Home Blog Page 9

શ્રી સુંદરકાંડ । ભાગ-૨ । સુંદરકાંડ નામ કેમ પડ્યું? | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સર્વે સુજ્ઞ વાચકોને અંજનીનંદન પવનપુત્ર શ્રીહનુમાનજી મહારાજના જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ….  

સુંદરકાંડની આ અલૌકિક કથાનો શુભારંભ રામનવમીના પાવનપર્વથી કરવામાં આવેલ છે. પ્રથમ લેખમાં (http://udaybhayani.in/sundarkandwithuday_001/) મંગલાચરણ વિષે હતો. આજના બીજા લેખમાં ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ સુંદરકાંડ કેમ પડ્યુ? તેના બુદ્ધિગમ્ય અને સુંદર કારણો જોઈશું.

પ્રથમ અને સરળ મત એવો છે કે, રામાયણમાં મુખ્યત્વે પ્રભુ શ્રીરામના જીવનચરિત્રનું વર્ણન છે. શ્રીરામચરિતમાનસના આ પાંચમાં સોપાન સુંદરકાંડમાં મુખ્ય પાત્ર ભગવાન શ્રીરામ નથી, પરંતુ શ્રી હનુમાનજી મહારાજ છે. અંજની માતા શ્રીહનુમાનજીને તેઓ નાના હતા ત્યારે વ્હાલથી “સુંદર” એવા હુલામણા નામથી બોલાવતા હતા. આ કારણસર શ્રી વાલ્મિકીજીએ આ કાંડનું નામ સુંદરકાંડ એવું રાખ્યું છે.

બીજા એક મત મુજબ માતા સીતાજી એટલે ભક્તિ સ્વરૂપા, માતા સીતાજી એટલે શક્તિ સ્વરૂપા. જ્યારે હનુમાનજી એક સંત કે એક ભક્ત છે. આ કાંડમાં સીતાજીને શોધવાની એટલે કે ભક્તિને પ્રાપ્ત કરવાની કથા છે. જ્યારે એક સાચો ભક્ત ભક્તિને મેળવવા, ભક્તિની શોધ કરવા નીકળે છે, ત્યારે એને કેવા પ્રયત્નો કરવા પડે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તેણે કેવા અને કેટલા પ્રયત્નો કરવા જોઈએ? વગેરેનું તાદ્શ નિરૂપણ આ કાંડમાં કરેલું જોવા મળે છે. આરામના પ્રલોભનથી ન આકર્ષાવાથી લઈ, ભૂખ્યા-તરસ્યા જંગલોમાં ભટકવા સુધી અને સમુદ્ર લાંઘવાથી લઈ, જરૂર પડ્યે લંકા બાળવાનું દુર્ગમ કાર્ય કરવું પડે; તો જ ભક્તિ મળે, તો જ શક્તિ મળે. એક ભક્ત માટે ભક્તિ અને શક્તિની શોધ દર્શાવતો કાંડ ચોક્કસ જ સૌથી સુંદર હોય, માટે આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે. આમ પણ જીવનમાં ભક્તિ નથી મળતી ત્યાંસુધી જ બધા વિઘ્નો અને મુશ્કેલીઓ રહેતી હોય છે. ભક્તિ પ્રાપ્ત થયા બાદ બધુ સુગમ જ હોય છે. જ્યાંસુધી શ્રીહનુમાનજી માતા જાનકીજીને મળ્યા ન હતા, ત્યાંસુધી પ્રલોભન રૂપી મૈનાક, સ્પર્ધક રૂપી સુરસા, ઈર્ષ્યા રૂપી સિંહિકા તથા ભેદબુદ્ધિરૂપી લંકિની વગેરે વિઘ્નો આવ્યા હતા, માતા વૈદેહીને મળ્યા બાદ તો બધા કામો સુગમતાથી જ પૂર્ણ થયા.

ત્રીજી કથા એવી છે કે, શ્રી વાલ્મીકિજીએ રામાયણ લખ્યા બાદ જ્યારે લવ-કુશે આ રામાયણ અયોધ્યામાં શ્રીરામજીના દરબારમાં ગાયું, ત્યારે કિષ્કિંધાકાંડ પછી હનુમંત કાંડ એવા શીર્ષકથી કથા ગાવાનું શરૂ કર્યું. હનુમાનજીએ તેઓને રોક્યા અને કહ્યું કે, આખી રામાયણ પ્રભુ શ્રીરામની કથા જ છે અને પ્રભુ શ્રીરામનું નામ જ આવવું જોઈએ. વાલ્મીકિજીએ કહ્યું કે, તમારા વગર પ્રભુ શ્રીરામ માતા સીતાને શોધી ન શક્યા હોત. ત્યારે હનુમાનજી કહે છે કે, પ્રભુ કૃપા વગર માતા સીતાને શોધવાનું મારું સામર્થ્ય જ નથી. ત્યારબાદ શ્રી વાલ્મીકિજી વિચારે છે અને પછી સુંદરકાંડ એવું નામ આપે છે. તે માટેનો તર્ક એવો છે કે, વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનનું એક નામ સુંદર છે એટલે કે ભગવાન શ્રીરામનું નામ આવી ગયું. વળી, હનુમાનજીના જન્મ પહેલા અંજની માતા તપ કરતા હતા ત્યારે ભગવાન શિવજીએ એવું વરદાન આપેલું કે, તમારે ત્યાં એક સુંદર બાળકનો જન્મ થશે. આ કારણે જ અંજની માતા શ્રીહનુમાનજીનું મારુતી નામ પાડતા પહેલા તેને ‘સુંદર’ કહીને બોલાવતા. આમ, ભગવાન શ્રીરામ અને શ્રીહનુમાનજી બન્નેનું નામ આવી જાય તે રીતે શ્રીવાલ્મીકિજી દ્વારા આ કાંડને સુંદરકાંડ એવું નામ આપવામાં આવેલ છે.

ચોથું કારણ જોઇએ તો, રામાયણમાં (બાલકાંડ અને ઉત્તરકાંડ સિવાય) જે-તે સ્થળને લગતી કે તેને સંલગ્ન કે જે સ્થળ આસપાસની કથા હોય, તે સ્થળ મુજબ કાંડના નામાભિધાન કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે અયોધ્યા સાથે સંલગ્ન કથા માટે અયોધ્યા કાંડ, વનની કથા માટે અરણ્યકાંડ, કિષ્કિંધા આસપાસના ચરિત્ર માટે કિષ્કિંધાકાંડ અને યુદ્ધ વગેરે લંકામાં થયા હતા તે માટે લંકાકાંડ. પરંતુ, આપણે જેને લંકા નામથી ઓળખીએ તે ત્રિકુટાચલના ત્રણ શીખર છે. પહેલું શિખર છે, ‘નીલ’. જેના ઉપર લંકા નગરી વસેલી હતી. આ શીખર ઉપર રાવણ તથા અન્ય મંત્રીઓ વગેરેના મહેલો, બજાર વગેરે આવેલા હતા. બીજું શિખર છે, ‘સુવેલ’. જે એક મેદાન સ્વરૂપે છે. જ્યાં શ્રીરામ ભગવાન વાનર સેના સાથે ઉતર્યા હતા અને રાવણ સાથે યુદ્ધ થયું હતું. ત્રીજું શિખર છે, ‘સુંદર’. આ શિખર ઉપર અશોકવાટિકા આવેલી હતી. સીતા માતાને અશોકવાટિકામાં રાખવામાં આવ્યા હતા. સુંદરકાંડની કથામાં આ શિખર ઉપરના ચરિત્રની કથા મુખ્ય છે, માટે તેનું નામ સુંદરકાંડ એવું રાખવામાં આવ્યું છે.

પાંચમું કારણ, આ કાંડમાં આદિકવિ શ્રીવાલ્મીકિજીએ સૌથી સુંદર કાવ્ય શૈલીઓનું નિરૂપણ કર્યું છે. જેમાં તમામ ભાવોને સુંદર રીતે વર્ણવેલા છે. “સુન્દરે સુન્દરી સીતા, સુન્દરે સુન્દર કપી: સુન્દરે સુન્દરી વાર્તા, અત: સુન્દર ઉચ્યતે એટલે કે આ કાંડમાં માતા સીતાજીનું સુંદર ચરિત્ર વર્ણવેલું છે, આ કાંડમાં કપીશ્વર શ્રીહનુમાનજી મહારાજનું સુંદર ચરિત્ર વર્ણવેલું છે, આ કાંડની આખી વિષયવસ્તુ જ સુંદર છે, માટે આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવેલું છે.

છઠ્ઠું, સંત શ્રી રામદયાલજી એવું કહે છે કે, અધ્યાત્મ રામાયણના છેલ્લા શ્લોકમાં પ્રથમ તબક્કામાં “રામાયણં જનમનોહરાદિકાવ્યમ્‌” એવું લખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે, રામાયણ લોકોનું મન હરિ લે તેવું અનુપમ આદિકાવ્ય છે. જેમાં “સુન્દરે સુન્દરો રામ:, સુન્દરે સુન્દરી કથા સુન્દરે સુન્દરી સીતા, સુન્દરે કિં ન સુન્દરમ‌ અર્થાત આ કાંડમાં પ્રભુ શ્રીરામ સુંદર છે, તેની અલૌકિક કથા સુંદર છે, માતા સીતાજીના સુંદર ચરિત્રનું વર્ણન છે, ત્યારે આ સુંદરકાંડમાં શું સુંદર નથી? બધું સુંદર જ છે અને તેથી જ તે સુંદરકાંડ છે. સુંદરકાંડમાં બધું જ સુંદર છે, તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો આ બધું એટલે કે સુંદરકાંડમાં કઈ-કઈ બાબતો સુંદર છે? તો અહિં શ્રીહનુમાનજીના વિરાટ સ્વરૂપનું વર્ણન, સમુદ્રને પાર કરવાનું વર્ણન, શ્રીહનુમાનજીના બલ-બુદ્ધિની પરીક્ષાનું વર્ણન, લંકાનગરીની શોભા અને તેની સુરક્ષાનું વર્ણન, શ્રીહનુમાનજીનો માતા સીતાજી સાથેનો સંવાદ, રાક્ષસરાજમાં વિભીષણ અને ત્રિજટાના સ્વભાવનું વર્ણન, રાવણના અભિમાન ભંગનું વર્ણન અને છેલ્લે શ્રીહનુમાનજીએ શ્રીરામ પ્રભુને આપેલા માતા જાનકીજીના સંદેશનું વર્ણન, બધું જ અતિ સુંદર છે.

સાતમું, આ કાંડની શરૂઆત અને અંત બન્ને મનભાવન એટલે કે મનને અતિ પ્રિય લાગે તેવા ભાવ સાથેના છે. જેની શરૂઆત “જામવંત કે બચન સુહાયે સુનિ હનુમંત હૃદય અતિ ભાએ ચોપાઈથી થાય છે અને અંત “નિજ ભવન ગવનેઉ સિંધુ શ્રીરઘુપતિહિ યહ મત ભાયઉ છંદથી થાય છે. આમ, આ કાંડમાં નિરુપાયેલું આખું ચરિત્ર જ મનભાવન છે, માટે સુંદરકાંડ નામ પડ્યું છે.

આઠમું, આ કાંડમાં બધું જ સુંદર છે, તેની પ્રતીતિ સુંદરકાંડની નીચે મુજબની ચોપાઈઓ ખૂબ સારી રીતે કરાવે છે. (૧) સમુદ્ર કિનારે એક સુંદર પર્વત છે, તેના માટે ‘સિંધુ તીર એક ભૂધર સુંદર’ તેવું વર્ણવેલું છે. (૨) ત્યાંથી આગળ વધતા સોનાની લંકાના વર્ણનમાં ‘કનક કોટિ બિચિત્ર મનિકૃત સુંદરાયતના ઘના’ એવું લખ્યું છે. (૩) સુંદરકાંડમાં શ્રીહનુમાનજી પ્રભુ શ્રીરામની મુદ્રિકા માતા જાનકીજીને આપે છે, તે સુંદર છે માટે બાબાજીને લીખા હૈ, ‘તબ દેખી મુદ્રિકા મનોહર, રામ નામ અંકિત અતિ સુંદર’. (૪) અશોકવાટિકાના ફળ-ફુલની સુંદરતા દર્શાવતા ગોસ્વામીજી લખે છે, ‘સુનહું માતું મોહિ અતિસય ભૂખા, લાગિ દેખિ સુંદર ફલ રુખા’ અને (૫) અંતે ભગવાન શીવજી દ્વારા માતા ભવાનીને કહેવામાં આવી રહેલ આખી કથા અને તેમાં પણ સુંદરકાંડની કથા અતિ સુંદર છે માટે, ‘સાવધાન મન કરિ પુનિ સંકર, લાગે કહન કથા અતિ સુંદર’. આમ, આ કાંડનું નામ સુંદરકાંડ દરેક રીતે સુયોગ્ય જ છે. આ કાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું હશે? તેના અહીંયા સુધી વર્ણવેલા આઠેય તર્ક કે કારણો કયાંકને ક્યાંક સાંભળેલા કે વાંચેલા છે. પ્રભુ કૃપા અને ગુરુ પ્રેરણાથી આ સંદર્ભમાં મેં પણ એક સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો છે. જે નીચે મુજબ છે.

નવમું અને મારી લેખમાળાનું આખરી કારણ (કારણ કે ‘હરિ અનંત હરિ કથા અનંતા’ આવા તો અસંખ્ય કારણો અને તર્ક કરી શકાય માટે) જોઈએ તો, ‘સુંદર’ શબ્દનો ભગવદ્ગોમંડલમાં એક અર્થ આપેલો છે – સુ = સારી રીતે, ઉન્દ્‌ = પલાળવું અને અર = ઉતાવળુ. આમ, સુંદર એટલે કે સારી રીતે ઝડપથી પલાળનારું. સુંદરકાંડની તમામ કથાઓ જેવી કે, મૈનાકને બુદ્ધિપૂર્વક જવાબ આપવો, સુરસાની પરીક્ષામાંથી સિફતપૂર્વક પસાર થવું, લંકિનીની સ્વામી ભક્તિ, શ્રીહનુમાનજી અને શ્રીવિભીષણજીનું મિલન, ત્રિજટાચરિત્ર, શ્રીહનુમાનજીનું સીતામાતાને સાંત્વન આપવું, રાવણના દરબારમાં તેને શીખ આપવી, શ્રીરામનો સંદેશો માતા જાનકીજીને અને માતાજીનો સંદેશો પ્રભુ શ્રીરામને પહોંચાડવો, પ્રભુ શ્રીરામ દ્વારા વિભીષણનો સ્વીકાર, સમુદ્રને માર્ગ આપવા વિનંતી વગેરે પ્રસંગો આપણા હૃદયને તુરંત જ ભાવુક બનાવી દે તેવા, પલાળી દે તેવા સુંદર છે, અથ: આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવેલું હોઈ શકે છે.

આજના લેખને ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના આ સુંદર પાંચમા સોપાનનું નામ “સુંદરકાંડ” કેમ રાખવામાં આવ્યું છે? તેના કારણોથી સિમિત રાખીએ છીએ. વધુમાં, આપ શ્રીહનુમાનજીના જન્મની વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી રસપ્રદ કથાઓ જાણવા માંગતા હોવ, તો ગયા વર્ષે શ્રીહનુમાન જયંતી નિમિતે “રામાયણ – શ્રીહનુમાનજીના જન્મની કથાઓ” વિષય પર લખેલો લેખ http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/ લિંક ઉપર ક્લિક કરી વાંચી શકશો.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧ | મંગલાચરણ | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ:

શુભ કાર્યની શરૂઆત આપણે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીની સ્તુતિથી કરીએ છીએ અને કાર્ય મંગલમય રીતે અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા આશિષ મેળવીએ છીએ. આજે આપણે શ્રી તુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના એક સુંદર સોપાન એવા સુંદરકાંડની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યાં છીએ, ત્યારે નીચે દર્શાવેલી શ્રી તુલસીદાસજી મહારાજની ચોપાઈઓ, જેમાં એક જગ્યાએ મારું નામ મૂકી વિઘ્નહર્તા મંગલ-દાતા શ્રી ગણપતિજીને પ્રાર્થના કરું છું. હે ગજાનન મહારાજ! હે વિઘ્નહર્તા ગણપતિજી! ભગવાન શ્રીરામ અને માતા સીતાજી હંમેશા મારા મન-મંદિરમાં નિવાસ કરે તેવા શુભાશિષ આપો.

ગાઇયે ગનપતિ જગબંદન સંકર-સુવન ભવાની-નંદન

સિદ્ધિ-સદન, ગજ-બદન, બિનાયક કૃપા-સિંધુ, સુંદર, સબ-લાયક

મોદક-પ્રિય, મુદ-મંગલ-દાતા બિદ્યા-બારિધિ, બુદ્ધિ-બિધાતા

માઁગત​ ઉદય કર જોરે બસહિં રામસિય માનસ મોરે

સંપૂર્ણ જગતના વંદનીય, ગણોના સ્વામી, ભગવાન શંકર અને માતા પાર્વતીજીના પુત્ર અને તેઓને હંમેશા પ્રસન્ન કરનારા, વિઘ્નહર્તા શ્રી ગણપતિજીના હું ગુણગાન કરું છું. જેઓ સિદ્ધિઓના ભંડાર છે, જેઓ ગજ જેવા મુખવાળા છે, જેઓ સર્વે વિઘ્નોનો નાશ કરનારા છે, જેઓ કૃપાના સાગર છે, સુંદર છે અને સર્વથા યોગ્ય છે, જેમને મોદક બહુ પ્રિય છે, જે આનંદ અને કલ્યાણ પ્રદાન કરનારા છે, જેઓ વિદ્યાના અથાગ સાગર અને બુદ્ધિના અધિષ્ઠાતા છે, એવા શ્રી ગણેશજી પાસે ઉદય બે હાથ જોડીને એ જ વરદાન માંગે છે કે શ્રી સીતારામજી મારા મન-મંદિરમાં સદા નિવાસ કરે.

યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:

વિદ્યાના દેવી માતા શારદાની કૃપા વગર શબ્દો ક્યાંથી મળી શકે? માતા સરસ્વતીજીને પણ સાદર વંદન કરી, પ્રસંગોચિત્ત અને અભિવ્યક્તિને અનુરૂપ યોગ્ય શબ્દો પ્રદાન કરે તેવી નત્‌મસ્તક થઈ વિનંતી કરું છું.

ચિત્રકૂટાલયં રામમિન્દિરાનન્દમન્દિરમ્‌ । વન્દે ચ પરમાનન્દં ભક્તાનામભયપ્રદમ્‌

અર્થાત ચિત્રકૂટમાં નિવાસ કરનારા, માતા સીતાજીના આનંદનિકેતન અને ભક્તોને અભય પ્રદાન કરનારા પરમાનંદસ્વરૂપ ભગવાન શ્રી રામચંદ્રજીને હું કોટી કોટી નમસ્કાર કરું છું. રામ ત્વમેવાશ્રય:”, હે રામ ભગવાન! તમે જ મારા આધાર છો, હું તમારો સંપૂર્ણ રીતે આશ્રિત છું.      

