Home Blog Page 7

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

અગાઉના લેખ (શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-015/ )માં શ્રીહનુમાનજીએ વાનર સેનાને સમુદ્ર કિનારે રાહ જોવા ઉપરાંત આગળ શું કહ્યુ હતું? તેના વિશે જોયું. ત્યારબાદ હોઇહિ કાજુ એટલે કે કામ થશે જ, એવું કહ્યું, ત્યારે પ્રશ્ન એ થયો કે શ્રીહનુમાજીને કેમ ખબર પડી કે કામ સફળ થશે જ? તેઓને કેવી રીતે ખબર પડી કે માતા સીતાજીને જોઇને તેઓ પાછા ફરશે જ. તો આ પાકી ખાતરી માટેના મુખ્ય બે કારણોથી આજની આ સુંદર કથાની શરૂઆત કરીએ.  

પહેલું, આપણા જુના શાસ્ત્રોમાં ચોક્કસ સફળતા મળે તે મુજબ કામ શરૂ કરવા માટેના શુકનો અથવા તો ક્યા શુકનમાં કામ શરુ કરવામાં આવેલ હોય તો સફળતા મળે તે વર્ણવેલુ છે. કોઈમાં સુર્યોદય પહેલા પ્રસ્થાન કરવાનું વિધાન છે, તો કોઈમાં સારા શુકન થાય ત્યારે પ્રસ્થાન કરવાનું વિધાન છે. કોઈએ મનમાં ઉત્સાહ હોય ત્યારે કામ શરુ કરવાનું કહ્યુ છે, તો કોઈએ બ્રાહ્મણને પુછીને એટલે કે બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવીને પછી યાત્રા-પ્રવાસ કે નવુ કાર્ય પ્રારંભ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેવું નોંધેલુ છે. અહીં જામવંતજીને બ્રહ્માવતાર ગણવામાં આવે છે. તેઓએ કહ્યુ કે તમે લંકા જાવ અને સીતાજીને જોઈને પાછા આવો. આમ, જ્યારે બ્રહ્મવાક્યથી કે બ્રહ્મઆજ્ઞાથી કાર્ય પ્રારંભ થવાનું હોય, ત્યારે કાર્યસિદ્ધિ નિશ્ચિત જ મનાય છે. તેથી જ શ્રીહનુમાનજી ખાતરી પૂર્વક કહે છે કે, હું જનકનંદિનીને જોઈને પાછો આવીશ જ.

બીજુ, “હરષ બિસેષી” એટલે કે હૃદયમાં હર્ષ એ કાર્ય સફળતાની નિશાની છે. જ્યારે આપણે કોઈ કાર્ય કરવાનો મનમાં સંકલ્પ કરીએ અને તેની તૈયારી શરૂ કરતા જો મનમાં આનંદ-આનંદ છવાઈ જાય, હર્ષ અનુભવાય તો તે કાર્ય ચોક્કસ સિદ્ધ થાય છે. જે કામમાં ભાર લાગતો હોય, ધરાર-ધરાર કામ કરવામાં આવતુ હોય કે મજબુરીમાં કામ થતુ હોય, ત્યાં સફળતા નિશ્ચિત હોતી નથી. ત્રણેક વર્ષ પહેલા અમારા ભાયાણી પરીવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. મને યાદ છે, જ્યારથી આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો, ત્યારથી ભાયાણી પરીવારના દરેક ઘરમાં એક અનેરો આનંદ, ઉત્સાહ અને જોમ અનુભવાતુ હતું. જેની ફળશ્રુતી રૂપે આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ આખાયે પરીવાર માટે જીંદગીભરનું સુંદર સંભારણુ બની ગઈ. આ જ રીતે મારી ૨૦૧૨ની અયોધ્યાની યાત્રા હોય કે કોરોનાના કપરા કાળની પહેલા ૨૦૨૦ની રામેશ્વરમ્‌ની યાત્રા હોય, દરેક વખતે મનનો ઉમંગ જ તેની સફળતાનું સૂચક રહ્યુ છે. ઘણા પારીવારિક કાર્યો અને ધાર્મિક કે સંસ્થાકિય કાર્યો સ્વયંસેવકો અને દાતાઓની મદદથી ભવ્યાતિભવ્ય રીતે પૂર્ણ થતા આપણે જોઇએ છીએ. બસ મનમાં અનેરો આનંદ હોવો જોઈએ.

શ્રીરામચરિતમાનસમાં જ્યાં-જ્યાં હર્ષ લખ્યુ છે, ત્યાં-ત્યાં કાર્ય સફળ ચોક્કસ થયું છે. એક તો જે ચોપાઈની હાલ આપણે વાત કરીએ છીએ તે, હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી. બીજી જોઈએ તો, મિથિલામાં થઇ રહેલા યજ્ઞમાં હાજરી આપવા જઇ રહેલા વિશ્વામિત્ર મુનિ સાથે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીનું પણ જવાનું નક્કી થાય છે ત્યારે માનસમાં લખ્યુ છે, “ધનુષજજ્ઞ સુનિ રઘુકુલનાથા, હરષિ ચલે મુનિબર કે સાથા” વગેરે. આમ, મનમાં આનંદ-ઉત્સાહ હોવો એ કોઈપણ કાર્યની સફળતા માટેની પૂર્વશરત છે અને તો જ કામ ચોક્કસ સફળતાપૂર્વક પુરુ થાય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. માટે શ્રીહનુમાનજીએ કહ્યું ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’.

અસ કહિ નાઈ સબન્હિ કહુઁ માથા ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા

આમ કહિને તેઓ (શ્રીહનુમાનજી) સર્વેને શીશ નમાવીને, પ્રણામ કરીને તથા હૃદયમાં શ્રીરઘુનાથજીનું સ્મરણ કરીને શ્રીહનુમાનજી હરખાઇને ચાલ્યા.

વાનર સેનાના બધા વાનરોને પોતે વૈદેહીને જોઈને આવે ત્યાંસુધી દુ:ખ વેઠીને, કંદ-મૂળ અને ફળો ખાઇને પણ પોતાની રાહ જોવાનું કહી બધાને મસ્તક નમાવીને એટલે કે પ્રણામ કરીને તેઓ કાર્યની શરૂઆત કરે છે. અહીં બધાને પ્રણામ કરે છે. આપણે કોઈ મહત્વનું કામ કરવા જતા હોઇએ કે કોઇ દ્વારા સોંપવામાં આવે, તો બે વેંત ઊંચા ચાલતા હોઇએ છીએ. તેમાંય વળી આપણને ખબર પડે કે આ ટીમમાં, કચેરીમાં, કુટુંબમાં કે સમાજમાં હું બધાથી હોશિયાર છુ, બધાથી આગળ પડતો છુ, ટીમનો કે કુટુંબનો અન્ય કોઇ સભ્ય આ કામ કરી શકે તેમ નથી, તો સામાન્ય રીતે ઘણા માણસોને અભિમાન આવી જતુ હોય છે, માથુ ઉંચુ કરીને, અક્કડ થઇને ફરવા માંડતા હોય છે અને સરખો જવાબ પણ આપતા હોતા નથી. એટલે કે જ્યારે આપણે કોઈ કામ કરવા સમર્થ હોઈએ, ત્યારે આપણે અન્યને માથું ઝુકાવવાનું કે વિવેક કરવાનું પણ ઘણી વખત ભુલી જતા હોઈએ છીએ. શ્રીહનુમાનજી તો ખરા અર્થમાં વિવેકની ખાણ હતા. તેઓ એક દુર્ગમ કાર્ય કરવા જઈ રહ્યાં હતા, જે અન્ય કોઈ કરી શકે તેમ પણ ન હતું, તો પણ બધાને મસ્તક ઝુકાવી, નમન કરી કાર્યની શરૂઆત કરે છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે જે થોડા વિવેકી હોય, તે વડીલોના આશીર્વાદ મેળવીને કાર્યની શરૂઆત કરતા હોય છે; પરંતુ, શ્રીહનુમાનજી તેનાથી પણ એક ડગલું આગળ છે. શ્રીહનુમાનજી ફક્ત વડિલોને જ નહી, સબન્હિ એટલે કે નાના-મોટા, સીનિયર-જુનિયર કોઈ જ ભેદભાવ વગર ત્યાં ઉપસ્થિત વાનર સેનાના તમામ સભ્યોને નમન કરી કાર્યની શરૂઆત કરે છે. નમે તે સહુને ગમે અને તેનાથી પણ વિશેષ નમે તે પ્રભુને તો સવિશેષ ગમે એટલે જ તેઓ રઘુપતિપ્રિયભક્તમ્‌ પણ છે.

વાનર સેનાને પ્રણામ કર્યા પછી વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે, સ સૂર્યાય મહેન્દ્રાય પવનાય સ્વયમ્ભુવે, ભૂતેભ્યશ્ચાગ્જલિં કૃત્વા ચકાર ગમને મતિમ્‌ એટલે કે શ્રીહનુમાનજીએ સૂર્ય, ઇન્દ્ર, પવન, બ્રહ્મા અને વિશેષ દેવયોનિના સર્વ ભૂતોને હાથ જોડીને સામે પાર જવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ આગળ લખ્યુ છે, ‘અંજલિં પ્રાઙ‌મુખ: કુર્વન્‌ પવનાયાત્મયોનયે, તતો હિ વવૃધે ગન્તું દક્ષિણાં દિશમ્‌’ અર્થાત શ્રીહનુમાનજીએ ત્યારબાદ પૂર્વાભિમુખ થઈને પોતાના પિતા પવનદેવને પ્રણામ કર્યા. કાર્ય રોજીંદુ કચેરી કે ધંધા ઉપર જવાનુ સામાન્ય હોય કે ખાસ હોય, એકવાર માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર નિકળવાની આદત કેળવો, પરિણામો બદલી જશે. સ્વયં સાક્ષી છુ હો… શ્રીહનુમાનજી ખાસ તેઓના પિતાજીને પ્રણામ કરે છે, ત્યારબાદ દક્ષિણ દિશાને પ્રકાશિત કરનારા સૂર્ય સમાન અને કાર્યકુશળ શ્રી અંજનીનંદન દક્ષિણ દિશામાં જવા આગળ વધ્યા. દક્ષિણ દિશામાં કઇ રીતે આગળ વધ્યા? તો શ્રીતુલસીદાસજી લખે છે, ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા હૃદયમાં હર્ષ સાથે એટલે કે હરખાઇને, આનંદિત થઇને અને પ્રભુને હૃદયમાં ધારણ કરીને આગળ વધ્યા.

કોઇપણ કાર્ય કરવા જતા હોઇએ કે કાર્યની શરૂઆત કરતા હોઇએ ત્યારે મનમાં ઉમંગ હોવો જોઇએ અને તેમાં પણ પ્રભુકાર્યમાં તો ખાસ. જો મનમાં હરખ હોય તો જ કાર્ય સફળ થાય, તે આપણે આગળ પણ જોયુ હતુ. અહીં હરખ થવો તેવો બે વાર ઉલ્લેખ કરવામાં આવેલ છે. એક વખત ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’ ચોપાઇમાં અને બીજી વખત આ ચોપાઇમાં ‘ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા’ ચોપાઇમાં. પહેલી વખત કાર્ય ચોક્કસ પરિપૂર્ણ થશે તેના ચિહ્નરૂપે આનંદ હતો અને બીજી વખત હિય ધરિ રઘુનાથા એટલે કે ભગવાનનું સમરણ કરીને કાર્યનો પ્રારંભ કરવાનો હરખ થઇ રહ્યો છે. હિય ધરિ રઘુનાથાનો શાબ્દિક અર્થ શ્રીરઘુનાથજીને હૃદયમાં ધારણ કરીને એવો થાય, પરંતુ શ્રીહનુમાનજીના હૃદયમાં તો ‘જાસુ હૃદય આગાર બસહિ રામ સર ચાપ ધર’ એટલે કે ભગવાન પહેલેથી જ બિરાજમાન છે, તેઓએ ધારણ કરેલા છે. ‘ધરના’નો એક અર્થ ધ્યાન ધરવું કે સ્મરણ કરવું એવો પણ થાય છે, માટે અહીં ભગવાનનું સ્મરણ કરીને ચાલ્યા તેવો અર્થ કર્યો છે.

