Home Blog Page 10

યે દિન ભી ચલા જાયેગા…

આ નાનકડી વાર્તાથી આપણે મોટાભાગે પરિચિત જ છીએ કે જેમાં, એક રાજા હોય છે. તે બધી જ રીતે સુખી હોય છે. તેના રાજ્યમાં ખૂબ જ સુખ-શાંતિ હોય છે. તેની પ્રજા સર્વ રીતે સુખી હોય છે. આ રાજ્યમાં એક દિવસ એક સંત આવે છે. કોઈએ રાજાને મેસેજ આપ્યો કે, આ સંત ખૂબ જ તપસ્વી અને ત્રિકાળ જ્ઞાની છે. રાજા પણ સંતોનો ખૂબ જ આદર કરતો હતો. તે સંતના દર્શન કરવા ગયો. સંતે તેને બે પડીકી આપી અને કહ્યું કે, જ્યારે તને એવું લાગે કે દુનિયામાં હું સૌથી સુખી છું ત્યારે આ પહેલી પડીકી ખોલજે અને જ્યારે તને એવું લાગે કે હું આ દુનિયામાં સૌથી વધુ દુઃખી છું ત્યારે આ બીજી પડીકી ખોલજે. રાજા આ બંને પડીકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને તેણે વિચાર્યું કે, અત્યારનો સમય જ શ્રેષ્ઠ છે કે જ્યારે અંગત રીતે, રાજપાટમાં બધી રીતે હું સુખી છું. તેણે પહેલી પડીકી ખોલી અને એ પડીકીની અંદર એવું લખેલું હતું કે “યે દિન ચલા જાયેગા”. રાજા વિચારમાં પડ્યો કે એવું થોડું હોય? પરંતુ તેને બીજી પડીકી પોતાની પાસે સાચવીને રાખી. થોડા વર્ષો બાદ ધીમે-ધીમે રાજ્યની આવક ઓછી થવા માંડી, રાજ્યમાં અંદર ખટ-પટ થવા લાગી, આજુ-બાજુના રાજ્યોવાળા ચડાઈ કરવા લાગ્યા અને રાજ્યની શક્તિ નબળી પડવા લાગી. એક વખત શક્તિશાળી પાડોશી રાજય આક્રમણ કરતા રાજાનો પરાજય થયો અને રાજા જીવ બચાવી ત્યાંથી નીકળી ગયો. આજે તેની પાસે કંઈ જ ન હતું. ના ખાવા-પીવા કંઈ હતું, ના પોતાના કુટુંબીજનો હતા કે ના રાજ્ય હતું. રાજાને થયું કે મારી જિંદગીનો આ સૌથી દુઃખી દિવસ છે. રાજાને આ સમયે સંતે આપેલી પડીકી યાદ આવી કે તેનાથે કંઈ મદદ થાય કે ફાયદો મળે. રાજાએ પડીકી ખોલી તો અંદર લખેલું હતું કે, “યે દિન ભી ચલા જાયેગા”. રાજાને હવે સમજાયું કે કોઈપણ દિવસ કાયમ માટે રહેતો નથી.

મને આ વાર્તા આજે એટલે યાદ આવી કે બપોરે મારા ઘરના હિંડોળા ઉપર બેસીને રવિવારનો શાંત સમય માણતો હતો, ત્યારે મારી દીકરી અચાનક દોડતી મારી પાસે આવી અને મને કહેવા લાગી કે, ‘ડેડી, મેં આજે જે જે વાલાને એવી પ્રાર્થના કરી છે કે, આ કોરોના હવે જતો રહે.’ મેં પુછ્યું કેમ બેટા? તો કહે, જુઓને કોરોનાને લીધે નથી આપણે બહાર નીકળી શકતા, નથી કોઈ સગા-વ્હાલાઓ આપણી આવી શકતા, કેટલા બંધઈ ગયા છીએ. મેં કહ્યું કે બેટા આ સમય પણ જતો રહેશે અને ત્યારે મને આ નાનપણમાં સાંભળેલી વાર્તા યાદ આવી ગઈ. મિત્રો, મને એવું લાગે  છે કે કોરોનાના આ કપરા કાળમાંથી આપણે બધા બહુ ઝડપથી બહાર નીકળી જઈશું. મને પાકું યાદ છે કે જ્યારે મેં પહેલી વખત કોરોનાને લઈને નેગેટીવ લેખ લખ્યો હતો, ત્યારે મને જરા પણ ગમ્યું ન હતું અને તેનો ઉલ્લેખ મેં લેખમાં પણ કર્યો હતો. કોરોનાના આ કપરા કાળમાં લાંબા સમય પછી કંઈક પોઝિટીવ લખવાનો વિચાર આવ્યો અને તેનું કારણ મારી દીકરી બની. આ હકારાત્મક બાબતો લખવા પાછળ મારી પાસે થોડા ચોક્કસ કારણો પણ છે જ.

પહેલું, તાજેતરમાં મળેલા સમાચાર મુજબ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલ રસીના પરીક્ષણો સફળ થઈ રહ્યાં છે. આ પરીક્ષણો આખરી તબક્કામાં છે, એટલે કે હવે ટૂંકા સમયમાં આપણને રસી ઉપલબ્ધ થઈ જશે. આખા વિશ્વને જેટલા જથ્થામાં રસીની જરૂરિયાત રહેશે તેટલા મોટા જથ્થામાં ઉત્પાદન માટે વિશ્વમાં બે દેશો સૌથી વધુ સક્ષમ ગણી શકાય એટલે કે ભારત અને ચીન. પશ્ચિમના દેશો આ પરિસ્થિતિમાં ચીનનો વિશ્વાસ કરે તેવી શક્યતા ઓછી છે, માટે આ રસી બનાવવાનો કોન્ટ્રાકટ મોટાભાગે ભારતને મળશે તેવું લાગે છે. વળી, થોડા દિવસ પહેલા માનનીય વડાપ્રધાનશ્રીએ તેમના ભાષણમાં કહ્યું હતું તે મુજબ એક વખત રસી ઉપલબ્ધ થઈ જાય, તો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ પ્રજા સુધી કઈ રીતે રસી પહોંચે તેનું આગોતરું આયોજન કરવામાં આવી રહેલ છે. આ જોતા  2021ની શરૂઆતમાં દેશમાં પ્રથમ રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા કહી શકાય. દેશની સંપૂર્ણ પ્રજાને રસી આપવાનું કામ બહું મોટું છે, પરંતુ, શરૂઆત થઈ જશે.

બીજું, કોરોના વાયરસનો ફેલાવો જે રીતે થઈ રહ્યો છે અને તેની વિવિધ દેશોમાં ફેલાવા રીત ઉપરથી કંઈપણ વિશ્લેષણ કરી અને તારણો કે નિષ્કર્ષ ઉપર આવવું શક્ય લાગતું નથી. શરૂઆતમાં રશિયામાં બહુ જ ઓછા કેસો હતા, પરંતુ ત્યાર બાદ એકાએક કેસોમાં ખૂબ જ વધારો થઈ ગયો. ભારતમાં પણ શરૂઆતનો તબક્કો ખૂબ જ નિયંત્રણ હેઠળ હતો, પરંતુ આજે આપણે વિશ્વમાં અમેરિકા પછી બીજા નંબરે આવી ગયા. એવા પણ ઘણા દેશો છે કે જ્યાં શરૂઆતના તબક્કામાં ખૂબ જ કેસો હતા, જ્યાં આજે ઘણું નિયંત્રણ છે. પરંતુ આવા ફેરફાર પાછળ ચોક્કસ તારણ નીકળી શકતું નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના તજજ્ઞ દ્વારા પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવા માંડી છે. જે રીતે અને જેટલી ઝડપથી કેસો વધે છે અને જેવી રીતે નિયંત્રણમાં આવી જાય છે, તે જોતા હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થતી જતી હોય તેવું લાગે છે. આપણે અમદાવાદનો જ દાખલો લઈએ કે શરૂઆતમાં જેટલા કેસ આવતા હતા તેની સામે છેલ્લા થોડા સમયમાં કેસોની સંખ્યા ખૂબ જ નિયંત્રણમાં છે. સીધી કે આડકતરી રીતે એ સ્પષ્ટ દર્શાવે છે કે અમદાવાદના લોકોમાં ઘણા અંશે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે અને અન્ય વિસ્તારોમાં, રાજ્યોમાં અને દેશોમાં પણ આ જ પ્રકારે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જશે અને વાયરસ બિન અસરકારક થઈ જશે. 

ત્રીજું, શરૂઆતના સમયમાં દવાખાનાઓ કે જ્યાં મોટાભાગે મોટી ઉંમરના લોકો સારવાર માટે જતા હતા, ત્યાંથી આ વાઇરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાયો. કારણ કે હોસ્પિટલમાં આવા ચેપી લોકો જાય અને તેનો ચેપ મોટી ઉંમરના લોકોને લાગે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તેને લીધે આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાયો. સુપરસ્પ્રેડરઓ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી. પરંતુ, લોકડાઉન, સોશીયલ ડિસ્ટન્સીંગ, પર્સનલ હાઇજીન એટલે કે હાથ ધોવા અને માસ્ક પહેરવાની બાબતો પર ભાર મૂકવાની સાથે વાયરસ માટે ફેલાવવા માટે મુશ્કેલ વાતાવરણ ઊભું થતું જાય છે. તેનો અર્થ એ થયો કે આ બધા ઉપાયો અસરકારક સાબિત થતા જાય છે અને લોકો પણ તેનાથી ટેવાતા જાય છે. હજુ પણ માસ્ક પહેરવામાં અને સોશીયલ ડિસ્ટન્સીંગ બાબતે આપણે ત્યાં ઘણી બધી નિષ્કાળજી જોવા મળી રહી છે, પરંતુ જે રીતે આ બાબતની જાણકારીનો ફેલાવો, તેના ફાયદા વગેરે વિશે લોકોને માહિતી આપવામાં આવી રહેલ છે અને સરકાર દ્વારા પણ મોટી રકમનો દંડ લેવામાં આવી રહી છે તે જોતા જો આ પગલાઓ ઉપર આવું જ પૂરતું ધ્યાન આપવામાં આવશે, તો કોરોનાથી છુટકારા માટેનું આ એક સબળ કારણ બની રહેશે.

ચોથું, શરૂઆતના સમયમાં કઈ રીતે સારવાર કરવી? ટેસ્ટિંગ કેટલા અને કોના કરવા? ટ્રેસિંગ કેવી રીતે કરવું? પોઝિટિવ દર્દી મળ્યા પછી તેને કઈ રીતે તાત્કાલિક સારવાર આપવી? સારવાર આપવા માટે કયા સાધનો જોઈએ? આ બધી બાબતોથી આપણે અજાણ હતા. પરંતુ આજે છ મહિના જેટલો સમય વિતી જવાથી આપણને હવે એ ખબર છે કે સારવાર કઈ રીતે કરવી? અને તેમાં કયા-કયા સાધનોની આવશ્યકતા રહે છે. આવા સાધનો અને અન્ય સુવિધાઓ પણ ખૂબ સારી રીતે ઉપલબ્ધ થઈ ગયેલ છે. 

પાંચમું, આપણને હવે એ પણ ખબર છે કે ગંભીર રીતે બીમાર હોય તે લોકોની સારવાર કેવી રીતે  કરવી? તેને કઈ દવા આપવી? કઈ દવાની શું અસર થાય છે? પહેલા આપણે વેન્ટિલેટર પર જ વધુ ભાર મૂકતા હતા, પરંતુ આજે આપણને એ ખબર છે કે વેન્ટિલેટર કરતાં પણ વધુ ગંભીર બાબત લોહી ગંઠાઇ જવાની છે અને આ કિસ્સામાં અમુક દવા ખૂબ જ કારગત નીવડી છે અને તેનાથી ગંભીરમાં ગંભીર કેસો સાજા થઈ રહ્યા છે. મોટાભાગના દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે અને મૃત્યુદર ખૂબ જ નીચો રહેવા પામેલ છે.

મિત્રો, હકારાત્મક વાત કરવાથી કોરોના જતો રહેશે તેવા કોઈ ભ્રમમાં રહેવાનું નથી, પરંતુ તેનાથી ચોક્કસ બચી શકાશે. શિયાળામાં ઘણા લોકોને વાયરસ પોતાની અડફેટમાં લે છે. સામાન્ય રીતે, શરદી અને ફ્લૂના વાયરસ ચરબીયુક્ત હોય છે. વાયરસ ઠંડી અને સુકી પરિસ્થિતિમાં વધુ સમય જીવે છે અને સાર્વત્રિક ગરમ હવા આપણા રક્ષણાત્મક લાળ પટલને સૂકવી નાખે છે. આવા સમયે સેકન્ડ વેવ એટલે કે આ વાયરસ ફરીથી ઉથલો મારશે તેવી પૂરી શક્યતા છે. પરંતુ આપણે થોડું ધ્યાન રાખીશું તો મુશ્કેલી નહીં પડે. એટલે કે આપણને જ્યારે સામાન્ય તાવ શરદી હોય છે, તો આપણે રજા લેવાને બદલે આખો દિવસ કામ કરીએ છીએ. આપણે તેનો ગર્વ લઇએ છીએ અને આપણા સહકાર્યકરો અને બોસ પણ તેને સરાહે છે, પરંતુ સામાન્ય તાવ કે શરડી સાથે કામ કરવું હવે ખતરાથી ખાલી નથી. એક દિવસ ચોક્કસ આરામ કરવો, રજા લેવી, પરંતુ કોઈપણ મેળાવડામાં કે પ્રસંગમાં કે ઓફિસે કે જ્યાં વધુ માણસો ભેગા થતા હોય તેવી કોઈપણ જગ્યાએ જવું યોગ્ય નહી ગણાય. એક ખૂબ જ સારી બાબત કહું તો આ વખતે ઓસ્ટ્રેલિયામાં શિયાળાના સમય એટલે કે જાન્યુઆરીથી જૂનના અંત સુધીમાં ગત વર્ષે 1,30,000થી વધુ તાવ શરદીના કેસો નોંધાયા હતા જે ચાલુ વર્ષે એ જ સમયગાળામાં 21,000 જેટલા ઓછા દર્દીઓ નોંધાયા છે. આનું મુખ્ય કારણ માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સીંગ જણાવાઈ રહ્યું છે.  

તો મિત્રો આશા રાખીએ કે બહુ ઝડપથી આપણને કોરોનાના કહેરમાંથી મુક્તિ મળે અને આપણે પૂર્વવત્ જીવન જીવી શકીએ. ત્યાંસુધી માસ્ક, સોશીયલ ડિસ્ટન્સીંગ અને પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખશું તો કોરોનાથી ચોક્કસ બચી શકીશું. આપણે બીજા પણ ઘણાં અગત્યના કામો કરવાના છે. આજે પણ આપણા દેશમાં કોરોનાને બદલે અન્ય રોગોથી મરતા લોકોની સંખ્યા ઘણી વધુ છે. આપણું અર્થતંત્ર કે જેની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે, તેને પણ પાટા પર લાવવા – પૂર્વવત કરવા અથાક પ્રયત્નો કરવાની આવશ્યકતા છે.

છેલ્લે એક અગત્યની બાબત – જો આપણે કોરોનાને હરાવી શકીશું એટલે કે કોરોનાની રસી મળી જશે તો શ્વસનતંત્રને લગતા ઘણા બધા રોગોમાંથી પણ આપણને મુક્તિ મળવાની શક્યતા છે. એક તજજ્ઞ અભિપ્રાય મુજબ કોરોનાની રસી મળી ગયા બાદ આ જ દિશામાં થઈ રહેલ સંશોધનો મુજબ આવતા એક દાયકામાં પોલિયોની જેમ સામાન્ય તાવ શરદીથી પણ મુક્ત થઈ શકીએ. નાના બાળકોનું સતત વહેતું નાક ભૂતકાળ બની જશે એટલે કે શેડારા બાળકો ભવિષ્યમાં કદાચ ન પણ જોવા મળે….

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB)

સુજ્ઞ વાચક મિત્રો,

પહેલા તો, રક્ષાબંધનના આ પવિત્ર પર્વની આપને બધાને હાર્દિક શુભકામનાઓ. વાચક મિત્રો, ભારતીયોના હેમ પ્રત્યે પ્રેમ અને લગાવથી આપણે બધા પરિચિત જ છીએ. ભારતમાં સોનુંં ફક્ત બચતનું કે શોખનું જ સાધન નથી, પરંતુ એ આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ અને પૌરાણિક ચિકિત્સા પદ્ધતિનો ભાગ પણ છે. કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ હોય, સોનું ખરીદવાનો અને ભેટમાં આપવાનો રિવાજ વર્ષોથી આપણી સંસ્કૃતિમાં વણાયેલો છે. વડીલો કહે છે ને કે, સોનુંં તો ખરીદવું જ જોઈએ, તે અડધી રાત્રે પણ કામ લાગે. આમ, સોનું ખરીદવું એ ભદ્રતાની નિશાની સાથે એક સારો બચતનો વિકલ્પ અને સંકટ સમયની સાંકળ પણ છે જ. તેની સાથે-સાથે ફિઝીકલ સોનું રાખવાના નુકશાન પણ છે. ઘરેણાંં ખરીદીએ તો તેના ઉપર ઘડાઈ લાગે, કર લાગે, સાચવવામાં જોખમ રહે અથવા લોકર ભાડું વગેરે ખર્ચ થાય, અશુદ્ધ કે ઓછું શુદ્ધ સોનુંં આવી જવાનો ભય રહે, વર્ષો પહેલા ખરીદેલા સોનાના આભુષણોની ડીઝાઈન જુની થઈ જાય વગેરે.

વિશ્વમાં એશિયાની બે મહાસત્તાઓ ભારત અને ચીન વિશ્વના કુલ સોનાના વપરાશમાં લગભગ ૪૪ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. સોનાના વપરાશમાં ચીન સૌથી મોખરે છે અને ત્યારબાદ ૨૦૧૯ની સ્થિતિએ ૮૫૦ ટન સાથે ભારતનો ક્રમાંક બીજો આવે છે. આપણે ત્યાં લોકો સોનું ખરીદીને લોકરમાં કે ઘરમાં સાચવીને મૂકી રાખે છે, જે નિષ્ક્રિય રોકાણ બની જાય છે. તેનો દેશના અર્થતંત્રમાં કોઈ ફળદાયક ઉપયોગ થતો નથી. નાગરિકોના સોનામાં રોકાણના નાણા સરકારની બાંહેધરીવાળા બોન્ડ સ્વરૂપમાં મેળવી, દેશની બેન્કિંગ સિસ્ટમ અર્થતંત્રને વધુ સુદ્રઢ અને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગમાં લે, તો તેને ખરા અર્થમાં “સોને પે સુહાગા” કહી શકાય. તો ચાલો આજે આવી જ એક યોજના સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB) વિશે જાણીએ.

સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે?

સોવરિન ગોલ્ડ બોન્ડ બહાર પાડવાની આ યોજના ભારત સરકાર દ્વારા ૩૦મી ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ શરુ કરવામાં આવેલ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી જામીનગીરી (સિક્યુરિટી) છે. આ બોન્ડ એક ગ્રામ સોનુંં કે તેના ગુણાંકમાં ખરીદી શકાય છે, એટલે કે બોન્ડની રકમ સોનાના ગ્રામમાં હોય છે. રોકાણકારને સોનાની લગડીને બદલે સોવરિન ગોલ્ડ બોન્ડનું નિયત નમુનાનું સર્ટીફિકેટ આપવામાં આવે છે અથવા રોકાણકારના ડિમેટ ખાતામાં તેણે જેટલા ગ્રામ સોનું ખરીદ્યું હોય તેટલા યુનિટ જમા આપવામાં આવે છે. આ સોવરિન ગોલ્ડ બોન્ડને અસલ સોનાને બદલે પેપર કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનું જ કહી શકાય. આ ઉપરાંત, આ રોકાણ ઉપર વાર્ષિક ૨.૫% (અઢી ટકા) લેખે વ્યાજ પણ મળવાપાત્ર છે. આ વ્યાજ દર વર્ષે બે અર્ધવાર્ષિક હપ્તામાં રોકાણકારના ખાતામાં સીધું જમા કરવામાં આવે છે અને છેલ્લું વ્યાજ બોન્ડની પાકતી મુદતે કુલ મુદ્દલ રકમ સાથે છેલ્લે ચુકવવામાં આવશે. રોકાણકારની અરજીના નાણા અધિકૃત સંસ્થાને મળે અને યુનીટ ફાળવવામાં આવે તે બન્ને વચ્ચેના સમયગાળાનું બચતખાતાના દરનું વ્યાજ અરજકર્તાને મળવાપાત્ર છે. જો અરજીનો અસ્વીકાર થાય તો આ વ્યાજ મળવાપાત્ર નથી.     

રોકાણની પાત્રતા

આ યોજના હેઠળ ભારતના નિવાસી (Resident in India) એવા કોઈપણ વ્યક્તિ પોતે અંગત રીતે, આવા એક કરતાં વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે તથા માઇનોર બાળક વતી રોકાણ કરી શકે છે. આ ઉપરાંત, હિન્દુ અવિભક્ત કુટુંબ (Hindu Undivided Family – HUF), ટ્રસ્ટ, ચેરિટેબલ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ તથા સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તેવી અન્ય સંસ્થાઓ વગેરે રોકાણ કરી શકે છે. દરેક રોકાણની અરજીમાં અરજકર્તાનો પાન (Permanent Account Number – PAN) દર્શાવવો ફરજીયાત છે. દરેક રોકાણકારને ભારતીય રીઝર્વ બેંકની ઇ-કુબેર સીસ્ટમ દ્વારા રોકાણકાર ઓળખ નંબર (Investor ID) આપવામાં આવે છે. એક વખત જે વ્યક્તિનો આવો યુનિક નંબર જનરેટ થઇ ગયો હોય, તેણે ભવિષ્યની તમામ અરજીમાં આ નંબર (Investor ID) દર્શાવવો ફરજીયાત છે. જો રોકાણકાર આ Investor ID ન દર્શાવે તો તેની અરજી રદ થવા પાત્ર રહે છે.   

આ યોજના હેઠળ કેટલું રોકાણ કરી શકાય?

આ યોજના હેઠળ વ્યક્તિ કે હિંદુ અવિભક્ત કુટુંબ નાણાકીય વર્ષ  દરમિયાન ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલોની મર્યાદામાં રોકાણ કરી શકે છે. કુટુંબના દરેક વ્યક્તિ દીઠ આ ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલોની મર્યાદા લાગુ પડે છે. ટ્રસ્ટ તથા અન્ય સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલી સંસ્થાઓ નાણાકીય વર્ષ દરમિયાન ૨૦ કિલો સુધીનું રોકાણ કરી શકે છે. એકથી વધુ વ્યક્તિઓએ સંયુક્ત રીતે કરેલા રોકાણના કિસ્સામાં આ મર્યાદા પ્રથમ અરજદારને લાગુ પડશે. આ યોજના હેઠળ વાર્ષિક ટોચ મર્યાદા આ યોજનામાં કોઈપણ રીતે કરેલા રોકાણ એટલે કે અલગ અલગ તબક્કામાં કરેલા સીધા રોકાણ અને સેકન્ડરી માર્કેટમાંથી ખરીદી કરેલા રોકાણ બધાને સંયુક્ત રીતે ધ્યાનમાં લઇ લાગુ પડે છે. વધુમાં,  જે રોકાણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થા દ્વારા કોલેટરલ તરીકે રાખેલ હશે, તેટલા રોકાણને ટોચ મર્યાદા લાગુ પડશે નહી.

સોનાના ભાવની ગણતરી

અહીં સોનાના ૧ (એક) ગ્રામનો ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવતા ૯૯૯ શુદ્ધતા ધરાવતા સોનાના બંધ ભાવની બોન્ડ બહાર પાડવાના પહેલાના અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસની સાદી સરેરાશ મુજબ નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે પાકતી મુદતે જ્યારે આ બોન્ડ રિડીમ થશે, ત્યારે પણ આ જ રીતે બોન્ડ રિડીમ થવાના અગાઉના અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસના બંધ ભાવની સાદી સરેરાશ મુજબ ૧ (એક) ગ્રામનો ભાવ નક્કી કરી, તે મુજબના નાણા રોકાણકારના ખાતામાં જમા કરવામાં આવશે.

રોકાણનો સમયગાળો અને કરપાત્રતા

આ સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષના સમયગાળા માટે હોય છે, એટલે કે આઠ વર્ષ પૂરા થયે બોન્ડ પાકે છે. આઠ વર્ષ પૂર્ણ થયે પાકતી મુદતે મળતા નફા ઉપર લોન્ગ ટર્મ કેપીટલ ગેઈનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. આ સોવરિન ગોલ્ડ બોન્ડ પાંચમા, છઠ્ઠા અને સાતમા વર્ષે પણ પ્રિમેચ્યોર રિડીમ કરાવી શકાય તેવી જોગવાઈ છે. આવી રીતે પ્રિમેચ્યોર રિડમ્પ્શનના કિસ્સામાં લોન્ગ ટર્મ કેપીટલ ગેઈન લાગશે; પરંતુ, મોંઘવારીના દર મુજબ ઇન્ડેક્ષેશનનો લાભ મળવાપાત્ર છે. ત્રણ વર્ષથી ઓછા સમયમાં સેકન્ડરી માર્કેટમાં પણ આ સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી શકાય છે; આ કિસ્સામાં શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ચૂકવવો પડે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ઉપર આપવામાં આવતા વ્યાજમાંથી સીધો આવકવેરો (ટીડીએસ) કાપવાની જોગવાઈ નથી, પરંતુ આ વ્યાજ કરપાત્ર છે. સોવરિન ગોલ્ડ બોન્ડ પાકવાની તારીખના ૧ (એક) મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંક કે સંબંધિત ડિપોઝિટરી રોકાણકારને તેની માહિતી મોકલી આપશે.

રોકાણ કઈ રીતે થઈ શકે?

આ યોજના હેઠળ સીધું રોકાણ કરવા માટે સરકાર દ્વારા દર વર્ષે તેના તબક્કાઓ નિશ્ચિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬ (છ) તબક્કાઓ નક્કી કરવામાં આવેલ છે, જે પૈકી આજે તારીખ ૩જી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ શરૂ થતો તબક્કો પાંચમો છે અને હવે પછી આ વર્ષનો છેલ્લો અને છઠ્ઠો તબક્કો તારીખ ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ શરૂ થશે. આ  બોન્ડ સેકન્ડરી માર્કેટમાંથી પણ બજારભાવે ખરીદી શકાય છે. આ યોજના હેઠળ નિર્દિષ્ટ કરેલી બેંકની શાખાઓ, નિર્દિષ્ટ પોસ્ટ ખાતાની શાખાઓ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ અને સ્ટોક બ્રોકર મારફતે પણ રોકાણ થઇ શકે છે. આ યોજના હેઠળ રોકાણ કરવા માટેના નાણા રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ચુકવી શકાય છે, જેમાં રોકડ ચૂકવણાની મર્યાદા રૂપિયા ૨૦,૦૦૦ છે. અધિકૃત સંસ્થાઓ સીધી કે તેના એજન્ટ મારફતે રોકાણકારોની અરજીઓ મેળવી શકે છે. રોકાણકારોએ આવી અધિકૃત સંસ્થાના નામે નાણા ચૂકવવાના રહે છે. દા.ત. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અધિકૃત સંસ્થા છે, તો રોકાણના નાણાનો ચેક કે ડીમાન્ડ ડ્રાફ્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નામનો આપવાનો રહે છે અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને રોકડ કે ઓનલાઈન ચૂકવવાના રહે છે. આ યોજના હેઠળ રોકાણ કરવા માટે ઓનલાઈન અરજી કરનાર અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારને પ્રતિ ગ્રામ રૂ. ૫૦નું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. રોકાણકારે અધિકૃત સંસ્થા મારફતે અરજી કર્યા બાદ ઇશ્યુ બંધ (તબક્કો પૂર્ણ) ન થાય ત્યાં સુધી અરજી પરત ખેંચી શકે છે. એક વાર ઇશ્યુ બંધ થઈ બાદ અરજી પરત ખેંચી શકાતી નથી. જો અરજી તમામ રીતે યોગ્ય હોય તો અરજદારને તેઓએ કરેલ અરજી મુજબના યુનીટ ફાળવવામાં આવે છે અને તેનું સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવે છે. ના મંજુર થયેલી અરજીના નાણા અધિકૃત સંસ્થા પરત કરવામાં વિલંબ કરે તો, અરજદારને રેપો રેટ + ૨%ના દરે દંડ સ્વરૂપે વધારાના નાણા ચૂકવવાના રહે છે.    

નોમિનેશનની જોગવાઈ

સોવરિન ગોલ્ડ બોન્ડના કિસ્સામાં પણ સરકારી જામીનગીરી અધિનિયમ, ૨૦૦૬ અને અન્ય સંલગ્ન નિયમનો મુજબ નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. રોકાણકારના મૃત્યુના કિસ્સામાં જો નોમિની બિનનિવાસી ભારતીય (Non-Resident Indian) હોય તો પણ તેના નામે બોન્ડ તબદીલ થઈ શકશે, પરંતુ તેણે બોન્ડ પાકે ત્યાં સુધી તેમાં રોકાણ કરી રાખવું પડશે તથા તેને મળતી વ્યાજની રકમ અને પાકતી મુદતે મળતી રકમ તે પોતાના દેશમાં તબદીલ કરી શકશે નહી.

સોવરિન ગોલ્ડ બોન્ડના ફાયદા

૧. આ યોજના હેઠળ રોકાણ કરવાથી સોનાના ભાવમાં થતા વધારા, ઉપરાંત વાર્ષિક અઢી ટકા વ્યાજની આવક આમ ડબલ ફાયદો મળે છે.

૨. આ યોજના હેઠળ રોકાણ કરતી વખતે ડિઝાઈનીંગ કે મેકીંગ ચાર્જ એટલે કે ટૂંકમાં ઘડાઈ ચૂકવવાની હોતી નથી. જે સામાન્ય રીતે આભૂષણો ખરીદતી વખતે સોનાની કિંમતના ૧૦ થી ૨૦ ટકા જેટલી રકમ થતી હોય  છે.

૩. બોન્ડમાં રોકાણથી ભૌતિક સોનુંં સાચવવાનું જોખમ કે ખર્ચનો પ્રશ્ન રહેતો નથી.

૪. સોનું ખરીદતી વખતે ઓછી શુદ્ધતાવાળું સોનુંં કે ગોલમાલનો ભય રહે છે. જ્યારે અહીં ૨૪ કેરેટ શુદ્ધ સોનામાં રોકાણ થતું હોય, સો ટચનું શુદ્ધ સોનું ખરીદેલું ગણાય છે.

૫. સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરતી વખતે સરકારી કર જેવા કે, માલ અને સેવા કર (જીએસટી) કે સિકયુરિટી ટ્રાન્ઝેકશન ટેકસ (એસટીટી) ચૂકવવાના થતા નથી.

૬. શેર, મ્યુચ્યુઅલ ફંડ, ઈટીએફ વગેરે જેવા અન્ય વિકલ્પોમાં રોકાણના કિસ્સામાં મૂડીનફા ઉપર કર એટલે કે કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. જ્યારે આ સોવરિન ગોલ્ડ બોન્ડની પાકતી મુદ્દતે પરત મળતાં નફાને કેપિટલ ગેઈન ટેક્સમાંથી માફી આપવામાં આવેલ છે.

૭. આ યોજના હેઠળ મળતા વ્યાજની રકમમાંથી ટીડીએસ કાપવાની જોગવાઈમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે.

૮. બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડને કોલેટરલ તરીકે આપી શકાય છે.

૯. સોવરિન ગોલ્ડ બોન્ડ ડિમેટ સ્વરૂપમાં રાખવાની સુવિધા પણ છે.

૧૦. સોવરિન ગોલ્ડ બોન્ડનું સેકન્ડરી માર્કેટમાં વેચાણ પણ થઈ શકે છે.

૧૧. ઉપર દર્શાવેલી પાત્રતા ધરાવતા વ્યક્તિને ભેટ સ્વરૂપે પણ આપી શકાય છે.

૧૨. મ્યુચ્યુઅલ ફંડની માફક મેનેજમેન્ટ કે ઓપરેશનલ ખર્ચ પેટે કંઈ કપાત થતી નથી.

સોવરિન ગોલ્ડ બોન્ડના ગેરફાયદા

૧. આ યોજના હેઠળના રોકાણમાં ઓછામાં ઓછો પાંચ વરસનો લોક-ઇન સમય ગણી શકાય. જો પાંચ વર્ષ પહેલા સેકન્ડરી માર્કેટમાં વેચવામાં આવે, તો કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. જો કે આ જોગવાઈ અન્ય તમામ રોકાણોમાં પણ છે જ.

૨. મ્યુચ્યુઅલ ફંડની જેમ Systematic Investment Plan – SIPની સુવિધા ઉપલબ્ધ નથી.

૩. પાકતી મુદ્દતે ખરીદી કરતા સોનાના ભાવમાં ઘટાડો થયેલ હોય તો એટલા ઓછા નાણાં પરત મળે છે. જોકે સોનાના ગ્રામમાં કોઈ ફેરફાર થતો નથી. આ પરિસ્થિતિ ખરેખર ખરીદેલા સોનામાં પણ થઈ શકે છે.

૪. શેર, મ્યુચ્યુઅલ ફંડ, થાપણ વગેરેની જેમ નાની રકમને બદલે ઓછામાં ઓછું ૧ (એક) ગ્રામ સોનાના ભાવ જેટલું તો રોકાણ કરવું જ પડે છે.

આમ, હેમ પ્રેમી ભારતીયો માટે સોનામાં રોકાણ કરવા માટે સૌથી સલામત, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સોવરિન ગોલ્ડ બોન્ડ એક ખૂબ જ સારો વિકલ્પ છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડની જેમ ખર્ચાઓ અને શેરબજારની અનિશ્ચિતતાઓથી દૂર રહી સો ટકા શુદ્ધ રોકાણ થાય છે અને સાથે-સાથે વ્યાજની આવક પણ થાય છે. કેપિટલ ગેઈનમાંથી છૂટકારો અને ટીડીએસ ન કપાવા વગેરે જેવા ફાયદા અને સરળતા તો ખરી જ. જે ધ્યાને લઈ સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું ફાયદાકારક છે અને તેમાં પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચુકવણું કરવાનું ભૂલશો નહીં; કારણ કે તેનું વધારાનું પ્રતિગ્રામ પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે તહેવારો શરૂઆત થઈ ગઈ છે અને મોટાભાગે સોનાની ખરીદી પણ ચાલુ થઈ ગઈ હશે, આવા સમયે આજથી શરૂ થતી પાંચમી અને આ મહિનાના અંતમાં આ વર્ષની છઠ્ઠી અને છેલ્લી સીરીઝમાં રોકાણ કરવા આ લેખ આપને ઉપયોગી અને માહિતીપ્રદ નીવડશે તેવી આશા રાખું છું.

રાત પડી ગઈ…

જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક, ઇતિહાસના અધ્યાપક અને પદ્મશ્રી એવા શતાયુ શ્રી નગીનદાસ સંઘવીને શ્રધ્ધાંજલી રૂપે અર્પણ…

તાજેતરમાં જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક, ઇતિહાસના અધ્યાપક અને પદ્મશ્રી એવા શ્રી નગીનદાસ સંઘવીએ આપણા બધાની વચ્ચેથી વિદાય લીધી. મેં તેની બહુચર્ચિત રામાયણની અંતર્‌યાત્રા” બુક વાંચી હતી. ભલે આ બૂક મોટાભાગે વિવાદાસ્પદ રહી હોય, પરંતુ આ બૂક વાંચ્યા પછી મારો તો રામાયણ પ્રત્યેનો ભાવ વધ્યો અને તેને વાંચવા સમજવાનો નવો નજરીયો પણ મળ્યો. રામાયણ પ્રત્યે મારા ભાવમાં કંઈક ઉમેરો કરવાના નાતે પણ શતાયુ શ્રી નગીનદાસ સંઘવીજીને શ્રધ્ધાંજલી રૂપે કંઈ લખવું મનોમન નક્કી કર્યું. માટે આજનો લેખ તેને શ્રધ્ધાંજલી રૂપે અર્પિત છે.

આમ તો ગુજરાતી સાહિત્ય, કાવ્યરસ આ બધા મારા ગજા બહારના વિષયો રહ્યા છે, પરંતુ નાનપણની ઘણી સ્મૃતિઓ એવી હોય છે, કે જે આપણા મગજમાં કાયમ માટે કંડારાઈ જતી હોય છે. વર્ષાઋતુનો સમય છે, આજે ગાંધીનગરમાં પણ આ સીઝનનો પહેલો સારો કહી શકાય તેવો વરસાદ પડ્યો અને રોમેન્ટીક વાતાવરણ બની ગયું. આવા સમયે ન જાણે ક્યાં સાંભળેલી અને ન જાણે કોણે લખેલી પણ એક નાનકડી કવિતા યાદ આવી ગઈ. આ કવિતામાં ગુજરાતી ભાષાની જાજરમાન ગરિમા અને તેની ઊંડાઇનો તાદશ પરિચય છે.

આપણે ત્યાં જ્યારે રાત થાય છે, ત્યારે ગુજરાતીમાં તેના માટે “રાત પડી ગઈ” એવો શબ્દ વાપરીએ છીએ. આ રાત પડી ગઈ એટલે શું? ત્યારે તેના માટે એક પરિકલ્પના કરવામાં આવી છે કે, રાત એક સ્ત્રીનું નામ છે. રાતના લગ્ન સૂરજની સાથે થયેલા છે. આ રાત કંઈ અંધારી નથી, પરંતુ એક સૌભાગ્યવતી સ્ત્રી છે. તે તેના પતિને મળવા આતુર છે, પરંતુ કરુણા એવી છે કે રાત સુરજને મળી શકતી નથી. સુરજ રાતને કેવી રીતે મળી શકે? બિચારી પરણીને આવી છે, વિરહથી વ્યાકુળ છે, પતિને મળવાની આશ છે અને એ વિરહિણી પતિને મળવા તેની પાછળ ઘેલી થઈને દોટ મૂકે છે અને ત્યાંથી આ કવિતાની શરૂઆત થાય છે…

પ્રીતની ઘેલી હાય બિચારી, સુરજ પાછળ રાત પડી ગઈ

પ્રીતની તરસી ઘેલી થઈને આ રાત સુરજની પાછળ દોટ મુકે છે, પોતાના પતિને પામવા, તેને મળવા, તેનો સંગાથ મેળવવા પરંતુ….

ઘોડલાવાળો ઘડી ન રોકે, ત્યારે રીસ હૈયાને હાટ ચડી ગઈ

આપણે જાણીએ છીએ કે સુરજનું વાહન સાત ઘોડાવાળો રથ છે. તે સતત ચાલ્યે રાખે છે, આખા દિવસમાં એક ક્ષણ માટે પણ ઉભો નથી રહેતો. રાત તેની પાછળ-પાછળ દોડે છે, આખો દિવસ દોડે છે, સુરજ આગળ અને રાત પાછળ. અંતે રાત થાકી જાય છે અને તેને ખીજ ચડે છે, કેટલું દોડવું? વ્યથા અને ખીજમાં તે અથડાઈ પડે છે. અથડાય છે પણ કોની સાથે?  

અથડાણી આથમણી ભીંતે, સિંદૂર ખર્યું એની સાંજ ઢળી ગઈ

આથમણી દિશારૂપી દિવાલ સાથે તે અથડાય છે અને તેના માથામાંથી સિંદૂર ખરે છે. કોઈએ લખ્યું છે ને કે, સંધ્યાની આંખમાં લાલાશ શેની છે? પુછોને તેને તલાશ શેની છે?” અહીં પશ્ચિમ દિશાને એક દિવાલ સમી ગણાવી છે. દિવસભર આખી સૃષ્ટિને જીવંત રાખીને અંતે સુરજ અસ્તાચળમાં જતો રહે છે. પતિ મળ્યો નહીં તેથી ક્ષુબ્ધ થઈને રાત બિચારી આથમણી દિશા સાથે અથડાઈ પડી છે અને તેના માથામાંથી જે સિંદૂર ખર્યું તેની સંધ્યા સમયે આકાશમાં લાલી છવાઈ ગઈ. આખો દિવસ મહેનત કરીને અનેક મોરચે લડીને સ્ત્રીઓ શું અનુભવતી હશે તેનો પણ અહીં આભાસ જણાય છે. પરંતુ જ્યારે એક શક્તિ સ્વરૂપ સ્ત્રી થાકીને પડી જાય છે અને તેના વાળ વિખેરાઈ જાય છે, ત્યારે તેની છાયાથી પૃથ્વી ઉપર રાત થઈ જાય છે. રાતના વાળ છૂટા થઇને વિખેરાઇ ગયા અને તેની છાયાથી રાત પડી ગઈ. આવી રીતે રાત પડે છે માટે રાત પડી ગઈ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. કવિતા અહિં પુરી નથી થતી…

હાર ગળાના હીરલા તૂટ્યા, એના આકાશ મધ્યે તારલા થૈ ગયા

રાત બહુ દોડી છે, અથડાય છે, પડી છે, પરંતુ પતિ નથી મળ્યા. તે જ્યારે પડે છે, ત્યારે તેના ગળાનો હાર તૂટી જાય છે. તેના હારના ખરી પડેલા મોતીડા આકાશમાં તારાઓ થઈને ટમટમે છે. ત્યારબાદ રાત રડી પડે છે, તેનાં આંસુમા આ તારાઓનું પ્રતિબિંબ જાણે એક આકાશગંગા રચાઈ ગઈ હોય એવું પ્રતીત કરાવે છે. આ.. હા.. !! શું ગુઢ કલ્પના છે, પણ હજુ હદતો આગળની કડીમાં છે.

નંદવાણી સૌભાગ્યની ચૂડી, એની આકાશ મધ્યે બીજ બની ગઈ

રાતના હારની સાથે તેની પહેરેલી સૌભાગ્ય ચૂડલી પણ તૂટી જાય છે, જે આકાશમાં બીજનો ચંદ્રમા થઈને બિરાજે છે. ગુજરાતી સાહિત્યની વૈવિધ્યતા અને ઉંડાણની સાથે-સાથે વિવિધ રસોનો સંગમ અહિં જોવા મળે છે. શણગારરસ, પ્રેમરસ, વિરહરસ વગેરેની સાથે અધ્યાત્મરસનું અદ્ભુત સંયોજન આ કવિતાની આખરી કડીમાં જોવા મળે છે.

નૂપુર પગે ઠેસ વાગી, એની ગામે ગામ મંદિરમાં ઝાલર થૈ ગઈ

રાત સુહાગનનો શણગાર સજીને સૂરજની પાછળ દોડી, તેના સિંદૂરનું ઢોળાઈ સંધ્યાની લાલી થઈ જવું, વાળ છૂટા થઈ વિખેરાઈ જતા રાત થઈ જવી, હાર તૂટતા તેના મોતિડા તારલાઓ થઈ જવા, તેના આંસુના પ્રતિબિંબ થકી આકાશગંગા બની જવી, બંગડી તૂટી બીજ સ્વરૂપે શોભવી, આ બધાની સાથે તેણે ઝાંઝર પહેરેલા હતા. આ ઝાંઝરવાળા પગે ઠેસ વાગવાથી એક રણકાર થયો, ઝાંઝરનો ઝણકાર થયો, જાણે તે ગામે-ગામ મંદિરની ઝાલરોનો સુંદર રણકાર થઈ ગયો. આવી પડે છે આપણી રાત. જેના માટે આપણે ‘રાત પડી ગઈ’ રૂપક વાપરીએ છીએ.

જીવન પ્રમાણ મારફતે પેન્શનરો માટે ઓનલાઈન હયાતીની ખરાઇ અને અન્ય સુવિધાઓ

ગુજરાત રાજ્યની તિજોરી કચેરીઓ અને પેન્શન ચૂકવણા કચેરીઓમાંથી લગભગ સાડા ચાર લાખ જેટલા વિવિધ પ્રકારના જેવા કે રાજ્ય સરકારના, પંચાયતના,  સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના વગેરેના પેન્શનરશ્રીઓ દર મહિને પેન્શન મેળવે છે. પેન્શનરશ્રીઓ માટે તેઓની નિવૃત્તિ પછીની જિંદગીમાં સૌથી અગત્યની બાબતો પૈકીની કોઇ એક હોય તો તે છે, હયાતીની ખરાઇ”. દર વર્ષે પેન્શનરશ્રીઓએ તેને પેન્શન ચૂકવતી કચેરી અથવા જે બેંકમાં પેન્શન માટેનું ખાતુ હોય ત્યાં જઈ પેન્શન સતત ચાલુ રહે તે માટે, અધિકૃત અધિકારીની હાજરીમાં હયાતીની ખરાઇ કરાવવાની હોય છે.

કોવિડ-૧૯ મહામારીના પરિપેક્ષ્યમાં વરિષ્ઠ નાગરિકો એવા પેન્શનરશ્રીઓને ઘરની બહાર નીકળવું ઉચિત ન હોય; તેઓને બહાર નીકળવું ન પડે, તેઓ સ્વાસ્થ્ય સંબંધી કોઈ મુશ્કેલીમાં ન મુકાય તથા તેઓની પેન્શન રૂપી આવક સતત ચાલુ રહી શકે તે જરૂરી છે. આવા સંજોગોમાં પેન્શનરશ્રીઓ પોતાની હયાતીની ખરાઇ સરળતાથી કરાવી શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ  વિવિધ છૂટછાટો આપવામાં આવેલ છે અને સરળીકરણના પગલાઓ પણ લેવામાં આવેલ છે.

સમય મર્યાદામાં છૂટછાટ

રાજ્ય સરકારની સ્થાયી નીતિ અનુસાર દરેક પેન્શનરશ્રીએ દર વર્ષે મે મહિનામાં હયાતીની ખરાઇ કરાવવાની હોય છે. જે પેન્શનરશ્રી મે મહિનામાં હયાતીની ખરાઇ ન કરાવી શકે, તેઓને જૂન અને જુલાઇ એમ બે મહિનાની છૂટ આપવામાં આવેલ છે. જુલાઇ મહિનાના અંત સુધીમાં હયાતીની ખરાઇ ન કરાવી શકનાર પેન્શનરશ્રીનું  પેન્શન ઓગસ્ટ પેઈડ ઇન સપ્ટેમ્બર મહિનાથી સ્થગિત કરવાની જોગવાઈ છે.  કોવિડ – ૧૯ મહામારીને ધ્યાનમાં લઇ આ મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે, એટલે કે ચાલુ વર્ષે  પેન્શનરશ્રી મે – ૨૦૨૦ને બદલે જૂન – ૨૦૨૦માં હયાતી ખરાઇ કરાવી શકશે. તે ઉપરાંત છૂટના બે મહિના એટલે કે જુલાઇ – ૨૦૨૦ અને ઓગસ્ટ – ૨૦૨૦ના અંત સુધીમાં હયાતીની ખરાઈ કરાવી શકશે. ઓગસ્ટ-૨૦૨૦ના અંત સુધીમાં હયાતીની ખરાઈ ન કરાવી શકનાર પેન્શનરશ્રીનું સપ્ટેમ્બર – ૨૦૨૦ પેઈડ ઇન ૧લી ઓક્ટોબર, ૨૦૨૦થી પેન્શન સ્થગિત થશે. આમ, પેન્શનરશ્રીઓને મુશ્કેલી ન પડે અને પેન્શન સતત મળતું રહે, તે હેતુથી હયાતીની ખરાઇ કરવાની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે.

જીવન પ્રમાણ મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈ

પેન્શનરશ્રીઓ એટલે કે વરિષ્ઠ નાગરિકોને ઘરની બહાર નીકળવું ન પડે અથવા ઘરથી નજીકના જ કોઈ સ્થળેથી હયાતીની ખરાઈ થઈ જાય, તે માટે જીવન પ્રમાણ પોર્ટલ મારફતે હયાતીની ખરાઇ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જીવન પ્રમાણ એ ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારોના, કેન્દ્ર શાસિત પ્રદેશોના અને અન્ય પેન્શનરો ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે, તે માટે ઊભી કરવામાં આવેલી આધાર નંબર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણની ઓનલાઇન સુવિધા છે.

આ સુવિધા મારફતે રાજ્યની તિજોરી કચેરીઓમાંથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓને તિજોરી કચેરી કે બેન્કમાં, જ્યાં ચેપની શક્યતા વધુ હોઈ શકે છે, ત્યાં જવામાંથી મુક્તિ મળી શકે છે અને જરૂરી સંસાધનો ઉપલબ્ધ હોય તો ઘરેથી અન્યથા અન્ય ઓછી ભીડભાડ વાળા નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવી શકે છે. આવી ઓનલાઈન હયાતીની ખરાઈને ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ રજુ કર્યું કહેવામાં આવે છે. જીવન પ્રમાણ મારફતે ઘરે બેઠાં અને નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને પણ એમ બે રીતે હયાતીની ખરાઈ થઈ શકે છે. જીવન પ્રમાણ મારફતે હયાતીની ખરાઈ કરાવવા નીચે મુજબની વિગતોની આવશ્યકતા રહેશે.

  1. કમ્પ્યુટર/લેપટોપ કે સ્માર્ટફોન 
  2. જીવન પ્રમાણ સોફ્ટવેર કે એપ્લિકેશન
  3. બાયોમેટ્રિક ડિવાઈસ
  4. પેન્શનરનું નામ
  5. પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે)
  6. પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat)
  7. પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury)
  8. પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે)
  9. પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર
  10. બેંક ખાતા નંબર     

ઘરે બેઠા ઓનલાઈન હયાતીની ખરાઇ

પેન્શનરશ્રીએ પોતાના કમ્પ્યુટર/લેપટોપમાં https://jeevanpramaan.gov.in/app/download લિંક ઉપરથી યોગ્ય સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહે છે. આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ઇ-મેઇલ એડ્રેસ આપવું ફરજિયાત છે.

સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ પહેલાં આધાર નંબર, મોબાઈલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસની વિગતો ઉમેરવાની રહેશે. આ વિગતો ઉમેર્યા બાદ એક ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ – One Time Password) આવશે. આ ઓટીપી નિયત જગ્યાએ દાખલ કર્યા બાદ, અન્ય વિગતો જેવી કે પેન્શનરનું નામ, પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે), પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat), પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury),  પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે), પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર અને બેંક ખાતા નંબર વગેરે વિગતો ઉમેરવાની રહેશે. આ વિગતો ઉમેર્યા બાદ પેન્શનરશ્રી પુન: નોકરીમાં જોડાયેલા (Re-Employed) છે કે નહીં? અને પુન: લગ્ન (Re-Marriage) કરેલ છે કે કેમ? તેની વિગતો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહે છે.

ઉક્ત વિગતો ઉમેર્યા બાદ આધારની બાયોમેટ્રિક વિગતો સાથે ચકાસણીની સહમતી માટે ચેક બોક્સ ઉપર ટીક કરવાનું રહે છે. આટલી વિગતો ઉમેર્યા બાદ “Scan Finger (સ્કેન ફિંગર)”ના વિકલ્પ ઉપર ક્લિક કરી, આંગળી સ્કેન કરવાની રહે છે. આંગળી સ્કેન કરવા માટે બાયોમેટ્રિક ડિવાઈસની જરૂરિયાત રહે છે. જીવન પ્રમાણ સાથે કયા બાયોમેટ્રિક ડિવાઈસ કોમ્પીટીબલ છે, તેનું લિસ્ટ https://jeevanpramaan.gov.in/newassets/file/Jeevan_Pramaaan_Client_Installation_3.5.pdf  લિંક ઉપર ક્લિક કરવાથી પેઇજ નંબર – ૧૪ ઉપર મળી શકશે. આંગળીની સ્કેન કરેલી બાયોમેટ્રિક વિગતો આધારના ડેટા સાથે સફળતા પૂર્વક મેચ થતાં ઇલેક્ટ્રોનિક ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ આધાર કાર્ડમાં આપેલા ફોટો સાથે જનરેટ થઈ સબમીટ થઈ જશે. ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ સબમીટ થતા તેનો એક નંબર જનરેટ થશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે.

આ જ રીતે મોબાઇલમાં “UMANG – ઉમંગ” એપ્લિકેશન (https://web.umang.gov.in/web) મારફતે પણ ઉપર દર્શાવેલ વિગતો અને બાયોમેટ્રિક ડિવાઈસની મદદથી ઓનલાઈન હયાતીની ખરાઈ થઈ શકે છે.

જીવન પ્રમાણની સુવિધા પૂરી પાડતા નાગરિક સેવા કેન્દ્ર મારફતે હયાતીની ખરાઈ

પેન્શનરશ્રી પોતાની નજીકનું નાગરિક સેવા કેન્દ્ર શોધવા માટે https://jeevanpramaan.gov.in/locater લિંક ઉપર ક્લિક કરી સ્થળની વિગતો અથવા પોતાના વિસ્તારનો પીન (પોસ્ટલ આઇન્ડેંટીફિકેશન નંબર) નાખી, તેઓના વિસ્તારમાં કઈ જગ્યાએ નાગરિક સેવા કેન્દ્ર ઉપલબ્ધ છે, તેની વિગતો મેળવી શકે છે. આ ઉપરાંત મોબાઈલ નંબર – ૭૭૩૮૨૯૯૮૯૯ ઉપર JPL 123456 (JPL પછી સ્પેસ અને ત્યારબાદ પોતાના વિસ્તારનો પીન કોડ) ટાઇપ કરી સાદો ટેક્સ્ટ મેસેજ કરીને પણ નજીકના નાગરિક સેવા કેન્દ્રનું એડ્રેસ અને સંપર્ક નંબર જેવી વિગતો મેળવી શકશે.

નાગરિક સેવા કેન્દ્ર ઉપર પેન્શનરશ્રીએ તેઓનું નામ, પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે), પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat), પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury),  પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે), પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર અને બેંક ખાતા નંબર વગેરે વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત તેઓએ પુનઃ નોકરીમાં જોડાયેલા છે કે કેમ? અને પુનઃ લગ્ન કરેલ છે કે કેમ? આ બંને વિગતો પણ આપવાની રહેશે.

ઉક્ત તમામ વિગતો આપ્યા બાદ આધાર બાયોમેટ્રિક વેલીડેટ કરાવવાના રહેશે. અહીં આંગળાની છાપ – ફિંગર પ્રિન્ટની વિગતો આધારની બાયોમેટ્રિક વિગતો સાથે સફળતા પૂર્વક મેચ થતાં ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ જનરેટ થઈ સબમીટ થઈ જશે. આ સુવિધા આપવા માટે નાગરિક સેવા કેન્દ્ર તેનો સરકારશ્રી દ્વારા નિયત ચાર્જ લઇ શકે છે, જે હાલ રૂ. ૧૦/- છે.

વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરોની ઘરે બેઠા હયાતીની ખરાઈ

રાજ્યના વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરો કે જે પથારીવશ કે ચાલવા અશક્ત છે અને તેઓ ઘરે બેઠા હયાતીની ખરાઈ કરાવવા ઇચ્છતા હોય, તો તેઓએ સબંધિત તિજોરી કે પેટા તિજોરી કચેરીને અગાઉથી લેખિતમાં જાણ કરવાની રહેશે. આવા શારીરિક રીતે અશક્ત અને પથારીવશ પેન્શનરોની હયાતી ખરાઇ જિલ્લા કક્ષાએ અધિક તિજોરી અધિકારી અથવા હિસાબનીશ કક્ષાના કર્મચારી અને તાલુકા કક્ષાએ પેટા તિજોરી અધિકારી કક્ષાના કર્મચારી પેન્શનરશ્રીના ઘરે જઈ રૂબરૂમાં જઈને કરશે. સરકારશ્રી દ્વારા વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરો કે જે પથારીવશ કે ચાલવા અશક્ત છે, તેઓ માટે આવી સુવિધાજનક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે.

પેન્શન પોર્ટલ

રાજ્ય સરકારશ્રીની તિજોરી કચેરીઓમાંથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓ તેમના પેન્શનને લગતી વિગતો સરળતાથી ઘરે બેઠા મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા પેન્શન પોર્ટલ વિકસાવવામાં આવેલ છે. આ પેન્શન પોર્ટલ ઉપર પોતાની વિગતો જોવા માટે પહેલા કોઈપણ એક બ્રાઉઝર (Internet Explorer, Mozilla Firefox, Google Chrome વગેરે) ખોલવાનું રહેશે. બ્રાઉઝરના એડ્રેસ બારમાં https://cybertreasury.gujarat.gov.in/ ટાઇપ કરી એન્ટર આપવાનું રહેશે. આમ કરતા પેન્શન પોર્ટલનું પ્રથમ પેઇજ ખૂલશે. ત્યાં “Pension Portal” વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછીની સ્ક્રીનમાં બેંક ખાતા નંબર (આંકડામાં જ) અને પીપીઓ નંબર (દા.ત. DPP/PR-4/06/2020/123456 સ્પેશિયલ કેરેક્ટર સાથે) દાખલ કરી Login ઉપર ક્લિક કરતા સબંધિત પેન્શનરનું એકાઉન્ટ ખૂલી જશે. અહીં પેન્શનરશ્રી તેઓની નીચે મુજબની વિગતો જોઈ કે મેળવી શકશે –

  1. પેન્શનની માસિક સ્લિપ,
  2. પેન્શનની ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક આવકની વિગતો,
  3. પેન્શનરશ્રી પોતાની વિગતો સાથેના લાઈફ સર્ટીફિકેટની પ્રિન્ટ મેળવી શકશે,
  4. મેડિકલ રીમ્બર્સમેન્ટના બિલોનું સ્ટેટસ જાણી શકશે,
  5. પેન્શનરશ્રી તેઓની સંપર્ક વિગતો જેવી કે, મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ વગેરે અદ્યતન કરી શકે છે.

આમ, કોવિડ-૧૯ મહામારીના સમયમાં સરકારશ્રી દ્વારા રાજ્યના પેન્શનરો એટલે કે વરિષ્ઠ નાગરિકોના હિતમાં સુવિધાજનક પગલાઓ લઈ તેઓની સલામતી પરત્વે પુરતા પગલા લેવા પ્રયત્ન કરવામાં આવેલ છે.    

ખાસ નોંધ: –

  1. હયાતીની ખરાઈ કરવાના સમયગાળામાં આપવામાં આવેલી છૂટછાટ હાલ વર્ષ ૨૦૨૦ માટે જ અમલમાં રહેશે.
  2. જીવન પ્રમાણ મારફતે ઓનલાઇન ખરાઇ કરાવતી વખતે પેન્શનરશ્રીના આધાર કાર્ડમાં અને પેન્શન ચૂકવણા હુકમમાં નામ સરખા હોય તે આવશ્યક છે, અન્યથા વિસંગતતા વાળા ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ અમાન્ય રહી શકે છે.
  3. જીવન પ્રમાણ વિશે કોઈપણ મુશ્કેલી માટે ૧૮૦૦ ૧૧૧ ૫૫૫ તથા ૦૧૨૦-૩૦૭૬૨૦૦ નંબર ઉપર અને jeevanpramaan@gov.in ઇ-મેઇલ ઉપર સંપર્ક કરી શકાય છે તથા પેન્શન પોર્ટલ સબંધી કોઇ મદદની આવશ્યકતા જણાય તો ફોન નં – ૦૭૯ ૨૩૨ ૫૭૩૨૫ અને ૦૭૯ ૨૩૨ ૫૭૩૨૬ અને supt-sys-dat@gujarat.gov.in ઇ-મેઇલ ઉપર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાય છે.

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)

ફાધર્સ ડે નિમિતે પુજ્ય પિતાશ્રીને સમર્પિત…

સૌથી અગત્યની બાબત – દૂરસ્થ શિક્ષણ પ્રણાલી એટલે ફક્ત ઓનલાઇન શિક્ષણની જ વાત નથી.

મારા અગાઉના “કોવિડ – ૧૯ અને શિક્ષણ” વિષય પરના લેખમાં શિક્ષણનું મહત્વ, ભણતરની કટોકટી, નબળા ભણતરના કારણો અને કોવિડ – ૧૯ની ભણતર પર થઇ રહેલી વિપરીત અસરો વિશે વાત કરી હતી. અંતે આ કોવિડ – ૧૯ મહામારીના કપરાકાળમાં શિક્ષણને ચાલુ રાખવા “દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)”ને એક સારા વિકલ્પ સ્વરૂપે ગણાવ્યો હતો. તો ચાલો જોઈએ આ દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System) કેવી હોવી જોઈએ?

સંસાધનોની ઉપલબ્ધિ

દરેક દેશ અને રાજ્યોની દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા માટેની કેપેસીટી અલગ-અલગ હશે. પ્રથમ તો દરેક દેશ અને રાજ્યોએ પોતાના વિસ્તારમાં દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા માટેની કેપેસીટી અને સંસાધનોનું ન્યાયિક મૂલ્યાંકન કરવું જોઈએ. જો મૂલ્યાંકન યોગ્ય નહીં હોય તો વ્યવસ્થા સફળ નહીં જ થઈ શકે. જ્યાં સંસાધનો ઉપલબ્ધ કરાવી શકાય તેમ હોય, ત્યાં શક્યતા ચકાસી વધુમાં વધુ અને શક્ય તેટલી ઝડપથી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈશે કે જે બાળકો સૌથી વધુ ખરાબ રીતે અસરગ્રસ્ત હશે તેઓ પાસે જ દૂરસ્થ શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા સૌથી ઓછી હશે.

હમણાં મારા વોટ્સએપ ઉપર એક ઓડિયો ક્લિપ મળી હતી, જેમાં શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ માટે વાલીને  ફોન કરવામાં આવે છે. વાલી જે જવાબ આપે છે તેમાં બે મુખ્ય બાબતો છે. પહેલી, તેના સિવાય ઘરમાં કોઈ પાસે સ્માર્ટફોન નથી અને ઓનલાઈન શિક્ષણના સમયે તે ઘરે હાજર રહી શકે તેમ નથી કે વધુ કોઈ સ્માર્ટફોન ખરીદી શકે તેમ નથી. બીજી, સ્કૂલે જે કરવું હોય તે કરે અમે બાળકોને કોઇપણ સંજોગોમાં ઓનલાઈન ભણાવવાના જ નથી. પહેલી વાત સંસાધનોની અનુપલબ્ધીની વાસ્તવિકતા દર્શાવે છે, જ્યારે બીજી વાત દૂરસ્થ કે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થાને ન સ્વીકારવાની જડ માનસિકતા દર્શાવે છે. બન્ને બાબતો આજના આપણા સમાજની નરી વાસ્તવિકતા જ દર્શાવે છે.

શૈક્ષણિક સામગ્રી

દરેક ધોરણ અને પ્રવાહના અભ્યાસક્રમને અનુરૂપ શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી આવશ્યક છે. જેમાં સૌપ્રથમ હાલ કઈ સામગ્રી ડિજિટલ સ્વરૂપમાં એટલે કે ઓડિયો કે વિડિયો સ્વરૂપમાં ઉપલબ્ધ છે, તે ચકાસી તેનું સંકલન કરવું જોઇએ. ત્યારબાદ કઈ સામગ્રી નવી બનાવવી પડશે તે નક્કી કરી, તે બનતી ત્વરાએ તૈયાર કરી ઉપલબ્ધ કરાવવી જોઈએ. ઘણી વખત એવું પણ બનશે કે એક જ વિષયની સામગ્રી વિવિધ સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ થશે. આવા સંજોગોમાં સૌથી વધુ અધિકૃત માહિતીને પ્રાધાન્ય આપવું જોઈએ. હવે ઉપલબ્ધ તમામ સામગ્રીને અભ્યાસક્રમ મુજબ ગોઠવવી જોઈએ.

વિશ્વના ઘણાં દેશો અને ખાસ આપણા દેશમાં જ લોકો ઓનલાઈન અભ્યાસથી ટેવાયેલા નથી. વધુમાં, ઓનલાઈન ક્લાસ પુરો થયા બાદ ગૃહકાર્ય અને વધુ વાંચન માટે પાઠ્યપુસ્તક અને સ્ટડી મટીરિયલ્સ વગેરેની હાર્ડકોપી વિદ્યાર્થીઓ પાસે ઉપલબ્ધ હોવી ખૂબ જ આવશ્યક છે. વિદ્યાર્થીઓને આ પાઠ્યપુસ્તક અને સ્ટડી મટીરિયલ્સ વગેરેની હાર્ડકોપી પહોંચાડવાની બાબત સંક્રમણને ધ્યાને લઈ સંવેદનશીલ છે. આ સમસ્યાને પહોંચી વળવા છાપાવાળા, કુરીયરવાળા અને પોસ્ટ ખાતું વગેરેની મદદ લઈ શકાય. આ ઉપરાંત આવી શૈક્ષણિક સામગ્રીનો ઇલેક્ટ્રોનિકરૂપમાં એટલે કે સોફ્ટકોપીમાં સોશીયલ મીડિયાના સાધનો જેવા કે વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે મારફતે વધુમાં વધુ ફેલાવો કરી શકાય.

બ્રોડકાસ્ટ આધારિત દૂરસ્થ શિક્ષણ

દેશ કે રાજ્યના દરેક ભાગમાં કે દરેક ગામમાં બ્રોડબેન્ડ મારફતે ઓનલાઇન શિક્ષણ આપવું વિકસિત દેશોમાં પણ શક્ય નથી; ત્યારે ભલે વિશ્વમાં ઇન્ટરનેટના યુઝર્સની દ્રષ્ટીએ ભારતનું બિજુ સ્થાન હોય, પરંતુ વસ્તીના પ્રમાણની દ્રષ્ટીએ 122મું સ્થાન ધરાવતા આપણા દેશની તો વાત જ અસ્થાને છે. આવા સંજોગોમાં પુસ્તકો/સ્ટડી મટીરિયલ્સ પહોંચાડ્યા બાદ દૂરસ્થ શિક્ષણ આપવાના બ્રોડબેન્ડ સિવાય બે વિકલ્પ છે, રેડિયો અને ટેલીવિઝન.

રેડિયો ઉપર શૈક્ષણિક ચેનલ શરૂ કરી અને અગાઉથી નક્કી કરેલા સમયે જે-તે વિષયના લૅક્ચર બ્રોડકાસ્ટ કરી શકાય. દેશના ખૂણે-ખૂણે અને દરેક પ્રકારના વિદ્યાર્થીઓ સુધી પહોંચવા રેડિયો એક સુલભ સાધન છે. બીજો વિકલ્પ છે, ટીવી. દ્રષ્ય-શ્રાવ્યનું સંયોજન એ કંઈપણ શિખવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ હોય, આ વિકલ્પ રેડિયો કરતા શિખવવાની બાબતમાં વધુ અસરકારક છે. ટીવી ઉપર નિશ્ચિત સમયપત્રક મુજબ અભ્યાસક્રમ મુજબના વિડિયો પ્રોગ્રામ પ્રસારિત કરી શકાય, લાઇવ શો કરી શકાય, પુન: પ્રસારણ પણ કરી શકાય અને ઓન ડિમાન્ડ જોવાની સુવિધા પણ આપી શકાય. ટીવી મારફતે મનોરંજન સાથે શિક્ષણ (Edutainment) થકી પાઠ ભણાવતા પ્રસારણ કરી શકાય.

રેડિયો અને ટીવી બન્ને ઉપર શૈક્ષણિક હેતુ માટે ખાસ ચેનલો ઉપલબ્ધ જ હોય તો બહુ સરળતાથી તેનો વ્યાપક ઉપયોગ શરૂ કરી શકાય અને ન હોય તો પ્રથમ વખત મૂડીખર્ચ થોડો વધુ આવી શકે છે.

ઓનલાઈન કે મોબાઈલ મારફતે દૂરસ્થ શિક્ષણ

વિશ્વના લગભગ 50% વિદ્યાર્થીઓ પાસે ઘરે કમ્પ્યુટરની સુવિધા નથી. ઓનલાઇન શિક્ષણ શરુ કરવું હોય તો પાયાની જરૂરિયાતો છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને કમ્પ્યુટર/લેપટોપ/મોબાઈલ. ઓનલાઇન શિક્ષણને સફળ બનાવવા સૌથી પહેલા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધુમાં વધુ જગ્યાએ પહોંચાડવી અને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ કરાવવી આવશ્યક છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે દેશની મોટી ટેલીકોમ કંપનીઓની મદદ મેળવી શકાય.

ત્યારબાદ તમામ પ્રકારની શૈક્ષણિક સામગ્રી એક જ જગ્યાએથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી પડે. ઘણા દેશો અને મોટા કોર્પોરેટો તેના માટે ખાસ Learning Management System – LMS”નો ઉપયોગ તાલીમ અર્થે કરે છે. જેમાં ભણાવવું, સુચનાઓ આપવી, મદદ કરવી, પ્રશ્નો હલ કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ બધી સુવિધાઓ આપવા માટે વિવિધ પ્રકારની સિસ્ટમ એટલે કે વિન્ડોઝ, એન્ડ્રોઇડ, લિનક્સ  વગેરેમાં ઉપયોગ કરી શકાય તેવી શૈક્ષણિક સામગ્રી બનાવવી જોઈએ.

ઓનલાઈન શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે ઇન્ટરનેટના કનેકશન સાથે તેની ઝડપ બહુ અગત્યની છે. ઇન્ટરનેટ સ્પીડ બાબતે ઉક્લાના અહેવાલ મુજબ ભારતનો વિશ્વમાં મોબાઈલ બ્રોડબેન્ડમાં 128મો અને ફિક્સ બ્રોડબેન્ડમાં 66મો ક્રમાંક છે. એટલે કે ઝડપની બાબતમાં આપણે બહુ પાછળ છીએ. આ સંજોગોમાં ઓછી બેન્ડવિડ્થ કે ઝડપમાં પણ ઉપયોગ કરી શકાય, ઓફલાઈન ઉપયોગ કરવા ડાઉનલોડ કરી શકાય તેવી રીતે શૈક્ષણિક સામગ્રી બનાવવી જોઈએ.

ઓનલાઈન શિક્ષણને ફક્ત રેકોર્ડેડ લૅક્ચર પુરતું સીમિત ન રાખતા વેબિનાર, વિડિયો કોન્ફરન્સ વગેરે જેવી ટેકનોલોજી સાથે ઇન્ટરેક્ટિવ (પરસ્પર સંવાદ થઈ શકે તેવું) બનાવવું જોઈએ.

વિવિધ કક્ષાના વિદ્યાર્થીઓને અનુરૂપ વ્યવસ્થા

વિવિધ કક્ષાના વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ જુદી-જુદી હોય છે. દરેક કક્ષા અને ઉંમરના બાળકોને એક જ પદ્ધતિથી શિક્ષણ આપવું યોગ્ય નથી. આ બાબત ધ્યાને રાખી કક્ષા અને ઉંમર મુજબ દૂરસ્થ શિક્ષણનું મોડેલ અપનાવવું જોઈએ. વિદ્યાર્થીઓને બહોળી કક્ષામાં વહેંચી તેના માટે અનુરૂપ વ્યવસ્થા વિશે જોઈએ તો –

પ્રિ-સ્કૂલિંગ કે પ્રિ-પ્રાયમરી કક્ષાના બાળકો માટે ટીવી અને રેડિયો મુખ્ય દૂરસ્થ શિક્ષણનું સાધન હોવા જોઈએ. તેમાં પણ મનોરંજન સાથે શિક્ષણ (Edutainment) આપે તેવા પ્રોગ્રામ હોય તો બાળકોને સારી રીતે જોડી રાખી શકાય. આ જ પ્રોગ્રામના વિડિયો ઇન્ટરનેટના માધ્યમથી ક્યારેય પણ જોઈ શકાય અને ડાઉનલોડ કરી શકાય તેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય. સીધા જ ઓનલાઈન શિક્ષણ માટે આ વર્ગ પાસેથી અપેક્ષા ન રાખી શકાય, વળી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ, કમ્પ્યુટર વગેરેથી તેઓની આંખોને નુકશાન થઈ શકે છે.

પ્રાથમિક શાળાના બાળકો માટે પાઠ્યપુસ્તક, રેડિયો, ટીવી, સોશીયલ મીડિયા અને ઓનલાઈન શિક્ષણનું યોગ્ય મિશ્રણ ઉપયોગમાં લઈ શકાય. પ્રથમ જે વિષય કે મુદ્દો ભણાવવાનો હોય તેનો ઓડિયો કે વિડિયો એપીસોડ રેડિયો કે ટીવી ચેનલ ઉપર નિર્ધારિત સમયે પ્રસારિત કરવો જોઈએ. આવા પ્રસારણ વખતે આ કક્ષાના બાળકો પાસે પાઠ્યપુસ્તક હોવા આવશ્યક છે. પાઠ્યપુસ્તક અને ઓડિયો/વિડિયો પ્રસારણ ઉપરથી અભ્યાસ કર્યા બાદ કંઇ મુશ્કેલી જણાય તો ઓનલાઈન જોડાય ત્યારે પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. આ ઉપરાંત ક્લાસ ક્યારે છે, ઓનલાઈન સેશન ક્યારે હશે, શૈક્ષણિક સામગ્રી કઈ રીતે ઉપલબ્ધ થશે વગેરે પ્રકારની વિગતો પુરી પાડવા ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ કે અન્ય સોશીયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરી શકાય. સોશીયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સંકલન કરી ઓનલાઈન સેશન વખતે એકસાથે નિરાકરણ લાવવાની વ્યવસ્થા ગોઠવી શકાય. પ્રાથમિક શાળાના બાળકો માટે દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા ખરેખર પડકારરૂપ છે અને સાથે-સાથે સમાજના સુદ્રઢ ઘડતર માટે આ વર્ગ સૌથી અગત્યનો પણ છે.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ મુખ્ય સાધન તરીકે રાખી શકાય. ત્યારબાદ આ વિદ્યાર્થીઓને ફરીથી જરૂરિયાત ઉભી થાય તો ટીવી કે રેડિયો ઉપર લૅક્ચરનું પ્રસારણ અને પુન: પ્રસારણ કરી શકાય. સ્ટ્રીમીંગ થઈ શકે કે ડાઉનલોડ થઈ શકે તેવા ઓડિયો તથા વિડિયો ઉપલબ્ધ કરાવી શકાય.

ઉચ્ચ શિક્ષણ એટલે કે સ્નાતક અને તેથી ઉપરની કક્ષાના વિદ્યાર્થીઓને ફક્ત ઓનલાઇન પદ્ધતિથી શિક્ષણ આપી શકાય. વિડિયો કોન્ફરન્સ જેવી સુવિધાથી દૂરસ્થ શિક્ષણ પુરું પાડી શકાય. તેઓ માટે આ પ્રકારની વ્યવસ્થા કદાચ વધુ ઉપયોગી નીવડી શકે.

દીર્ઘદ્રષ્ટીવાળી વ્યવસ્થા 

હાલ કોવિડ-19ની મહામારીના ઉપલક્ષમાં અને ત્યારબાદ પણ વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા સુધારાઓ ધ્યાને લેતા, દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા આપણા જીવનનો ભાગ બનતો જશે. આ સંજોગોમાં હાલ સ્કૂલો શરૂ થઈ શકતી નથી માટે માત્ર ટૂંકાગાળાના આયોજનરૂપે વ્યવસ્થા ગોઠવવી ન જોઈએ. હાલ જે રીતે ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઈન શિક્ષણ માટે ટૂંકાગાળાની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે તે જોતા, તેમાં ફક્ત હરીફાઈ, વિદ્યાર્થીઓના એડમિશન નક્કી કરવા અને ધંધો ચાલુ રાખવાનો આશય વધુ જણાય છે. આવી વ્યવસ્થાથી બાળકો, વાલી, શિક્ષકો, સંસ્થાઓ બધાના સમય અને સંસાધનો વેડફાઇ રહ્યાં છે. કોઈ સંસ્થા ઓનલાઈન ભણાવવા વોટ્સએપ વાપરે છે તો કોઈ ગુગલ મીટ, ઝૂમ કે વેબેક્સ વાપરે છે. બધી જ કક્ષાના બાળકો માટે બસ સ્કૂલે નક્કી કરેલ એક જ પ્લેટફોર્મ, ભણાવવાની સુદ્રઢ વ્યવસ્થાને બદલે વિદ્યાર્થીઓના એડમિશન આખરી કરવા અને ત્રિ-માસિક ગાળાની ફી ઉઘરાવવાની વ્યવસ્થા વધુ લાગે છે.

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થામાં બાળકોને ભણાવવા, શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવી, પરસ્પર સંવાદ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી, પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા, શિક્ષકોને આ બધી બાબતો માટે તાલીમબદ્ધ કરવા, શિક્ષકો માટે સપોર્ટ સિસ્ટમ, વાલીઓ અને શિક્ષકો માટે આ વ્યવસ્થાનું સાહિત્ય તૈયાર કરી પુરું પાડવું, અને આ આખી વ્યવસ્થાના સુચારું સંચાલન માટે 24X7 હેલ્પડેસ્કની સુવિધા ઉભી કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છાપા, રેડિયો, ટીવી, સોશીયલ મીડિયા વગેરે મારફતે પુરતી પ્રસિદ્ધિ કરવી જોઈએ. પ્રોગ્રામના પ્રસારણ, ઓનલાઈન સેશન, સ્ટડી મટીરિયલ્સ, અન્ય સુવિધાઓ વગેરે માટે ટેક્સ્ટ મેસેજ, રિમાઈન્ડર, એલર્ટ વગેરે જેવા ટૂલનો ઉપયોગ પણ કરવો જોઈએ. આમ, સામાન્ય લાભો માટે ટૂંકાગાળાના આયોજનને બદલે સુદ્રઢ શિક્ષણ વ્યવસ્થા કેમ વિકસે તેવા દ્રષ્ટીકોણથી સ્થાયી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આમ, દૂરસ્થ શિક્ષણ પ્રણાલી બહુ-આયામી (Multi-faceted) હોવી જોઈએ.

દૂરસ્થ શિક્ષણ પ્રણાલી આપણા માટે હજુ ઘણી નવી ગણી શકાય. નાના બાળકો તો શું? વાલીઓ અને શિક્ષકો પણ તેનાથી સુપેરે પરિચિત નથી. આવા સમયમાં સ્કૂલો ફક્ત પોતાનો વ્યવસાય ચાલે અને બધાની સાથે કંઈક તો કરવું જોઈએ, તેવા આશયથી ઓનલાઈન ભણાવવાનું ચાલુ કરશે, વાલીઓ ફક્ત વગર વિચાર્યો વિરોધ જ કરશે અને સરકાર ફક્ત નીતિ બનાવીને સંતોષ માનશે તો કંઈ વળવાનું નથી. શિક્ષણ આપણી સમાજ વ્યવસ્થાનું અવિભાજ્ય અંગ છે. તેના માટે આખા સમાજે એટલે કે વાલી, શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્‍ટ અને સરકાર બધા સાથે મળી એકસુત્રતા અને એક જ ધ્યેય સાથે મહેનત કરશે તો જ તે રંગ લાવશે. કંઈક નવું શરૂ કરીએ તો મુશ્કેલી તો પડે જ, પરંતુ તેમાંથી માર્ગ કાઢી, નવી ટેકનોલોજી સ્વીકારી અને આગળ વધશું તો ચોક્કસ સારા પરિણામો હાંસલ કરી શકીશું. કોવિડ – ૧૯ના કપરાકાળમાં દૂરસ્થ શિક્ષણ પ્રણાલી જ બાળકોને ચેપથી મુક્ત રાખી શકે છે, એટલે કે બાળકો સ્વરૂપે આપણા ભવિષ્યની સુરક્ષિતતા સુનિશ્ચિત કરી શકે છે તથા બાળકો સ્કૂલે જઈ સંક્રમણ ઘરે ન લાવે તેનાથી આપણે વર્તમાન એટલે કે ઘરના વડીલો સહિતના સભ્યોને પણ સુરક્ષિત રાખી શકીએ છીએ.