સીતાશોકવિનાશાય રામમુદ્રાધરાય ચ રાવણાન્તકુલચ્છેદકારિણે તે નમો નમ:

હે મહાવીર હનુમાનજી! આપ માતા સીતાજીના શોકને દુર કરવાવાળા અને પ્રભુ શ્રીરામની મુદ્રિકા ધારણ કરનારા છો. રાવણકુળના વિનાશક એટલે કે રાવણકુળના સંહારના મુખ્ય કારણ એવા ભગવાન શંકરના અગિયારમા રુદ્ર સ્વરૂપ શ્રી હનુમાનજીને હું કોટી-કોટી વંદન કરું છું.

જે ગુર ચરન રેનુ સિર ધરહીં, તે જનુ સકલ બિભવ બસ કરહીં.

જે સકૃત સુમિરત બિમલતા મન સકલ કલિ મલ ભાજહીં

જે વ્યક્તિ પોતાના શ્રીગુરુજીના ચરણોની રજ મસ્તક ઉપર ધારણ કરે છે, તે જાણે સઘળાં ઐશ્વર્યોને પોતાના વશમાં કરી લે છે. તેના ચરણોનું એક વાર પણ સ્મરણ કરવાથી મનમાં નિર્મળતા આવી જાય છે અને કળિયુગના બધા પાપો નાસી જાય છે. જેઓની કૃપા વગર હું કંઇ જ નથી, જેઓની કૃપા વગર આ સુંદરકાંડ વિશે એક પણ શબ્દ લખવાની મારી શક્તિ નથી, મારો પ્રભુ શ્રીરામ પ્રત્યેનો પ્રેમ જેઓના આશિષની ફળશ્રૂતિ છે, જેઓની અસીમ કૃપાથી જ મારું સંપૂર્ણ અસ્તિત્વ છે, તેવા મારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજના ચરણોમાં હું સાષ્ટાંગ પ્રણામ કરું છું.

પ્રભુને ભક્તો વ્હાલા છે અને ભક્તોને પ્રભુ વ્હાલા છે. સુંદરકાંડમાં મુખ્યત્વે રામભક્ત શ્રીહનુમાનજીની કથા છે, તેઓના ચરિત્ર તથા ચરિતનું વર્ણન છે અને તેઓ વિશે કંઈપણ લખવું હોય, તો હૃદયમાં શ્રી સીતારામ વિરાજિત હોવા અનિવાર્ય છે. જો મારા હૃદયમાં સીતારામ બિરાજમાન નહીં હોય, તો ત્યાંથી નીકળેલા શબ્દો કે ત્યાંથી સ્ફૂરેલા વિચારો શ્રીહનુમાનજીને પ્રિય નહીં લાગે, માટે શ્રી ગણપતિજીની સવિનય સ્તુતિ, માતા સરસ્વતીજીને પ્રાર્થના, પ્રભુ શ્રીરામના આશ્રિત થઈ, શ્રી હનુમાનજીને વંદન કરી તથા પૂજ્ય ગુરુદેવના હૃદયથી આશીર્વાદ મેળવી, પ્રભુ શ્રીરામ અને માતા સીતાજી મારા મન અને હદયમાં હંમેશા નિવાસ કરે છે; તેવા ભાવ સાથે સુંદરકાંડની આ સુંદર કથાનો પ્રારંભ કરી રહ્યો છું.

ગોસ્વામી શ્રીતુલસીદાસજી પ્રણિત શ્રીરામચરિતમાનસની દરેક ચોપાઈ એક મંત્ર છે. દરેક ચોપાઈની પાછળ કોઈને કોઈ ગુઢ અર્થ છુપાયેલો છે. દરેક ચોપાઈમાં કોઈને કોઈ સંદેશ છુપાયેલો છે. પરંતુ આખા શ્રીરામચરિતમાનસમાં સુંદરકાંડ અધિક મહત્વ ધરાવે છે, તેવું માનવામાં આવે છે; કારણ કે સુંદરકાંડ એ ભક્તનું ચરિત્ર છે અને ભક્તનું ચરિત્ર પ્રભુને સૌથી વધુ પ્રિય હોય છે. સુંદરકાંડ એ રામભક્ત શ્રીહનુમાનજીની પરાક્રમગાથા છે અને તેથી જ શ્રી હનુમંત્ત ચરિત્રમાં એક અપાર શક્તિ રહેલી છે. શ્રીસુંદરકાંડની કથાનો શુભારંભ, “આ કાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું?” તેવા પ્રશ્નના સામાન્ય માણસોથી લઈ સંતોના વિવિધ તર્કો અને અભિપ્રાયોથી કરીએ.

પ્રથમ અને સરળ મત એવો છે કે, રામાયણમાં મુખ્યત્વે પ્રભુ શ્રીરામના જીવનચરિત્રનું વર્ણન છે. શ્રીરામચરિતમાનસના આ પાંચમાં સોપાન સુંદરકાંડમાં મુખ્ય પાત્ર ભગવાન શ્રીરામ નથી, પરંતુ શ્રી હનુમાનજી મહારાજ છે. અંજની માતા શ્રીહનુમાનજીને તેઓ નાના હતા ત્યારે વ્હાલથી “સુંદર” એવા હુલામણા નામથી બોલાવતા હતા. આ કારણસર શ્રી વાલ્મિકીજીએ આ કાંડનું નામ સુંદરકાંડ એવું રાખ્યું છે.

બીજા એક મત મુજબ માતા સીતાજી એટલે ભક્તિ સ્વરૂપા, માતા સીતાજી એટલે શક્તિ સ્વરૂપા. જ્યારે હનુમાનજી એક સંત કે એક ભક્ત છે. આ કાંડમાં સીતાજીને શોધવાની એટલે કે ભક્તિને પ્રાપ્ત કરવાની કથા છે. જ્યારે એક સાચો ભક્ત ભક્તિને મેળવવા, ભક્તિની શોધ કરવા નીકળે છે, ત્યારે એને કેવા પ્રયત્નો કરવા પડે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તેણે કેવા અને કેટલા પ્રયત્નો કરવા જોઈએ? વગેરેનું તાદ્શ નિરૂપણ આ કાંડમાં કરેલું જોવા મળે છે. આરામના પ્રલોભનથી ન આકર્ષાવાથી લઈ, ભૂખ્યા-તરસ્યા જંગલોમાં ભટકવા સુધી અને સમુદ્ર લાંઘવાથી લઈ, જરૂર પડ્યે લંકા બાળવાનું દુર્ગમ કાર્ય કરવું પડે; તો જ ભક્તિ મળે, તો જ શક્તિ મળે. એક ભક્ત માટે ભક્તિ અને શક્તિની શોધ દર્શાવતો કાંડ ચોક્કસ જ સૌથી સુંદર હોય, માટે આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે. આમ પણ જીવનમાં ભક્તિ નથી મળતી ત્યાંસુધી જ બધા વિઘ્નો અને મુશ્કેલીઓ રહેતી હોય છે. ભક્તિ પ્રાપ્ત થયા બાદ બધુ સુગમ જ હોય છે. જ્યાંસુધી શ્રીહનુમાનજી માતા જાનકીજીને મળ્યા ન હતા, ત્યાંસુધી પ્રલોભન રૂપી મૈનાક, સ્પર્ધક રૂપી સુરસા, ઈર્ષ્યા રૂપી સિંહિકા તથા ભેદબુદ્ધિરૂપી લંકિની વગેરે વિઘ્નો આવ્યા હતા, માતા વૈદેહીને મળ્યા બાદ તો બધા કામો સુગમતાથી જ પૂર્ણ થયા.   

આજનો આ પ્રથમ લેખ મંગલાચરણ અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઇએ તો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારતા એવા આ કાંડનું નામ સુંદરકાંડ શા માટે પડ્યુ તેના બે મંતવ્યો પૂરતો રાખીએ છીએ. આગળના લેખમાં આ કાંડનું નામ સુંદરકાંડ કેમ પડ્યુ? તેના વધુ રસપ્રદ કારણો જોઈશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

ન જાણ્યું જાનકીનાથે…..

નસીબથી વધુ અને સમયથી પહેલા, કોઈને કંઈ મળ્યું નથી અને મળવાનું પણ નથી. જીવનની આ વાસ્તવિકતા છે અને આપણે બધા એ જાણીએ પણ છીએ. ભાવિ અનિશ્ચિત છે, કોઈ નથી જાણતું કે હવે પછીની ઘડીએ શું થવાનું છે? આ જ બાબત કહેવા આપણે વારંવાર એક પંક્તિ કહેતા હોઈએ છીએ કે, “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?” સવારે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો અને રાતોરાત બધું બદલાઈ ગયું. સવારે રાજ્યાભિષેક થવાને બદલે ચૌદ વર્ષનો વનવાસ મળી ગયો. ભગવાન પણ નથી જાણી શકતા કે જાણવા છતાં તેમાં કોઇ ફેરફાર કરી શકતા નથી, તેવા અનિશ્ચિત ભાવિને વર્ણવવા આ પંક્તિ આપણે વારંવાર વાપરીએ છીએ. તો ચાલો આજે આ આખી અદભુત રચનાને માણીએ.

ભલી આ કર્મભૂમિમાં, કરે તે પામવાનું છે; ભલું કર ભલું થાશે, એ સૂત્ર થાપવાનું છે.

કહે તું મારું ને તારું, બધું અહીં રહેવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

એટલે કે જીવનપર્યંત આપણે કર્મ કરીએ છીએ. આ કર્મનો સિદ્ધાંત છે કે, જે કરો તે પામવાનું છે. સત્‌કર્મ કરીએ તો સદ્‌ગતિ અને કુકર્મ કરીએ તો દુર્ગતિ પામવાની છે. જો કોઈનું ભલું કરીશું, તો ચોક્કસ આપણું ભલું થશે અને જો કોઈનું ખરાબ કરીશું, તો આપણું ચોક્કસ ખરાબ થવાનું છે. આ સિદ્ધાંતને માનવાનો છે, જીવનમાં ઉતારવાનો છે. આપણે મારું-તારું કરીએ છીએ, પરંતુ કંઈ સાથે લઈને નથી જવાનું. બધું અહીં જ રહી જવાનું છે. તો આટલી હાયહોય અને હૈયાપીટ શું કામની? કારણ કે ખુદ પ્રભુ શ્રીરામચંદ્રજીને પણ ખબર ન હતી, કે સવારે રાજ્યાભિષેક થવાને બદલે વનવાસ મળવાનો છે.

ન જાણે રાજવી દશરથ, શું અનર્થ થવાનું છે; શ્રવણના માતાપિતાથી શાપ પામવાનું છે.

હજો પુત્રને થજો વિજોગી, દુઃખ ડામવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

રામાયણ એક જાણીતો કિસ્સો છે, રાજા દશરથ મૃગયા કરવા નીકળ્યા હતા કે કોઇ તળાવની ચોકી કરી રહ્યા હતા. તે સમયે તળાવની પાળે પ્રાણીના પાણી પીવાનો અવાજ સંભળાયો. ખરેખર શ્રવણે તેના માતા-પિતા માટે પાણી ભરવા ડૂબાડેલા ઘડાનો બૂડ-બૂડ અવાજ હતો. દશરથજીએ કોઈ પ્રાણી સમજી શબ્દવેધી બાણ ચલાવ્યું અને શ્રવણનો જીવ જતો રહ્યો. આ અનર્થ બનવાથી તેઓ તદ્દન અજાણ હતા. ત્યારબાદ શ્રવણના માતા-પિતા તેને શાપ આપ્યો કે, જેમ અમે પુત્ર વિયોગથી મરીએ છીએ તેમ તમે પણ પુત્ર વિયોગથી મૃત્યુ પામશો. દશરથજીએ કહ્યું કે મારે પુત્ર નથી; તો તેઓએ કહ્યું કે હજો પુત્રને થજો વિજોગી. આવી બળવાન છે કર્મની ગતિ કે જેની પ્રભુ શ્રીરામને પણ ખબર ન પડી.

વાસુદેવના બાળકને, સંહારે છે કંસરાજા; જેલમાં કૃષ્ણ પ્રગટ્યા, વેણ સંદેશ છે તાજા.

બાળ કૃષ્ણના હાથે, કંસને જવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

વાસુદેવ અને દેવકીના આઠમા પુત્રને હાથે પોતાનો વધ થશે, તેવું જાણવા મળતાં જ કંસ તેના તમામ પુત્રોને જન્મતાની સાથે જ મારી નાખતો હતો. આવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં પ્રગટ્યા. કંસને આ બાબતની જાણ જ ન થઈ શકી અને શ્રી કૃષ્ણ ગોકુળ પહોચી ગયા. તેના હાથે જ કંસનો વધ થયો. આમ કર્મની ગતિ અનોખી છે.

મહાભારત તણા ગ્રંથમાં, શ્રી શ્યામની માયા; છતાં દુઃખી થયા પાંડવ, વન વનમાં ભટક્યા.

અવતારી પુરુષે ન જાણ્યું, શું કિસ્મતનું પાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

મહાભારત ગ્રંથના અધિષ્ઠાતા દેવ શ્રીકૃષ્ણ ભગવાન છે. પ્રભુની અદભુત માયાનો પ્રભાવ આ ગ્રંથમાં સ્પષ્ટ જણાય છે. છતાં તેના ભક્તો પાંડવોને વન-વનમાં ભટકવું પડ્યું અને દુઃખી-દુઃખી થઈ ગયા. શ્રીકૃષ્ણ ભગવાન હોવા છતાં તેઓ પાંડવોનું ભવિષ્ય જાણી ન શક્યા અથવા જાણતા હોવા છતાં તેમાં ફેરફાર ન કરી શક્યા. કારણ કે કર્મની ગતિ આવી જ ન્યારી છે, જેનાથી બધા બંધાયેલા છે. ખૂદ પરબ્રહ્મ પરમાત્મા પણ.

રાવણ વેદનો જ્ઞાતા, છતાં બુદ્ધિ થઈ વિપરીત; સીતાનું હરણ કરતાં, લંકાપર મોતના છે ગીત.

વંશ સહિત રોકાયો, રાવણથી એ ન છાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

રાવણ વેદોનો પ્રખર જ્ઞાની હતો. વેદો ઉપર ટીકા લખનારાઓમાં તેને પ્રથમ ગણવામાં આવે છે. છતાં તેની બુદ્ધિ બગડી, સીતામાતાનું અપહરણ કર્યું અને આખી લંકા નગરીને મોતના મુખમાં ધકેલી દીધી. રાવણ જ્ઞાની હોય, આ બધું જાણતો હતો. સોનાની લંકા અને તેના આખા રાક્ષસકુળને ગુમાવ્યું, પરંતુ આવું બનતા રોકી ન શક્યો. વિધિના વિધાન આવા જ અકળ હોય છે.

આદ્યશક્તિ રૂપ સીતા, જમીનથી પ્રગટ્યા પોતે; જનકઘર એ થયા મોટા, પામ્યા રામ શ્રી જ્યોતે.

પરીક્ષા અગ્નિથી લંકા, રૂપ ભૂમિ માનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

આદ્ય શક્તિ સ્વરૂપા માતા સીતા જમીનમાંથી પ્રગટ થયા. વિદેહ જનકરાજાને ત્યાં મોટા થયા. પ્રભુ શ્રીરામને પતિ તરીકે પામ્યા. છતાં લંકામાં અગ્નિ પરીક્ષા આપવી પડી અને અંતે ભૂમિપુત્રીને ભૂમિમાં જ સમાવું પડ્યું. વિધિની વક્રતાને કોણ પામી શક્યું છે? ખૂદ ભગવાન પણ નહિં.

નળરાજવી પોતે, દમયંતી સતિ પામ્યા; વનેવન ભટકીને રોયા, કળિયુગ પૂરેપૂરા જામ્યા.

હંસથી મળે નળરાજા, જિંદગી ઠારવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

નળ પોતે રાજા હતા, છતાં બાહુકરૂપે અશ્વપાલ બનવું પડ્યું. દમયંતી જેવી સતિ નારીને પરણ્યા, પરંતુ તેનો પણ વિયોગ થયો. વન-વન ભટકીને ખૂબ જ દુઃખી થયા અને કળિયુગનો પ્રભાવ સારી પેઠે અનુભવ્યો. ફરીવાર હંસ થકી નળ દમયંતીને મળ્યા, પણ જીવનપર્યંત દુઃખી જ રહ્યા. આ તે કેવી વિધિની કરુણતા કહેવાય?

ત્રણ ગતિ બદલાતી, સૂર્ય ભગવાનને જુઓ; સવારે બપોરે સાંજે, સ્થિતિ પ્રમાણને જુઓ.

મનુષ્ય શી દશાતારી, મન સમજાવવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

સૂર્યનારાયણ જ પુરી સૃષ્ટિમાં પ્રાણ પુરે છે, તેની પણ રોજ ત્રણ ગતિ બદલાય છે. સવારે તેજસ્વિતા ફેલાવે છે, બપોરે તાપ આપે છે અને સંધ્યાકાળે તે પોતે જ ઢળી જાય છે. તો હે મનુષ્ય ! તારી શું વિસાત છે? મનને સમજાવ કે પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું એ જ જીવનની નરી વાસ્તવિકતા છે.

પુષ્પ ખીલે છે ખરવાને, જીવ જીવે છે મરવાને; છતાં યાદ ના આવે, જગતકર્તા થી ડરવાને.

નજરે દેખાય છે તે બધું, આખર જવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

ફૂલો ખીલે છે અને અંતે ડાળીથી જુદા પડી ખરી પડે છે. માણસ પણ જન્મે છે, જીવે છે અને અંતે તેનું મૃત્યુ જ સનાતન સત્ય છે. નામ તેનો નાશ એ જાણીએ છીએ, છતાં આપણે એવી માયામાં જીવીએ છીએ, એવા મિથ્યાભિમાનમાં જીવીએ છીએ કે સૃષ્ટિના સર્જકથી ડરવાનું ભૂલી જઈએ છીએ. જે નજરે દેખાય છે, તે બધું આખરે જવાનું જ છે. એ જ વિધિનું વિધાન છે.

બંસીલાલ તો એક જ કહે, તું શ્યામ શરણે જા; ચાહે વિષ્ણુ શરણે જા, ચાહે રામશરણે જા.

કાયાની માયા છે ખોટી, એ વિચારવાનું છે; ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.

ભક્તકવિ શ્રી બંસીલાલ કહે છે કે, હે માનવ ! તું શ્યામના શરણે જા, ક્યાં વિષ્ણુ ભગવાનના શરણે જા, ક્યાં શ્રીરામ પ્રભુના શરણે જા. કાયાની આ માયા ખોટી છે; રાખના રમકડાઓની આ ભ્રમજાળ ખોટી છે, તે સમજવું જ રહ્યું. કારણ કે સીતાપતિ કરુણાનિધાન શ્રીરામને પણ ખબર નહોતી કે સવારે શું થવાનું છે?

