Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૨, અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમમાં (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-032/) જો શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું? તે સમયે શ્રીહનુમાનજીએ મુદ્રિકા ક્યાં રાખી હશે કે તેનું શું કર્યું હશે? આ પ્રશ્નોના સુંદર સમાધાનો જોયા હતા. ત્યારબાદ શ્રીતુલસીદાસજીએ સુમિરિ નરહરી કેમ લખ્યું હશે? તેના તર્ક જોયા હતા. છેલ્લે શ્રીહનુમાનજીના લંકિની સાથે મેળાપ અને વાર્તાલાપની કથા જોતા વિરામ લીધો હતો. હવે આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

લંકિની શ્રીહનુમાનજી કહે છે –

જાનેહિ નહીં મરમુ સઠ મોરા મોર અહાર જહાઁ લગિ ચોરા

મુઠિકા એક મહા કપિ હની રુધિર બમત ધરનીં ઢનમની

અરે મૂર્ખ! તે મારો ભેદ ન જાણ્યો? જ્યાંસુધી ચોર અર્થાત લંકામાં છુપાઇને આવનારા છે, તે બધા મારા આહાર છે. મહાકપિ શ્રીહનુમાનજીએ તેને એક મુક્કો માર્યો, જેનાથી તેણી લોહીની ઊલટી કરતી પૃથ્વી ઉપર ઢળી પડી.

ગોસ્વામીજીએ જાનેહિ નહીંથી શરૂઆત કરી છે. જાનેહિ નહીં એટલે કે મને જાણતો નથી? શ્રીહનુમાનજી લંકામાં કઈ રીતે પ્રવેશ કરી રહ્યા હતા? તો નિર્ભય ચલેસિ ન જાનેહિ મોહી અર્થાત નિર્ભયતાથી જઈ રહ્યા હતા. ઘણી વખત કોઇ વ્યક્તિ અન્ય વ્યક્તિ સામે હોય, તેમ છતાં તેની સામે જોયા વગર, તેને અવગણીને કે તેનું અપમાન કરીને આગળ વધે છે. તેવી રીતે શ્રીહનુમાનજી પણ જાણે લંકિની છે જ નહિ, તેનું કોઇ મહત્વ જ નથી, તેનાથી કોઇ ફર્ક જ પડતો નથી, તેમ તેણીને અવગણીને નિર્ભયતાથી ચાલ્યા. કોઇને અવગણવું મતલબ તેનો અનાદર કરવો કે અપમાન કરવું. શ્રીહનુમાનજી લંકિનીનો અનાદર કરીને, તેણીને અવગણીને લંકામાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા.

ત્યારબાદ બાબાજીએ લખ્યુ છે, મરમુ સઠ મોરા. લંકિની શ્રીહનુમાનજીને કહે છે કે, હે મૂર્ખ! તે મારો ભેદ કે મર્મ ન જાણ્યો? કે મારી અવગણના કરીને લંકામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે? કોઇનું અપમાન થાય કે કોઇ માથાકૂટ થાય, તો ઘણાં કહે છે ને કે, તું મને ઓળખે છે? હું કોણ છું? આવા દ્રષ્યો ટ્રાફિકવાળા રોકે, કોઇ લોકો વચ્ચે નાની-મોટી તકરાર થાય, ગરબા કે અન્ય ફંકશનમાં (પાસ વગર) એન્ટ્રી લેતી વગેરે જગ્યાએ બહુ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. જ્યાં ખરેખર તકરારની વાત મનમાં રાખી બદલો લેવામાં આવે છે, ત્યાં મોટા ભાગે મોઢા ઉપર હાસ્ય સાથે અને દેખાડવામાં આવતી નમ્રતા સાથે છુટા પડવામાં આવે છે અને પછી બદલો લેવામાં આવે છે. આ બહુ ખરાબ પરિસ્થિતિ છે, પણ સમાજમાં આ ઘણી પ્રવર્તે છે. અહીં શ્રીહનુમાનજી નિર્ભયતાથી લંકિનીને અવગણીને લંકામાં પ્રવેશ કરી રહ્યા હતા, તે જોઇને તેણી કહે છે કે તું મને ઓળખતો નથી કે હું કોણ છું? અને મને અવગણીને જઈ રહ્યો છે? આગળ લખ્યુ છે, “મોર અહાર જહાઁ લગિ ચોરા” અર્થાત લંકાપુરીમાં ચૂપચાપ ચોરની જેમ પ્રવેશ કરતા જીવો તો મારો ખોરાક છે.