એક સંતમત ઐસા ભી હૈં કી ‘અસ કહિ નાઈ સબન્હિ કહુઁ માથા, ચલેઉ હરષિ હિય ધરિ રઘુનાથા ચોપાઇમાં શ્રીતુલસીદાસજીએ પ્રભુકાર્ય માટે મન, વચન અને કર્મ ત્રણેયથી તત્પરતા જોઇએ તેવો ભાવ પ્રગટ કર્યો છે. “ચલેઉ હરષિ હિય એટલે કે મન, અસ કહિ એટલે કે વચન અને નાઈ સબન્હિ કહુઁ માથા એટલે કે કર્મ”. આમ, પ્રભુકાર્ય માટે મન, વચન અને કર્મ ત્રણેયથી તત્પરતા જોઇએ. મારું માનવુ તો એવું પણ છે કે, “કોઇપણ કાર્ય પછી ભલે તે સાંસારિક કાર્ય હોય તો પણ મન,વચન અને કર્મથી કરવામાં આવે અને સાથે પ્રભુ સ્મરણ હોય તો તે પ્રભુકાર્ય બની જાય છે, યોગ બની જાય છે, તેની સફળતામાં કોઇ શંકા રહેતી નથી.”

બોલો સિયાવર રામચંદ્ર કી જય. સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: । શ્રી હનુમતે નમો નમ: । શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: ।

શ્રીસુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૪ । होइहि सोइ जो राम रचि राखा – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-014/ )માં આપણે શ્રીજામવંતજીના ક્યા વચનો શ્રીહનુમાનજીને અતિ પ્રિય લાગ્યા તેની, વડીલોનો નવી પેઢીના ઘડતરમાં શું તથા કેવો ફાળો હોવો જોઈએ તેની અને શ્રીહનુમાનજી વાનર સેનાને સમુદ્ર કિનારે રાહ જોવાનું કહે છે, ત્યાંસુધીની કથા આપણે જોઈ હતી. આજની કથામાં શ્રીહનુમાનજીએ વાનર સેનાને સમુદ્ર કિનારે રાહ જોવા ઉપરાંત આગળ શું કહ્યુ? ત્યાંથી આગળ વધીએ.

આગળ શ્રીહનુમાનજી કહે છે, સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ’. આપણે કોઇ અગત્યના અને કઠિન કામે જતા હોઈએ તો કેટલીયે ભલામણો કરીને જઈએ કે મારા માટે ભગવાનને પ્રાર્થના કરજો કે મારા માટે ઉપવાસ કરજો અથવા કોઈ ખાસ પુજા-અર્ચના કરજો કે કોઈ મંદિરે જજો વગેરે-વગેરે. અહીં શ્રીહનુમાનજી બધાને કહે છે, મારે પાછા આવવામાં સમય જાય અને તે દરમ્યાન કોઇ દુ:ખ પડે તો સાથે મળીને વેઠી લેજો, પણ ભુખ્યા ન રહેતા. કંદ-મૂળ, ફળો વગેરે જે કાંઇ મળે તે ખાઈને સમય પસાર કરજો, મારી પ્રતિક્ષા કરજો અને પ્રભુનું સ્મરણ કરજો. કોઈએ ભુખ્યુ રહેવાનું નથી. શ્રીહનુમાનજીને ખબર હતી કે આ બધા દેવતાઓ અને દેવતાપુત્રો પ્રભુના માનવ અવતારની લીલાનો ભાગ બનવા અને તેનો લ્હાવો લેવા વાંદરાઓ થઈને પૃથ્વિ ઉપર આવી તો ગયા, પરંતુ વાનરનો સ્વભાવ ચંચળ હોય છે. આ બધાથી ભૂખ સહન નહી થાય તો? એક તો વાનરનો સ્વભાવ, તેમાં વળી ભૂખ લાગે અને જો ભુખ્યા પણ કોઈની રાહ જોવાની આવે તો શું થાય? અરે પોતે તો દુ:ખી-દુ:ખી થઈ જશે, સાથે-સાથે આસપાસના વિસ્તારમાં આતંક મચાવી દેશે અને આસપાસના લોકો તથા અન્ય પ્રાણીઓને પણ હેરાન-પરેશાન કરી દેશે. માટે શ્રીહનુમાનજીએ કહ્યુ કે કંઈક ખાઈ લેજો અને આમેય વળી ભોજન વગર ભજન થઈ શકે નહી.

એક મત એવો પણ છે કે, બધાએ અંગદજીની સાથે ઉપવાસ વ્રત કરવાનો નિર્ણય કર્યો હતો અને શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં તો લખ્યુ છે કે જામવંતજીએ કહ્યુ હતું કે, સ્થાસ્યામશ્ચૈકપાદેન યાવદાગમનં તવ એટલે કે તમે આવશો ત્યાંસુધી અમે બધા એક પગે ઉભા રહીશું. ત્યારે શ્રીહનુમાનજી બધાને સાંત્વના આપે છે કે આવુ કંઇ કરવાની આવશ્યકતા નથી, બધા ચિંતા ન કરો, હું ચોક્કસ માતાજીને જોઈને પાછો આવીશ. મારી જરાપણ ચિંતા ન કરતા અને મારા માટે દુ:ખી ન થતા, બસ કોઇ દુ:ખ આવી જાય તો વેઠીને, કંદ-મૂળ અને ફળો ખાઈને પણ મારી રાહ જોજો.

વાનર સેનાએ સમુદ્ર કિનારે આવી રાહ ક્યાં સુધી જોવાની? તો શ્રીહનુમાનજીએ કહ્યુ, “જબ લગિ આવૌં સીતહિ દેખી” જ્યાંસુધી માતા સીતાજીને જોઈને પાછો ન ફરુ ત્યાંસુધી. જબ લગિ – જ્યાંસુધી. કોઈ સમયાવધી નથી આપી. અહીં શ્રીહનુમાનજીનું વક્‌ચાતુર્ય અને દીર્ઘદ્રષ્ટિ સ્પષ્ટ જણાય છે. તેઓએ અગાઉ આવી એક સમયાવધીનો અનર્થ બહુ સારી પેઠે જોઇ લીધો હતો. દુંદુભી નામનો એક રાક્ષસ એક દિવસ વાલીને યુદ્ધ માટે લલકારે છે. વાલી કોઇનીયે લલકાર સહન કરી શકતો ન હતો. વાલીના મારથી ત્રસ્ત થઇ, તે રાક્ષસ દોડીને એક ગુફામાં ચાલ્યો ગયો. વાલી પણ તેની જોડે યુદ્ધ કરવા ગુફામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતી વખતે તેણે સુગ્રીવને એક સમયાવધી આપી હતી અને કહ્યુ હતુ કે, જો આ સમયાવધીમાં હું પરત ન ફરુ, તો માર્યો ગયો સમજી લેજો. સમયાવધી પૂર્ણ થઈ ગયા પછી પણ સુગ્રીવ ઘણો સમય ત્યાં રોકાયા હતા. એક દિવસ ગુફામાંથી લોહિની ધારા બહાર આવતી જોઇ, સુગ્રીવે વિચાર્યું કે નક્કી વાલી માર્યો ગયો. આમ, વાલીની પાછા ફરવાની કોઈ શક્યતા ન જણાતા, રાક્ષસ ભવિષ્યમાં હુમલો ન કરે તેવા સલામતિના પગલારૂપે ગુફાના દ્વાર આગળ મોટો પથ્થર મૂકીને, સુગ્રીવ કિષ્કિંધા પરત આવી જાય છે. કિષ્કિંધા નગરીને રાજા વિહોણી જાણી, બધા તેનો રાજ્યાભિષેક કરી દે છે અને થોડા સમય પછી વાલી પરત ફરે છે. ગુફાના દ્વાર આડો મોટો પથ્થર અને સુગ્રીવને રાજ સિંહાસન પર બેઠોલો જોઇ, વાલી તેને વિશ્વાસઘાતી સમજે છે. સુગ્રીવ પાસેથી કિષ્કિંધાનું રાજ અને તેની પત્નિ બધુ છીનવીને, તેને મારી નાખવા તેની પાછળ પડી જાય છે. આખી પૃથ્વિ ફર્યા બાદ પણ વાલીથી સુરક્ષિત જગ્યા ન મળતા, શ્રીહનુમાનજીની સલાહ મુજબ ઋષ્યમુખ પર્વત ઉપર આશ્રય લે છે. આ અનર્થથી તેઓ સુપેરે પરીચિત હોઇ, તેઓએ કોઈ સમયાવધી ન આપી.

આવૌં એટલે કે આવું. વ્યવહારમાં આપણે નકારાત્મક વાક્યરચના વધુ વાપરીએ છીએ. જેમ કે, આપણે પહેલુ નહોતુ જોયું? ફરવા ગયા ત્યાંથી આપણે તે (કોઈ વસ્તુ) નહોતુ લીધુ? લગ્નમાં કે કોઈ અન્ય પ્રસંગમાં પેલા નહોતા મળ્યા? વગેરે-વગેરે. આગળના લેખમાં (http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-014/) અને આ લેખના અગાઉના ફકરામાં વાંચો, ‘જ્યાંસુધી હું માતા સીતાજીને જોઈને પાછો ન ફરું.’ અને ‘જ્યાંસુધી માતા સીતાજીને જોઈને પાછો ન ફરુ ત્યાંસુધી.’ એવું જ મેં પણ લખ્યુ છે કારણ કે લોકોના વિચારોમાં નકારાત્મકતા વધતી જાય છે. આપણી રહેણી-કરણીમાં જ નકારાત્મકતા વધતી જાય છે. આપણુ મગજ નકારાત્મક વસ્તુઓ ઝડપથી અને વધુ સ્વીકારતું થઇ ગયું છે. આજકાલ આપણી આસપાસ ડિપ્રેશનના કેસો બહુ જોવા મળે છે, તેનું મુખ્ય કારણ પણ આ જ બાબત છે અને વળી તેમાં કોરોના આવી ગયો. પરંતુ શ્રીતુલસીદાસજી મહારાજે અહીં નકારાત્મક વાક્યરચના નથી વાપરી. અહિ દ્રઢ વિશ્વાસ છે કે કાર્ય સફળ થશે જ. બીજુ, શ્રીહનુમાનજી કાર્યની શરૂઆતમાં જ જો નકારાત્મક વાત કરે તો કાર્ય સફળ કેમ થાય? શ્રીહનુમાનજી સંત છે. સંત ક્યારેય જુઠુ ન બોલે અને જો ભુલથી બોલી પણ જાય તો તે સત્ય બની જાય. માટે શ્રીહનુમાનજીના મુખમાંથી નકારાત્મક શબ્દો નથી નિકળતા. મને લાગે છે કે આ નકારાત્મકતાનો ટ્રેન્ડ લેટેસ્ટ છે, આપણા જમાનાનો છે, શ્રીતુલસીદાસજી મહારાજના સમયમાં તો આવી હકારાત્મક વાક્યરચનાની જ પ્રથા હશે.