(ઉક્ત મૂળ રચના ભક્તકવિ શ્રી બંસીલાલ દ્વારા લખવામાં આવી છે. ભાવાર્થ – ઉદય ભાયાણી)

શ્રી હનુમાન બાહુક | Shree Hanuman Bahuk

શ્રી સદ્‌ગુરુ દેવાય નમ:

“વન્દે વાણી વિનાયકો” માતા સરસ્વતી અને વિઘ્નહર્તા શ્રીગણેશજીને સાદર વંદન… પ્રભુની લીલા અપરંપાર છે. એક વખત શ્રીમદ્‌ ગોસ્વામી તુલસીદાસજીના હાથોમાં અસહ્ય દુખાવો શરૂ થયો અને ધીમે-ધીમે આખા શરીરમાં ફેલાઈ ગયો. તેઓનું આખું શરીર અસહ્ય વેદનાથી પીડાવા લાગ્યું. ગોસ્વામીજીના ભક્તો અને સ્નેહીઓએ અનેક ઉપચારો કર્યા, પરંતુ દર્દ દૂર ન કરી શક્યા અને દર્દ વધતું જ ગયું. આ રોગ કાળની ભયાનકતા હતી, કરમની કઠણાઈ હતી, દૈવી પ્રકોપ હતો, પાપનો પ્રભાવ હતો, ભૂત-પ્રેત વગેરેથી પ્રેરિત હતો કે ખરાબ ગ્રહોને કારણે હતો તે જ સમજાતું નહોતું. ગોસ્વામી તુલસીદાસજીએ તેઓનું આ દર્દરૂપી દુઃખ દૂર કરવા શ્રી હનુમાનજી મહારાજને આર્તનાદથી પ્રાર્થના કરી. શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી તેઓનું દુઃખ દૂર થઈ ગયું. દર્દ શમી ગયા પછી ગોસ્વામીજીએ પોતે કરેલી પ્રાર્થનાના પદો એકત્ર કરી, આ સ્તોત્રની રચના કરી અને તેનું નામ હનુમાન બાહુક રાખ્યું.

સંતો મહાત્માઓને થતી પીડામાં પણ સંસારનું હિત સમાયેલું હોય છે. આ ૪૪ (ચુમાલીસ) પદના ચમત્કારિક સ્તોત્ર હનુમાન બાહુકનો પાઠ કરી અનેક હરિભક્તો-હનુમાનજીના ઉપાસકો મનોવાંછિત ફળ મેળવે છે. શ્રી હનુમાન બાહુકનો આ પાઠ કળિયુગમાં આધિભૌતિક, આધિદૈવિક કે આધિદૈહિક કોઈપણ પ્રકારના કષ્ટો માટે રામબાણ ઔષધી સમાન છે. શ્રીરામ ભક્તો અને શ્રીહનુમાનજીના ઉપાસકો માટે આ સ્તોત્ર અમૃત સમાન છે તથા તેનો ભાવપૂર્વક પાઠ કરીને ભક્તો પોતાના સાંસારિક, કૌટુંબિક, શારીરિક વગેરે પ્રકારના તમામ દુ:ખ-દર્દમાંથી મુક્તિ મેળવી શકે છે. આ પાઠના શ્રદ્ધાપૂર્વક પઠનથી, અગાઉ જણાવ્યા મુજબના, ત્રિવિધ કષ્ટો ચોક્કસ દૂર થાય છે, તેની સ્વ-અનુભવ સાથે પુષ્ટિ કરું છું.

સામાન્ય રીતે માનવસ્વભાવ એવો હોય છે કે, કોઈ દુ:ખ કે મુશ્કેલી આવે એટલે આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને સારું થઈ જાય એટલે પ્રભુ સ્મરણ ઓછું કરી દઈએ છીએ, ભૂલી જઈએ છીએ કે છોડી દઈએ છીએ. કબીર દાસજીનો એક દોહો આપણા આવા સ્વભાવને યોગ્ય રીતે વર્ણવે છે – “દુ:ખ મેં સુમિરન સબ કરે સુખ મેં કરૈ ન કોય, જો સુખ મેં સુમિરન કરે દુ:ખ કાહે કો હોય.”. હનુમાન બાહુકના પાઠમાં પણ તુલસીદાસજીએ માનવીના આ સ્વભાવનો ઉલ્લેખ કર્યો છે. બધાને નમ્ર વિનંતી છે કે, પ્રભુનું સ્મરણ સતત રાખો. આ કળીયુગમાં નિરંતર ભગવાનનું નામ સ્મરણ જ તમામ વ્યાધિનો એકમાત્ર ઉપાય છે.

ભગવદ્‌ કૃપાથી આ સ્તોત્રના પઠનથી મનમાં સેવક ભાવ ઉત્પન્ન થયો. આ પાઠ પ્રત્યેની નિર્મળ ભાવનાના ફળ સ્વરૂપે શ્રી હનુમાન બાહુક પીયૂષ” નામનું એક પુસ્તક મને પ્રાપ્ત થયું, જેના લેખક શ્રી અંજનીનંદનશરણજી છે. શ્રી અંજનીનંદનશરણજી એક મહાન સંત થઇ ગયા, જેઓએ શ્રીરામચરિતમાનસ ઉપર ‘માનસ પીયૂષ’ અને વિનય પત્રિકા ઉપર ‘વિનય પીયૂષ’ જેવા અદ્‌ભુત ગ્રંથો લખ્યા છે. તેઓ દ્વારા ૮૪ વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થામાં સમાજ કલ્યાણ અર્થે આ પુસ્તક લખવામાં આવ્યું હતું. આ પુસ્તકનું અધ્યયન કર્યા બાદ શ્રી રામજી લાલાની કૃપાથી, શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદથી અને પરમ પૂજ્ય સદ્‌ગુરૂ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અસીમ કૃપાથી શ્રી હનુમાન બાહુક સ્તોત્રનો સરળ ગુજરાતી ભાવાનુવાદ તૈયાર કરવાની પ્રેરણા થઈ.

શ્રી હનુમાન બાહુક પાઠનો ભાવાનુવાદ કરુણાનિધાન ભગવાન શ્રીરામચંદ્રજી,  અંજનીનંદન શ્રીહનુમાનજી મહારાજ અને પરમ પૂજ્ય સદ્‌ગુરૂ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અસીમ કૃપાથી જ શક્ય બન્યો છે. ગોસ્વામી તુલસીદાસજીના અસહ્ય દુ:ખો કષ્ટભંજન શ્રીહનુમાનજીની કૃપાથી જેવી રીતે દુર થઈ ગયા, તેમ લોકોના દુ:ખ, દર્દ પણ તેઓની અમીદ્રષ્ટીથી દુર થાય અને આ ભાવાનુવાદ લોકો સુધી સરળતાથી પહોંચે, તેવા શુભાશયથી તેને એક નાનકડા પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પુસ્તકની સોફ્ટકોપી એટલે કે પીડીએફ ફાઈલ નીચે દર્શાવેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

http://udaybhayani.in/wp-content/uploads/2020/11/Hanuman_Book.pdf

આ બુકની હાર્ડકોપી અને સોફ્ટકોપી ઉપલબ્ધ કરાવવાના પ્રસંગે આ પાઠનો મને પરિચય કરાવનાર માત્રુપક્ષ, આ પાઠ કરવા કારણભૂત વ્યક્તિઓ અને સંજોગો, ભાવાનુવાદ કરવામાં મદદરૂપ થનાર મારા આત્મજનો, બુક છપાવવામાં મદદરૂપ સ્નેહીજનો, બુક ડીઝાઈનર ટીમ, મુદ્રક અને આ સંપૂર્ણ કાર્યના દરેક તબક્કે માર્ગદર્શક અને સાથીદાર એવા રમેશમામા, વિનુમામા, બેન અને મારા અર્ધાંગિનીનો હૃદયપૂર્વક આભાર માનું છે.

આશા રાખુ છું કે, આપના અંગત જીવનમાં કોઈપણ મુશ્કેલી સમયે અને ખાસ કરીને આ કોવિદ-19 મહામારીમાં આ આધ્યાત્મિક શક્તિ સૌને જરૂરથી ઉપયોગી નિવડશે. આપ સૌને ફરી-ફરીને આગ્રહપૂર્વક વિનંતી છે કે, જેમ એક વખત જમી લેવાથી કાયમ માટે ભૂખ સંતોષાઇ જતી નથી અને સમયાંતરે શરીરને ખોરાક આપતો જ રહેવો પડે છે, તેમ પ્રભુ સ્મરણ એક વખત કરી લેવાથી હકારાત્મક વિચારો કે સારુ સ્વાસ્થય કાયમ માટે નહી મળી જાય, તેને નિરંતર અને નિયમિત પ્રભુ સ્મરણરૂપી ખોરાક આપતો રહેવો પડશે. માટે પ્રભુનું સ્મરણ સતત રાખો. આ કળીયુગમાં નિરંતર ભગવાનનું નામ સ્મરણ જ તમામ વ્યાધિનો એકમાત્ર ઉપાય છે.

આ ક્ષેત્રમાં હું રજ સમાન છું, માટે આ ભાવાનુવાદમાં કોઈ ભૂલ જણાય તો બાલસહજ માની ક્ષમા કરવા તથા તે પરત્વે ચોક્કસ ધ્યાન દોરવા નમ્ર અપીલ કરું છું. આ સાથે…

  • સુરેશચંદ્ર દલીચંદ ભાયાણી,
  • ઉદય સુરેશચંદ્ર ભાયાણી,
  • ક્રિના ઉદય ભાયાણી અને
  • નીરજા ઉદય ભાયાણીના સૌને જય જય સીતારામ…
  • મો. ૯૯૨૫૨૪૯૫૨૯, ઇ-મેઈલ udaybhayani@gmail.com

અમૃતાકાંક્ષી રસસિદ્ધ નાગાર્જુન

વૈદ્ય જગતમાં રસોદ્ધારતંત્ર નામે જાણીતા દુર્લભ ગ્રંથની રચના કરનાર અને જેને મળવા માટે દેવરાજ ઈન્દ્ર અને તેના અમર વૈદ્યો અશ્વિનીકુમારો સ્વર્ગ લોક છોડીને પૃથ્વી ઉપર આવ્યા હતા, તેવા હતા વિશ્વને અમૃત સર્વસુલભ બનાવવાની ધૂનવાળા રસસિદ્ધ રાજા નાગાર્જુન. નાગાર્જુનને અમૃત શોધવાની ધૂન લાગી હતી. તેણે ધાતુમાંથી સોનુ બનાવવાની રસાયણ વિદ્યા સહજમાં હસ્તગત કરી લીધી હતી. નાગાર્જુને વિવિધ શાસ્ત્રો અને રસ સાહિત્યોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેણે પ્રથમ આયુર્વેદનો ગહન અભ્યાસ કર્યો હતો. નાગાર્જુન તત્કાલિન સમયના ભારતભરના રસસાહિત્યમાં રસ ધરાવતાં અને આગળ પડતા લોકોની મુલાકાત કરતા અને તેઓની સાથે જ્ઞાનાત્મક વિચાર-વિમર્શ કરતા. રસસિદ્ધો તેને સૌરાષ્ટ્રના આદિ કીમિયાગર (રસાયણવિદ્‌) માનતા હતા.

નાગાર્જુન, આદિ રાજા જેઠવાના પાટનગર એવા સૌરાષ્ટ્રના ઢાંકના રાજા હતા. ઢાંક રાજકોટ જિલ્લાના ઉપલેટાથી લગભગ ૨૦ કિ.મી. જેટલુ દૂર છે. ઘણા લોકો તેને ભ્રમથી શિલાહરવંશી રાજા માને છે. મળી આવેલા તામ્રલેખો મુજબ ક્ષિતિરાજ શિલાહર પછી નાગાર્જુન ઇ.સ. ૧૦૫૫માં ગાદી પર આવ્યો હતો અને તેણે ફક્ત ૧૦ વર્ષ જ રાજ કર્યુ હતું. પરંતુ, ઇતિહાસ જોતા ખરેખર તો નાગાર્જુન ગુપ્ત વંશના રાજાઓનો સમકાલીન અને સૌરાષ્ટ્રના જેઠવા રાજા હતા, તે વધુ પ્રમાણભૂત જણાઈ આવે છે. તે વરાહમિહિર, આર્યભટ્ટ અને કાલિદાસ વગેરેના સમકાલીન રાજા હતા.

નાગાર્જુનના સમયમાં રસાયણ વિદ્યાના સાહિત્યનો વિકાસ તેની ઉચ્ચતમ કક્ષાએ હતો. નાગાર્જુન માનતા હતા કે, જન્મૌષધિતપ:-મંત્રસમાધિજા: સિધ્ધય: એટલે કે જન્મ બાદ ઔષધિઓ, તપ કરવાથી અને મંત્રોના અનુષ્ઠાનથી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. નાગાર્જુનની અમૃત શોધવાની ઘેલછાને લીધે તેઓ રસસાહિત્યના જ્ઞાતાઓને જાતે મળી તેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યા અને વધુમાં વધુ યોગ્ય સાહિત્ય એકઠું કરવા માંડ્યા. દેશ-વિદેશોમાંથી અનેક ઔષધીઓ મંગાવી અને તેના ગુણદોષનું પૃથક્કરણ કરવા લાગ્યા તથા તેના આધારે પદ્ધતિસરના વિવિધ પ્રયોગો પણ કરવા લાગ્યા. આ બધા ગુઢ જ્ઞાન, પોતાની અથાક મહેનત અને અસંખ્ય પ્રયોગના અંતે તેને ધીમે-ધીમે સફળતા મળવા લાગી. તેણે અનેક રોગોની દવાઓ વિકસાવી, ધાતુઓમાંથી સોનુ બનાવવાની વિદ્યા હસ્તગત કરી અને પોતાના શરીરને અસ્ત્ર-શસ્ત્રોથી ભેદી શકાય નહીં તેવું અભેદ્ય બનાવી દીધું હતું. તેઓ તેના જૈન ગુરૂ પાદલિપ્ત સૂરિજી પાસેથી સ્વૈરવિહાર વિદ્યા એટલે કે હવામાં વિમાનની જેમ ઉડી શકવાની વિદ્યા પણ શિખ્યા હતાં.

એક તરફ અમૃત શોધની તીવ્ર તમન્ના સાથે અથાક મહેનત હતી અને બીજી બાજુ રાજ વહીવટ ઉપરથી ધ્યાન હટતું જતું હતું. પદાધિકારીઓ રાજ હુકમની અવહેલના કરવા માંડ્યા હતા અને મોટા ભાગની પ્રજાએ કર ભરવાનું બંધ કરી દીધું હતું. રાજાના નજીકના હિતેચ્છુ મંત્રીઓએ તેને રાજ વહીવટને પ્રાધાન્ય આપવા બાબતે, પ્રજા પ્રત્યેના કર્તવ્ય વિશે, પાડોશી રાજાઓના આક્રમણના ભય વિશે અને એકવાર અરાજકતા ફેલાઈ જશે તો થનારી મોટી ખુવારી બાબતે ઘણી વખત સમજાવ્યા હતા. તેઓ રાજાને સમજાવતા કહેતા કે, “પર્જન્ય ઇવ ભૂતાનામાધાર: પૃથ્વીપતિ: વિફલેઅપિ હિ પર્જન્યે જીવ્યતે ન તુ ભૂપતૌ એટલે કે રાજા પણ વરસાદની જેમ બધા પ્રાણીઓનો આધાર છે. કોઈ સમય વરસાદ ન આવવાથી કદાચ પ્રજા જીવી જાય, પરંતુ રાજાના અભાવે પ્રજા જીવી શકતી નથી. પરંતુ, નાગાર્જુનનું મન તો અમૃત પ્રાપ્ત કરવા દ્રઢ નિશ્ચયી હતું. નાગાર્જુન તેઓને જવાબમાં કહેતા કે પ્રજાના કર ન ભરવાથી રાજ્યની તિજોરીને કોઈ ઓટ નહીં આવે, કારણ કે હું ધાતુને સોનુ બનાવવાની વિદ્યા જાણું છું. બીજું કે અમૃતની શોધની સાથે મૃત્યુની શોધ થતી જાય છે, એટલે કે કોઈ મોટું આક્રમણ થશે તો થોડી ઔષધીઓના છંટકાવ માત્રથી હજારો લોકોને યમલોકમાં તુરંત પહોંચાડી દઈશ. અંગત મંત્રીઓએ જ્યારે રાજાને ફક્ત રસસિદ્ધિને જ પ્રાધાન્ય ન આપતા રાજ્યસિદ્ધિને પ્રાથમિકતા આપવા આગ્રહ કર્યો અને રાજાના આ રીતે રાજ્ય વહીવટ પ્રત્યેના દુર્લક્ષથી ઉભી થઈ રહેલી અંધાધૂંધી બાબતે ભારપૂર્વક જણાવ્યું, ત્યારે તેણે કહ્યું કે, ‘કાર્ય સાધયામિ વા દેહં પાતયામિ’ અને અમૃતની શોધ મારું અંતિમ લક્ષ્ય છે. જો તેને લીધે રાજ વહીવટને નુકસાન થઈ રહ્યું હોય તો, હું જ્યાંસુધી અમૃતની શોધ પૂર્ણ ન કરું ત્યાંસુધી રાજ્યનો કાર્યભાર યુવરાજને સોંપવાનો નિર્ણય લઉં છું. આમ, પુત્રના ખભે રાજ વહીવટનો ભાર સોંપી નાગાર્જુન પોતાના અમૃત શોધનના કાર્યમાં મગ્ન થઈ ગયા કે જેથી અમૃતને સર્વસુલભ બનાવી શકાય. પરંતુ પ્રભુની લીલા ન્યારી હોય છે, હોઇ હિ સોઇ જો રામ રચિ રાખા”.

કુમાર રાજા બન્યા બાદ તેની માતાના આશીર્વાદ લેવા ગયો, પરંતુ તેની માતાના મુખ ઉપર પ્રસન્નતા ન જોતા કુમારે કારણ પૂછ્યું. તેની માતાએ તેને સમજાવ્યું કે, પુત્ર ! તું રાજનીતિની આંટી-ઘૂંટી જાણતો નથી. પિતા રાજા હયાત હોય ત્યાંસુધી પુત્ર રાજા રમકડાંથી વિશેષ કંઇ હોતો નથી. જે દિવસે અમૃતની શોધ પૂર્ણ થઇ જશે, તે દિવસે તારા પિતા ફરી રાજગાદી સંભાળી લેશે. કુમારે કહ્યું કે તમે જ કહો, હું શું કરું? માતાએ કહ્યું કે રાજા જીવિત રહેવા જોઈએ નહીં. ત્યારે કુમાર કહે છે, માતા ! તમે મને પિતૃ હત્યા કરવાનું કહો છો? માતાએ કહ્યું કે તે શક્ય પણ નથી, કારણ કે તેની પત્ની તરીકે હું જાણું છું કે બીજા માટે અમૃતસિદ્ધિ કરવા મથતા-મથતા તેઓ જાતે લગભગ અમર જેવા જ થઈ ગયા છે. પરંતુ સૃષ્ટિનો સિદ્ધાંત છે કે, જેનું નામ તેનો નાશ’. તારા પિતા કુદરતના આ સિદ્ધાંતની વિરૂદ્ધ માનવ સમાજને અમૃત ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આ સંજોગોમાં પ્રકૃતિના નિયમોની સાથે રહેવા માટે, વૈધવ્યની યાતના ભોગવવી પડશે છતાં અને એક આર્ય સન્નારીને છાજે નહિ તેવી શિખામણ આપી રહી છું. કુમારે કહ્યું કે આટલી રસસિદ્ધિઓ મેળવેલા મારા તીર્થસ્વરૂપ પિતા લગભગ અવધ્ય જેવા જ છે, તેનો વધ કેવી રીતે કરવો? માતાએ કહ્યું કે, તારે તારા પિતાના દર્શનાર્થે જવું અને તેઓ ખૂબ જ ઉદાર છે માટે કંઈક માગવા કહે, ત્યારે તેમના મસ્તકની યાચના કરવી. જેથી તેઓ જાતે જ પોતાના મૃત્યુનો માર્ગ જણાવશે.

કુમાર બીજા દિવસે સવારે પિતાની રસશાળામાં દર્શનાર્થે ગયો. રસેશ્વર મહારાજ નાગાર્જુન તેના પ્રયોગોમાં વ્યસ્ત હતા. પુત્રને આવેલો જોઈને કહ્યું કે, પુત્ર ! બહુ થોડા જ દિવસોમાં તારા પિતા મૃત્યુ પર વિજય મેળવવા સક્ષમ થઈ જશે. જે કામ અશ્વિનીકુમારો ન કરી શક્યા, લંકેશ્વરને તો સમજાયું પણ નહીં અને શ્રી ચરક જેવા સમર્થ આચાર્ય જેને ઉકેલી શક્યા નહીં, તે કાર્ય ભગવાન ધન્વંતરિની કૃપાથી તારા પિતાના હાથવેંતમાં જ છે. હવે સફળતા મળવામાં કોઈ શંકા નથી, ઔષધિઓનો પદ્ધતિસર આખરી ખરેખર પ્રયોગ જ કરવાનો છે. આ પરિસ્થિતિમાં તારું આવવું વધુ આનંદપ્રદ લાગી રહ્યું છે. હું ખૂબ જ ખુશ છું, માગ માગ, શું આપું? ત્યારે કુમાર પિતા પાસે તેમના મસ્તકની માગણી કરે છે. આવી વિચિત્ર માંગણીથી નાગાર્જુન સ્તબ્ધ થઈ જાય છે અને પછી બોલે છે, ખર શ્વાનં ગજં મતં ચ બહુભાષિણમ્‌ । રાજપુત્રં કુમિત્રં ચ દૂરત: પરિવર્જયેત્‌ ॥“ એટલે કે ગધેડું, કૂતરું, હાથી, ગાંડો માણસ, બહુ બોલનાર વ્યક્તિ, રાજપુત્ર અને દુષ્ટ મિત્ર આટલાનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ.

નાગાર્જુને કુમારને કહ્યું કે હું વચન આપીને ફરી જનારાઓ પૈકીનો નથી, અમૃત ઉપલબ્ધિની પ્રક્રિયા ભલે બાકી રહી જાય, લે આ તલવાર અને ઉતારી લે મારું માથું. કુમારે નાગાર્જુનની ગરદન ઉપર તલવારનો ઘા કર્યો, તલવારની ધાર નકામી થઈ ગઈ, પરંતુ ગરદન પર ઘસરકો પણ ન પડ્યો. નાગાર્જુને કુમારને કહ્યું કે બેટા આ મારી રસસિદ્ધિનોનો પ્રભાવ છે. પૃથ્વી પર કોઇ અસ્ત્ર-શસ્ત્ર મારા શરીરને ભેદી શકે તેવું નથી. ત્યારબાદ તેણે તલવારની ધાર ઉપર ઔષધિઓ લગાડીને ફરીથી પુત્રને આપી અને કહ્યું લે તારું કામ પૂર્ણ કરી લે. કુમાર ખુબ જ વ્યથિત થઇ જાય છે અને તેના હાથ કાંપી ઉઠે છે. આંખોમાંથી ચોધાર આંસુની ધાર ચાલી જાય છે અને તે પિતાને કરગરે છે કે, હે પિતા ! હું અધમ છું, મને ક્ષમા કરો. નાગાર્જુને કુમારને કહ્યું, તું અધમ નથી કે તારો કોઈ દોષ નથી અને પછી પૂછ્યું કે તને આ માર્ગે જવાની સલાહ કોણે આપી? કુમારે કહ્યું ‘મારી માતાએ’. ત્યારે નાગાર્જુન વિચારે છે કે, આમાં ચોક્કસ જ કોઈ ઈશ્વરીય સંકેત છે. ભગવાન ધન્વંતરિ વિશ્વના માનવસમાજને અમૃત ઐષધિ ઉપલબ્ધ કરાવવા માગતા નથી. ઔષધિયુક્ત તલવાર નાગાર્જુનની ગરદન ઉપર પડતા જ વિશ્વ અમૃત મેળવવાથી કાયમ માટે વંચિત રહી ગયું.

નાગાર્જુન વિશ્વને અમૃત આપી ધરતી ઉપર અમરતા લાવત કે કેમ? એ પ્રશ્ન તો વણઉકેલ્યો રહી ગયો, પરંતુ એક વાત ફરીથી સિદ્ધ થઈ ગઈ કે, “હોઇ હિ સોઇ જો રામ રચિ રાખા” અને આવી રીતે અમૃત પૃથ્વી ઉપર સર્વસુલભ કરવાનો ઇતિહાસ અધૂરો જ રહી ગયો. ત્યારબાદ ઘણા જ્ઞાની લોકોએ નાની-મોટી સિદ્ધિઓ મેળવ્યાનું ઇતિહાસ સાક્ષી છે, પરંતુ આજસુધી કોઈએ આ કક્ષાની સિદ્ધિ મેળવી હોય તેવું જાણમાં નથી.

પવિત્ર પુરુષોત્તમ માસની રસપ્રદ વાતો…

દર ત્રણ વર્ષે આવતો પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ પુરુષોત્તમ મહિના એટલે કે અધિક માસમાં દાન-પુણ્ય, પૂજા-પાઠ, ઉપવાસ વગેરેનું અનેરુ મહત્વ છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. પરંતુ આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે શા માટે આવે છે? સૌરવર્ષ એટલે શું? ચાંદ્રવર્ષ એટલે શું? તેનું વૈજ્ઞાનિક કે ખગોળીય કારણ શું છે? આધ્યાત્મિક દ્રષ્ટિએ તે બાબતે શાસ્ત્રોમાં શું લખેલું છે? અને આ પાવન પુરુષોત્તમ માસ સાથે મારા બાળપણના સંસ્મરણો વિષે સાંભળવા નીચે દર્શાવેલ લીંક ઉપર ક્લિક કરો કરશો.

મારા તમામ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/channel/UCe4WN1GZBX68R_UFjonIZ6A?view_as=subscriber સબસ્ક્રાઇબ કરવા તથા નવા વીડિયોના નોટિફિકેશન મેળવવા બાજુ માં દર્શાવેલ બેલના નિશાન ઉપર ક્લિક કરવા વિનંતી છે.

જેવું અન્ન તેવું મન…

We don’t live in Bungalows, Duplexes or Flats. We live in Our Minds. That’s our Permanent Residence. Keep it beautiful and clean….

“જેવું અન્ન તેવું મન” આ કહેવત આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, પરંતુ ક્યારેય શાંતિથી વિચાર્યું છે? કે આવું કેમ કહેવાય છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એવું કહેવું પડે કે, “જેવું અન્ન તેવું તન અથવા તો શરીર” એટલે કે ખોરાકમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન, પ્રોટીન તથા અન્ય તત્વો મળે છે. આ તત્વો આપણા શરીરના બંધારણનો ભાગ હોય છે અને શરીરને ટકાવવા માટે અતિ આવશ્યક પણ હોય છે. આપણા શરીરના વિવિધ ભાગો જેવા કે સ્નાયુઓ, માંસપેશીઓ, હાડકાઓ વગેરે આવા તત્વોના જ બનેલા હોય છે. પરંતુ કહેવાય છે શું? કે જેવું અન્ન તેવું મન. આવું એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે આપણા આહારની આપણા વિચારો કે મન ઉપર ખૂબ જ ઊંડી અસર પડતી હોય છે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં પણ આ બાબતોનો ઉલ્લેખ વિવિધ જગ્યાએ જોવા મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે “અન્નમયં હિ સૌમ્ય મન:” એટલે કે આપણે જેવું અન્ન ખાઈએ છીએ, તેવું જ આપણું મન બનતું હોય છે.

અન્નની આપણા મન ઉપર આટલી બધી અસર કેમ પડે છે? તેનું કારણ પણ એ જ છે કે આપણું શરીર અન્નથી જ ઉત્પન્ન થયેલું છે. ગીતાજીના ત્રીજા અધ્યાયના ૧૪માં શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને સ્પષ્ટ જ કહ્યું છે કે “અન્નાદ્ભવંતિ ભૂતાની” એટલે કે પૃથ્વી પરના તમામ જીવો અન્નથી જ ઉત્પન્ન થાય છે. માટે સારા વિચારો, સ્વસ્થ મન અને સારા જીવન માટે સાત્વિક આહાર લેવો અતિઆવશ્યક છે. સાત્વિક આહારનું મહત્વ સમજાવતાં પણ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના સત્તરમા અધ્યાયમાં આઠમાં શ્લોકમાં જણાવ્યું છે કે, સાત્વિક આહાર લેવાથી “આયુ:સત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધના:” એટલે કે આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, અને સુખ મળે છે તથા પ્રભુ પ્રત્યે પ્રીતિ વધે છે.

