કોરોના – વિચિત્ર અને જાલિમ

Posted by

કોરોના નામના અનિષ્ટ પ્રેરિત કોવિડ-19 નામની મહામારીને દવા કે રસીની અનુપલબ્ધી વખતે લડત આપવાના એક માત્ર શસ્ત્ર સમાજિક દુરી (સોશીયલ ડિસ્ટન્સીંગ) માટે અમલમાં મૂકવામાં આવેલ લોકડાઉનનો સમય સવારમાંં પક્ષીઓના કુંજરવ, ગાયોની અવરજવર, વસંત ઋતુની વૃક્ષો અને વાતાવરણ ઉપર અસરનો અનુભવ, દિવસ દરમ્યાન અનિવાર્ય એટલું કચેરી કામ, સાંજે માળામાં પાછા વળતા પક્ષીઓની ચહલ-પહલ, રાત્રે શુક્રના તારાનુું સાનિધ્ય અને શુદ્ધ વાતાવરણ સાથે પસાર થઇ રહ્યો છે.

માનવજાત થોડી સદીઓ પાછળનું જીવન જીવતી હોય તેવું લાગે છે, ત્યારે એક મોટો સહારો છે – ઇન્ટરનેટ (સૌથી વધુ આવશ્યક સેવા ગણી શકાય). વિશ્વના તમામ દેશો દ્વારા કોરોના સામે લડવાના અથાક પ્રયત્નો બાદ પણ કોઇ ઠોર પરિણામ સામે દેખાતું નથી. આ સમય દરમ્યાન કેટલાય મૃત્યું પામશે, કેટલાય નોકરી ગુમાવશે, કેટલાયના વેપાર-ધંધા ભાંગી પડશે, કેટલાય મનોરોગના ભોગ બનશે. પરંતુ હજુ તો એવું જ જણાય છે કે, આગળ એટલી દુર્ગમતા જણાઈ રહી છે, જેનો આપણે વિચાર પણ નથી કરી શકતા.

વિચિત્રતા

આ વાયરસ ખરેખર બહુ જ વિચિત્ર છે. સામાન્ય રીતે એક બિમાર વ્યક્તિ અન્યને બિમાર પાડતા હોય છે અને એવી રીતે બિમારી ફેલાતી હોય છે. આ વાયરસની વિચિત્રતા એવી છે, જેમાં સાજો દેખાતો વ્યક્તિ બિમાર વ્યક્તિને આ રોગની ભેટ ઝડપથી આપે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિમાં તેના લક્ષણો દેખાતા વાર લાગે છે. તે સાજો દેખાતો હોવાથી બધાની વચ્ચે રહે છે અને જેઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય કે અગાઉથી જ અન્ય કોઈ બિમારી સાથે જીવતા હોય, તેઓમાં બહુ જ ઝડપથી ફેલાય છે. અગાઉ એક અનુમાન એવું હતું કે, આ રોગ બાળકોમાં બહુ ફેલાતો નથી, આ ભ્રમણા તાજેતરના જામનગરના કેસ અને વિશ્વના અન્ય ડેટા ઉપરથી તૂટી ગઈ છે. કોરોનાના લક્ષણો સામાન્ય રીતે તાવ, શરદી તથા શ્વાસ લેવામાં તકલીફ વગેરે જણાતા હતા, ત્યારબાદ સુંઘવાની શક્તિ જતી રહે જેવા લક્ષણો ધ્યાન ઉપર આવ્યા અને છેલ્લે કોઇપણ લક્ષણો વગર પણ કોરોના સંક્રમિત હોય અને મૃત્યુ થયું હોય તેવું બન્યું છે. આ ઉપરાંત તાજેતરમાં એક કેસ વાઘમાં જોવા મળ્યો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેઓની વેબસાઇટ ઉપરથી પાલતું પ્રાણીઓમાં કોરોનાના ચેપના પુરાવા નથી તે વિગતો હટાવી લેવામાં આવી છે, તે જોતા આ રોગ પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. આ બધી વિગતો જોતા એવું ચોક્કસ કહી શકાય કે, આ વાયરસ હવે ફક્ત માનવજાત ઉપર ખતરાથી મર્યાદિત ન રહેતા, જીવમાત્ર ઉપર ખતરો જણાઈ રહ્યો છે. જો કે આ નવી-નવી બાબતોથી આ મહાન શત્રુ વધુ સ્પષ્ટ થઈ રહ્યો છે, જે આગળ તેની સામે લડવાની રસી બનાવવામાં અને સારવારની રીત નક્કી કરવામાં મદદરૂપ થશે.

જાલિમ  

European Center for Disease Prevention and Control (ECDC)ના અહેવાલ અનુસાર વિશ્વના કૂલ કેસો છેલ્લા 10 દિવસમાં 6.57 લાખથી વધી 13.92 લાખ એટલે કે બમણા થયા છે. જ્યારે ભારતમાં આ કેસો છેલ્લા પાંચ જ દિવસમાં 2301 થી 5194 એટલે કે બમણા થઈ ગયા અને ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ છે.

વિશ્વમાં કૂલ મૃત્યાંક 81,478 જેટલો છે, જે કૂલ કેસોના 6% અને બંધ થયેલા કેસોના 21% જેટલા છે. જ્યારે ભારતમાં આ કેસો 149 જેટલા છે, જે કૂલ કેસોના 2.87% અને બંધ થયેલા કેસોના 25% જેટલા થવા જાય છે. ગુજરાતમાં મૃત્યાંક 17 છે, જે કૂલ કેસોના 7% અને બંધ થયેલા કેસોના 40% જેટલો છે. ગુજરાતની આ સરેરાશ વિશ્વ, ભારત અને સૌથી વધુ કેસો ધરાવતા અમેરિકાથી પણ વધુ છે.

ચીનના 468 કેસોના એક અભ્યાસ ઉપરથી એવું તારણ નીકળ્યું છે કે, એક વ્યક્તિ ચેપ લાગ્યા પછી માંદો થાય તે પહેલા સરેરાશ 59 લોકોને ચેપ લગાડે છે. ભારતીય તબીબી સંશોધન સમિતિ (The Indian Council of Medical Research – ICMR)ના અહેવાલ અનુસાર ભારતમાં એક સંક્રમિત વ્યક્તિ 30 દિવસમાં 406 લોકોને ચેપ લગાવી શકે છે. દક્ષિણ કોરિયાનો “દર્દી નંબર – 31” આ માટે વિશ્વ પ્રસિધ્ધ થઈ ગયો છે.

ઉત્તમ ઉદાહરણો

દક્ષિણ કોરિયાઅમેરિકા અને દક્ષિણ કોરિયા બન્ને દેશોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પોતાનો પ્રથમ કેસ તા. 20મી જાન્યુઆરી, 2020ના રોજ નોંધાવેલ હતો. 8મી એપ્રિલ, 2020ની સ્થિતિએ અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 3,98,809 છે, જ્યારે દક્ષિણ કોરિયામાં સંક્રમિતોની સંખ્યા 10,384 છે. આવું કેવી રીતે બન્યું? દક્ષિણ કોરિયાએ શોધવા, પરીક્ષણ કરવું અને સારવાર કરવી (Trace, Test and Treat – 3T) મોડેલ અપનાવ્યું. તેની સરખામણીએ અમેરિકાએ અર્થતંત્રને પ્રાધાન્ય આપ્યું. પરિણામો આપણી સમક્ષ જ છે.

ભીલવાડા – આ ઉદાહરણ તો આપણી નજર સમક્ષ જ છે. ભીલવાડા, રાજસ્થાનમાં એકાએક કેસો ફૂટી નીકળ્યા. 19મી માર્ચ, 2020ના રોજ પ્રથમ કેસ નોંધાયો અને તેના પછી ચાર જ દિવસમાં 13 કેસ હતા તથા 30મી માર્ચ, 2020 સુધીમાં 26 કેસો થઈ ગયા હતા. ત્યારબાદ 8મી એપ્રિલ, 2020 સુધીમાં માત્ર એક જ કેસ વધી 27 કેસો થયા છે. આ 27 કેસો પૈકી 9 વ્યક્તિઓ તો સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. ભીલવાડામાં શું પગલાઓ લેવામાં આવ્યાં? તો ત્યાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું. જેમાં આવશ્યક સેવાઓનો પણ સમાવેશ થાય છે. ઘનિષ્ઠ શોધ અને ઘરે-ઘરે જઈ સર્વે કરવામાં આવ્યો, સંક્રમિતના સંપર્કમાં આવેલાઓને શોધીને કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા. જેનું શુભ પરિણામ પણ આપણી સામે જ છે.

હવે શું ?