આગે માનસમે બાબાજી લિખતે હૈ, ‘સીતહિ દેખી’ હવે માતા સીતાજીને શોધીને આવું કે ભાળ મેળવીને આવું એવુ નથી લખ્યુ, સીતાજીને જોઈને આવું એવુ કહ્યુ છે. જ્યાંસુધી ભાળ નહોતી મળી ત્યાંસુધી ‘સુધિ’ એટલે કે શોધ કે ભાળ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. માતા જાનકીજીની શોધ ચાલુ હતી તે સમયે ‘સીતા સુધિ પૂઁછેહુ સબ કાહૂ અને ‘ઈહાઁ ન સુધિ સીતા કૈ પાઈ’ વગેરે ચોપાઇઓ માનસમાં લખેલી છે. જ્યારથી જટાયુના ભાઈ સંપાતી પાસેથી ભાળ મળી ગઈ કે માતાજી સમુદ્રને પાર લંકામા એક વૃક્ષ નીચે બેઠા છે, ત્યારથી માનસકારે ‘દેખિ’ શબ્દનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જેમ કે ‘જબ લગિ આવૌં સીતહિ દેખી અને શ્રીહનુમાનજી વિભીષણજીને મળે છે ત્યારે દેખીં ચહઉઁ જાનકી માતા વગેરે ચોપાઈઓ છે. આમ, શ્રીહનુમાનજી બધાને કહે છે કે, હું જ્યાંસુધી માતા જાનકીજીને જોઈને પાછો ન ફરુ, ત્યાંસુધી તમે બધા દુ:ખ વેઠીને અને કંદ-મૂળ તથા ફળ ખાઈને મારી અહિં જ સમુદ્ર કિનારે પ્રતિક્ષા કરજો. ઘણાને પ્રશ્ન થશે કે, શ્રીહનુમાનજીએ એકબાજુ સમયાવધિ નથી આપી કે કેટલા સમયમાં પાછા આવશે, બીજીબાજુ સમુદ્ર કિનારે રોકાઈ રહેવાનું અને રાહ જોવાનું કહે છે, પરંતુ ખાતરી શું કે માતાજીને જોઈને પાછા ફરશે જ? પ્રભુએ માણસ નામનું બુદ્ધિશાળી પ્રાણી બનાવ્યુ છે, તો પ્રશ્નો તો ઉદ્ભવશે જ.

તબ બાબાજી માનસ મૈં લિખતે હૈ કી, શ્રીહનુમાનજીએ કહ્યુ છે, ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’. માતા વૈદેહિને શોધવાનુ આ પ્રભુકાર્ય અવશ્ય પુરુ થશે જ, કારણ કે મને મનમાં હરખ જ એટલો બધો થાય છે. હોઇહિ કાજુ એટલે કે કામ થશે જ. જ્યારે આપણે ગુજરાતી ભાષામાં કોઈ વાત કે વિષય ઉપર ભાર મૂકવા માંગતા હોઇએ ત્યારે “જ” શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે હિંદી-અવધી ભાષામાં કોઈ વાત કે વિષય ઉપર ભાર મૂકવા “હિ” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં શ્રીહનુમાનજીએ કહ્યુ, હોઇહિ એટલે કે થશે . તેઓ દ્રઢતાપૂર્વક કહે છે, તેઓને પાકી ખાતરી છે કે કામ સફળ થશે જ. શ્રીહનુમાજીને કેમ ખબર પડી કે કામ સફળ થશે જ? તેના મુખ્ય બે કારણો આપણે આવતા લેખમાં જોઈશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૪ । होइहि सोइ जो राम रचि राखा | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: । શ્રી હનુમતે નમો નમ: । શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: ।

આજની કથાની શરૂઆત આપ સહુ આ લેખમાળા સારી રીતે વાંચો છો, તેના ઉપર આપના પ્રતિભાવો મોકલો છો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે આગળ મોકલો છો, તે બદલ હૃદયપૂર્વક આભાર માની કરવો છે. ઘણા વાચક મિત્રો અને વડીલો ફોન કરીને પણ આ કાર્યને વધાવી રહ્યા છે, તે બદલ હું આપનો ઋણાનુરાગી છું. આપના બધાની આવી જ શુભેચ્છા અને આ લેખમાળા ખૂબ સારી રીતે નિયમિત પ્રસિધ્ધ થતી રહે તેવા આશીષ સદાય રાખજો તેવી પ્રાર્થના છે.

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ? – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-013/ )માં શ્રીજામવંતજીના ક્યા વચનો અને શા માટે શ્રીહનુમાનજીને અતિ પ્રિય લાગ્યા? તેની વાત કરી હતી. આ જ પરિપેક્ષ્યમાં કથાને આગળ ધપાવીએ તો, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ”, આ શબ્દો શ્રીહનુમાનજીને એટલા માટે પણ અતિ પ્રિય લાગ્યા હશે, કારણ કે જે કામ પ્રભુ શ્રીરામના હાથે થવાનું નિશ્ચિત હોય, તે પૈકી આવેશ કે આવેગમાં પોતે કદાચ કંઈક કરી દે, આગળ જોઇ ગયા તેમ રાવણને મારી નાખે કે ત્રિકુટાચલને માતા સીતાજી સહિત ઉપાડીને લઈ આવે, તો સ્વામીનો અપરાધ થાય. આમ, શ્રીજામવંતજીની સલાહથી તેઓ સ્વામી અપરાધથી બચી ગયા, તે વિચારે પણ આ શબ્દો શ્રીહનુમાનજીના હૃદયને બહુ જ પસંદ પડ્યા હશે.

છેલ્લે એક તર્ક એવો પણ કરી શકાય કે, શ્રી હનુમાનજીએ કહ્યું હતુ કે, ‘સિંહનાદ કરિ બારહિં બારા, લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા.” અને “સહિત સહાય રાવનહિ મારી, આનઉઁ ઇહાઁ ત્રિકૂટ ઉપારી.” તેઓએ વારંવાર સિંહની જેમ ગર્જના કરી કહ્યું કે, પ્રભુ શ્રીરામની કૃપાથી હું આકાશના તમામ ગ્રહો અને નક્ષત્રોને ઓળંગી શકુ તેમ છું, તો આ ખારા સમુદ્રની શું વિસાત છે? તેને હું પળભરમાં ઓળંગી જઈશ. હું ક્ષણમાત્રમાં ઉડીને સમુદ્રને પાર કરી જઈશ. એટલું જ નહીં, રાવણને તેના કુટુંબ-કબિલા અને સેના-સહાયકો સહિત મારીને, આખા ત્રિકૂટ પર્વતને માતા સીતાજી સહિત ઉખાડીને અહીં લાવી શકું તેમ છું. આવું કહીને મહા પરાક્રમી બજરંગબલી જો નીકળી ગયા હોત અને આપણે જાણીએ જ છીએ કે, होइहि सोइ जो राम रचि राखा. ક્યુ કામ કોના હાથે અને ક્યારે થવાનું છે? તે મારા રામે નક્કી કર્યુ હોય તેમ જ થાય છે. આ પરિસ્થિતિમાં ના રાવણનો વધ થઈ શકત કે ના માતાજીને લાવી શકત. આવું થાત તો શ્રીહનુમાનજીના વચનો ખોટા પડત. ભગવાને જ શ્રીજામવંતજીના મુખે સાચી શિખામણ અપાવીને આવું અઘટિત થતા અટકાવી દીધુ. પ્રભુને પણ એવું પસંદ નથી કે પોતાના ભક્ત કે એક સાચા સંતના શબ્દો જુઠા પડે. આમ, આવુ અનુચિત થતા અટકી ગયુ, તે વિચારે શ્રીહનુમાનજીને જામવંતજીના આ વચનો ખૂબ જ પ્રિય લાગ્યા હશે.

જામવંતજી વાનર સેનાના સૌથી વરિષ્ઠ સભ્ય હતા. તેઓની સલાહથી પ્રભુ કાર્ય પણ સારી રીતે થઈ શક્યુ અને કોઈ દોષ કે અપરાધ પણ ના થયો. આવી જ રીતે દરેક કુટુંબ, સંસ્થા, સમાજ કે મહોલ્લામાં બુદ્ધિથી વરિષ્ઠ (ખાલી ઉંમરમાં જ નહિ હો…) અને અનુભવી સભ્ય હોવા અતિ આવશ્યક છે. યુવાવર્ગને ખાસ વિનંતી છે કે આવા વરિષ્ઠ વડીલોની સલાહ અને આશીર્વાદથી અનેક કામો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને નિર્ધારિત સફળતા ચોક્કસ મેળવી શકાય છે. સામે પક્ષે વડીલોને પણ ખાસ વિનંતી છે કે યુવાવર્ગને આપના અનુભવના નિચોડ સમાન સાચી સલાહ આપો, નવા-નવા સાહસો માટે પ્રોત્સાહિત કરો, નવી પેઢીને આગળ વધવા દો, જુની ઘરેડમાંથી બહાર આવો. નકારાત્મક અને જુના જમાનાની વાતોથી કંઈ જ નહી વળે, એક સમયે અને એક ઉંમરે જગ્યા ખાલી કરી દો. ડ્રાઇવિંગ સીટ પર યુવા વર્ગને બેસવા દો. હું જે વેપારી સમાજમાંથી આવું છું, ત્યાં ૭૦-૭૫-૮૦ વર્ષે પણ વડીલો ખુરશી ખાલી નથી કરતા. જેને લીધે પોતાના પછીની આખી પેઢી ખરેખર અનુભવના અભાવે કે ઓછા અનુભવને લીધે નિરર્થક બની જાય છે અને પેઢી દર પેઢી ચાલ્યા આવતા સફળ ધંધામાં અસફળ પૂરવાર થાય છે. જેના કારણે કેટલાય ધંધાઓ ખોટ ખાઇ બંધ થઈ જતા હોય છે. સમયે-સમયે પરિવર્તન આવશ્યક છે. છાતી ઉપર એક વાળ સફેદ દેખાય અને પુત્રને રાજ્ય સોંપવાનો વિચાર આવે, તેનો પુત્ર જ મર્યાદા પુરુષોત્તમ ધનુર્ધર ચક્રવર્તી રાજા શ્રીરામ બને અને આજે પણ તેના રાજ્યની આદર્શ વ્યવસ્થા જેવા ‘રામરાજ્ય’ની કલ્પના સેવવામાં આવે છે. આજના યુગમાં પણ વિદેશમાં આ જ પ્રથા છે કે ૫૦-૫૫ વર્ષે આંતરરાષ્ટ્રીય કંપનીના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજતા લોકો બીજા યોગ્ય વ્યક્તિને કમાન સોંપી દે છે. હમણા-હમણાના એમેઝોનના જેફ બેઝોસ જેવા બે-ત્રણતો તાજા ઉદાહરણો પણ આપણી સામે જ છે. આવું જ નોકરીમાં પણ છે. યાદ રાખજો, જે યોગ્ય સમયે પરીવર્તન કરે છે, એ જ કંપનીઓ વિશ્વ ઉપર રાજ પણ કરે છે. આપણે આસપાસ નજર દોડાવીએ તો આવી કેટલીય સંસ્થાઓ જોવા મળશે. યોગ્ય સલાહ આપીને, યોગ્ય ઘડતર કરીને, નવી પેઢીને આગળ વધવા પ્રેરવી એ વડીલોની ફરજ છે, તેવું મારું અંગત મંતવ્ય છે.

શ્રીજામવંતજીના સુંદર વચનોથી ખુશ થઈને શ્રીહનુમાનજી કહે છે –

તબ લગી મોહિ પરિખહુ તુમ્હ ભાઈ સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ

જબ લગિ આવૌં સીતહિ દેખી । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી

હે ભાઈઓ! તમે લોકો દુ:ખ વેઠીને, કંદ-મૂળ અને ફળો ખાઈને મારી ત્યાંસુધી રાહ જોજો, જ્યાંસુધી હું માતા સીતાજીને જોઈને પાછો ન ફરું. આ કામ અવશ્ય થશે જ, કારણ કે મને હૃદયમાં વિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે.

‘તબ લગિ મોહિ પરિખહુ તુમ્હ ભાઈ’માં ‘તબ લગિ’ એટલે કે ત્યાંસુધી. સામાન્ય રીતે કોઇ અવધિ નિશ્ચિત હોય છે, ત્યારે જ્યાંસુધી પહેલા લખાય છે અને ત્યાંસુધી બાદમાં લખાય છે. અહિં ત્યાંસુધી પહેલા લખેલુ છે એટલે કે શ્રીહનુમાનજીએ પરત ફરવાની કોઇ અવધિ નહોતી આપી. જો સમાયાવધિ આપે, તો તે પૂર્ણ થતા વાનરો કિષ્કિંધા પાછા ફરે અને પાછા ફરે તો સુગ્રીવના હાથે, તેઓએ (સુગ્રીવે) આપેલો સમય પૂર્ણ થઈ ગયેલો હોય, મૃત્યુદંડ મળવાનો હતો. આમ વાનરવીરો પાછા વળી ન જાય અને મૃત્યુદંડ ન મળે, તે માટે કહ્યુ છે, ‘મોહિ પરિખહુ’ એટલે કે મારી રાહ જોજો, મારી પ્રતિક્ષા કરજો. કેમ પ્રતિક્ષા કરવાનું કહ્યુ? તો થોડો સમય વિત્યે, નિરાશ થઇને, હનુમાન હવે પાછા નહિ આવે, તેમ માનીને પાછા ન ફરી જતા; કેમ કે ત્યાં સુગ્રીવના હાથે મૃત્યુ છે અને પ્રતિક્ષા કરવાનું કહેવાનું બીજુ કારણ કે આપણે હનુમાનને એકલા મોકલી દીધા કે જવા દીધા, આપણે બધાએ જોડે જવું જોઈએ, તેમ માનીને મારી પાછળ પણ ન આવતા; કેમ કે અગાઉ દરેક વીરે પોત-પોતાની શક્તિઓનું વર્ણન કર્યુ ત્યારે આપણે જોયુ હતુ કે અમૂક લોકો આખો સમુદ્ર ઓળંગી શકે તેમ નથી. તેઓ સમુદ્રમાં પડી જશે અને જીવ ગુમાવશે. આમ, હનુમાન હવે નહિ આવે તેમ માનીને પાછા ફરવાનું કે બધાએ જોડે લંકા જવું જોઈતું હતુ તેમ માનીને પાછળ આવવાનું, આ બેમાંથી કંઈ જ કરવાનુ નથી, કારણ કે બન્નેમાં જીવ હાની જ છે.

એક તર્ક એવો પણ છે કે શ્રીહનુમાનજી સંત છે અને સંતનો સ્વભાવ સ્વાર્થી ન હોય પરમાર્થી હોય. જો વાનર સેના પરત ફરી જાય અને શ્રીહનુમાનજી એકલા પાછળથી માતાજીનો સંદેશો લઈ કિષ્કિંધા જાય, તો શ્રીહનુમાનજીએ માતા સીતાજીની શોધ કરી ગણાય. જ્યારે શ્રીહનુમાનજી આ કાર્યનો શ્રેય તમામને મળે, ભગવાનનો અનુગ્રહ બધાને મળે તેવું ઇચ્છતા હતા, માટે રાહ જોવાનું કહ્યું કે તમે લોકો બસ શાંતિથી મારી રાહ જોજો. સારા લોકોની સાથે જવાનો આ જ ફાયદો છે. પોતે મહેનત કરે અને તેનો શ્રેય બધાને મળે તેવું શુભ વિચારે. ત્યારબાદ કહે છે, ‘તુમ્હ ભાઈ’ એટલ કે હે ભાઈઓ! શ્રીહનુમાનજી વાનરસેના માટે ભાઈ શબ્દથી સંબોધન કરે છે. સામાન્ય રીતે સજાતિઓ માટે ભાઈ શબ્દનો પ્રયોગ થાય છે. આપણે કોઈ માણસને બોલાવવા હોય તો ‘એ ભાઈ’ એવું કહીએ છીએ ને? તેમ અહિં બધા વાનરો એક જ જાતિના હતા, માટે ‘ભાઈ’થી સંબોધન કરવામાં આવેલુ છે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં રાહ જોવા ઉપરાંત શ્રીહનુમાનજીએ વાનર સેનાને શું કહ્યુ? તેના વિશે જોઈ આ પાવન કથામાં આગળ વધીશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..   

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ? | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના લેખ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-012/)માં શ્રીહનુમાનજીની વંદનામાં આખા સુંદરકાંડનો સંક્ષેપમાં સમાવેશ થઈ જાય છે, તે જોયું હતું. ત્યાંથી સુંદરકાંડની આ સુંદર કથાને આગળ વધારીએ. શ્રીતુલસીદાસજી લંગડેજી મહારાજ શ્રીહનુમાનજીની વંદના કરતા કહે છે, અતુલિતબલધામમ્‌ એટલે કે શ્રીહનુમાનજીને અતુલિત બળના ધામ કહ્યા છે. જેનું બળ સર્વોત્તમ છે, અજોડ છે, અમાપ છે અને જેના બળની તુલના અન્ય કોઈ સાથે થઈ શકે તેમ નથી, તેવા મહા પરાક્રમી છે. શ્રીહનુમાનજીનું સામર્થ્ય, તેઓનો પ્રભાવ, તેઓની શક્તિ એટલી અતુલનીય છે કે તેઓની તુલના અન્ય કોઈ જોડે થઈ શકે તેમ જ નથી. આવા અતુલિત બળના પણ વળી ધામ કહ્યા, કેમ ભંડાર કે ખાણ એવા શબ્દો પ્રયોજવામાં આવેલા નથી? તો તેનું સુંદર સમાધાન જોઈએ. ભગવાન શ્રીરામ પોતે અતુલિત બળવાન છે અને તેઓ પોતે શ્રીહનુમાનજીના હૃદયમાં બિરાજે છે, ‘જાસુ હૃદય આગાર બસહિં રામ સરચાપધર’. આમ, શ્રીહનુમાનજીનું દેખાતું અતુલિત બળ એ પ્રભુ શ્રીરામનું જ સામર્થ્ય છે અને આવા સામર્થ્યવાન ભગવાન તેઓના હૃદયમાં બિરાજે છે, માટે અતુલિતબલધામમ્‌ તરીકે સંબોધવામાં આવેલા છે.

હેમશૈલાભદેહમ્‌ એટલે કે હેમ(સોના)ના પર્વત જેવા ક્રાંતિવાન શરીર વાળા. કોઈ-કોઈ ગ્રંથમાં સ્વર્ણશૈલાભદેહમ્‌ લખવામાં આવેલ છે. બન્નેનો અર્થ સમાન જ થાય છે. સુમેરુ પર્વત સુવર્ણનો હતો એટલે અહીં સુમેરુ પર્વત જેવી ક્રાંતિવાળુ શરીર ધરાવતા એવો અર્થ પણ કરી શકાય. આ બાબતને આગળ સુંદરકાંડમાં જ કનકભૂધરાકાર સરીરા કહી સમર્થન પણ આપવામાં આવેલુ છે. એક સંત મત એવો પણ છે કે, જેમ અગ્નિમાં તપાવવાથી સોનું બળતુ નથી, ફક્ત તેની અશુદ્ધિઓ જ બળીને દૂર થઈ જાય છે; તેમ શ્રીહનુમાનજી પણ વિકારોથી રહિત શુદ્ધ સોના જેવું શરીર ધરાવે છે.

દનુજવનકૃશાનુમ્‌ એટલે કે દૈત્યોરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન. મારા માતુશ્રી દર રવિવારે “શ્રી રામની વાર્તા” કરતા અને આ વાર્તાની શરૂઆત પ્રનવઉઁ પવનકુમાર ખલ બન પાવક જ્ઞાનધનથી કરતા. શ્રીહનુમાનજી અસુરોરૂપી વનને, ખલ બનને, બાળવા માટે દાવાનળ સમાન છે, તેના ઉત્‌કૃષ્ટ ઉદાહરણ અક્ષકુમાર સહિત અનેક રાક્ષસોનો વધ અને લંકાદહન છે. ત્યારબાદ આવે છે, જ્ઞાનિનામગ્રગણ્યમ્‌ એટલે કે જ્ઞાનિઓમાં શિરોમણી. હમણાં જ આપણે જોયું કે પવનકુમાર જ્ઞાનધન છે અને અગાઉ જોયું હતુ કે બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર પણ છે. શ્રીરામ-લક્ષ્મણનો ભેદ લેવા જાય છે ત્યારે કરેલા ચતુરાઈ પૂર્વકના વાર્તાલાપ, રાવણને ઉપદેશ આપવો વગેરે તેઓનું ઉત્તમ જ્ઞાન દર્શાવે છે.

સકલગુણનિધાનમ્‌ એટલે કે સમસ્ત ગુણોનો ખજાનો કે ભંડાર. શ્રીહનુમાનજી ફક્ત જ્ઞાનિ જ નથી, પરંતુ સર્વગુણ સંપન્ન પણ છે. વિનય-વિવેકથી લઈ મહાપરાક્રમ, મસક સમાન સુક્ષ્મરૂપથી લઈ કનક ભુધરાકાર સરીરા, ગુઢ જ્ઞાનની વાતોથી લઈ વિરહનો સંદેશો પહોંચાડવો અને સારા ટીમ મેમ્બરથી લઈ વન મેન આર્મીની જેમ જાતે તમામ કાર્યો કરવા વગેરે તમામ ગુણોનો ભંડાર છે, શ્રીહનુમાનજી. તેથી જ તેઓને વાનરાણામધિશમ્‌ પણ કહ્યા છે. વાનરાણામધિશમ્‌ એટલે કે વાનરોના રાજા. અહી એક પ્રશ્ન એવો ઉદ્‌ભવે કે વાનરોના રાજા તો શ્રીસુગ્રીવજી હતા? તો શ્રીહનુમાનજીને વાનરોના રાજ કેમ કહ્યા? તેનુ સમાધાન એવું છે કે, રાજનો મુખ્ય ધર્મ પ્રજાની રક્ષા કરવાનો છે. શ્રીહનુમાનજીએ માતા જાનકીજીની શોધ કરી રાખે સકલ કપિન્હ કે પ્રાના બધા વાનરોના જીવ બચાવ્યા હતા. આ ભાવથી વાનરાણામધિશમ્‌ કહ્યા છે.

રઘુપતિપ્રિયભકતં એટલે કે શ્રીરઘુનાથજીના વ્હાલા ભક્ત. શ્રીહનુમાનજીએ ભગવાનના પ્રાણપ્રિય જનકસુતા જાનકીજીની ભાળ મેળવી, તેઓએ આપેલો સંદેશો ભગવાનને સંભળાવ્યો. આમ તેઓ પ્રભુના વ્હાલા ભક્ત બની ગયા અને પ્રભુ શ્રીરામજીએ ત્યાંસુધી કહ્યું કે, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. અહીં ઘણી જગ્યાએ રઘુપતિપ્રિયભકતંને બદલે રઘુપતિવરદૂતં શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. રઘુપતિવરદૂતંનો અર્થ થાય છે, શ્રીરઘુનાથજીના શ્રેષ્ઠ દૂત. જાનકીજીની શોધ કરવા તો સેંકડો વાનરોને મોકલવામાં આવ્યા હતા, પરંતુ શ્રીહનુમાનજી જ માતાજી સુધી પહોંચી શક્યા અને માતાજીનો સંદેશો ભગવાનને પહોંચાડ્યો. આમ, ભગવાનના શ્રેષ્ઠ દૂત પણ કહી શકાય. તેઓ ભગવાનના દૂત હતા તેનું પ્રમાણ પણ ‘જલનિધિ રઘુપતિ દૂત બિચારી’ અને ‘રામદૂત મૈં માતુ જાનકી’ વગેરે ચોપાઈઓમાં સ્પષ્ટ જણાય છે. વાતજાતમ્‌ એટલે કે વાયુ દેવના પુત્ર અર્થાત પવનતનય. ‘પવનતનય’ વિશે મેં અગાઉ ઘણું લખ્યુ છે, તે વાંચવા શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-004/, શ્રી સુંદરકાંડ | ભાગ – ૫ | બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-005/ અને રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ – http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/  વગેરે લેખો વાંચવા વિનંતી છે. અંતે નમામિ કહિ પોતાના મનોરથની સિદ્ધિની કામના સાથે વંદન કરે છે.

પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રીરામની વંદના, બીજા શ્લોકમાં અમૂલ્ય વસ્તુઓની માંગણી અને ત્રીજા શ્લોકમાં શ્રીહનુમાનજીની વંદના કર્યા બાદ શ્રીતુલસીદાસજી સુંદરકાંડની પ્રથમ ચોપાઈ લખે છે. આ ચોપાઈ કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓ સાથે સંદર્ભ જોડતી છે.

જામવંત કે બચન સુહાએ સુનિ હનુમંત હૃદય અતિ ભાએ

જામવંતજીના સુંદર વચનો સાંભળી શ્રીહનુમાનજીના હૃદયને બહુ જ ગમ્યા.

કિષ્કિંધાકાંડના અંતમા આપણે જોયુ કે જામવંતજીએ શ્રીહનુમાનજીને બે પ્રકારની વાતો કહી હતી. એક શ્રીહનુમાનજીના વખાણ કર્યા હતા. જેમ કે, પવન તનય બલ પવન સમાના બુધિ બિબેક બિગ્યાન નિધાના અનેકવન સો કાજ કઠિન જગ માહીં જો નહિં હોઇ તાત તુમ્હ પાહીં . બીજી, જ્યારે શ્રીહનુમાનજીને તેની અપાર શક્તિઓ યાદ આવી જાય છે, પછી શ્રીજામવંતજીને પુછે છે કે એક વડીલ તરીકે તમે મારું માર્ગદર્શન કરો કે, હું હવે શું કરું? મને ઉચિત શિખામણ આપો. ત્યારે જામવંતજી કહે છે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ સીતહિ દેખી કહહુ સુધિ આઈ “ હે તાત! આપ બસ એટલું કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો. તમને અને મને બધાને પોતાના વખાણ તો પ્રિય હોય જ. માણસનો સ્વભાવ રહ્યોને એટલે આપણે વળી પોતાની પ્રશંસા કરાવવા પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. જેમાં આજના સમયમાં પ્રસિધ્ધિ મેળવવાથી લઈ, સમાજમાં છાપ સુધારવા સારુ સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ રોકવાનો સમાવેશ થાય છે. સુનિ હનુમંત હૃદય અતિ ભાએ  એવું વાંચતા જ પ્રથમ દ્રષ્ટિએ આપણને લાગે કે, જામવંતજી પાસેથી પોતાની પ્રશંસાના વચનો સાંભળી શ્રીહનુમાનજીને બહુ પસંદ પડ્યા હશે, પરંતુ તેઓ તો રામભક્ત છે. તેઓને પ્રભુ શ્રીરામની પ્રશંસા બહુ પ્રિય છે અને તેઓ પ્રભુભક્તિમાં જ મગ્ન રહે છે. તેથી કહી શકાય કે જામવંતજીના પ્રભુની પ્રશંસા કરતા છેલ્લા વચનો તબ નિજ ભુજ બલ રાજિવનૈના કૌતુક લાગિ સંગ કપિ સેના ॥ કપિ સેન સંગ સઁઘારિ નિસિચર રામુ સીતહિ આનિહૈં । ત્રૈલોક પાવન સુજસુ સુર મુનિ નારદાદિ બખાનિહૈં ॥ આ શબ્દો સાંભળી અત્યાધિક આનંદ થયો હશે, માટે હૃદય અતિ ભાએ એવું લખ્યુ છે. આ સંસારમાં શ્રીરામચરિતમાનસ સાંભળવાના સૌથી વધુ રસિક કોઈ હોય, તો તે શ્રીલંગડેજી મહારાજ છે, ‘યત્ર યત્ર રઘુનાથ કીર્તનં તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ’ અને ‘પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા’ તેના પ્રમાણ છે.

શ્રીહનુમાનજીને લંગડેજી મહારાજ કેમ કહેવામાં આવે છે? તેની કથા જોઇએ તો, લંકામાં યુદ્ધ દરમ્યાન ઇન્દ્રજીત દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રહારથી શ્રીલક્ષ્મણજી મૂર્છિત થઇ ગયા હતા. તે સમયે શ્રીહનુમાનજી સંજીવની જડીબુટ્ટી લાવવા ગયા હતા. ઘણીબધી જડીબુટ્ટીઓ જોઇ તેને ઓળખવામાં ભુલ થવાથી કાર્ય સફળ નહી થાય, તેવા વિચાર સાથે શ્રીહનુમાનજી સંજીવની જડીબુટ્ટી સહિત અન્ય વિવિધ જડીબુટ્ટીના ભંડાર એવું આખુ શિખર જ ઉઠાવી લે છે. ત્યાંથી પરત ફરતી વખતે તેઓ અયોધ્યા ઉપરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે અયોધ્યાના સૈનિકો ભરતજીને સમાચાર આપે છે કે કોઇ નિશિચર માયાથી સંજીવની જડીબુટ્ટી વાળું આખુ શિખર લઇને જતું હોય તેવું લાગે છે. ભરતજી ફણા વગરનું બાણ મારે છે, ત્યારે શ્રીહનુમાનજી શ્રીરામ-શ્રીરામ કરતા નીચે પડે છે. બાકીની કથા આપણે જાણીએ છીએ, પરંતુ આ સમયે શ્રીહનુમાનજીના ગોઠણમાં આ બાણ લાગે છે. ભરતજીનું આ બાણ વાગવાથી શ્રીહનુમાનજીને ચાલવામાં તકલીફ થાય છે, તેઓ લંગડાય છે, માટે શ્રીહનુમાનજીને ભક્તો પ્રેમથી-વ્હાલથી લંગડેજી મહારાજ તરીકે પણ સંબોધે છે. આ કારણે જ શ્રીહનુમાનજીના ગોઠણ ઉપર તેલ લગાવવાનું/ચડાવવાનું મહત્વ પણ છે. એ વાત અલગ છે કે લોકો સમજ્યા વગર શ્રીહનુમાનજીના માથા ઉપર તેલ ચડાવ્યે જાય છે.       

જામવંતજીની છેલ્લી વાત એટલે કે ભગવાનની પ્રશંસા, તેઓને વધુ ગમી હશે. તેનું એક કારણ એવું પણ કહી શકાય કે, આપણને જે વાત વધુ ગમે તે વાત આપણે આગળ બીજાને પણ કહેતા હોઈએ છીએ. અત્યારે લોકો જોયા કે વાંચ્યા વગર વોટ્‌સએપ યુનિવર્સિટીનું જ્ઞાન બધાને બેફામ રીતે ફોરવર્ડ કરે છે, તે અલગ વાત છે. પરંતુ જે બાબત તમે ધ્યાનથી વાચી હશે અને દિલથી ગમી ગઈ હશે, તે તમે ચોક્ક્સ બીજાની સાથે શેર કરતા હશો. આવી જ રીતે જામવંતજીની તબ નિજ ભુજ બલ રાજિવનૈના કૌતુક લાગિ સંગ કપિ સેના ॥ વાત શ્રીહનુમાનજીને બહુ પ્રિય લાગી હશે, માટે જ તેઓ માતા જાનકીજીને મળે છે, ત્યારે આ વાત કર્યાનો માનસમાં ઉલ્લેખ છે. “કપિન્હ સહિત ઐહૈં રઘુબીરા અને નિસિચર મારિ તોહિ લૈ જૈહૈં, તિહુઁ પુર નારદાદિ જસ ગૈહૈં

હું પણ આશા રાખુ છુ કે, આ સુંદર પાવન કથા આપ સહુને ખૂબ જ પસંદ આવતી હશે. જો ખરેખર પસંદ આવતી હોય તો વાચીને બંધ ન કરી દેતા, ચોક્કસ આગળ મોકલજો. આ સુંદરકાંડની કથાનો લાભ વધુને વધુ લોકો લઈ શકે, તેથી આપને બધાને આ નમ્ર અપીલ કરુ છું. વધુમાં, આપને સહુને મારા વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવા વિનંતી કરુ છું, જેથી આગળની કથાની લિંક નિયમિતરૂપે સમયસર મળતી રહે. આ લેખના સંદર્ભે જ વધુ વિગતો સહ હવે પછીના લેખમાં આગળ વધીશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના બે લેખો શ્રીસુંદરકાંડ | ભાગ – ૧૦ | શાંતરસ અને એકરસનો સુભગ સમન્વય – શ્રીસુંદરકાંડ ( http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-010/ ) અને શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૧ | કરુણાનિધાનની અપાર કરુણા ( http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-011/ )માં આપણે જોયુ કે, શ્રીતુલસીદાસજીએ ખૂબ જ સુંદર-સુંદર ભાવો સાથે કરુણાનિધાન પ્રભુ શ્રીરામની વંદના કરી શ્રીસુંદરકાંડનો અદ્‌ભુત શુભારંભ કર્યો. આજના લેખમાં આપણે શ્રીતુલસીદાસજી ભગવાન પાસે બીજા શ્લોકમાં અમૂલ્ય ખજાનાની માંગણી કરે છે, તેની વાત કરીશું.

નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયેઽસમદીયે સત્યં વદામિ ચ ભવાનખિલાન્તરાત્મા |

ભક્તિં પ્રયચ્છ રઘુપુંઙ્ગવ નિર્ભરાં મે કામાદિદોષરહિતં કુરુ માનસં ચ ||૨||

હે રઘુનાથજી ! હું સત્ય કહુ છું અને આપ તો સર્વેના અંતરાત્મા એટલે કે આપ બધાના અંતરની વાત જાણો છો અને તેથી આપને ખબર જ છે કે મારા હૃદયમાં અન્ય કોઈ ઇચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ! મને આપની અવિચળ ભક્તિ પ્રદાન કરો અને મારા મનને કામાદિ – કામ વગેરે – દોષોથી રહિત કરો, મુક્ત કરો. અહીં ગોસ્વામીજી પ્રભુ પાસે બે અમૂલ્ય વસ્તુઓ માંગી છે, અવિચળ ભક્તિ અને કામ આદિ દોષોથી મુક્ત મન. શ્લોકને વધુ વિગતે સમજીએ તો –

નાન્યા સ્પૃહા એટલે કે અન્ય કોઈ ઇચ્છા નથી. અન્ય કોઈ એટલે? આ શ્લોકમાં આગળ જે માંગવા જઈ રહ્યા છે, તે સિવાયની જેવી કે ધન-દોલત, માન-સન્માન-પ્રતિષ્ઠા અને તેથી વધુ કહીએ તો, રિદ્ધિ, સિદ્ધિ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરેની કોઈ ઇચ્છા નથી, કોઈ કામના નથી, એવું કંઈ જોઈતું નથી. કોઈપણ માણસ કંઈપણ કહે માની લેવાનું? આપણને ખબર જ છે કે આજ-કાલ ઘણા લોકો વિચારે કંઈક, કહે કંઈક અલગ અને કરે તેનાથી પણ કંઈક અલગ. કોઈનું મગજ વાંચવાનું યંત્ર હજુસુધી તો શોધાયુ નથી. પરંતુ, પહેલાના સમયમાં કોઈ કહેને કે, ‘હું સાચું કહું છું’, તો તેના ઉપર વિશ્વાસ કરવામાં આવતો. વ્યક્તિના શબ્દો ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરવામાં આવતો હતો. અત્યારે પણ ઘણી વખત કહેવામાં આવે છે ને કે, સમ ખાવ છું, ભગવાનના સોગંધ, રોજીના સમ વગેરે. અત્યારે ભલે આ શબ્દો કોઇ મહત્વ વગર વપરાતા વધુ જોવા મળતા હોય, પરંતુ ગોસ્વામીજીના સમયમાં તેનું ખૂબ જ મહત્વ હતું. તે મુજબ શ્રીતુલસીદાસજી કહે છે, સત્યમ વદામિ ‘હું સાચું કહું છું’. બીજું કહે છે, અખિલાન્તરાત્મા એટલે કે અન્તર્યામી, જે બધાના મનની વાત જાણે છે. શ્રી હનુમાન બાહુકના પાઠમાં (http://udaybhayani.in/hanumanbahuk/) આપણે સુજાન શબ્દ જોયેલો એટલે કે ભક્તના હૃદયની અંદરની અને બહારની બધી વાતો જાણનારા. આ ટેકનોલોજીના યુગમાં ભલે મનના વિચારો વાંચવાનું કોઈ યંત્ર ન શોધાયુ હોય, પરંતુ આધ્યાત્મિક દુનિયામાં આપણા મનની ઇચ્છા ભગવાન જાણે છે અને તે પુરી પણ કરે છે; એવું દ્રઢ પણે માનવામાં આવે છે તથા અનેક વખત પ્રતિપાદિત પણ થયેલું છે. આમ, હે પ્રભુ! હું સત્ય કહુ છું કે મારા હૃદયમાં અન્ય કોઈ કામના નથી, નાન્યા સ્પૃહા હૃદયેઽસમદીયે, આપ મારા મનની વાત જાણનારા છો, હું તમારી સમક્ષ ખોટું નથી બોલી રહ્યો. અહીં શ્રીતુલસીદાસજી જે વિચારી રહ્યાં છે, તે જ કહી રહ્યા છે. તેઓના મનમાં અન્ય કોઈ કામના કે અન્ય કોઈ ઇચ્છા નથી, તો તેઓ શું માંગી રહ્યા છે? શ્રી તુલસીદાસજીએ અહીં બે અમૂલ્ય માંગણીઓ કરી છે.

પહેલી, નિર્ભરાં ભક્તિં પ્રયચ્છ એટલે કે અવિચળ ભક્તિ, પરિપૂર્ણ ભક્તિ પ્રદાન કરો. કેવી અવિચળ? તો શ્રી સુતીક્ષણજીની હતી તેવી, ‘નિર્ભર’ પ્રેમ મગન મુનિ જ્ઞાનિ, કહિ ન જાઈ સો દશા ભવાની. એવી અવિચળ ભક્તિ, જેવી શ્રી અત્રિમુનિની હતી તેવી, તન પુલક ‘નિર્ભર’ પ્રેમ પૂરન નયન મુખ પંકજ દિયે. હે દયાના સાગર! આવી અવિચળ, પરિપૂર્ણ, ભરપૂર ભક્તિ આપો. નિર્ભરાંનો બીજો અર્થ થાય છે, ભાર રહિત. જેણે પોતાનો તમામ ભાર પ્રભુના શરણે ધરી દીધો છે, જેણે પોતાનું શરીર, જીવન, કુટુંબ અને આત્મા પણ ભગવાના શરણે સમર્પિત કરી દીધો છે તે. આવી રીતે જેણે પોતાની શરીરયાત્રાથી લઈ આત્માયાત્રાનો ભાર પ્રભુના શરણે મૂકી દીધો છે, તે સંપૂર્ણ ચિંતામુક્ત છે. આવી ચિંતામુક્ત ભક્તિ આપો.

બીજી, કામાદિદોષરહિતં કુરુ માનસં એટલે કે કામ વગેરે દોષોથી મારા મનને મુક્ત કરો. કામ, ક્રોધ, લોભ, મદ(અભિમાન), મોહ અને મત્સર(ઇર્ષ્યા) વગેરે છ કામાદિ દોષ કે વિકારો છે. જેવી રીતે સનક વગેરે ઋષિઓના સમુહને સંબોધવા સનકાદિ ઋષિ એવું કહેવામાં આવે છે, તેમ આ છ વિકારોના સમુહને ટૂંકમાં સંબોધવા કામાદિ દોષ કહેવામાં આવે છે. વિકારો છ છે, પરંતુ તેને ‘કામાદિ’ કેમ કહેવામાં આવે છે? તેનું કારણ એવું સમજી શકાય કે, ભક્તિના પથ ઉપર સૌથી બાધક કોઈ વિકાર હોય, તો તે છે, કામ. “તાત તીન અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ”. આમ, બધા વિકારોમાં પ્રમુખ કામ હોય, ‘કામાદિ દોષ’ એવું કહેવામાં આવે છે. જ્યાંસુધી આ વિકારો મનમાં હોય, ત્યાંસુધી પ્રભુપ્રાપ્તિ તો ઠીક પ્રભુભક્તિ પણ મળતી નથી. આમ, શ્રીતુલસીદાસજીએ પ્રભુપ્રાપ્તિ માટે કામ વગેરે વિકારોથી રહિત મનની માંગણી કરી છે.

એક સંત મત મુજબ ઉકત બન્ને માંગણીઓ થકી શ્રી તુલસીદાસજીએ યોગ અને ક્ષેમ બન્ને માંગી લીધા છે. નિર્ભરા ભક્તિ એટલે યોગ અને કામ વગેરે વિકારોથી મુક્તિ એટલે ક્ષેમ, શ્રેય, કલ્યાણ. આમ, શ્રીતુલસીદાસજીએ પ્રભુ પાસેથી માવજીવનનો અમૂલ્ય ખજાનો માંગી લીધો છે. ભક્તિ પ્રાપ્ત કરવાની મૂળભૂત લાયકાત કે આવશ્યકતા માંગી લીધી છે. આપણે પણ કરુણાનિધાન પ્રભુ શ્રીરામ પાસે, હૃદયપૂર્વક પ્રાર્થના કરી, આપણા સહુનું મન સતત તેઓના ચરણોમાં સમર્પિત રહે, તેઓની અવિચળ ભક્તિ મળે અને આપણા સૌનું દરેક રીતે કલ્યાણ થાય તથા વિવિધ વિકારોથી મુક્ત રહીએ તેવી માંગણી કરી આ કથાને આગળ ધપાવીએ.

અતુલિતબલધામં હેમશૈલાભદેહં દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્

સકલગુણનિધાનં વાનરાણામધીશં રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ 3॥

અતુલિત બળના ધામ, સોનાના(હેમના) પર્વત સમાન ક્રાંતિવાન શરીરવાળા, દૈત્યરૂપી વનનો નાશ કરવામાટે દાવાનળ સમાન, જ્ઞાનીઓમાં શિરોમણી, સમસ્ત ગુણોના ભંડાર, વાનરોના સ્વામી, શ્રીરઘુનાથજીના પ્રિય ભક્ત એવા પવનપુત્ર શ્રીહનુમાનજીને હું પ્રણામ કરું છું, વંદન કરું છું.

શ્રીતુલસીદાસજીએ સુંદરકાંડની શરૂઆતના પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રીરામની સુંદર વિશેષણો સાથે વંદના કરી છે. બીજા શ્લોકમાં ભગવાન પાસેથી યોગ-ક્ષેમના રૂપમાં અમૂલ્ય ખજાનો માંગ્યો. આ ત્રીજા શ્લોક્માં સુંદરકાંડના મુખ્યપાત્ર શ્રીહનુમાનજીની વંદના કરવામાં આવેલ છે. જેની વાત કરતા હોઈએ, જેની કથા કરતા હોઈએ તેની વંદના ખાસ કરવી જોઈએ, તો જ તેમાં રિદ્ધિ-સિદ્ધિ રહે અને સફળતા મળે. શ્રીતુલસીદાસજીએ આ કાંડના નાયક એવા મારુતિનંદનની વંદના તો કરી, પરંતુ એવી કરી કે જેમાં સંપૂર્ણ સુંદરકાંડનો સાર આવી જતો હોય. પહેલું સંબોધન કર્યું અતુલિતબલધામમ્‌ જેમાં તેઓના સમુદ્ર પાર કરવાના, સુરસાના છળ-કપટને દુર કરવાના વગેરે મહાન પરાક્રમોની કથાનો સમાવેશ થાય છે. હેમશૈલાભદેહમ્‌માં વિરાટ સ્વરૂપ ધારણ કરી માતા વૈદેહીને ભરોસો અપાવવાનો સમાવેશ થાય છે. દનુજવનકૃશાનમ્‌માં લંકા દહનનો અને રાક્ષસોના વિનાશનો ભાવ સમાયેલો છે. જ્ઞાનિનામગ્રગણ્યમ્‌માં રાવણને ઉપદેશ આપ્યો તે ભાવ સમ્મલિત છે. સકલગુણનિધાનમ્‌માં માતા જાનકીજીના ‘અજર અમર ગુનનિધિ સુત હોઉ’ આશીર્વાદની કથા સમાયેલી છે. વાનરાણામધીશમ્‌ પ્રભુકાર્ય કરી બધા વાનરોનો જીવ બચાવ્યો તે દર્શાવે છે. રઘુપતિપ્રિયભક્તમ્‌ એટલે કે સીતાજીની ભાળ મેળવી, પ્રભુ શ્રીરામને તેઓનો સંદેશો પહોંચાડી, ભગવાનના વ્હાલા ભક્ત થઈ ગયા. વાતજાતં નમામિ કહી છેલ્લે મારુતિનંદનને પ્રણામ કરવામાં આવ્યાં છે કે હે મહાવીર! આપની કૃપાથી જ આ આખો કાંડ સારી રીતે લખી શકાયો છે. આમ, આ શ્લોકમાં શ્રીહનુમાનજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલ પ્રાર્થનામાં આખા સુંદરકાંડની કથાનો સારાંશ આવી જાય છે. મારા મતે આ શ્લોકને “એક શ્લોકી સુંદરકાંડ” સમાન પણ ગણી શકાય. 

આજનો લેખ અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા લેખમાં આ શ્લોકમાં સમાવિષ્ટ દરેક સંબોધન વિશે થોડી વિગતે ચર્ચા કરી આગળ વધીશું.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી.

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૧ | કરુણાનિધાનની અપાર કરુણા | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસુંદરકાંડની સુંદર કથાનો પ્રારંભ કર્યો હતો. શ્રીસુંદરકાંડનો પ્રથમ શ્લોક કે જેમાં ભગવાન શ્રીરામ માટે વાપરવામાં આવેલા સુંદર-સુંદર વિશેષણોથી કરવામાં આવેલી વંદનાથી આપણે શરૂઆત કરી હતી અને આ પહેલા શ્લોકના પૂર્વાર્ધ સુધીની વંદના જોઈ હતી. આ લેખમાં શ્લોકના ઉતરાર્ધથી આગળ વધીએ –

રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્‌ ॥

રામાખ્યામ્‌ એટલે કે જેઓ રામ નામથી જાણીતા છે. આમ તો ભગવાન નિર્ગુણ, નિરંતર અને સર્વવ્યાપી છે, જેનો કોઈ આદિ કે અંત નથી, પરંતુ, ભક્તો સરળતાથી ભજી શકે એટલે તેઓ ‘રામ’ એવા એક નામથી ઓળખાય છે. આ રામનામનું મહત્વ રામરક્ષાસ્ત્રોતના છેલ્લા શ્લોક “રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તતુલ્યં રામનામ વરાનને”માં સહસ્ત્રનામ તત્તુલયં એટલે કે ભગવાનના અન્ય એક હજાર નામોના સ્મરણ સમાન વર્ણવેલું છે. ભગવાનના સહસ્ત્રનામોનો પાઠ કરવાથી જેટલું ફળ મળે છે, તેટલું ફળ ‘રામ’ નામનું એકવાર સ્મરણ કરવા માત્રથી મળી જાય છે. એક તર્ક એવો પણ થઈ શકે કે તેઓ વેદાંતવેદ્યમ્‌ એટલે કે વેદાંતોથી જાણવા યોગ્ય છે તેવું આગળના લેખમાં જોયું હતુ, પરંતુ વિભુમ્‌ એટલે કે સર્વવ્યાપી અને સમર્થ હોઈ; આવા વાર્તાલાપો દ્વારા કંઇક સમજવાનો પ્રતત્ન થઈ શકે, બાકી પૂર્ણ રીતે ક્યારેય સમજી શકાય નહી. તેથી સરળ નામ ‘રામ’થી પ્રખ્યાત છે. આ જ કારણોસર તેઓ જગદીશ્વરમ્‌ એટલે કે સમગ્ર સંસારના તેઓ સ્વામી પણ છે અને સુરગુરુમ્‌ એટલે કે દેવતાઓના ગુરુ પણ છે. શ્રીતુલસીદાસજીએ એક સ્તુતિમાં લખ્યું છે, ‘જય જય સુરનાયક જનસુખદાયક પ્રનતપાલ ભગવંતા’. અહીંયા એક ભાવ ભગવાનની સર્વોપરિતા દર્શાવવાનો છે.

બાબાજી આગે લિખતે હૈ, માયામનુષ્યં હરિમ્‌ એટલે કે પોતાની ઇચ્છાથી મનુષ્યરૂપ ધારણ કરેલા શ્રીહરિ. અહીં માયામનુષ્યમ્‌ હરિમ્‌નો એક અર્થ એવો પણ કરી શકાય કે, તેઓ પોતાની માયાથી મનુષ્ય જેવા જણાય છે, બાકી તેઓ છે તો શ્રીહરિ જ. માયામનુષ્યમ્‌ કા એક ઔર પ્રમાણ ભી હૈ, ગીતાજીના ચોથા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે હું અજન્મા અને અવિનાશી હોવા છતાં પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું. હરિમ્‌ એટલે કે ભક્તોના દુ:ખ હરિ લે તે. ભગવાનનો જન્મ સામાન્ય પ્રાણી(ભગવાન વિવિધ રૂપે જેમ કે વરાહ, નરસિંહ, મત્સ્ય અવતરેલા હોય, પ્રાણી શબ્દ લખ્યો છે)ની જેમ થતો નથી. તેઓ પોતાની માયાથી પ્રગટ થાય છે, માનવદેહે લીલા કરે છે અને તેઓના ચરિત્રથી ભક્તોના દુ:ખ હરિ લે છે.

કરુણાકરમ્‌ એટલે કે કરુણાની ખાણ, કરુણાનો ભંડાર. ભગવાન બહુ જ કરુણામય છે, તે દર્શાવવા બહુ પ્રચલિત ગીત છે, હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી…. ભગવાન શ્રીરામ બહુ જ કૃપાળુ છે, કરુણાના સાગર છે, તે દર્શાવતો એક સુંદર પ્રસંગ જોઈએ. વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ, માતા સીતાજી અને લક્ષ્મણ ભૈયા વનમાં ખૂલ્લા પગે ચાલીને જતા હતા. ભગવાન આગળ ચાલતા હતા, માતાજી વચ્ચે અને લક્ષ્મણજી પાછળ ચાલતા હતા, જાણે કે બ્રહ્મ અને જીવની વચ્ચે માયા. તેઓ બપોરે અને સાંજે યોગ્ય સ્થળ જોઈ વિરામ કરતા. વિરામના સ્થળે રોકાઈ લક્ષ્મણજી આજુ-બાજુ નજીકમાંથી ફળ-ફૂલ લઈ આવતા અને પછી બધા ફળાહાર કરતા. એક દિવસ બપોરનો સમય થવા આવ્યો હતો. ચાલતા-ચાલતા રસ્તાની બાજુમાં લક્ષ્મણજીએ ફળથી ભરપુર એક વૃક્ષ જોયું. મનમાં વિચાર્યું કે બપોરના સમયે ખાવા માટે થોડા ફળ લઈ લઉં. તેઓ ફળ લેવા રોકાયા. પગરવ બંધ થતાં માતાજીએ પાછળ જોયું, તો લક્ષ્મણજી ફળ લેવા રોકાઈ ગયા હતા. માતાજીએ ભગવાનને કહ્યું હે રઘુવીર ! રોકાઈ જાવ, લક્ષ્મણ ભૈયા ફળ લઈ રહ્યાં છે. આ સમયે ભગવાને ત્યાં બાજુમાં એક મોટી શિલા જોઈ અને તેઓ તેના ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેઓ પગના તળીયામાં ખૂંપી ગયેલા કાંટાને કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કાંટો નિકળતો ન હતો. આમ પણ આપણને ખબર જ છે કે જે કાંટા જેવા હોય એ જલ્દી નિકળે નહી, જલ્દી પીછો છોડે નહી અને ડંખ્યે જ રાખે. માતાજીએ જોયું કે પ્રભુ કંઈક પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ તેની પાસે ગયા અને પુછ્યું, હે નાથ! શું થયું? શું કરો છો? ભગવાને કહ્યું, આ કાંટો પગમાં ખૂંપી ગયો છે, તે કાઢવા પ્રયત્ન કરું છું, પરંતુ નિકળતો નથી. માતાજી એકદમ હસવા લાગ્યા અને કહ્યું, પ્રભુ! એ કાંટો તમારાથી નહી નિકળે. ભગવાને પુછ્યું, કેમ સીતે? માતાજીએ બહુ સુંદર જવાબ આપ્યો. “હે કરુણાનિધાન! આપ કરુણાના સાગર છો, આપ અત્યંત દયાળુ છો, આપના શરણોમાં આવેલા કાંટા(જેવા)ઓને પણ સ્થાન આપો છો. જે અધમાધમ અને પતિત હોય, તેવા જીવોને પણ આપ શરણાગત તરીકે સ્વીકારી તેનો ઉદ્ધાર કરો છો. માટે જે આપના શરણોમાં આવી ગયેલ છે, તેને આપ દૂર નહીં કરી શકો. લાવો હું કાઢી દઉં”, માયા જ તેને પ્રભુના શરણોથી દૂર કરી શકે. જ્યાં શુદ્ધ ભક્તિ નથી, સાત્વિકતા નથી એટલે કે જે કાંટા જેવા છે, તેઓ પ્રભુ શરણમાંથી માયા થકી જ ભટકી જાય છે.  

ઉક્ત પ્રસંગ દર્શાવે છે કે, પ્રભુ કેટલા માયાળુ, કૃપાળુ, કરુણાયુક્ત અને ભક્તવત્સલ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે, માતા સીતાજી અંગત રીતે ભગવાનને “કરુણાનિધાન” કહીને બોલાવતા હતા. અંગત રીતે મતલબ પતિ-પત્નિ એકલા હોય ત્યારે એકબીજાને જે નામથી બોલાવતા હોય તે. You know… આ પ્રથા રામ ભગવાનના સમયમાં પણ હતી, તો આજકાલ કંઈ નવી નવાઈ નથી. બસ આજ-કાલ નામો કેવા-કેવા રાખવામાં આવે છે, તે રસપ્રદ અને રમુજી હોય છે. રામાયણના સમયમાં પણ આવી રીતે પ્રાઇવેટ નામે બોલાવાની પ્રથા હતી. તે સમયે પણ એવું કહેવાતું હતુ કે, रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाई. અને તેનું અક્ષરસ: પાલન પણ થતું હતું, પરંતુ આપણને યાદ કયું રહે છે? एक बार जो मैंने कमिटमेंट कर दी तो फिर मैं अपने आप की भी नहीं सुनता. ફિલ્મો જોવી કંઇ ખરાબ નથી. હું તેનો વિરોધ નથી કરતો, બસ રામાયણ અને તેના સમય સાથે વૈચારિક સંબંધ જોડવાનું કહુ છું; કારણ કે ત્યારે પણ આ બધુ હતું જ, બસ દેખને કા, સમજને કા નજરિયા ચાહિએ. “रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाई.” એ પણ ભુલાવું ન જોઇએ. બરાબર ને!

ત્યારબાદ આવે છે, રઘુવરમ્‌ એટલે કે રઘુકુળમાં શ્રેષ્ઠ. આમ તો ચારેય ભાઈઓને રઘુવર તરીકે સંબોધી શકાય; પરંતુ, અગાઉ રામાખ્યામ્‌ સંબોધન પ્રયોજી શ્રીતુલસીદાસજીએ અહીં તેઓ શ્રીરામ વિશે વાત કરી રહ્યાં છે, તે સ્પષ્ટ કરી દીધું છે. વળી, શ્રીતુલસીદાસજીએ એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે, ‘જેઠ સ્વામિ સેવક લઘુ ભાઈ, યહ દિનકર કુલરીતિ સુહાઈ’, એટલે કે અહીં જ્યેષ્ઠ ભ્રાતા શ્રીરામની જ વાત થઈ રહી છે. ભૂપાલચૂડામણિમ્‌ એટલે કે રાજાઓમાં શિરોમણી. આખા ભારતવર્ષમાં રઘુકુળ શ્રેષ્ઠ હતું અને રઘુકુળમાં શ્રેષ્ઠ હોવાને નાતે તેઓ સર્વે રાજાઓમાં શિરોમણી છે. આવા વિવિધ સંબોધનો અને અંતરના ભાવ સાથે શ્રીતુલસીદાસજી કહે છે કે, વન્દે અહં અર્થાત ભગવાન શ્રીરામને હું વંદન કરું છું. શ્રીતુલસીદાસજીએ ખૂબ જ સુંદર ભાવો સાથે પ્રભુ શ્રીરામની વંદના કરી સુંદરકાંડનો શુભારંભ કર્યો છે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં શ્રીતુલસીદાસજી ભગવાન પાસે અમૂલ્ય ખજાનો માંગે છે, તેની વાત કરીશું.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૦ | શાંતરસ અને એકરસનો સુભગ સમન્વય – સુંદરકાંડ | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

“શ્રી જાનકીવલ્લભો વિજયતે”

શ્રીસુંદરકાંડની આ સુંદર લેખમાળાના શરૂઆતના નવ મણકાઓમાં આપણે અતિપવિત્ર એવી કિષ્કિંધાકાંડની અંતિમ ચોપાઈઓની કથા જોઈ. આજના આ લેખથી શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર, પંચમ સોપાન શ્રીસુંદરકાંડની કથાનો પ્રારંભ કરીએ છીએ. શ્રીસુંદરકાંડની શરૂઆત ભગવાન શ્રીરામચંદ્રજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલી વંદનાથી થાય છે. દરેક વિશેષણને તેનું પોતાનું મહત્વ અને ગુઢ અર્થ છે. પ્રથમ શ્લોક આ મુજબ છે –

:: શ્લોક ::

શાન્તં શાશ્વતમપ્રમેયમનઘં નિર્વાણશાન્તિપ્રદં, બ્રહ્માશમ્ભુફણીન્દ્રસેવ્યમનિશં વેદાન્તવેદ્યં વિભુમ્‌

રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્‌

શાંત, સનાતન, પ્રમાણોથી પર, નિષ્પાપ, મોક્ષરૂપી પરમ શાન્તિ પ્રદાન કરનારા, બ્રહ્મા, શંભુ અને શેષનાગજી દ્વારા નિરંતર પૂજિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોના ગુરુ, માયાથી મનુષ્યરૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓમાં શિરોમણિ અને રામનામે પ્રસિધ્ધ એવા જગદીશ્વરની હું વંદના કરું છું.