જ્યારે સારા આહારની વાત કરીએ છીએ ત્યારે શાકાહારી અને સાત્વિક આહાર જ લેવો જોઈએ અને માંસાહારનો તો સદંતર ત્યાગ જ કરવો જોઈએ. માંસાહારમાં જે જીવોની હત્યા કરવામાં આવે છે, તેની મૃત્યુ પહેલાની પરિસ્થિતિ વિશે વિચારીએ તો પણ રુવાડા ઉભા થઇ જાય. તેમાં ભય, નફરત, હિંસા, જબરદસ્તી અને મૃત્યુની ભાવના રહેલી હોય છે. આ બધી ભાવનાઓ નકારાત્મક ઉર્જાની પરાકાષ્ઠા હોય છે. જો આવું અન્ન ઉપયોગમાં લેવામાં આવે, તો આપણા વિચારો નકારાત્મક થઈ જવાના અને આપણું મન પણ આવી નકારાત્મકતા વાળું જ બની જવાનું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમાં પ્રોટીન વગેરેની માત્રા વધુ હોઈ શકે, પરંતુ અન્ય તમામ રીતે તે સ્વાસ્થ્યપ્રદ છે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. ચીનના લોકોની વિચિત્ર માંસાહારની આદતો અને તેના પરિણામો આપણા સહુની સમક્ષ જ છે. આ પ્રકારના ખોરાક વિશ્વમાં મહામારી નોતરે તેમાં કંઇ નવાઇ નથી.

પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજીની મહારાજએ તેઓના પ્રવચનમાં, એ સમયે હું પણ ત્યાં હાજર હતો, એક વખત એવું કહેલું કે, “આપણે દરેક કાર્ય કરતી વખતે પ્રભુ સ્મરણ કરવું જોઈએ. કચેરીનું કામ કરતા હોઈએ કે ધંધો કરતા હોઈએ, સ્ત્રીઓ રસોઈ બનાવતી હોય કે કચરા-પોતા કરતી હોય, પ્રભુસ્મરણ નિરંતર રહેવું જોઈએ.” રસોઈ બનાવતી વખતે ભગવાનનું નામ લેવાથી બની રહેલ રસોઈમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તેનાથી આપણું મન હકારાત્મક ઊર્જા સાથેનું પ્રભાવશાળી બને છે. ભગવાનનું નામ લેવાની આદત ન હોય, તો મોબાઈલ કે ટીવીમાં ભગવાનના ગીતો, સ્તોત્ર કે એવું કંઈપણ હકારાત્મક કે આધ્યાત્મિક ચાલુ રાખી શકાય. પરંતુ ભૌતિક અને કર્કશ સંગીતવાળા ગીતો કે સિરિયલો તો હરગીઝ ચાલુ રાખવી ન જોઇએ. ઘરનું જમવાનું બનાવતી વખતે પણ મન પ્રસન્ન હોવું આવશ્યક છે. ઈર્ષ્યા, ગુસ્સો, મજબૂરી કે ઉદાસ મનથી બનેલી રસોઇ જમવાથી મન શુદ્ધ કે હકારાત્મક રહેતું નથી. રસોઈ બનાવતી વખતે કોઈની નિંદા-કૂથલી પણ ન કરવી જોઈએ અને ફોન ઉપર વાતો કરવાનું પણ ટાળવું જોઈએ. ઘરે પ્રભુ સ્મરણ કરતા-કરતા પ્રસન્ન મનથી બનેલી રસોઈ જ પ્રસાદ ગણી શકાય.

મિત્રો, શક્ય હોય ત્યાંસુધી બહારનો ખોરાક પણ ન જ લેવો જોઈએ. જે લોકો ભણવા માટે, કમાવા માટે એકલા રહે છે અને જેઓની પાસે અન્ય કોઇ વિકલ્પ નથી, તેઓએ બહારનું જમવું પડતું હોય છે. પરંતુ આપણે બધાને તો જાણે આદત પડી ગઈ છે કે હાલતાને ચાલતા ઓનલાઈન ઓર્ડર આપી દઈએ છીએ કે જમવા બહાર જતા રહીએ છીએ. જરા વિચારો કે બહાર જે જમવાનું બને છે, તે કેવા વાતાવરણ બની રહ્યું હશે? ત્યાં એકબીજા રાડા-રાડી કરતા હોય છે કે આ આપ અને પહેલું આપ, બનાવનારના મનની પરિસ્થિતિ કેવી હશે? કેટલી ઉતાવળમાં બનતું હશે? બનાવનારે જલ્દી કામ પૂરું કરવાના આશયથી બનાવેલું હોય તેવું પણ બને? બનાવનારનું જે-તે કંપની કે સંસ્થા શોષણ કરતી હોય તો મજબૂરીમાં પણ બનાવી રહેલ હોય તેવું પણ બને અને છેલ્લે સૌથી અગત્યનું કે બધું જ સારું હોય, તો પણ બહારનું ખાવાનું નફો કમાવાના આશયથી તો ચોક્કસ બનેલું હોય છે. જે આપણા વિચારો પણ એવા જ બનાવે છે. આજકાલ પેકિંગ ફૂડ જેવા કે, વેફર, બિસ્કીટ, ફરસાણ વગેરેનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આવી વસ્તુના ઉત્પાદન એકમો મોટાભાગે ઓટોમેટીક પ્રોસેસથી ઉત્પાદન કરે છે. જે ખોરાક યંત્રવત બનેલ હોય, તે આપણા મનને પણ એવું જ બનાવે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને તેની અસરો આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ, એટલે કે માણસ યંત્રવત બનતો જાય છે.

બહારનુ જમવાનું મંદિર, ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોએ પણ બનતું હોય છે. ત્યાં નફાનો આશય નથી હોતો. આવા ધાર્મિક સ્થળોએ બનતું ભોજન સેવાની ભાવના સાથે બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે, માટે તેને પણ પ્રસાદ ગણી શકાય. આ ઉપરાંત બહારનું જમવું ફરજિયાત હોય, તો શક્યત: શુદ્ધ અને સાત્વિક મળે તેવો બનતો પ્રયત્ન કરવો જોઈએ. મને યાદ છે કે હું વલ્લભ વિદ્યાનગર કોલેજમાં ભણતો ત્યારે અશ્વિનભાઈ(જેમને અમે લાલો કહેતા)ને ત્યાં જમતા. બહાર જમવાનું ફરજિયાત હતું; પરંતુ ત્યાં જમવાનું બનાવવાનું, જમાડતી વખતે તેનો ભાવ વગેરે ખૂબ જ હકારાત્મક હતા. આ ઉપરાંત રસોડાની ઉપર જ અગાસીમાં બે-ત્રણ સ્ત્રીઓ બધું જ અનાજ-કઠોળ વગેરે રોજ સાફ કરતી અને માસી (લાલાના મમ્મી) તેનું મોનિટરિંગ કરતા એટલે કે ચોખ્ખાઈનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવતું. આમ, જો બહારનું જમવું ફરજિયાત હોય, તો શક્યત: શુદ્ધ અને સાત્વિક ભોજન મળે તેની ખાતરી કરવી જોઈએ.

જમવા બેસવાની જગ્યા પણ પવિત્ર હોય તે જરૂરી છે. જમવાનું શરૂ કરતા પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ અને જમવાનું આપવા બદલ પ્રભુનો આભાર પણ માનવો જોઈએ. ત્યારબાદ જમતી વખતે સંપૂર્ણ મૌન પાળવું જોઈએ. કોઈ પણ પ્રકારની ચર્ચાઓ, વાદ-વિવાદ, નિંદા-કૂથલી, ઈર્ષ્યા વગેરે જમતી વખતે ન કરવી જોઈએ. જમતી વખતે ટી.વી જોવાનું પણ ટાળવું જોઈએ. જમવાની દરેક વસ્તુનો સ્વાદ, રંગ, સુગંધ, સ્પર્શ વગેરે અનુભવવા જોઈએ. આજકાલ સિન્થેટીક ફ્લેવરવાળા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ વધતા અસલી ખોરાક ભૂલાતા જાય છે. કોઈ પણ ફળ ખાઓ ત્યારે તેને આખું હાથમાં લઇ સ્પર્શ કરો, તેનું નિરીક્ષણ કરો, રંગ – આકાર અનુભવો, તેની સુગંધને માણો, પછી તેને સાફ કરીને શક્ય હોય ત્યાં સુધી આખું જ હાથમાં રાખી ખાવાની આદત કેળવો. જો આ ફળનો બજારમાં મળતો સિન્થેટીક ફ્લેવરવાળો જ્યુસ પી લેશો તો કેલરી જ વધશે, બોડી ઘટશે નહીં અને મન પણ ભાવનાત્મક થવાને બદલે સિન્થેટિક જ થતું જશે. જમવાનું પૂર્ણ થાય ત્યારે કંઈ જ એઠું ન રહે તેની પણ પૂરતી કાળજી રાખવી જોઈએ.

અન્નની આપણા મન ઉપર સીધી અસર થતી હોય, તે બનાવવાથી લઈ તેના ઉપયોગ સુધી પૂરતી સાત્વિકતા જળવાઈ રહે તે જરૂરી છે. ગીતાજીના ૧૮માં અધ્યાયમાં પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, “લધ્વાશી બ્રહ્મભૂયાય કલ્પતે” એટલે કે પચવામાં હલકો, સાત્વિક અને ઓછી માત્રામાં નિયમિતપણે ખોરાક લેનારો બ્રહ્મમાં અભિન્નભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે. આ ઉપરાંત છઠ્ઠા અધ્યાયના ૧૭માં શ્લોકમાં પણ જણાવાયું છે કે, “યુક્તાહારવિહારસ્ય યોગો ભવતિ દુ:ખહા” એટલે કે યથાયોગ્ય આહાર-વિહાર કરનારને જ દુઃખોનો નાશ કરનાર યોગ સિદ્ધ થાય છે. આમ, અન્નની શરીર કરતાં પણ વધુ અસર મન અને વિચારો ઉપર પડતી હોય, તેમાં સાત્વિકતા અનિવાર્ય છે. આ ઉપરાંત કોવિદ – ૧૯ની મહામારીના સમયમાં પણ ઘરનો અને તાજો ખોરાક લેવાની સલાહ જ આપવામાં આવે છે. તો હર-હંમેશ સાત્વિક અને સમતોલ આહાર કરો તથા તન, મન અને ધનથી સ્વસ્થ રહો….