અહીં લંકિનીએ શ્રીહનુમાનજીને સઠ અને ચોર આવા બે અપશબ્દો કહ્યા. બન્ને શબ્દોના ઉપયોગના પરિપેક્ષ્યમાં તેના જે સીધા અર્થ થાય છે, તેનાથી થોડું અલગ રીતે વિચારી શકાય તેમ છે. પહેલા જોઇએ, મરમુ સઠ મોરા અર્થાત મારો સઠ કે કુટિલ મર્મ તમે ન જાણ્યો? તેવો અર્થ પણ કરી શકાય. લંકિનીએ શ્રીહનુમાનજીને સઠ નહોતા કહ્યા, પરંતુ પોતાના જ કુટિલ મર્મની વાત કરી હતી. બીજો શબ્દ છે, ચોર. ચોર શબ્દનો અર્થ હંમેશા નકારાત્મક જ હોય તેવું જરૂરી નથી. આપણા શાસ્ત્રોમાં માખણચોર ભગવાન શ્રીકૃષ્ણ માટે વપરાયેલ છે અને સાહિત્યમાં ચિત્તચોર શબ્દ પણ વ્યાપક રીતે વપરાયેલ જ છે. “જહાઁ લગિ” એટલે કે જ્યાંસુધી. અહીં જે લંકાનગરીમાં પ્રવેશે છે, તેટલા ચોર લોકોની જ વાત છે. જે લંકામાં પ્રવેશ નથી કરતા, તેઓને તે આહાર નથી બનાવતી.

અહીં એક ઘટના ખૂબ અદ્‌ભુત ઘટી છે, શ્રીહનુમાનજી રાત્રીના સમયે અને મચ્છર જેવડું નાનું સ્વરૂપ ધારણ કરીને લંકામાં પ્રવેશ કરી રહ્યા હતા, છતાં લંકિનીની નજરથી બચી શક્યા નહિં. રાવણની સલામતી વ્યવસ્થા કેટલી ઉચ્ચકક્ષાની ગણી શકાય? તેના રાજ્યમાં એક મચ્છર પણ તેઓની નજરથી બચી શકતું ન હતું. કેટલા પાવરફુલ સીસીટીવી કેમેરા હશે? કેટલા પાવરફુલ રડાર હશે? આપણે જે વિશ્વકક્ષાની સલામતી ટેકનોલોજી કે વ્યવસ્થાની વાતો કરીએ છીએ, તેમાં આતંકવાદીઓ વિશ્વના શ્રેષ્ઠ સલામતી ધરાવતા, જગત જમાદાર દેશમાં ઘુસી, તેઓની સલામતીના ધજાગરા ઉડાવી, તેઓનું જ પ્લેન હાઇજેક કરી, તેઓના પ્રતિષ્ઠિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ઉડાવી દઈ શકે છે. તો બીજા રાષ્ટ્રોની તો શું વાત જ કરવી? આજકાલ Criminal World is one step ahead than Civil World. ખરેખર મુખ્ય રાજ્ય વ્યવસ્થા સલામતીમાં આગળ રહે, ત્યાંસુધી જ રાષ્ટ્ર સુરક્ષિત રહી શકે છે.

રાવણના સામ્રાજ્યની સુરક્ષા વ્યવસ્થા બાબતે બીજી એક બાબત પણ ખાસ નોંધનીય છે. તે છે, સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રીઓનું યોગદાન કે આમ જુઓ તો મહત્વ. આપણે છેલ્લા થોડા દાયકાઓથી સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. કોઇ સ્ત્રી પ્રથમ IPS અધિકારી બને, કોઇ પ્રથમ પાયલટ બને, કોઇ નામદાર સુપ્રિમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધિશ બનશે વગેરેનો આપણે ગર્વ અનુભવીએ છીએ. ચોક્કસ અનુભવવો જ જોઇએ, તેમાં કંઇ ખોટું જ નથી. પરંતુ રામાયણ કાળમાં પણ સ્ત્રીઓ સુરક્ષા વ્યવસ્થાનો ભાગ તો હતી જ સાથે-સાથે યુદ્ધમાં પણ અગત્યનો રોલ ભજવતી હતી. દેવાસુર સંગ્રામમાં રાજા દશરથ જોડે કૈકયી ગયા હતા અને તેઓનો જીવ બચાવ્યો હતો. તેના પુરસ્કાર સ્વરૂપે રાજા દશરથે તેણીને બે વચનો આપ્યા હતા. આ કથાથી તો આપણે સહું પરિચિત જ છીએ. આવી જ રીતે રાવણના સામ્રાજ્યમાં દેશની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રીઓનો સિંહફાળો જોશો, તો ખરેખર અચરજ લાગશે. લંકાથી હજારો કિલોમીટર દૂર જનસ્થળ ઉપર દંડકારણ્યમાં રાવણની એક અગત્યની ચોકી હતી. જેની મુખ્યા હતી, તાડકા. થોડા પશ્ચિમ દિશામાં દક્ષિણ તરફ જતાં ચિત્રકૂટ ઉપર પણ એક ચોકી હતી, જેની મુખ્યા હતી સુપર્ણખા. સમુદ્રની સુરક્ષાની જવાબદારી સિંહિકાની હતી. લંકાનગરીના મુખ્ય દ્વારની જવાબદારી લંકિનીની હતી અને અશોકવાટિકાની સલામતી ત્રિજટાને હવાલે હતી. આ બધી મુખ્યાઓ એટલે કે રાવણના સામ્રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાના સર્વોચ્ચ હોદ્દાઓ ધારણ કરતી ચીફ સીક્યુરીટી ઓફિસરો, સ્ત્રીઓ જ હતી.