શાન્તમ્‌ એટલે કે શાંત. ભગવાન શાંત સ્વરૂપ  છે? શ્રીતુલસીદાસજીએ બાલકાંડમાં શાંતરસનો ઉલ્લેખ કંઇક આવી રીતે કર્યો છે, ‘બૈઠે સોહ કામરિપુ કૈસેં, ધરેં સરીરુ શાંતરસુ જૈસેં. ભગવાન શ્રીરામનું શાંત સ્વરૂપ દર્શાવતા એક-બે પ્રસંગો જોઈએ. પહેલો, નારદજી જ્યારે વિશ્વમોહિની સાથે પરણી ન શક્યા, ત્યારે ભગવાન ઉપર અતિશય ક્રોધ કરે છે, ન બોલવાના શબ્દો બોલે છે અને છેલ્લે શ્રાપ પણ આપે છે. તેમ છતાં શ્રીહરિ નારદજીને બાળ સહજ  સમજી શાંતમુદ્રામાં સસ્મિત શ્રાપનો સ્વીકાર કરે છે. બીજો, મિથિલામાં સીતા સ્વયંવર વખતે શીવ-ધનુષના ભંગ બાદ પરશુરામજી આવે છે અને અતિશય ક્રોધ સાથે ઘણું બધુ કહી દે છે. ત્યારે પણ પ્રભુ શ્રીરામ તેઓને જ મહત્તા આપે છે. આ બન્ને પ્રસંગોમાં ભક્તવત્સલ ભગવાન એકદમ શાંતચિત્તે પરિસ્થિતિ સંભાળે છે. આ બન્ને પ્રસંગો તેઓના શાંત સ્વરૂપની ઝાંખી કરાવે છે. શાન્તમ્‌ના બીજા અર્થો ઇન્દ્રિયો ઉપર અંકુશ અને જેને ક્રોધ વ્યાપ્તો નથી તેવા અક્રોધી એવા પણ થાય છે. જિતેન્દ્રિય અને અક્રોધી એ બધા ભગવાનના જ ગુણો છે. શાંતમ્‌ કા એક મતલબ ઐસા ભી હોતા હૈ કી, ઉનકે દર્શનસે દૂસરોકો શાન્તિ મીલતી હૈ, ઉનકે દર્શનસે ચિત્ત શાંત હો જાતા હૈ, ઉનકે દર્શનસે સુકૂન મિલતા હૈ. આમ, ભગવાનનો સ્વભાવ એકદમ શાંત છે.

શાશ્વતમ્‌ એટલે કે સનાતન અથવા તો નિરંતર. શ્રીતુલસીદાસજી કહે છે, “મહિમા નિગમુ નેતિ કહિ કહઈ, જો તિહુઁ કાલ એકરસ રહઈ.” એટલે કે શ્રીરામની મહિમાનું વેદો ‘નેતિ’ ‘નેતિ’ આ નહિ, આ પણ નહિ એવું કહિને સતત વર્ણન કરતા રહે છે અને જેઓ ત્રણેય કાળમાં એકરસ રહે છે. અહીં અગાઉના પદમાં શાંતરસ અને પછીના પદમાં એકરસનો ભાવ પ્રગટ કરવામાં આવેલો છે.

ત્યારબાદ આવે છે, અપ્રમેયમ્‌ વિશેષણ જેનો અર્થ થાય છે, પ્રમાણોથી પર. જે અનંત છે, જેનું કોઈ ચોક્કસ માપ નથી તેવા. “આદિ અંત કોઉ જાસુ ન પાવા” જેનું પ્રાગટ્ય કે અંત કોઈ નથી જાણી શક્યું કે જાણી શકવાનું પણ નથી, તેવા નિર્વિકાર, નિર્ગુણ અને સનાતન. અનઘમ્‌ એટલે કે નિષ્પાપ. અહીં એક એવો પ્રશ્ન થાય કે, જેણે આટલા રાક્ષસોને માર્યા, તેઓને નિષ્પાપ કેમ કહી શકાય? તેનું સમાધાન એવું છે કે, ભગવાનનો માનવદેહ માધ્યમ માત્ર છે, તેઓનો માનવદેહ માયા માત્ર છે. બાકી રાક્ષસો પોતાના કર્મફળ નિમિતે જ નાશ પામે છે. આમ, ભગવાન શ્રીરામ અનઘમ્‌ એટલે કે પાપ-પૂણ્યથી પર છે.

નિર્વાણ શાન્તિપ્રદમ્‌ નિર્વાણ એટલે મોક્ષ અને શાન્તિપ્રદમ્‌ એટલે શાન્તિ પ્રદાન કરનારા. આખો અર્થ થાય છે, મોક્ષરૂપી પરમ શાન્તિ પ્રદાન કરનારા. જૈન ધર્મમાં નિર્વાણનું ખૂબ જ મહત્વ છે અને બૌદ્ધ ધર્મમાં પણ નિર્વાણનો અર્થ કંઇક એવો કરવામાં આવેલો છે કે, આપણા સંસ્કારોને લીધે આપણે વારંવાર જન્મના બંધનમાં પડીએ છીએ. તેના ઉચ્છેદ દ્વારા ભવબંધનનો નાશ થઈ શકે, જેને નિર્વાણ કહેવામાં આવે છે. ટૂંકમાં, ભવોભવના ફેરામાંથી મુક્તિ એટલે નિર્વાણ કે મોક્ષ. ઘણા લોકોનો મત છે કે, ખરેખર અહીં ગીર્વાણ શાન્તિપ્રદમ્‌ શબ્દ ઉપયોગમાં લેવો યથાર્થ છે. તેનો અર્થ થાય છે, દેવતાઓને શાંતિ પ્રદાન કરનારા. ભગવાનના જન્મનું કારણ જ विनाशाय च दुष्कृताम् એટલે કે પૃથ્વિ ઉપરથી અસુરોનો ભાર હળવો કરવાનો હોય છે. રાક્ષસોને મારીને ભગવાન દેવતાઓને શાંતિ આપે છે. લંકાકાંડમાં રાવણના મૃત્યુ બાદ દેવો ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે શ્રી તુલસીદાસજીએ લખ્યું છે ‘જબ જબ નાથ સુરન્હ દુખ પાયો, નાના તનુ ધરિ તુમ્હઈઁ નસાયો’  આમ, આ બન્ને સંબોધનો યથાર્થ જ છે. પરંતુ, હું વ્યક્તિગત રીતે, પ્રભુ ભજનથી મોક્ષ પ્રાપ્તિ એવું માનતો હોઇ, નિર્વાણ શાન્તિપ્રદમ્‌ને સમર્થન આપુ છું.

બ્રહ્માશમ્ભુફણીન્દ્રસેવ્યમનિશમ્‌, અહીં બ્રહ્મા એટલે કે સૃષ્ટિની રચના કરનારા શ્રીબ્રહ્માજી, શંભુ એટલે કે મહાદેવ શંકર ભગવાન, ફણીન્દ્ર એટલે કે શેષનાગજી, સેવ્યમ્‌ એટલે કે તેઓ દ્વારા પૂજિત અને અનિશમ્‌ અર્થાત સદાય કે નિરંતર. આમ, બ્રહ્માજી, શંકર ભગવાન અને શેષનાગ જેઓની નિરંતર સેવા કરતા રહે છે, તે શ્રીરામચંદ્રજી. સાકેતધામમાં પરબ્રહ્મ પરમાત્મા તરીકે તો બ્રહ્માજી, ભગવાન શંકર અને શેષનાગ ભગવાન શ્રીરામની સતત સેવામાં રહે છે; પરંતુ, મનુષ્યદેહે અવતરેલા ભગવાનની સેવા કરવા બ્રહ્માજી જામવંત સ્વરૂપે, શીવજી હનુમાન સ્વરૂપે અને શેષનાગજી લક્ષ્મણજી સ્વરૂપે પૃથ્વિ ઉપર સેવા કરવા ઉપસ્થિત રહ્યાં છે. આમ, આ ત્રણેય પ્રભુ સેવામાં કોઈ અંતરાલ આવવા દેવા માંગતા નથી, તેમ હે માનવ! તું પણ ભગવાનની સેવામાં સતત મગ્ન રહે, તેવો ભાવ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે. આપણે અહીં એક એવો તર્ક પણ કરી શકીએ કે શ્રીતુલસીદાસજી મહારાજ એવું કહેવા માંગે છે કે, ત્રણેય લોક પ્રભુની સેવામાં સતત મગ્ન રહે છે અને તેના પ્રતિક સ્વરૂપે અહીં આવું લખ્યું છે. જેમાં બ્રહ્માજી એટલે કે બ્રહ્મલોક, શંકરજી એટલે કે મૃત્યુલોક અને શેષનાગજી એટલે કે પાતાળલોક. આમ, ત્રણેય લોક પ્રભુની સેવા કરે છે અને તેના આધિપત્યમાં છે. શ્રીતુલસીદાસજીએ આ સંદર્ભમાં એવું પણ લખ્યું છે કે, ‘સારદ સેષ મહેસ બિધિ આગમ નિગમ પુરાન, નેતિ નેતિ કહિ જાસુ ગુન કરહિં નિરંતર ગાન.’ જે સૃષ્ટિની રચના કરવા, સંહાર કરવા અને ધારણ કરવા સક્ષમ છે, તેઓ પણ પ્રભુ શ્રીરામનું સતત સ્મરણ કરતા રહે છે, તો હે માનવ! તેઓથી વધુ ભજવા લાયક બીજું કોણ હોઈ શકે? આવા પ્રભુ શ્રીરામને સતત ભજો, તેઓનું નિરંતર સ્મરણ કરો. તેઓ જ આ ભવસાગર પાર કરાવવા સર્વ શક્તિમાન છે.

વેદાંતવેદ્યમ્‌ એટલે કે વેદાંતોથી જાણવા યોગ્ય. વેદાંત એટલે વેદોનો અંત ભાગ જેને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. આપણા મોટાભાગના ઉપનિષદો ગુરુ-શિષ્ય સંવાદ સ્વરૂપે છે. ભગવાનને જાણવા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેનું વર્ણન કરવામાં આવે છે. આમ, ભગવાનને જાણવા થયેલી અનેકાનેક ચર્ચાઓ તથા તેના વિવિધ વર્ણનો અને મંતવ્યો આપણને ઉપનિષદોમાંથી મળી રહે છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ હોય, આવી રીતે કંઈક જાણી શકાય છે.

વિભુમ્‌ એટલે સમર્થ કે સર્વવ્યાપક. પ્રભુ છાસમાં રહેલા માખણની જેમ સર્વવ્યાપક છે. એક વખત પૂજ્ય મોરારીબાપુની કથા સાંભળતો હતો, તેઓએ આ વાત શાયરાના અંદાજમાં બહુ સરસ રીતે સમજાવી હતી. જાહિદ શરાબ પીને દે મસ્જીદ મેં બેઠકર, વર્ના ઐસી જગા બતા દે જહાં ખુદા ન હો.’ પ્રભુ ક્યાં નથી? હરિ વ્યાપક સર્વત્ર સમાના. વિભુમ્‌નો એક અર્થ સમર્થ એવો પણ થાય છે. પ્રભુ કંઈપણ કરવા સમર્થ એટલે કે સર્વશક્તિમાન છે, માટે શ્રીતુલસીદાસજીએ લખ્યું છે, પ્રભુ સમરથ કોસલપુર રાજા.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં ભગવાન શ્રીરામના કરુણાનિધાન સ્વભાવની વાત અને વાર્તા સાથે આગળ જોઈશું.

સર્વે વાચકોને મારા જય સિયારામ…   

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.