Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની... । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “મન રામ પદ કમલ લીન…”, ભાગ – ૫૫ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-055/) માં માતાજીના પ્રથમ દર્શન કરતા સાથે જ તેઓની બાહ્ય અને આંતરિક પરિસ્થિતીનું વર્ણન, વાલ્મીકિય રામાયણમાં સીતાજીના મેલા વસ્ત્રો, ઝાંખા આભૂષણો વગેરેનું વર્ણન છે, જ્યારે માનસમાં આવું કોઇ વર્ણન કેમ નથી? વાલ્મિકિય રામાયાણ મુજબ માતાજી કેવા લાગતા હતા? તેનું વર્ણન, નેત્રોને ચરણોમાં સ્થિત કરવાનું કે ધ્યાન કેન્દ્રિત કરવાનું મહત્વ, ચરણોને લગતા એક અદ્‌ભૂત પ્રયોગ વગેરે કથા જોઇ હતી.

હવે આજની કથામાં પ્રથમ તો આજે અયોધ્યા ખાતે રામજીલાલાની પ્રાણપ્રતિષ્ઠાનો અતિશુભ, મંગલકારી દિવસ છે. આ ધન્ય ઘડી બાબતે કંઇપણ અને કેટલું પણ લખવામાં આવે તો અલ્પ અને અધુરુ જ છે. ૫૦૦થી પણ વધુ વર્ષો બાદ પુન:નિર્માણ થયેલા ભારતવર્ષના આરાધ્ય દેવ એવા પ્રભુ શ્રીરામચંદ્રજીના ભવ્યાતિભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની બધાને ખૂબ-ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. શ્રીરામ મંદિર અને અયોધ્યાનગરી તો અલૈકિક રીતે સજાવવામાં આવેલ છે, પરંતુ આખા દેશમાં અને વિશ્વના દરેક ખૂણે એક અનેરો અદ્વિતિય આનંદ છવાયેલો જોવા મળે છે. “अवधपुरी प्रभु आवत जानी। भई सकल सोभा कै खानी॥” આ સમયે પૃથ્વી પર ઉપસ્થિત આપણા બધાના ધન્ય ભાગ્ય છે કે આ સુઅવસરના આપણે સાક્ષી છીએ. આ ધન્ય ઘડીને સાથે મળી ઉજવીએ. આજે તા. ૨૨.૦૧.૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૨૯:૦૮ થી ૧૨:૩૦:૩૨ અન્ય તમામ કાર્યક્રમો સાથે આ ૮૪ સેકન્ડ માટે સંપૂર્ણપણે પ્રભુમય થઈ, અનેક જન્મોના ફેરાઓ ફર્યા બાદ વિસરાય ગયેલા અને આપણા હૃદયમાં સદાયે પ્રતિષ્ઠિત શ્રી રાઘવેન્દ્ર સરકારને યાદ કરીએ, તેનો અનુભવ કરીએ તેવી બધાને પ્રાર્થના. શ્રીરામ મંદિર અનંતકાળ સુધી રહે અને તેની સાથે આપણા હૃદયમાં બિરાજેલા પ્રભુ શ્રીરામનું અવિરત સ્મરણ રહે, તેને જ સમર્પિત રહીએ, તેના મય થઈ જઈએ, તેવા ભાવ અને વંદન સહ આજની સુંદરકાંડની સુંદર કથાની શરૂઆત કરીએ.

તરુ પલ્લવ મહુઁ રહા લુકાઈ કરઇ બિચાર કરૌં કા ભાઈ

શ્રીહનુમાનજી વૃક્ષના પાંદડામાં છુપાઇ ગયા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ! હવે શું કરુ?

તરુ પલ્લવ” અર્થાત વૃક્ષના પાંદડામાં. અહીં પલ્લવ એટલે કે પાંદડુ. અહીં પાંદડુ એવો એકવચનનો ઉપયોગ થયેલો છે એટલે કે શ્રીહનુમાનજી એક પાંદડાની પાછળ છુપાઇ શક્યા. “મસક સમાન રૂપ” અર્થાત મચ્છર જેટલું નાનુ રૂપ ધારણ કરેલુ હતુ એટલે પાંદડાની પાછળ છુપાઇ શક્યા. “કરઇ બિચાર” અર્થાત વિચાર કરવા લાગ્યા. શ્રીહનુમાનજી હવે વિચારે છે કે આટલી સઘન સુરક્ષા વ્યવસ્થા છે, માતાજી શોકમગ્ન છે, નજર ઝૂકેલી છે, આજુબાજુ જોતા પણ નથી. આવી પરિસ્થિતિમાં, “કરૌં કા” મતલબ શું કરવું? “કરૌં કા ભાઈ” અર્થાત હે ભાઇ! હવે શું કરુ? પોતાની સાથે વાત કરવાની કે વિચારોમાં પોતાને કંઇક કહેવાની આ એક રીત છે.

શ્રીહનુમાનજી બુદ્ધિમતામ્‌ વરિષ્ઠમ છે, માટે વગર વિચાર્યું કોઇ કામ નહોતા કરતા. દરેક કાર્ય વિચારીને કરવાથી સફળતા સુનિશ્ચિત થાય છે. આપણે ઘણીવાર વગર વિચાર્યે કંઇક કરી નાખીએ છીએ, પછી પસ્તાયે છીએ કે આ શું થઇ ગયું? આમ ન કર્યુ હોત તો સારુ થાત, આ ખોટું થઈ ગયુ, વગેરે. અહીં શ્રીહનુમાનજી હજુ વિચારતા હતા કે આગળ શું કરું? ત્યાં –

તેહિ અવસર રાવનુ તહઁ આવા સંગ નારિ બહુ કિએઁ બનાવા

તે જ સમયે ઘણી જ સ્ત્રીઓને સાથે લઇને ઠાઠ-માઠથી રાવણ ત્યાં આવ્યો.

તેહિ અવસર” એટલે કે તે સમયે. ક્યા સમયે? તો જ્યારે શ્રીહનુમાનજી વિચાર કરી રહ્યા હતા કે શું કરું? શું કરું? તે સમયે. “રાવનુ તહઁ આવા” અર્થાત રાવણ ત્યાં આવ્યો. જ્યારે ભક્ત અસમંજસમાં હોય, વિચારોમાં હોય, દ્વિધામાં હોય કે આ પરિસ્થિતિમાં કે આ સમયે હવે હું શું કરું? ત્યારે ભગવાન કંઇકને કંઇક સંકેત આપે, કોઇ તો સુસંયોગ ઉભો કરી જ દે કે જેથી આગળનો રસ્તો મળી જાય. શ્રીહનુમાનજી વિચારી રહ્યા હતા કે શું કરું? ત્યાં ભગવાને રાવણને મોકલી દિધો. આગળ શું કરવાનુ છે કે શું થશે, તેની વ્યવસ્થા પ્રભુએ કરી દીધી. જ્યાં અશોકવનમાં માતાજી અશોકવૃક્ષ નીચે બેઠા હતા, ત્યાં રાવણ આવ્યો. આવ્યો તો આવ્યો, પણ કેવી રીતે? “સંગ નારિ બહુ કિએઁ બનાવા” એટલે કે ઘણી સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમાઠ સાથે આવ્યો.

રાવણ ઘણી જ સ્ત્રીઓને સાથે લઈને આવ્યો હતો. જેથી જાનકીજીને એવું લાગે કે, તે સ્ત્રીઓને બહુ સુખ આપી રહ્યો છે કે આપતો હશે. આમ કહીએ તો વટ પાડવા કે જો મારી સાથે કેટલી અને કેવી-કેવી સુંદર સ્ત્રીઓ છે? સામાન્ય રીતે પુરુષને આકર્ષિત કરવા સ્ત્રીઓ સુંદર શણગારથી સજતી હોય છે અને સ્ત્રીઓને આકર્ષિત કરવા પુરુષો પ્રભાવશાળી કાર્ય કરતા હોય છે અથવા તો ઘણા ખાલી તેવો દેખાવ કરતા હોય છે. અહીં માતાજીને પ્રભાવિત કરવા રાવણ દેખાડા સાથે ધામધૂમથી  આવે છે.