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવાના હાલ ઉપલબ્ધ એકમાત્ર ઉપાય તેવા સોશીયલ ડિસ્ટન્સીંગ (સામાજિક દુરી)નો સારી રીતે અમલ કરાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં વસ્તી, ભૌગોલિક વિસ્તાર તથા દેશના લોકશાહી તંત્રના માળખાના પરિપેક્ષ્યમાં સર્વોત્તમ કહી શકાય. સોશીયલ ડિસ્ટન્સીંગ (સામાજિક દુરી)ની શરૂઆત જનતા કર્ફ્યુ દ્વારા સ્વયંશિસ્તથી કરવામાં આવી અને હાલ પણ લોકડાઉન જ છે (કર્ફ્યુ નથી). લોકડાઉનના શરૂઆતના સમયમાં ભારતની પરિસ્થિતિ કાબુમાં રહેશે તેવું લાગતું હતું. છેલ્લા થોડા દિવસોમાં ચોક્કસ લોકોની બેદરકારી કે નાસમજને લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તે જોતા હવે નિયત સમય પુરતા લોકડાઉનથી સ્થિતિ કાબુમાં આવી જશે તેવું નથી લાગતું. લોકડાઉન ઉઠાવી લેવામાં આવે અને પછી પરિસ્થિતિ વણસે તો વધુ મુશ્કેલી ઉભી થાય અને આમ પણ એકવાર લોકડાઉન ઉઠાવી લેવામાં આવે અને પછી ફરીથી લાગુ કરવામાં આવે તો લોકો માટે પચાવવું ચોક્કસ અઘરું પડે. આવી પરિસ્થિતિમાં સમય સંજોગો અનુસાર આકરા પગલાઓ લેવા આવશ્યક થઈ જાય છે.

જેમ ગુમડું દુખતું હોવા છતા તેને દબાવીને કે ચીરો મૂકીને તેમાંથી બગાડ કાઢી નાખવો પડે, તેવી રીતે આ રોગના સંક્રમણને રોકવા લોકડાઉન વધારવાના અને જરૂર જણાયે કર્ફ્યુ લાદવાના આકરા પગલા ભરતા જરાય અચકાવું જોઈએ નહીં. આકરા પગલાઓ લેવાથી નાગરિકોની રોજીંદી કામગીરીમાં મુશ્કેલીઓ વધશે, અર્થતંત્રનો ઘાવ વધુ ઊંડો થશે અને શાસક પક્ષની નિંદા પણ થશે (જે લોકશાહીમાં સ્વાભાવિક છે). પરંતુ, આ ગુમડાને વકરતું અટકાવવા વાઢકાપ તો કરવું જ રહ્યું.   

આ ઉપરાંત, વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં ટેસ્ટિંગ ઘણું જ ઓછું થઈ રહ્યું છે. જ્યાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે ત્યાં કેસોની સંખ્યા વધુ પણ જોવા મળે જ છે, આજનો જ અમદાવાદનો દાખલો આપણી સામે છે. આ સંજોગોમાં ટેસ્ટિંગ વધારવામાં નહીં આવે અને સંભવિતોને લક્ષણો દેખાય તે પહેલા જ શોધીને અલગ તારવવામાં નહીં આવે, તો કેસોનો વિસ્ફોટ થતાં વાર નહીં લાગે. બીજુ, ગુજરાતમાં સંક્રમિતોમાં સારવાર દરમ્યાન મૃત્યુનો દર પણ ચિંતા જનક છે. સારવારમાં જરૂરી સુધારા લાવી, આ ક્ષેત્રમાં કામ કરવું પણ આવશ્યક જણાય છે.

8 comments

  1. You are right sir..until necessary and strict actions will not put in practice, nothing can be under control. The moment when we start helping ourselves, we can undoubtedly save all around us which is the only solution to defeat this pandemic. And I think it would be better to think about the health of the people rather to think about the economy of the country because ” પ્રજા છે તો રાજા છે.” And in this context Respected President of America has well said that if my people of the country will alive then economy of this country will be the secondary. Our Respected Prime Minister Narendra Modi is living with a lifelong vision therefore he has decided to take the very strict decisions to save his people from this unpredictable pandemic and also helping all by doing his best that is admirable as well.
    I want to thank you sir that you are really doing very great job by writing your post and keep me updating what is going around the world and in this sphere where do we stand.So keep updating sir.Will wait for your next post..🙏

  2. True

    Social distancing is compulsory for more some days otherwise we have to face big problems.

    Thanks for briefing.

  3. Very informative sirjee. And keep it up. Delighted to read all your articles. Gathering and presenting a wide variety of topics is an art and you have mastered it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *