શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
શ્રી સુંદરકાંડની આ સુંદર અને અલૌકિક કથાના આગળના બે ભાગો ભાગ – ૨૯ અને ૩૦ લંકા વર્ણન – ભાગ ૧ અને ૨ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન (ભાગ- ૧) – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-029/ અને શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-030/ )માં ગોસ્વામીજીએ છંદના માધ્યમથી લંકા નગરીનું અદ્ભુત વર્ણન કર્યું, તેની કથા જોઇ. આ લંકા નગરીના વર્ણનની સાથે-સાથે આપણે રાક્ષસી પ્રકૃતિના લક્ષણો પણ સુંદર રીતે સમજયા. હવે આજની કથાની શુભ શરૂઆત કરીએ તો –
:: દોહા – ૩ ::
પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર । અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર ॥
નગરમાં મોટી સંખ્યામાં રખેવાળોને જોઇને શ્રીહનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરી અને રાત્રીના સમયે નગરમાં પ્રવેશ કરું.
‘પુર રખવારે દેખિ બહુ’ અર્થાત નગરીમાં બહુ સંખ્યામાં રખેવાળો જોઇને. અગાઉ ગોસ્વામીજી લંકા નગરીના વર્ણનમાં જણાવી ગયા છે કે, ‘કરિ જતન ભટ કોટિન્હ’. આમ, લંકા નગરીની રક્ષા કરોડો સૈનિકો કરી રહ્યા હતા. ‘કપિ મન કીન્હ બિચાર’ એટલે કે શ્રીહનુમાનજીએ મનમાં વિચાર કર્યો. શ્રીહનુમાનજીએ શું વિચાર કર્યો હશે? શું તેઓ કરોડો સૈનિકોને જોઇને ડરી ગયા હશે? જરાય નહિ… સુંદરકાંડમાં જ આગળ શ્રીહનુમાનજી માતા જાનકીજીને મળે છે, ત્યારે કહે છે કે, ‘તિન્હકર ભય માતા મોહિ નાહીં’ મને આ રાક્ષસોનો જરાય ભય નથી. શ્રીહનુમાનજીને રાક્ષસોનો કોઇ ભય ન હતો, પરંતુ તેઓએ વિચાર્યું કે આટલા બધા રખેવાળો છે, જો કોઇ મને જોઇ જશે અને તેઓની સાથે મારે માથાકૂટ થશે, તો મારો સમય બગડશે અને પ્રભુ કાર્યમાં તેટલો વિલંબ થશે. આમ, પ્રભુકાર્યમાં વિલંબ નિવારવા માટે તેઓ વિચારે છે કે, “અતિ લઘુ રૂપ ધરૌં”. અહીં, રાક્ષસો(દુશ્મનો)થી સાવધાની, પ્રભુકાર્યમાં વિલંબ ન થાય તે માટે નાલાયકને છેટેથી નમસ્કાર અને યોગ્ય સમયે નાના બની જવાથી કાર્ય સુપેરે પાર પાડી શકાય, આ ત્રણેય બાબતો શ્રીહનુમાનજીના વિચારના માધ્યમથી ગોસ્વામીજીએ આપણને સહુને સમજાવી છે. આમ પણ ભક્તિ એ જ પ્રાપ્ત કરી શકે, જે પ્રભુતાને પચાવે અને લઘુતાને નિભાવે.
ત્યારબાદ શ્રીહનુમાનજી વિચારે છે કે, રાક્ષસો બહુ માયાવી છે, ગમે તેટલું નાનું રૂપ ધારણ કરીશ, તો પણ દિવસના સમયે નગરીમાં પ્રવેશ કરીશ, તો ધ્યાનમાં આવી જ જઈશ. માટે નિસિ નગર કરૌં પઇસાર અર્થાત રાત્રીના સમયે નગરમાં પ્રવેશ કરવો વધુ ઉચિત રહેશે. કોઇપણ વ્યક્તિના સાચા સંસ્કાર કે રહેણી-કરણી જાણવી હોય, તો તે એકલો હોય ત્યારે એકાંતમાં કેવી રીતે રહે છે કે વર્તે છે? તે જોતા સાચો ખ્યાલ આવી જાય અથવા આવી વ્યક્તિના ઘરે રાત્રીના સમયે જવું, જેવું હશે તેવું સામુ દેખાઇ આવશે. દિવસના તો ઘણા લોકો સમાજની બીકે સભ્ય થઇને, મુખોટા પહેરીને સદ્ગૃહસ્થના વેશમાં સમાજમાં ફરતા હોય છે, સાચુ વ્યક્તિત્વ અંધકારમાં જ કે એકાંતમાં જ જોવા મળે. આમ તો આપણે કોઇના અંગત જીવનને જાણવાની જરૂર હોતી નથી. દરેકને પોતાની અંગત જીંદગી ખાનગી રાખવાનો હક છે અને આપણે કોઇની અંગત જીંદગીમાં માથું ન મારવું, એ આપણી ફરજ છે, પરંતુ જ્યારે કોઇની જોડે પનારો પડે કે પડવાનો હોય, તો સમજવું પડે. અહીં રાવણ માતા સીતાજીને હરી લાવ્યો હતો, તેની પાસેથી જાનકીજીને પાછા લાવવાના હતા, તો અહીંયાની પરિસ્થિતિ જાણવી જ પડે.
આ ચોપાઈમાં બાબજીએ અન્ય એક સુંદર વાત પણ વર્ણવી છે. સમાજમાં વિચાર કરવાના અને તે મુજબ કાર્ય કરવાના સંદર્ભમાં ત્રણ પ્રકારના લોકો જોવા મળે છે. એક, જે વિચાર જ કરતા રહે, કંઇ કામ ન કરે. બીજા, વગરવિચાર્યું કામ કરે અને ત્રીજા, વિચારે પણ ખરા અને તે મુજબ કામ પણ કરે એટલે કે કોઇપણ કામ વિચારીને જ કરે. પહેલા પ્રકારના લોકો જે વિચાર કર્યે રાખે પરંતુ કામ કંઇ ન કરે. શેખચિલ્લીની જેમ હવામાં કિલ્લાઓ જ બાંધ્યે રાખે. આવા લોકોને જીવનમાં કંઇ મળે નહિ અને અધૂરામાં પૂરું કંઇક થોડું ઘણું હોય તે વિચારવામાં અને વિચારવામાં ગુમાવી પણ દે. બીજા પ્રકારના લોકો જે વગર વિચાર્યું કામ કરે અને પછી પસ્તાય કે આમ ન કર્યુ હોત તો સારું થાત. પણ ‘અબ પછતાયે હોત ક્યા, જબ ચિડિયા ચુગ ગઈ ખેત’. ત્રીજા પ્રકારના લોકો જે વિચારે અને તે વિચારપૂર્વકનું કાર્ય પણ કરે.
શ્રીરામચરિતમાનસમાં પણ આ ત્રણેય પ્રકારના લોકો વિશે ઉલ્લેખ અને તેને લગતા પ્રસંગો છે. પહેલા પ્રકારના લોકોમાં જોઇએ તો કિષ્કિંધાકાંડ એક ચોપાઈ છે, “મંત્રિન્હ સહિત ઇહાઁ એક બારા, બૈઠ રહેઉઁ મૈં કરત બિચારા”. સુગ્રીવજી પ્રભુ શ્રીરામને કહે છે, હું એકવાર અહીં મંત્રીઓની સાથે બેસીને કંઇક વિચાર કરી રહ્યો હતો. સુગ્રીવજીએ વિચાર જ કર્યા. બાકી તેઓની સાથે શ્રીહનુમાનજી, શ્રીજામવંતજી વગેરે જેવા સક્ષમ મંત્રીઓ હતા, કંઇપણ કરી શકત. પરંતુ તેઓ વિચાર જ કરતા રહ્યા. ત્યારબાદ બીજા પ્રકારના લોકો જે વગર વિચાર્યું કામ કરે છે. લંકાકાંડમાં ભગવાન શ્રીરામ સમુદ્ર ઉપર સેતુ બંધાઈ ગયા પછી જ્યારે લંકામાં પહોંચે છે, ત્યારે રાવણ મંત્રીઓને પુછે છે કે કહો શત્રુ જોડે કઈ રીતે યુદ્ધ કરીશું? ત્યારે મંત્રીઓ સલાહ આપે છે કે, “કહહુ કવન ભય કરિઅ બિચારા, નર કપિ ભાલુ અહાર હમારા”. મનુષ્ય અને વાનર-રીંછ તો અમારું ભોજન, તેનાથી એવો મોટો કયો ભય છે? જેના માટે વિચાર કરવો પડે? વિચાર્યું જ નહિ, તો થઈ ગયોને સર્વનાશ? ત્રીજા પ્રકારના લોકો જે વિચારે અને કામ પણ કરે, શ્રીહનુમાનજી જેવા. આ જ ચોપાઈમાં વિચાર પણ કર્યો અને પછી તેના ઉપર તરત જ અમલ પણ કર્યો. જે વિચારતા રહી જાય તેને કંઇ હાંસલ ન થાય, જે વગર વિચાર્યે કામ કરે તેને સોનાની લંકા હોય તો પણ ગુમાવવી જ પડે અને જે વિચારીને કામ કરે તે પ્રભુપદ પ્રાપ્ત કરી શકે, પ્રભુ ભક્તિને પામી શકે.
અતિલઘુ રૂપ પાછળ એવો પણ તર્ક કરી શકાય કે શ્રીહનુમાનજી સુરસા સામે વિરાટ થયા અને અહીં નાનું સ્વરૂપ ધારણ કરવાનું વિચારે છે, અર્થાત આપણે અગાઉ જોઇ ગયા તેમ, જે પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે તે જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. આગળ માનસકાર લખે છે –
મસક સમાન રૂપ કપિ ધરી । લંકહિ ચલેઉ સુમિરિ નરહરી ।।
શ્રીહનુમાનજી મચ્છર જેવડું નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહરૂપે લીલા કરનારા પ્રભુ શ્રીરામનું કે પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ કરીને લંકા તરફ ચાલ્યા.
શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું. ઘણા લોકો એવું જ માને છે કે શ્રીહનુમાનજીએ મચ્છરનું રૂપ ધારણ કરી લીધુ હતું. નહિ, મચ્છરનું રૂપ ધારણ નહોતું કર્યું, ‘મસક સમાન રૂપ’ અર્થાત મચ્છર જેવડું નાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. સુંદરકાંડની આ લેખમાળાના અગાઉના મણકાઓમાં આપણે વારંવાર જોયું છે કે, ગોસ્વામીજી શબ્દોના ચયન અને ઉપયોગમાં ખુબ જ ચોકસાઈવાળા છે. શ્રીહનુમાનજી માટે આવો જ એક રૂપ બદલવાનો પ્રસંગ જોઇએ તો, શ્રીહનુમાનજી જ્યારે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીનો પરીચય લેવા જાય છે, ત્યારે બ્રાહ્મણનું રૂપ લઇને જાય છે. તે સમયે ગોસ્વામીજીએ બહું સ્પષ્ટ લખ્યું છે કે, “બિપ્રરૂપ ધરિ કપિ તહઁ ગયઊ”. જો મચ્છરનું રૂપ ધારણ કર્યું હોત તો ‘મસક સમાન’ને બદલે ‘મસકરૂપ’ એવું લખ્યું હોત. આમ, અહીં એ સ્પષ્ટ છે કે શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું રૂપ ધારણ કર્યું હતું, મચ્છરનું નહિ.
આપણે અગાઉ ઘણી વખત જોઇ ગયા તેમ માનસના વિવિધ પ્રસંગો ઉપર ઘણા પ્રશ્નો ઉદ્ભવતા રહ્યા છે. અહીં પણ ગોસ્વામીજી એ લખ્યું કે, ‘મસક સમાન રૂપ કપિ ધરી’ એટલે તરત જ પ્રશ્ન ઉદ્ભવ્યો કે, જો શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું? તે સમયે શ્રીહનુમાનજીએ મુદ્રિકા ક્યાં રાખી હશે કે તેનું શું કર્યું હશે? ખરેખર બુદ્ધિપૂર્વક વિચારીએ તો પ્રશ્ન તો સાચો છે. મચ્છર જેવડું રૂપ હોય તો મુદ્રિકાની સ્પષ્ટતા હોવી જોઇએ. સુંદરકાંડના પ્રસંગ ઉપર પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તો સમાધાન પણ સુંદર મળશે જ. તો આ પ્રશ્નનું સુંદર સમાધાન આવતા અંકમાં જોઇશુ, આજે કથાને અહીં વિરામ આપીએ છીએ.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||