ્રી હનુમાનજીને અયોધ્યામાં રહેવાની અનુમતિ આપી, તેના ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે. આમ, રામાયણની સંપૂર્ણ કથામાં એક મધ્યવર્તી પાત્ર અને રુદ્ર સ્વરૂપ એવા શ્રી હનુમાનજીની જન્મ જયંતી નિમિતે વિવિધ શાસ્ત્રોમાં તેઓના જન્મ વિશે શું કથાઓ વર્ણવેલી છે તે જોઇએ.

સ્કંદપુરાણ અનુસાર કથા

એક વખત માતા અંજના તપ કરી રહ્યાં હતા ત્યારે ઋષિ મતંગજીએ તેઓને પૂછ્યું, હે દેવી! આપ આ તપસ્યા શા માટે કરી રહ્યાં છો? આ તપસ્યા પાછળ આપના મનોરથ શું છે? ત્યારે અંજનાજીએ ઋષિને કહ્યું કે, હે ઋષિ મતંગજી ! કેસરી નામના એક શ્રેષ્ઠ વાનરે મારા પિતા પાસે મારો હાથ માંગ્યો હતો. ત્યારે પિતાજીએ મને તેઓની સેવામાં સમર્પિત કરી દીધી એટલે કે તેની સાથે મારા લગ્ન કરી દીધા. પતિદેવ સાથે ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રહ્યાં બાદ પણ હજુ સુધી મને પુત્ર પ્રાપ્તિ થઇ નથી. મેં કિષ્કિન્ધા નગરીમાં અનેક વ્રતો કર્યા, બાધાઓ રાખી, છતાં પણ પુત્ર પ્રાપ્તિ ન થવાથી મને ખૂબ જ દુખ થયું. માટે હું અહિં તપસ્યા કરી રહી છું. હે મુનીશ્રેષ્ઠ ! આપ જ જણાવવા કૃપા કરો, કે મને ત્રણેય લોકમાં પ્રસિદ્ધ એવો પુત્ર ક્યારે મળશે?

મહર્ષિ મતંગજીએ તેને સુવર્ણમુખી નદીના ઉત્તર ભાગમાં વૃષભાચલ (વેંકટાચલ) પર્વતના શિખર ઉપર આવેલા સ્વામિપુષ્કરિણી તીર્થમાં જઈ, વિધિપૂર્વક સ્નાન કરીને ત્યારબાદ વારાહ સ્વામી તથા ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી, ત્યાંથી આકાશગંગા તીર્થમાં જઈ સ્નાન કરી, તેના જલનું પાન કરીને તે તીર્થની સામે (સન્મુખ) ઉભા રહી, વાયુદેવને પ્રસન્ન કરવાના સંકલ્પ સાથે તપસ્યા કરવા આદેશ આપ્યો અને કહ્યું કે, આવું કરવાથી તેને દેવતા, રાક્ષસ, બ્રાહ્મણ, મનુષ્ય તથા અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યું ન થાય તેવા મહા બળવાન પુત્રની પ્રાપ્તિ થશે.

શ્રી અંજના દેવીએ મહર્ષિને વારંવાર પ્રણામ કર્યા અને તેના પતિને લઈને તરત જ વેંકટાચલ પર્વત ઉપર ગયા. ત્યાં સ્વામિપુષ્કરિણીમાં સ્નાન કરી વારાહ સ્વામી અને ભગવાન વેંકટેશ્વરના દર્શન કરીને પછી આકાશગંગાના કિનારે ગયા. તેમાં સ્નાન કરી, તેના જલનું પાન કર્યું અને તેની સમક્ષ ઉભા રહી, પ્રાણસ્વરૂપ શ્રી વાયુદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યા. સૂર્ય દેવ મેષ રાશી ઉપર હતા, તેવા સમયે ચિત્રા નક્ષત્રવાળી પૂનમના દિવસે વાયુદેવ પ્રગટ થયા અને અંજનીદેવીને વરદાન માંગવા કહ્યું. સતી અંજનાએ વાયુદેવને કહ્યું કે, હે વાયુદેવ ! મને પુત્ર પ્રાપ્તિ કરાવો. ત્યારે વાયુદેવે કહ્યું, સુંદર મુખવાળી, હું જ તમારો પુત્ર થઈશ અને આપનું નામ વિશ્વમાં વિખ્યાત કરી દઈશ. આમ, વાનરરાજ શ્રી કેસરીની પ્રિયતમા પત્ની શ્રી અંજનાદેવીની કૂખે એક ઉત્તમ પુત્ર એટલે કે, શ્રી હનુમાનજીનો જન્મ થયો.

શ્રીમદ્‌ વાલ્મીકીય રામાયણ અનુસાર કથા

જ્યારે બળવાન અને બુદ્ધિમાન વાનરોનું એક જૂથ માતા સીતાજીની શોધ કરવા માટે દક્ષિણ દિશામાં જાય છે, ત્યારે સમુદ્ર કિનારે સંપાતી (જટાયુનો ભાઇ) માતા સીતા લંકામાં હોવાનું જણાવે છે. તે સમયે પાકી ભાળ મેળવવા કોઈએ સમુદ્ર ઓળંગીને લંકા જવાનું હોય છે. દરેકને કોઈને કોઈ મર્યાદા હોય છે, ત્યારે ઋક્ષરાજ જામ્બવાનજીએ હનુમાનજીને કહ્યું, “કવન સો કાજ કઠિન જગ માહીં, જો નહિં હોઇ તાત તુમ્હ પાહિં – હે મહાવીર, જગતમાં એવું કયું કઠણ કે અઘરું કામ છે જે તમારાથી ન થઈ શકે? અને વળી આપનો તો જન્મ જ શ્રીરામજીના કાર્યો કરવા માટે થયો છે – રામ કાજ લગિ તવ અવતારા”. આ સાંભળી હનુમાનજી લંકામાં જવા તૈયાર થઈ જાય છે, તે સમયે આ કથા વર્ણવવામાં આવેલ છે.

પુંજિકસ્થલા નામની એક પ્રસિદ્ધ અપ્સરા હતી. તે બધી અપ્સરાઓમાં મુખ્ય હતી. એકવાર શ્રાપવશ તેનો કપિયોનિમાં (વાનરકુળમાં) જન્મ થયો અને વાનરરાજ કુંજરની, ઇચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી, પુત્રી બની. તેનું નામ અંજના હતું, જેના રૂપની બરાબરી કરી શકે તેવું કોઈ ન હતું. તેના વિવાહ વાનરરાજ કેસરી સાથે કરવામાં આવ્યા. રૂપ અને યૌવનથી સુશોભિત તેવી અંજના એક દિવસ મનુષ્યનું-સ્ત્રીનું શરીર ધારણ કરી, પીળા રંગનું લાલ કિનારીવાળું રેશમી વસ્ત્ર પહેરી, ફૂલોના અદ્‌ભુત આભૂષણો ધારણ કરીને વર્ષાઋતુના મેઘની જેમ શ્યામ કાન્તિ ધરાવતા એક પર્વતના શિખર ઉપર વિચરતી હતી. તે સમયે વાયુદેવે તેના શરીર ઉપરથી વસ્ત્ર ધીરેથી હરી લીધું એટલે કે પવનથી તેનું વસ્ત્ર શરીર ઉપરથી થોડું સરકી ગયું. વાયુદેવ તેનું શરીર-સૌષ્ઠવ જોઇને તેના ઉપર મોહિત થઈ ગયા. વાયુદેવના બધા અંગોમાં કામભાવનાનો આવેશ થઈ ગયો અને મન અંજનામાં મગ્ન થઈ ગયું. વાયુદેવે એ નિર્દોષ અને નિષ્કલંક સુંદરીને પોતાની વિશાળ ભુજાઓમાં જકડીને હૃદય સરસી ચાંપી દીધી. અંજના એકપતિવ્રતા હતી. તે ગભરાઈ ગઈ અને બોલી, તમે કોણ છો? જે મારા પાતિવ્રત્યનો નાશ કરવા માંગો છો? ત્યારે વાયુદેવે જવાબ આપ્યો કે, સુશ્રોણી ! હું તમારા પાતિવ્રત્યનો ભંગ નથી કરી રહ્યો. મેં અવ્યકતરૂપે તમારું આલિંગન કરીને માનસિક રીતે તમારી સાથે સમાગમ કર્યો છે. જેનાથી તમને “વીર્યવાન્‌ બુદ્ધિસમ્પન્નસ્તવ પુત્રો ભવિષ્યતિ” બળ-પરાક્રમથી સંપન્ન અને બુદ્ધિમાન પુત્ર પ્રાપ્ત થશે. આમ, અતુલિત બળવાળા અને જ્ઞાનીઓમાં પ્રથમ હરોળના એવા સકળ ગુણોના ધામ મારુતિનંદનનું પ્રાગટ્ય થયું.

હનુમાનચરિત અનુસાર કથા

અંજની મહર્ષિ ગૌતમજીના પુત્રી હતા. તેના લગ્ન કેસરીજી જોડે થયેલા હતા. કેસરીજીને બધા પ્રકારનું સુખ હતું, પરંતુ એક શેરમાટીની ખોટ હતી. જેને લીધે પતિ-પત્ની બન્ને દુઃખી રહેતા હતા. એક દિવસ અચાનક દેવર્ષિ નારદજીએ દર્શન આપ્યા. શ્રીમતી અંજનીજીએ નારદજી સમક્ષ પોતાના દુખનું વર્ણન કર્યું. દેવર્ષિ નારદજીએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, તમને જરૂરથી પુત્ર થશે અને એવો પુત્ર પ્રાપ્ત થશે, જેનો મહિમા યાવત્ ચંદ્ર દિવાકર – જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી રહેશે તથા તે અજર અમર હશે. પરંતુ, આવો યશસ્વી પુત્ર મેળવવા તમારે પવનદેવની આરાધના કરી, તેને પ્રસન્ન કરવા પડશે. દેવી અંજનીએ તપ કરીને પવનદેવને પ્રસન્ન કર્યા અને પુત્ર આપવા માટે વિનંતી કરવા લાગ્યા.

આ જ સમયે મહારાજ દશરથ પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ પૂર્ણ થતાં ઋષ્યશૃંગએ રાજાને ખીર આપી અને તેને મુખ્ય રાણીઓમાં વહેંચી દેવા આજ્ઞા કરી. ખીર લઇને મહારાજ દશરથ મહેલમાં આવ્યા, પરંતુ કોઇ કારણસર પ્રસાદીની ખીર વહેંચતી વખતે મહારાણી સુમિત્રા ત્યાં હાજર ન રહી શક્યા. મહારાજ દશરથ દ્વારા તેનો ભાગ અલગથી રાખી મૂકવામાં આવ્યો. પવનદેવ એ જ સમયે ગીધનું રૂપ લઈ, હવનની પ્રસાદી (ખીર)નો આ અલગથી રાખવામાં આવેલો ભાગ ચાંચમાં લઈ (આ કારણે જ કદાચ શ્રીરામચરિતમાનસમાં કૌશલ્યાજી અને કૈકેયીજી પોતાના ભાગમાંથી સુમિત્રાજીને ખીર આપતા હોવાનો ઉલ્લેખ છે) આકાશમાર્ગે ખૂબ જ ઝડપથી જ્યાં અંજનીદેવી હાથ જોડી પ્રાર્થના કે હાથ ફેલાવી પુત્રની માંગણી કરી રહ્યાં હતા ત્યાં પહોંચી ગયા.   