જે વાચકોનો અગાઉના લેખ માટે બાળકોની આંખો બગડે, બધા પાસે સ્માર્ટફોન ન હોય, ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું શું? વગેરે-વગેરે અભિપ્રાયો હતા, તેઓને આ લેખ વાંચીને જરૂરથી ટાઢક વળી હશે તેવું માનું છું. “બાળકો એક વર્ષ નહિ ભણે તો ચાલશે” આવા અભિપ્રાય વાળા વાલીઓ, આ તમારો અંગત અભિપ્રાય અને લાગણી હોઈ શકે, પરંતુ અહીં “બાળક એક વર્ષ સ્કૂલે નહીં જાય તો ચાલશે” તેવું વલણ વધુ ઉચિત રહેશે. આપના અભિપ્રાયો ચોક્કસ મોકલતા રહેજો.

કોવિડ – ૧૯ અને શિક્ષણ

મારી લાડલી દિકરી નીરજાના જન્મ દિવસ નિમિતે તેને સમર્પિત…

જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. શિક્ષણ આપણી રોટી-કપડા-મકાનની જેમ મૂળભૂત જરૂરિયાત છે. કોઈ પણ પ્રજા, દેશ, જાતી વગેરેના વિકાસનું મૂળ શિક્ષણમાં છે. વિશ્વના લગભગ બધા દેશો શિક્ષણનું મહત્વ સુપેરે સમજે છે. જેમ-જેમ પ્રજામાં શિક્ષણ વધે તેમ-તેમ ગરીબી, ભૂખમરો, ગુનાખોરી વગેરે જેવા દૂષણો ઘટે અને સુખ, શાંતિ, સ્વચ્છતા, જાતીય સમાનતા, આવકની સમાનતા, આરોગ્ય, આયુષ્ય વગેરે વધે છે. ટૂંકમાં, જે-તે પ્રદેશના સર્વાંગી વિકાસનો આધાર શિક્ષણ છે. એક અભ્યાસ મુજબ એક વર્ષનો વધુ અભ્યાસ કરવાથી વ્યક્તિની આવકમાં ૯%નો વધારો થાય છે.

વિકાસશીલ દેશોએ છેલ્લા અમૂક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારો વિકાસ કર્યો છે. શિક્ષણના મુદ્દાને વિશ્વ કક્ષાએ સંયુક્ત રાષ્ટ્રના ૧૭ ટકાઉ વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals – SDG)માં ચોથા સ્થાને રાખવામાં આવેલ છે. જેમાં વ્યાપક અને ગુણવત્તાવાળું શિક્ષણ સુનિશ્ચિત કરવાનો અને બધા માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાનો ધ્યેય નિયત કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રના આ અભિયાન હેઠળ વિશ્વબેંક દ્વારા આપવામાં આવતી સહાય, શિક્ષણના મહત્વ માટે સજાગ થતી જતી સરકારોના અથાક પ્રયત્નો અને શિક્ષણ ક્ષેત્ર માટે દરેક દેશો દ્વારા વધુમાં વધુ ફાળવવામાં આવતું ભંડોળ વગેરેના પરીણામે શિક્ષણનો દર વધતો જાય છે. શિક્ષણનો દર વધારવામાં આપણા દેશની વાત કરીએ તો, સૌથી અગત્યનો તેવો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ યોજનાઓ જેવી કે, મધ્યાહન ભોજન યોજના, ડ્રૉપ આઉટ રેશીયો ઘટાડવાની યોજનાઓ, શિષ્યવૃતિ વગેરે જેવી અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે અને તેની ખૂબ જ સારી તથા હકારાત્મક અસરો જોવા પણ મળી રહી છે. આખા વિશ્વની વાત કરીએ તો વર્ષ – ૨૦૧૮ની સ્થિતિએ ૧૫ વર્ષથી વધુ ઉંમરની કુલ વસ્તીના ૮૬% લોકો સાક્ષર છે. જેમાં નોર્થ કોરિયા ૧૦૦% સાથે પ્રથમ ક્રમાંક ઉપર અને નાઇજર ૧૯% સાથે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો દેશ છે. ભારતમાં સાક્ષરતાનો દર ૭૪.૦૪% જેટલો છે.

આ બધી આંકડાઓની માયાજાળ તો જોઈ અને શિક્ષણ ક્ષેત્રે વિશ્વ આખું ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ, મોટાભાગે એકબીજાના પર્યાય તરીકે વપરાતા સાક્ષરતા કે શિક્ષણ (Education) અને ભણતર (Learning) આ બે શબ્દોને આપણી સામાન્ય સમજ માટે અહીં થોડા જુદા પાડુ છું. આખા વિશ્વમાં સાક્ષરતાનો દર (Literacy Rate) તો વધતો જાય છે, પરંતુ ભણતર (Learning) બહુ કથળેલું છે. જેને ભણતરની કટોકટી એટલે કે Learning Poverty કહેવાય છે. આપણે દેશી ભાષામાં કહીએ છીએ ને કે, ‘ભણ્યો પણ ગણ્યો નહી’, બસ એવું જ. ૧૦ વર્ષના બાળકને વાંચતા ન આવડે તો તેને ભણતરની કટોકટી (Learning Poverty) ગણવામાં આવે છે. વિશ્વબેંકના છેલ્લા આંકડાઓ મુજબ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ૫૩% બાળકોને પ્રાથમિક શિક્ષણ પુરું કરે ત્યાં સુધી વાંચતા કે નાની વાર્તાઓ સમજતા નથી આવડતું અને ગરીબ દેશોમાં આ પ્રમાણ ૮૦% જેટલું છે.

ભણતર (Learning) વગરનું શિક્ષણ (Education) નકામું છે. ભણતર (Learning) વગરનું શિક્ષણ (Education) ફક્ત સંસાધનોનો બગાડ જ નથી, પરંતુ બાળકોને હળાહળ અન્યાય પણ છે. નબળા ભણતરના ઘણાં કારણો છે, જેવા કે એક તો નબળું ભણતર પોતે જ, કુવામાં હોય તો હવાડામાં આવે ને? બીજુ, બાળકો ભણવાની તૈયારી કે માનસિકતા સાથે સ્કૂલે આવતા જ નથી. તેઓને મધ્યાહન ભોજનમાં રસ છે યા શિષ્યવૃતિ વગેરે જેવા પ્રલોભનો માટે ઘરેથી ફરજિયાત મોકલવામાં આવે છે. ત્રીજું, શિક્ષકોમાં જ્ઞાનનો અથવા બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવાની કુનેહનો અભાવ. ચોથું, ભણાવવાની પદ્ધતિ, નબળું સ્કૂલ સંચાલન વગેરે. પાંચમું, મૂળભૂત શિક્ષણ પ્રથામાં લાગેલો લૂણો જ કારણભૂત હોઈ શકે.

કોવિડ – ૧૯ પહેલા જ વિશ્વ શિક્ષણની બાબતમાં ભણતરની ગુણવત્તાના મોરચે લડી રહ્યું હતું, તેમાં અધુરામાં પુરી આ મહામારી આવી ગઈ. આ મહામારીના સમયમાં દવા અને રસીની અનુપલબ્ધીમાં સોશીયલ ડિસ્ટન્સીંગ એકમાત્ર સચોટ ઉપાય હોય, ૧૯૦થી વધુ દેશોએ શાળાઓ અને કોલેજો બંધ કરવાની ફરજ પડી. આ રીતે શૈક્ષણિક સંસ્થાઓ બંધ થવાથી વિશ્વના લગભગ ૯૦% એટલે કે ૧૬૦ કરોડ બાળકોનું ભણતર ઠપ્પ થઈ ગયું. એકવાર શૈક્ષણિક સંસ્થાઓ બંધ તો કરી દીધી, અઢી-ત્રણ મહિના જેટલો સમય પણ પસાર થઈ ગયો અને હજુ કોરોનાની દવા કે રસી શોધાઈ નથી. આવા સમયમાં હવે શું કરવું?  શાળાઓ ખોલવી કે ન ખોલવી? આવા સમયે શ્રેષ્ઠ વિકલ્પ શું? આ વિશે જાણતા પહેલા લોકડાઉનની વિપરીત અસરો વિશે થોડું જાણી લઈએ.

વાયરસનું ખરું સ્વરૂપ હજુ સુધી જાણી શકાયું નથી અને હજુ પણ ખૂબ જ ખરાબ રીતે પ્રજાને અસર કરી શકે તેમ છે. આવી અનિશ્ચિતતા વચ્ચે વિશ્વના દરેક દેશોમાં અને આપણા દેશ તથા તમામ રાજ્યોમાં લોકડાઉન ધીમે-ધીમે જ દુર કરવામાં આવશે, તે નિશ્ચિત છે. લાંબો સમય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાથી ભણતરમાં મોટું નુકશાન થઈ રહ્યું છે. આ નુકશાન ફક્ત શૈક્ષણિક બાબતોનું જ નથી, પરંતુ લાંબાગાળે અર્થતંત્ર અને સમાજ માટે યોગ્ય માનવ મૂડીનું અને ઘટતી જતી આર્થિક તકોનું પણ છે. વધુ સમય સુધી શાળાઓ બંધ રહેવાથી સામાજિક અને આર્થિક અસમાનતા વધશે, ભણતરની કટોકટી વધુ ગંભીર બનશે અને સૌથી સંવેદનશીલ કહી શકાય તેવું બાળકોનું ખાસ કરીને છોકરીઓનું શોષણ વધશે. આપને કદાચ એવું લાગશે કે, બાળકોના શોષણને અને બંધ શાળાઓને શું સંબંધ? તો આપને જણાવું કે, વિશ્વબેંકના એક અહેવાલ મુજબ પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાની કટોકટીને લીધે શિક્ષણ કાર્ય ખોરવાયા પછી જાતીય શોષણ અને કિશોરવયની બાળાઓમાં ગર્ભાવસ્થાના દરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જે સ્પષ્ટ દર્શાવે છે કે, છોકરીઓમાં શોષણનું જોખમ વધુ છે તથા એક વાર છોકરાઓ પણ મજૂરી કરવા કે કમાવા લાગી ગયા પછી આવા આર્થિક પછાત બાળકોની શાળામાં પાછા ફરવાની સંભાવના ખૂબ ઓછી છે.

શાળાઓ ફક્ત ભણવાનું સ્થાન જ નથી, શાળામાં બાળક ઘણા સંસ્કારો મેળવે છે. તેના જીવનનું ઘડતર ત્યાંથી શરુ થાય છે. શાળામાં બાળકને સામાજિક સુરક્ષા મળે છે. શાળામાં મધ્યાહન ભોજન જેવી યોજનાઓ મારફતે પોષણ મળે છે. શાળામાં જ ગુજરાત રાજ્યના “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” જેવી યોજનાઓ થકી આરોગ્યની જાળવણી થાય છે. શાળામાં જ મિત્રો વચ્ચે લાગણીના સંબંધો વિકસે છે અને શાળામાં જ ટીમ વર્ક અને ટીમ મેમ્બર તરીકે કામ કરવાની ભાવના વિકસે છે. આવા સમયમાં ભણતરને બંધ રાખવું કોઈ રીતે પરવડે તેમ નથી. કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી અને સલામતીના પૂરતા પગલાઓ લીધા સિવાય સ્કૂલો પુન: શરૂ કરવી જરાય યોગ્ય નથી. ગમે તેવી સારી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે, તેની અમલવારી કેવી અને કેટલી થઈ શકે છે કે થઈ રહી છે તે આપણી નજર સમક્ષ જ છે. તેમાં પણ નાના ભૂલકાઓ પાસેથી આવી બધી અપેક્ષા ન જ રાખી શકાય અને તેઓને કોઈ પણ સંજોગોમાં જોખમમાં મૂકી શકાય નહી.

એક બાજુ શિક્ષણને બંધ રાખવું પરવડે તેમ નથી અને બીજી બાજુ સ્કૂલો ચાલુ કરવી હિતાવહ જણાતી નથી. આવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૌથી સારો વિકલ્પ છે, “દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)”. આવતા લેખમાં આપણે વિવિધ કક્ષાઓના વિદ્યાર્થીઓ અને અન્ય પાસાઓ સાથે દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System) કેવી હોવી જોઈએ તે બાબતે વિગતે જોઈશું.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)

નોવેલ કોરોના વાયરસથી ફેલાયેલી કોવિડ-19 નામની બિમારીની મહામારીના આ કપરાકાળમાં દવા તથા રસીની અનુપલબ્ધીમાં સોશીયલ ડિસ્ટન્સીંગ એકમાત્ર ઉપાય હોય, વિશ્વના દરેક દેશોએ લોકડાઉનનો સહારો લીધો. બે મહિનાથી વધુ સમયના અને હજુ પણ વિવિધ દેશોમાં અમૂક છૂટછાટો સાથે ચાલી રહેલ લોકડાઉન તથા આપણા દેશમાં થોડા બંધનો સાથે ચાલી રહેલ અનલોક – 1ના સમયમાં વિશ્વની સાથે દરેક દેશ અને રાજ્યોના અર્થતંત્ર ઉપર ખૂબ જ વિપરીત અસર પડી છે. તેમાં પણ નાના વેપારીઓ, કારીગરો, શ્રમિકો વગેરે પારાવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આવા મુશ્કેલ સમયે દેશના અર્થતંત્રને ફરીથી ધબકતું કરવા કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડનું “આત્મનિર્ભર ભારત યોજના” પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ પેકેજનો લાભ ગુજરાત રાજ્યના લાભાર્થીઓને મળશે; વધુમાં, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આર્થિક સંકળામણ ભોગવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો વગેરે પોત-પોતાના ધંધા રોજગાર પુન: સરળતાથી શરુ કરી શકે તે માટે “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)” સ્વરૂપે વ્યાજ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં લાભાર્થીઓને નજીવા વ્યાજ દરે લોન આપવાનું આયોજન છે. જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે આ યોજનાની વિગતો સરળ ભાષામાં રજુ કરેલ છે.

આ યોજના અંતર્ગત રાહત વ્યાજના દરે લોન કોને મળવાપાત્ર છે

આ રાહત વ્યાજ દરની લોન નાના વેપારીઓ, મધ્યમ વર્ગના લોકો, કુશળ કારીગરો જેવા કે સુથાર, લુહાર, પ્લમ્બર, ફિટર, ઇલેક્ટ્રિશિયન તથા શ્રમિકો અને ફેરિયાઓ વગેરેને મળવાપાત્ર છે. ધિરાણની મર્યાદામાં ક્યા પ્રકારના વ્યવસાયોને આવરી લેવા તે સબંધિત ધિરાણકર્તાએ નક્કી કરવાનું રહેશે; પરંતુ, આ ધિરાણ મેળવવા ગુજરાતના ડોમીસાઈલ એટલે કે રહેવાસી હોવું આવશ્યક છે. તા. 01.01.2020ના રોજ હયાત વ્યવસાયમાં કાર્યરત હોય તેને આ રાહત વ્યાજ દરની લોન મળવાપાત્ર છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિને એક જ વખત અને કોઈ પણ એક જ સંસ્થા પાસેથી લાભ મળવાપાત્ર છે. પરિવારમાંથી પુખ્ત વય (18 વર્ષથી 60 વર્ષ સુધીની ઉંમર) અને ધંધો કરતી કોઈ પણ વ્યક્તિને મળી શકે.  

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર નથી

(1) તા. 01.01.2020 બાદ નવો ધંધો શરૂ કરનારને, (2) રાહત વ્યાજ દરની લોન મેળવવા ઇચ્છતા લાભાર્થીની કોઈ ચાલુ લોન મુદ્દતવીતી એટલે કે ટાઈમ બાર્ડ હોય, (3) કેન્દ્ર તથા રાજ્ય સરકારની સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ, (4) સ્થાનિક સત્તામંડળ એટલે કે પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેના કર્મચારીઓ, (5) સરકારી બોર્ડ/કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ, (6) કોઈપણ બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓ, (7) ઉપરોક્ત કચેરીઓ કે સંસ્થાઓમાં કરાર આધારિત કે એડહોક ધોરણે કામ કરતી વ્યક્તિઓ વગેરે.

આ યોજના અંતર્ગત શું મળશે?

નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો વગેરેને રૂ. 1.00 (એક) લાખ સુધીનું બિન તારણ ધિરાણ પૂરું પાડવામાં આવશે. આ રાહત દરના ધિરાણનો વ્યાજનો દર વાર્ષિક 8% રહેશે. આ ધિરાણ પર ઘટતી જતી બાકી મુજબ વ્યાજની ગણતરી કરવામાં આવશે. આ 8% વ્યાજ પૈકી 6%ના દરે સરકાર દ્વારા વ્યાજ સહાય આપવામાં આવશે અને લાભાર્થીએ 2% જેટલું નહિવત વ્યાજ ભોગવવાનું રહેશે. ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તેઓના પેટા કાયદાની જોગવાઇઓની મર્યાદામાં ધિરાણ કરી શકશે.

અગત્યની તારીખો અને સમયગાળો

આ યોજના નાણાકીય વર્ષ 2020-21 માટે છે. આ યોજનાની શરૂઆત તા. 21.05.2020થી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ધિરાણ મેળવવા માગતા સૂચિત લાભાર્થીએ તા. 21.05.2020 થી તા. 31.08.2020 સુધીમાં નિયત ધિરાણ એજન્સી એટલે કે જ્યાંથી લોન લેવી હોય તે સહકારી બેંક કે ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં લોન માટેની અરજી કરવાની રહેશે. તા. 31.08.2020 બાદ કરવામાં આવેલ અરજી આ યોજના હેઠળ માન્ય ગણાશે નહી. સબંધિત સહકારી બેંકો/ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓએ અરજી મળ્યે તુરંત ધિરાણ આપવા સંદર્ભનો નિર્ણય લેવાનો રહે છે, પરંતુ છેલ્લી તારીખ સુધીમાં મળેલ તમામ અરજીઓ ઉપર તા. 31.10.2020 સુધીમાં નિર્ણય લઈ લેવાનો રહે છે. મંજુર કરવામાં આવેલી અરજીઓ મુજબની ધિરાણની રકમ તા 15.11.2020 સુધીમાં લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે. આ રાહત દરના ધિરાણનો સમયગાળો 3 વર્ષ એટલે કે 36 મહિનાનો રહેશે. જે પૈકી પ્રથમ 6 મહિનાનો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આ સમયગાળા દરમિયાન મુદ્દલ કે વ્યાજ કંઈપણ ભરવાનું રહેશે નહિ. પ્રથમ 6 મહિના પુરા થયે, આ 6 મહિનાના વ્યાજની રકમ સહિતની રકમ ત્યારબાદના 30 સરખા માસિક હપ્તામાં લાભાર્થીએ પરત ચુકવવાની રહેશે.

લોન મેળવવા જરૂરી દસ્તાવેજો

(1) નિયત નમુનાનું અરજી ફોર્મ – https://rcs.gujarat.gov.in/Images/ccrcs/pdf/Atma-Nirbhar-loan-form.pdf (2) કેવાયસી ડૉક્યુમેન્ટ, (3) પાન કાર્ડ, આધાર કાર્ડ તથા રાશન કાર્ડ, (4) બેંકની વિગતો માટે બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક પાસબુકની નકલ, (5) 01.01.2020ના રોજ ધંધાના અસ્તિત્વનું માન્ય પ્રમાણપત્ર અને કુશળ કારીગરો માટે તાલીમી સર્ટીફિકેટ, (6) બાંહેધરી પત્રક, (7) પાસપોર્ટ સાઈઝનો ફોટો, (8) બે જામીનદારોના અનુક્રમ નંબર – 2, 3 અને 7 મુજબના દસ્તાવેજો. (જરૂરી દસ્તાવેજોમાં સબંધિત ધિરાણકર્તા સહકારી બેંકો/ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પોતાના નિયમોની જોગવાઈ મુજબ ફેરફાર કરી શકે છે.)

ચાર્જીસ અને જામીન

આ યોજના હેઠળ બિન તારણ ધિરાણ આપતી વખતે ધિરાણકર્તા સંસ્થા ફોર્મ ફી, સ્ટેમ્પ ડ્યુટી, પ્રોસેસીંગ ફી વગેરે જેવા કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં. ધિરાણ આપનાર સંસ્થા ધિરાણની સલામતી માટે લાભાર્થી પાસેથી ઍડ્વાન્સ ચેક અને બિન તારણ સાદા વ્યક્તિગત જામીનદાર મેળવી શકશે. આ યોજનાના અમલીકરણ પુરતી સરકારશ્રી દ્વારા બિન તારણ ધિરાણ ઉપર સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ધિરાણ મેળવવા સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ હોવું આવશ્યક છે માટે જે વ્યક્તિ/વેપારી સભાસદ ન હોય તેઓને નોમિનલ સભાસદ બનાવી ધિરાણ આપવામાં આવે અને આવા કિસ્સામાં નોમિનલ સભાસદ બનાવવા માટે લેવા પાત્ર નિયમાનુસારના ફી/ચાર્જીસ લઈ શકશે. આ ઉપરાંત જે ધિરાણકર્તા સંસ્થા CIBIL દ્વારા ચકાસણી કરાવવા ઇચ્છતી હશે તેઓ અરજદાર દીઠ વધુમાં વધુ રૂ. 100/- ચાર્જ લઈ શકશે. જામીનદાર પોતે અલગથી આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે.     

યોજનાની અન્ય અગત્યની બાબતો

  • આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સહકારી બેંક લી., જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક્સ લી., રાજ્યની તમામ નાગરિક સહકારી બેંકો (મલ્ટી સ્ટેટ કો. ઓપરેટીવ એક્ટ હેઠળ નોંધાયેલ બેંકો સહિત) તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા રૂ. 1,00,000/- (અંકે રૂપિયા એક લાખ) સુધીનું ધિરાણ પુરું પાડવામાં આવશે.
  • જેમાં આશરે 1000 જેટલી કો-ઓપરેટીવ બેંકની શાખાઓ, 1400 જેટલી અર્બન કો-ઓપરેટીવ બેંકની શાખાઓ તથા 7000 જેટલી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ મળી કૂલ 9400 જેટલી બેંક-બ્રાંચોનો સમાવેશ થાય છે.
  • આ યોજના અંતર્ગત ધિરાણ માટેનું ફોર્મ સબંધિત સંસ્થાઓએ વિના મૂલ્યે પુરું પાડવાનું રહેશે. (https://rcs.gujarat.gov.in/Images/ccrcs/pdf/Atma-Nirbhar-loan-form.pdf)    
  • ધિરાણની મર્યાદામાં ક્યા પ્રકારના વ્યવસાયોને આવરી લેવા તે સબંધિત ધિરાણકર્તાએ નક્કી કરવાનું રહેશે; પરંતુ, સરકારશ્રીનો આશય વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તેવો છે.
  • ધિરાણની રકમ, રૂ. એક લાખની મર્યાદામાં, અરજદારની આર્થિક પરિસ્થિતિના આધારે સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીઓ નક્કી કરી શકે છે.  
  • વ્યવસાય બે વ્યક્તિના નામે હોય, કાયમી અને હાલનું સરનામું અલગ-અલગ હોય, રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં સરનામું અલગ-અલગ હોય વગેરે કેસમાં લોન આપનાર સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી ઘટિત નિર્ણય લઈ શકશે.   
  • રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના લોન ખાતામાં વાર્ષિક 6%ના દરે ત્રિમાસિક ધોરણે વ્યાજ સહાય પુરી પાડવામાં આવશે એટલે કે લાભાર્થીએ વાર્ષિક 2% જેટલું નહિવત વ્યાજ ભોગવવાનું રહેશે.
  • આ યોજના અંતર્ગત મેળવવામાં આવેલ ધિરાણ મુદત કરતા વહેલા પરત કરી શકાય છે. તેના માટે કોઈ પેનલ્ટી લાગશે નહીં. પરંતુ, વ્યાજ સહાયની રકમ તે મુજબ એડજસ્ટ થશે.
  • શ્રમયોગી નોંધણી નંબર દર્શાવવો ફરજિયાત નથી. પરંતુ, જે અરજદાર પાસે હોય તેણે અરજી ફોર્મમાં દર્શાવવાનો રહેશે.
  • જો કોઈ લાભાર્થી લોનનો હપતો ભરવામાં ચૂક કરે તો ધિરાણકર્તા સંસ્થા દંડનીય વ્યાજ અને ફોજદારી સહિત કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
  • આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર અવસાન પામે તો તેના પરત ચૂકવણીની જવાબદારી તેના વારસદારોની રહેશે.
  • ધિરાણકર્તા સંસ્થાના ધારા-ધોરણો મુજબ ન હોય તેવી અરજીઓ ના મંજુર થઈ શકે છે.
  • લાભાર્થી તેને મંજુર થયેલ રકમ કરતા ઓછી રકમની આવશ્યકતા હોય તો સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીને અરજી કરી ઓછી રકમ સ્વીકારી શકે છે.

નોડલ એજન્સી અને તેના કાર્યો

આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક, નાગરિક સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ માટે સબંધિત જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ રહેશે. આ યોજનાના સુચારૂ સંચાલન, અમલ, નિયંત્રણ, દિશા-નિર્દેશ વગેરેનું સંકલન રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. યોજનાના સુચારૂ અમલીકરણ અને ફરિયાદ નિવારણ માટે નોડલ એજન્સી દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા ઉભી કરવાની રહેશે.    

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની આ વિગતોમાં 27.05.2020 સુધી થયેલા સુધારાઓ આવરી લેવામાં આવેલ છે. આ યોજનાની અદ્યતન અને અધિકૃત માહિતી માટે https://rcs.gujarat.gov.in/aatmnirbhar-yojna-guj.htm વેબસાઈટનો ઉપયોગ કરવો. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની તલસ્પર્શી વિગતો આ લેખમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને આશા છે કે જરૂરિયાતમંદ લોકોને આ યોજના માટેની જોઈએ તેવી યોગ્ય માહિતી મળી રહેશે. વાચક મિત્રોને વિનંતી છે કે, આ યોજનાના અપેક્ષિત લાભાર્થીઓ અને એજ્યુકેશનલ હેતુથી ઉપયોગ કરી શકે તેમ હોય, તેઓને ચોક્કસ ફોરવર્ડ કરજો.