તાડકાનું ઐશ્વર્ય, સુપર્ણખાનું વિવિધ વિદ્યાઓ ઉપર પ્રભુત્વ, સિંહિકાની પડછાયાને પકડી, જીવને સમુદ્રમાં પાડવાની અદ્‌ભુત માયા અને લંકિનીની સુપરથી પણ ઉપર અને હાઇએસ્ટ રીઝોલ્યુશન વાળી સીસીટીવી સીસ્ટમ, જેમાંથી મચ્છર જેવડી વસ્તુ પણ છટકી ન શકે, આ બધી ખરેખર તેઓની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતાના પ્રમાણ છે. ત્રિજટાની કુશળતાતો વળી બધાથી ઉપર હતી. રાવણ તદ્દન નિષ્ફિકર થઈને આનંદ-પ્રમાદ કરી શકે, પોતાની અંગત જીંદગી માણી શકે, તેટલી સલામતીની ખાતરી તેણી કરતી હતી. બીજી રીતે જોઇએ તો, રાવણ આવી અંગત પળો સમયે તેણીની સલામતી વ્યવસ્થા ઉપર વિશ્વાસ કરતો હતો. દરેક પોત-પોતાના ક્ષેત્રમાં ઉત્તમ હતી. એવું કહી શકાય કે, રાવણના આટલા મોટા સામ્રાજ્યની સંપૂર્ણ સલામતી વ્યવસ્થા સ્ત્રીઓના હવાલે જ હતી અને આ વ્યવસ્થામાં લંકા સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ હતી.

આપણે આજે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. સ્ત્રીઓ તો સશક્ત જ હતી અને છે. જે કુટુંબોમાં સ્ત્રીઓ આખો દિવસ ઘરનું કામ કરે છે, મજુરી કરે છે અને ઉપરથી તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે, તે ઘરની સ્ત્રીઓતો સશક્ત જ છે, એટલે જ આટલું બધુ કરી શકે છે. આ સમાજમાં સારા દેખાતા અને મોટા કે પ્રતિષ્ઠિત થઈને ફરતા રાક્ષસોનું કંઇક કરવાની જરૂર છે. સમાજમાં મોભી થઈને ફરે અને ઘરની સ્ત્રીઓને ચીપાવે, ખરાબ શબ્દો બોલે, તેના હક્કનું સુખ આપવાનું તો ઠિક, તે કોઇ સાથે સારી રીતે વાત કરે કે સારી રીતે રહે તે પણ ન જોઇ શકે, તેવા રાક્ષસોનું શું? આજકાલ સ્ત્રી સશક્તિકરણ કરતા રાક્ષસ નિયંત્રણ ઉપર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. જે સ્ત્રીને મારે છે, જાહેરમાં અપશબ્દો બોલે છે, જેઓના કરતુતો સમાજ સામે આવે છે, તેઓને તો લોકો કોસે છે, પરંતુ સારા ઘરના આવા રાક્ષસોનું શું? જે આ કક્ષામાં આવે છે, તે સમજજો કે સ્ત્રી સશક્ત જ છે, માટે જ આ બધુ સહન કરે છે. દરેક પોતાની મર્યાદા સમજે, નહિ તો જે દિવસે આ સશક્ત સ્ત્રીઓની સહનશક્તિ પુરી થશે, ત્યારે તમારી રાક્ષસી વૃતિને હણવી તેઓ માટે બહુ મોટી વાત નથી.

લંકામાં આટલી સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, રાક્ષસી વૃતીના નાશ હેતુ જ શ્રીહનુમાનજી લંકામાં આરામથી પહોંચી ગયા હતા. બાકી તે સમયની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ઉચ્ચકક્ષાની હતી અને તેમાં સ્ત્રીઓનું મહત્વ પણ ખૂબ જ હતું. તે સમયની ઉચ્ચત્તમ ટેકનોલોજી વિશે વિચારીએ તો આજે હજુ પણ આપણે તે કક્ષાએ પહોંચ્યા નથી તેવું ચોક્કસ લાગે. શ્રીહનુમાનજી આટલું નાનું સ્વરૂપ ધારણ કરીને પ્રવેશ કરતા હતા, છતાં લંકિનીની નજરમાંથી છટકી ન શક્યા, તે તેનું પ્રમાણ છે. આ સાથે આજની કથાને અહીં વિરામ આપીએ છીએ…

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here