ગીધ રૂપમાં પવનદેવે એ હવનનો પ્રસાદ અંજની દેવીની અંજલિ(ખોબો)માં મૂકી દિધો અને અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ આકાશવાણી થઈ – “ભક્ષયસ્વ ચરું ભદ્રે પુત્રસ્તે ભવિતામુના, રાક્ષસાં નાશને હેતુ: શ્રીરામચરણે પર:” હે દેવી ! આ ખીર ખાઓ, જેનાથી રાક્ષસોનો નાશ કરવાવાળો અને શ્રીરામનો ભક્ત પુત્ર પ્રાપ્ત થશે. આ પ્રમાણે પવનદેવના આશીર્વાદથી દેવી અંજની ગર્ભવતી થઈ. ચૈત્ર માસની પુનમ, ચિત્રા નક્ષત્ર, શનિવારના રોજ સૂર્યોદય સમયે, જ્યારે સૂર્ય મેષ રાશી ઉપર હતો, ત્યારે મહાવીર પુરુષ શ્રી હનુમાનજીનો અવતાર થયો. (હનુમાનચરિતમાં આ કથા ક્યા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે? તેનો ઉલ્લેખ નથી.)

આનંદ રામાયણ અનુસાર કથા

અહીં આ ચરિત બે ભાગમાં છે. પ્રથમ, સારકાંડ સર્ગમાં શ્રી શિવજીએ કહ્યું છે, તે મુજબ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યા બાદ તેની ફળશ્રુતિરૂપે અગ્નિદેવતાએ યજ્ઞની પ્રસાદી એટલે કે ખીરનો કટોરો આપ્યો. શ્રી દશરથજીએ આ પ્રસાદી રાણીઓ વચ્ચે વહેંચી દીધી. જે પૈકી મહારાણી કૈકેયીનો ભાગ એક સમડીએ, શ્રાપથી મુક્ત થવાની ભાવના સાથે, તેના હાથમાંથી ઝુંટવી લીધો. આ સમડી અગાઉ સુવર્ચલા અપ્સરા હતી. એકવાર બ્રહ્મસભામાં નૃત્યમાં ભંગ થવાને કારણે બ્રહ્માએ તેને પૃથ્વી ઉપર જઈ સમડી થવાનો શ્રાપ આપ્યો હતો. શ્રાપ મળવાથી વ્યાકુળ સુવર્ચલા અપ્સરા બ્રહ્માજીને ખૂબ જ વિનંતી કરવા લાગી. ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું કે, જ્યારે તું કૈકેયીનો ખીરનો ભાગ છીનવીને અંજની પર્વત ઉપર નાખીશ, ત્યારે તું શ્રાપ મુક્ત થઈ જઈશ અને તારા અપ્સરાના મૂળ સ્વરૂપમાં આવી જઈશ.

બીજો, જ્યારે અગત્સય મુનિએ શ્રી પવનનંદન હનુમાનજીના જન્મ, તેને મળેલા વિવિધ વરદાનો અને મુનિઓના શ્રાપનું વર્ણન કર્યું, તે મુજબ જન્મની કથા કંઈક આવી છે. એક સમયની વાત છે, જ્યારે કેસરીની અંજની નામની સ્ત્રી અંજન પર્વત ઉપર બેઠી હતી. એટલામાં આકાશમાંથી કોઇ સમડીના મુખમાંથી ખીરનો એક પિંડ (લોંદો કે ભાગ) ત્યાં આવીને પડ્યો. આ એ જ ખીરનો ભાગ હતો, જે સમડીએ કૈકેયી પાસેથી છીનવી લીધો હતો. આ અમૃત સમાન ખીરનો પ્રસાદ અંજનીએ ખાઈ લીધો. એટલામાં કેસરીની બીજી પત્ની માર્જારાસ્યા પણ ત્યાં આવી. પતિ કેસરીની ગેરહાજરીમાં બન્ને ત્યાં વિચરી રહી હતી. તે સમયે પવને અંજનીના વસ્ત્રો ઉડાડીને ઉંચા કર્યા તથા તેના સાથળ જોઈ લીધા. ત્યારબાદ વિનંતી કરીને વાયુએ તેની સાથે માનસિક ભોગ પણ કર્યો. આમ, માતા અંજનીથી પવનના પુત્ર એવા હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ અગિયારશના રોજ મઘા નક્ષત્રમાં થયો. અન્ય કથાઓમાં ચૈત્ર સુદ પુનમના રોજ શ્રી હનુમાનજીના જન્મ થયાનું અનુસંધાન છે. આ બધી ઘટનાઓ ખરેખર બનવાની સદીઓ પછી લખાતી હોય, બન્ને વચ્ચેના સમય અંતરને લીધે આવો ફેરફાર રહેતો હોઈ શકે.

શિવપુરાણ અનુસાર કથા

એક સમયની વાત છે, જ્યારે અદ્‌ભુત લીલા કરનારા ગુણશાળી ભગવાન શંભુને વિષ્ણુનાં મોહિની રૂપનાં દર્શન પ્રાપ્ત થયાં. ત્યારે શિવજી, જેણે કામને બાળીને ભષ્મ કરી દીધો હતો, કામદેવનાં બાણોથી ઘાયલ થઈ ગયા હોય એમ ક્ષુબ્ધ થઈ ગયા. આ સમયે પરમેશ્વર શિવજીએ શ્રીરામજીના કાર્ય સિદ્ધિ અર્થે વીર્યપાત કર્યો. ત્યારે સપ્તર્ષિઓએ આ વીર્ય (શ્રીરામજીના કાર્ય સિદ્ધિ અર્થે વીર્યપાત કરેલ હોય) ને પત્રપુટક એટલે કે પડિયામાં સ્થાપિત કર્યું. આ માટે ભગવાન શિવજીએ જ એમના મનમાં પ્રેરણા કરી હતી. ત્યારબાદ એ મહર્ષિઓએ શિવજીના આ વીર્યને ગૌતમ કન્યા અંજનીના શરીરમાં તેના કાનને માર્ગે સ્થાપિત કર્યું. યોગ્ય સમયે આ જ વીર્યના ગર્ભથી ભગવાન શિવજી પોતે મહાન બલપરાક્રમસંપન્ન વાનર શરીર ધારણ કરીને ઉત્પન્ન થયા, એમનું નામ હનુમાન રાખ્યું.                   

આ પાંચેય વિવિધ શાસ્ત્રોમાં મહાપરાક્રમી રામ ભક્ત શ્રી હનુમાનજીના જન્મની કથાઓ છે. આજના લેખમાં હનુમાનજીના જન્મની કથાઓને પ્રાધાન્ય આપેલું છે, માટે તેના મહાત્મય વિશે વધુ નહીં લખું. પરંતુ ભગવાન શ્રી રામના સ્વમુખે વર્ણવાયેલ હનુમાનજીનો મહાત્મય દર્શાવતી શ્રી ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રી રામચરિતમાનસની આ ચાર ચોપાઈઓ થોડામાં ઘણું બધુ કહી જાય છે.

સુનુ કપિ તોહિ સમાન ઉપકારી । નહિં કોઉ સુર નર મુનિ તનુધારી ॥

પ્રતિ ઉપકાર કરૌં કા તોરા । સનમુખ હોઈ ન સકત મન મોરા ॥

સુનુ સુત તોહિ ઉરિન મૈં નાહિં । દેખેઉઁ કરિ બિચાર મન માંહીં ॥

પુનિ પુનિ કપિહિ ચિતવ સુરત્રાતા । લોચન નીર પુલક અતિ ગાતા ॥

*** શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ***

(આ લેખ લખવાની પ્રેરણા માટે કુ. અવનીના આભાર સહ… )

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here