રાવણ એકદમ સરસ તૈયાર થઈ, સ્ત્રીઓ સાથે ઠાઠમાઠથી માતાજી પાસે આવ્યો. આ પ્રસંગને વર્ણવતા શ્રીવાલ્મીકિજીએ લખ્યુ છે કે, જેમ દેવતાઓ અને ગાંધર્વોની પત્નીઓ દેવરાજ ઇન્દ્રની પાછળ ચાલે છે, એ જ રીતે અશોકવનમાં જઈ રહેલા રાવણની પાછળ લગભગ સો વિશ્વસુંદરીઓ ચાલતી હતી. આ સમયે રાવણ ધનુષ વિનાના સાક્ષાત કામદેવ જેવો લાગતો હતો. આવા ઠાઠમાઠ અને વૈભવના દેખાડા સાથે રાવણ ત્યાં આવ્યો કે જેથી કદાચ મિથિલેશનંદિની તેનાથી પ્રભાવિત થઈ જાય.

અહીં ગોસ્વામી શ્રીતુલસીદાસજીએ એવી પણ ટકોર કરી તેવું સમજી શકાય કે, ભક્તિની સમીપ પહોંચીને પછી હવે શું કરું? શું કરું? તેવુ વિચારવામાં બહુ સમય ન બગાડવો જોઇએ. તુરંત જ સમર્પિત થઈ જવુ જોઇએ, નહિતો રાવણરૂપી વિઘ્ન વચમાં આવી જાય. સોંદર્ય, વૈભવ અને એવા અનેક ઠાઠ ભક્તનું ધ્યાન ભટકાવવા સામે આવી જાય જેનાથી આપણે ભટકી પણ જઈ શકીએ.  જો ભટકી ગયા તો કામ તમામ. તો જ્યારે ભક્તિની સમીપ પહોંચીએ તો તુરંત સંપૂર્ણ સમર્પિત થઈને રહેવું. અહીં તો શ્રીહનુમાનજી હતા, એટલે ભટકવાનો કોઇ ચાન્સ ન હતો. ત્યારબાદ બાબાજીએ લખ્યુ છે કે –

બહુ બિધિ ખલ સીતહિ સમુઝાવા સામ દાન ભય ભેદ દેખાવા

તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા. સામ, દાન, ભય અને ભેદ બતાવ્યા.

ખલ” અર્થાત દુષ્ટ. અહીં બાબાજીએ રાવણને દુષ્ટ સંબોધન કરીને પછી “સીતહિ સમુઝાવા” એટલે કે જનકનંદિનીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તેવુ નોંધ્યુ છે. દુષ્ટ લોકોની સમજાવવાની રીતે અધર્મમય હોય છે અથવા ગોસ્વામીજી કહેવા માંગે છે કે અધર્મમય વાતોથી રાવણે માતા સીતાજીને “બહુ બિધિ” અર્થાત અનેક પ્રકારે સમજાવવા પ્રયત્ન કર્યો. અહીં રાવણની અધર્મમય વાતોનું વર્ણન કરવું યોગ્ય ન લાગતા તેનો છેદ ઉડાડીને બાબજીએ કહી દીધુ કે “બહુ બિધિ”.

રાવણની અધર્મમય વાતોથી મિથિલેશકુમારી ઉપર કોઇ પ્રભાવ ન પડ્યો એટલે હવે નીતિઓનો સહારો લીધો. રાવણ રાજા હતો અને એવું કહેવાય છે કે રાજાના હૃદયમાં નીતિ વસતી હોય છે, “સામ દાન અરુ દંડ બિભેદા નૃપ ઉર બસહિં નાથ કહ બેદા ”. રાવણે વિદેહરાજકુમારીને આ બધી નીતિઓ બતાવી. અહીં રાવણ માતા જાનકીજીને આ બધી નીતિઓ બતાવે છે અર્થાત સમજાવે છે, પ્રલોભન આપે છે, ભય બતાવે છે અને પ્રભુ શ્રીરામ હજુ સુધી તેઓને બચાવવા ન આવ્યા વગેરે વાતોથી ભેદ પાડવાનો પ્રયત્ન કરે છે. તે માતાજીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે, પોતે તેઓને હરિ લાવ્યો તેમાં તેણે કોઇ અનુચિત કર્મ નથી કર્યુઁ. પારકી સ્ત્રીઓ નજીક જવુ અને/અથવા તેનું પરાણે હરણ કરવું, તેનો ઉપભોગ કરવો, એ તો રાક્ષસોનો ધર્મ છે. તમે સ્ત્રીઓમાં અમૂલ્ય રત્ન છો. આ તમારુ સુંદર યૌવન વીતી રહ્યુ છે, જે પાછુ આવવાનુ નથી. આવી લોભામણી વાતો થકી રાક્ષસરાજ રાવણ માતાજીને રીઝવવા મથે છે. યુવાન દિકરીઓ માટે પણ આસપાસના રાક્ષસો ઓળખવા બાબાજીએ આ સુંદર હિંટ આપી છે અને આવા રાક્ષસોના લક્ષણો કેવા હોય, તે વર્ણવ્યુ છે. આગળ શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે –

કહ રાવન સુનુ સુમુખિ સયાની મંદોદરી આદિ સબ રાની

તવ અનુચરીં કરઉઁ પન મોરા એક બાર બિલોકુ મમ ઓરા

રાવણે કહ્યુ – હે સુમુખી! હે ચતુર! સાંભળ, આ મારુ વચન છે કે મંદોદરી વગેરે તમામ રાણીઓને હું તારી દાસી બનાવી દઇશ. તું એકવાર મારી સામે જો તો ખરી!          

મંદોદરી આદિ” આપણે અગાઉ જોઇ ગયા છીએ કે રાવણના મહેલમાં વિશ્વની એકથી એક સુંદર સ્ત્રીઓ તેની રાણીઓ હતી. આ બધી રાણીઓમાં સર્વશ્રેષ્ઠ હતી, તેની પટરાણી મંદોદરી. જેમ આપણે ઘણી જગ્યાએ સનકાદિ, કામાદિ વગેરે શબ્દો વાપરીએ છીએ. જેમાં પ્રમુખ સ્થાન ધરાવનાર વ્યક્તિ કે ગુણની સાથે આદિ શબ્દ જોડી વ્યક્તિસમૂહ કે વસ્તુસમૂહ વિશે જણાવવામાં આવે છે. તેવી રીતે એકથી એક ચડિયાતી તમામ સુંદર રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પટરાણી મંદોદરી હતી. જેથી પટરાણી મંદોદરીના નામ સાથે આદિ શબ્દ જોડી રાવણની તમામ રાણીઓના સમૂહ વિશે અહીં જણાવવામાં આવ્યુ છે કે “મંદોદરી આદિ સબ રાની” અર્થાત મંદોદરી, ખુદ પટરાણી અને અન્ય રાણીઓને “તવ અનુચરીં કરઉઁ પન મોરા” એટલે કે આ બધી સ્ત્રીઓને તમારી દાસી બનાવી દઈશ, આ મારુ પ્રણ છે.

રાવણ પટરાણી મંદોદરી સહિત આ તમામ રાણીઓને માતા જાનકીજીની દાસીઓ બનાવી દેવાની વાત કરે છે ને તે પણ શેના બદલામાં? “એક બાર બિલોકુ મમ ઓરા” અર્થાત તેની સામે ફક્ત એકવાર જોવા માટે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં એવું પણ વર્ણવેલુ છે કે રાવણ વિદેહનંદિનીને કહે છે કે હું અનેક લોકમાંથી જે-જે રત્નો લાવ્યો છું, એ બધા પણ તમારા થશે અને આ રાજ્ય પણ હું તમને સમર્પિત કરી દઇશ. રાવણ પોતાને પૃથ્વીનો અધિપતિ માનતો હોય, સમસ્ત પૃથ્વી પણ જાનકીજીને સમર્પિત કરવાની વાત કરે છે.

પ્રાથમિક દ્રષ્ટિએ તો રાવણની આ વાતો મોહાંધ કે કામાંધ વ્યક્તિની બહેકી-બહેકી વાતો લાગે, પરંતુ બાબાજીના દરેક શબ્દોમાં જીવનદર્શન, સમાજદર્શન સમાયેલુ હોય છે. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, પરંતુ હવે પછીના ભાગમાં ઉક્ત ચોપાઈઓને બે અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-055/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here