જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

Posted by

હયાતીની ખરાઇ

ગુજરાત રાજ્યની વિવિધ તિજોરી કચેરીઓમાંથી વિવિધ પ્રકારના જેવા કે રાજ્ય સરકારના, પંચાયતના,  સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના, અન્ય રાજ્યો વગેરેના મળી આશરે પાંચ લાખ જેટલા પેન્શનરશ્રીઓ દર મહિને પેન્શન મેળવે છે. પેન્શનરશ્રીઓ માટે તેઓની નિવૃત્તિ પછીની જિંદગીમાં સૌથી અગત્યની બાબતો પૈકીની કોઇ એક હોય, તો તે છે “હયાતીની ખરાઇ”. દર વર્ષે પેન્શનરશ્રીઓએ તેને પેન્શન ચૂકવતી કચેરી અથવા જે બેંકમાં પેન્શન માટેનું ખાતુ હોય ત્યાં જઈ પેન્શન સતત ચાલુ રહે તે માટે, અધિકૃત અધિકારીની હાજરીમાં હયાતીની ખરાઇ કરાવવાની હોય છે.

વરિષ્ઠ નાગરિકો એવા પેન્શનરશ્રીઓને ઇઝ ઓફ લિવિંગ વધે, ઘરની બહાર નીકળ્યા વગર પોતાની હયાતીની ખરાઇ સરળતાથી કરાવી શકે તથા તેઓની પેન્શનરૂપી આવક સતત ચાલુ રહી શકે તે માટે, સામાન્ય સંજોગોમાં તો ખરા અને કોવિડ-૧૯ મહામારીના પરિપ્રેક્ષ્યમાં તો ખાસ, સરકારશ્રી દ્વારા વિવિધ જરૂરી પગલાઓ લેવામાં આવે છે. આવા સંજોગોમાં પેન્શનરશ્રીઓ પોતાની હયાતીની ખરાઇ સરળતાથી કરાવી શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ છૂટછાટો અને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે.

હયાતીની ખરાઇ સંદર્ભે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા સરળીકરણના પગલાઓ –

 • છેલ્લા બે વર્ષથી સરકારશ્રી દ્વારા હયાતીની ખરાઇના સમયગાળામાં છૂટછાટ મુકવામાં આવે છે.
 • સરકારશ્રી દ્વારા વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરો કે જે પથારીવશ છે કે ચાલવા માટે અશક્ત છે, તેવા પેન્શનરશ્રી માટે ઘરે બેઠા હયાતીની ખરાઈની સુવિધાજનક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે.
 • રાજ્ય સરકારશ્રીની તિજોરી કચેરીઓમાંથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓ તેમના પેન્શનને લગતી વિગતો સરળતાથી ઘરે બેઠા મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા પેન્શન પોર્ટલ વિકસાવવામાં આવેલ છે.
 • સરકાર પેન્શનરોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે, તેમજ તેઓના માટે સરળ જીવન સુનિશ્ચિત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪માં અમલમાં લાવવામાં આવેલ જીવન પ્રમાણ મારફતે હયાતીની ખરાઈની સુવિધા અર્થાત ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા રાજ્ય સરકારશ્રી દ્વારા પણ અમલમાં મુકવામાં આવેલ છે, જેથી પેન્શન સરળતાથી મળી શકે.
 • આ જ ક્ષેત્રમાં તાજેતરમાં જીવન પ્રમાણ અંતર્ગત “ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Aadhar Based Face Recognition)ના સ્વરૂપે એક વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Aadhar Based Face Recognition)

પેન્શનની સમયસર અને સરળ ચુકવણી તથા પેન્શનરોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે ભૂતકાળમાં વિવિધ પગલાંઓ પણ લેવામાં આવેલા છે અને હજુ પણ સરકારશ્રી ઘણા સુધારાઓ કરી રહી છે. આવી જ સુધારાત્મક અને સરળીકરણની નીતિ અન્વયે પેન્શનરશ્રીઓને ઘરની બહાર ન નીકળવું પડે અને ઘરે બેઠા સરળતાથી જ હયાતીની ખરાઇ કરી શકાય, તે દિશામાં ભારત સરકારના પેન્શન વિભાગ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ની મદદથી આધારકાર્ડ આધારિત ચહેરાની ઓળખની ટેકનોલોજીની મદદથી ડીઝીટલ લાઇફ સર્ટીફિકેટ રજુ કરી શકાય તેવી Digital Life Certificate through Aadhar Based Face Recognition – DLStABFRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાના પગલા –

 • ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવા માટે ઓછામાં ઓછી Android 7.0 (SDK 24) or greater, RAM – 4+ GB, Storage – 64 GB ( Minimum 500 MB free storage space), Camera Resolution – 5MP or greater, Face RD Service (AadhaarFaceRd) સુવિધાવાળા ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ મોબાઇલની આવશ્યકતા રહેશે.  
 • ત્યારબાદ Google Play Store પરથી AadhaarFaceRD એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક – https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd છે. એકવાર Rd સેવા સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ જાય, પછી તે સેટિંગ્સમાં SettingsàApp Info મેનુમાં દેખાશે.
 • હવે https://jeevanpramaan.gov.in/package/download લિંક ઉપર ક્લિક કરી જીવન પ્રમાણ ફેસ એપ્લિકેશન વર્ઝન – ૩.૬ ડાઉનલોડ કરવાની રહેશે.
 • જીવન પ્રમાણ એપ્લિકેશનની લિંક ઉપર ક્લિક કરી એપ્લિકેશન ખોલો અને બધી જરૂરી પરવાનગીઓ આપો.
 • હવે એક ‘ઓપરેટર ઓથેન્ટિકેશન’ સ્ક્રીન દેખાશે, જ્યાં તમારે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સાથે તમારા આધાર અથવા વર્ચ્યુઅલ આઈડીની વિગતો આપવાની આવશ્યકતા રહેશે.
 • જરૂરી વિગતો ઉમેરી ‘સબમિટ’ પર ક્લિક કરવાનું રહેશે અને તમારા આપેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરવાનો રહેશે.
 • હવે તમારા ચહેરાને ઓપરેટર તરીકે સ્કેન કરો અને ચહેરાની સફળતાપૂર્વક ઓળખ થવાથી સ્ક્રીન ઉપર એક પોપ-અપ મેસેજ દેખાશે “ક્લાયન્ટ રજીસ્ટ્રેશન સક્સેસફુલ”. આ ઓપરેટર ઓથેન્ટિકેશન એ એક જ વખત કરવાની પ્રક્રિયા છે અને ત્યારબાદ સંખ્યાની કોઇ મર્યાદા વગર પેન્શનરોના DLC જનરેટ કરી શકાશે.
 • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરનું આધાર મુજબનું પુરુ નામ, પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે), ગુજરાતના પેન્શનરશ્રીઓ માટે પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat), પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury),  પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે), પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર અને બેંક ખાતા નંબર વગેરે વિગતો ઉમેરવાની રહેશે. આ વિગતો ઉમેર્યા બાદ પેન્શનરશ્રી પુન: નોકરીમાં જોડાયેલા (Re-Employed) છે કે નહીં? અને પુન: લગ્ન (Re-Marriage) કરેલ છે કે કેમ? તેની વિગતો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહે છે.
 • હવે એપ ઉપર દેખાતા કન્ફર્મેશન મેસેજનો સ્વીકાર કરો અને લાઈવ ફોટોગ્રાફ માટે તમારા ચહેરાને સ્કેન કરવા ‘ગાઈડ ફેસ ઓથેન્ટિકેશન’ ચેકબોક્સ ઉપર ક્લિક કરી ‘પ્રોસીડ’ ઉપર ક્લિક કરો.
 • ચહેરાનું પ્રમાણીકરણ (Identification) કરતી વખતે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસતા, ચહેરો સીધો રાખવો જરૂરી રહેશે. ચહેરાની સફળતાપૂર્વક ઓળખ થતાં, તમારા પ્રમાણ આઇડી અને પીપીઓ નંબર સાથે સ્ક્રીન પર ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સબમિશન સફળતાપૂર્વક થઈ ગયું છે, તેવો સંદેશો દેખાશે.
 • આમ, પેન્શનર/ફેમીલી પેન્શનરશ્રીઓ ખૂબ જ સરળતાથી નિયત પ્રકારના મોબાઈલથી, અન્ય સંસાધનોની મદદ વગર જ, હયાતીની ઓનલાઇન ખરાઇ કરી શકશે.
 • ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાની સરળ સમજૂતી વિડીયો મારફતે જોવા/મેળવવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.

ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટના ફાયદાઓ –

 • ઇ-ગવર્નન્સ માધ્યમથી પેન્શનરશ્રીઓને આપવામાં આવી રહેલ સુવિધાઓના ક્ષેત્રમાં આ એક ક્રાંતિકારી પગલું છે, જે પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે જીવનનિર્વાહની સરળતા સુનિશ્ચિત થશે.
 • ફેસ રેકગ્નિશન ટેકનિક દ્વારા DLCની સુવિધાથી પેન્શનરોની જીંદગીમાં સરળતા (Ease of Living) વધશે.
 • પેન્શનરશ્રીઓ ઘરે બેઠા એન્ડ્રોઇડ સ્માર્ટ મોબાઇલ ફોન માત્રથી હયાતીની ખરાઇ કરી શકશે.
 • પેન્શનરશ્રીઓ (ભારતમાં) કોઇ પણ સ્થળેથી હયાતીની ખરાઇ કરી શકશે.
 • હયાતીની ખરાઇનું પ્રમાણપત્ર સબમીટ થઈ ગયાનું સ્ટેટસ પેન્શનર/ફેમીલી પેન્શનરશ્રીઓને SMS મારફતે મળી રહેશે. (નમુનાનો મેસેજ – Thank you for successfully submitting your digital life certificate. Your Pramaan id is 1234567890. You may view life certificate online at https://jeevanpramaan.gov.in/ppouser/login. Your Digital life certificate will be processed by your pension Disbursing Agency for release of pension. NICSI)
 • ફેસ રેકગ્નિશન ટેકનિક દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ એ એક પ્રગતિશીલ ટેકનોલોજી છે, જે પેન્શનરોની બાયો-મેટ્રિક ઉપકરણો પર નિર્ભરતા ઘટાડશે અને પ્રક્રિયાને સસ્તી અને સુલભ બનાવશે.

ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની મર્યાદાઓ –

 • નિયત કોન્ફીગ્યુરેશનવાળા મોબાઇલની આવશ્યકતા રહે છે.
 • ઇન્ટરનેટ કનેક્ટીવીટી ફરજીયાત છે.
 • હાલ ફક્ત એન્ડ્રોઇડ મોબાઇલ મારફતે જ શક્ય છે.
 • આ સુવિધા ફક્ત ભારતમાં રહેતા પેન્શનર/ફેમીલી પેન્શનરશ્રીઓ માટે જ ઉપલબ્ધ છે.

જીવન પ્રમાણ મારફતે બાયો-મેટ્રિક મશીનથી હયાતીની ખરાઇની સુવિધા પણ ઉપલબ્ધ જ રહેશે. આ સુવિધાની વિગતવાર સમજૂતી મારા અગાઉના લેખ “જીવન પ્રમાણ મારફતે પેન્શનરો માટે ઓનલાઈન હયાતીની ખરાઇ અને અન્ય સુવિધાઓ”http://udaybhayani.in/jeevanpramaan/માં આપવામાં આવેલી છે. આ લેખમાં વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરોની ઘરે બેઠા હયાતીની ખરાઈ અને પેન્શન પોર્ટલ વિશેની માહિતી પણ આપવામાં આવેલી છે.

જે પેન્શનરો માટે હાલ જીવન પ્રમાણ મારફતે હયાતીની ખરાઇ માન્ય છે, તેવા બધા પેન્શનરોને આ વિગતો લાગુ પડશે. આશા રાખુ છું કે, આ માહિતી સબંધિતને ઉપયોગી નિવડશે.

5 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *