Home Blog Page 5

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર અને અલૈકિક કથાના આગળના ભાગ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન – ૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-029/)માં ગોસ્વામીજીએ છંદના માધ્યમથી લંકા નગરીનું અદ્‌ભુત વર્ણન કરેલ છે, તેની શરૂઆત કરી હતી. એ જ કથામાં આગળ વધીએ તો –

કહુઁ માલ દેહ બિસાલ સૈલ સમાન અતિ બલ ગર્જહીં

નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્હ તર્જહીં

કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુઁ દિસિ રચ્છહીં

કહુઁ મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥

ક્યાંક-ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન પહેલવાનો ગર્જના કરી રહ્યા છે. તેઓ અનેક પ્રકારે એકબીજાની સાથે ભીડાય છે અને એકબીજાને લલકારે પણ છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધાઓ યત્ન કરીને (ઘણી ચોકસાઈથી) નગરની ચારેય દિશાઓમાં બધી બાજુથી રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસો ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓનું ભક્ષણ કરી રહ્યાં છે.

યોદ્ધાઓ તો ઘણા હોય છે, પરંતુ પહેલવાન હજારોમાં કોઇ એક જ હોય છે; જેમ કે સુશીલકુમાર, પ્રિયા મલિક વગેરે. પહેલવાનો બહુ ઓછા હોય બાબાજીએ લખ્યુ છે, ‘કહુઁ’ અર્થાત ક્યાંક-ક્યાંક દેખાતા હતા. ‘માલ દેહ બિસાલ સૈલ સમાન’ પર્વત સમાન શરીરવાળા પહેલવાનો ‘અતિ બલ ગર્જહીં’ અર્થાત બહું ભારે ગર્જનાઓ કરી રહ્યાં છે. ત્યારબાદ બાબાજીને લીખા હૈ, ‘નાના અખારેન્હ’ એટલે કે ચારેય દિશાઓમાં અનેક અખાડાઓ હતા. આ અખાડાઓમાં પહેલવાનો ‘બહુબિધિ’ ઘણી બધી અલગ-અલગ રીતે જેમ કે, દાવ-પેચ કરીને, એકબીજાની સામે ઘુરકીને, એકબીજાને ખીજાઈને ‘તર્જહીં’ અર્થાત એકબીજાનો તિરસ્કાર કરી રહ્યાં છે કે એકબીજાને લલકારી રહ્યાં છે       

આગળ નગરની રક્ષાની વાત કરતા શ્રીગોસ્વામીજી લખે છે કે, ચતુરંગિણી સેના, નિશાચરના જુથો, પહેલવાનો અને યોદ્ધાઓ, આ બધા લંકાનગરીની બધી રીતે અને ચારેય દિશાઓમાં રક્ષા કરી રહ્યાં છે. સામાન્ય પાયદળથી વધુ બળવાન રાક્ષસોના જુથ હોય છે, રાક્ષસોના જુથથી વધુ બળવાન પહેલવાનો હોય છે અને પહેલવાનો ભલે ઓછા હોય પરંતુ તેઓને પણ શુરવીર યોદ્ધાઓ હરાવી શકે છે. ‘કરિ જતન’ એટલે કે યત્ન કરીને, વિવિધ પ્રયત્નો કરીને જેમ કે કોઇ માર્ગમાં કે કોઇ આકાશમાં, કોઇ ગુપ્ત રીતે તો કોઇ પ્રગટ થઈને, તમામ રક્ષકો નગરીની રક્ષામાં તત્પર હતા.

‘કોટિન્હ’ એટલે કે કરોડો. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે પૂર્વ દ્વાર ઉપર દસ હજાર યોદ્ધાઓ, દક્ષિણ દ્વાર ઉપર એક લાખ યોદ્ધાઓ, પશ્ચિમ દ્વાર ઉપર દસ લાખ યોદ્ધાઓ અને ઉત્તર દ્વાર ઉપર સો કરોડ યોદ્ધાઓ રક્ષા કાજે નિયુકત કરવામાં આવેલા હતા. જો સંખ્યા લખવામાં આવે તો પ્રમાણના પ્રશ્નો ઉદ્‌ભવે, માટે બાબાજીએ લખી દીધું કે ‘કોટિન્હ’ અર્થાત કરોડો યોદ્ધાઓ લંકાનગરીની રક્ષા કરી રહ્યાં હતા. ‘ચહુઁ દિસિ’ આખા નગરની ચારેય દિશાઓમાં રક્ષા થઈ રહી છે.

આ રાક્ષસો કહુઁ ક્યાંક-ક્યાંક મહિષ એટલે કે ભેંસો, માનુષ – મનુષ્યો, ધેનુ – ગાયો, ખર – ગધેડાઓ, અજ – બકરાઓનું ભક્ષણ કરી રહ્યાં છે. આ રાક્ષસો એટલે કોણ? માથે શિંગળાવાળા, કાળા અને ભયાનક પ્રાણીઓ? નહિ… એક ખ્યાલ મુજબ ખલ. ખ = ખાનાર અને લ = લડનાર કે લડાવનાર. જે ફક્ત ખાવાનું અને બીજા સાથે લડવાનું કે બીજાઓને લડાવવાનું જ જાણે છે, તેવા અકરાંતિયા હોય તેને રાક્ષસ જ કહેવાય. આજે પણ જો આપણી આજુબાજુ આવું કોઇ દેખાય…. તો બસ આપણે મનમાં સમજી લેવાનું. આજના સમયમાં પણ આવા રાક્ષસો સમાજમાં છે જ. ત્યારબાદ આવે છે ભચ્છહીં એટલે કે કાચા ખાઈ રહ્યા હતા. પાડા, માણસો, ગધેડાઓ વગેરેને જીવતા પકડી લાવીને ખાતા હતા. જો મારીને ખાતા હોત, તો ગોસ્વામીજીએ માંસ ખાઈ રહ્યા હતા, તેવું લખ્યુ હોત.

માનસના આ છંદમાં સમાયેલું ગુઢ જીવનદર્શન જોઇએ તો, રાક્ષસ કોને કહેવાય? તે શ્રીતુલસીદાસજીએ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. ઉક્ત છંદની ચારેય લાઇનના છેલ્લા શબ્દોને ધ્યાનથી નિરખો. ગર્જહીં, તર્જહીં, રચ્છહીં અને ભચ્છહીં. પહેલું છે, ગર્જહીં. ગર્જહીં એટલે કોઇની પણ સામે આત્મશ્લાઘા જ કર્યે રાખે કે પોતાની મોટાઈ જ કર્યે રાખે. જે હંમેશા અહંકારમાં જ રાચે અને જેને અહંકાર સિવાય બીજુ કંઇ જ સુઝે નહિ, તેવી વ્યક્તિ. બીજું છે, તર્જહીં. તર્જહીં એટલે કે તિરસ્કાર કરવો કે અપમાન કરવું. જે બીજાનો તિરસ્કાર જ કરતો રહે. નાના, મોટા, ધર્મ વગેરે કંઇ જ જોયા કે વિચાર્યા વગર સામેવાળાનો તિરસ્કાર કે અપમાન જ કર્યે રાખે, તેવી વ્યક્તિ. ત્રીજું છે, રચ્છહીં. રચ્છહીં એટલે કે રક્ષા કરવી કે ધ્યાન રાખવું. જે પોતાનું અંગત જ ધ્યાન રાખે, બીજાની સામે જોવે પણ નહિ. જે ફક્ત પોતાની અંગત સંપતિ, વૈભવ કે સ્વાર્થનું જ રક્ષણ કરે, તેવી વ્યક્તિ. ચોથું છે, ભચ્છહીં. ભચ્છહીં એટલે કે ભક્ષણ કરવું, આરોગવું નહિ હો!!! જે વ્યક્તિ જે-તે, જેવું-તેવું અને જેનું-તેનું કંઇપણ ખાધે જ રાખે, અકરાંતિયાની જેમ કંઇપણ ખા-ખા જ કરે, તેવી વ્યક્તિ. બાબાજી કહે છે, આ ચારેય પ્રકારના લક્ષણો ધરાવતી વ્યક્તિને રાક્ષસ જ ગણી શકાય. આ ચારેય લક્ષણો સાથે ધરાવતો હોય, તે સંપૂર્ણ રીતે રાક્ષસ. જો આ ચારેય પૈકી કોઇ એક કે એકથી વધુ દુર્ગુણો ધરાવતો હોય, તેને રાક્ષસી પ્રકૃતિનો જ ગણી શકાય. આગળ વાત કરી તેમ, રાક્ષસ એટલે ખાસ દેખાવવાળા કોઇ જીવને શોધવાની જરૂર નથી, ઉકત ગુણો જ રાક્ષસી પ્રકૃતિનું પ્રતિક છે.    

એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી

રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥

શ્રીતુલસીદાસજીએ આની(લંકાનગરીના વર્ણનની) કથા એટલા માટે કંઇક ટૂંકમાં જ કહી છે, કારણ કે ચોક્કસ તેઓ બહુ જલ્દી શ્રીરામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમગતિને પામશે.

લંકા નગરીના વર્ણનની કથા શ્રીતુલસીદાસજીએ ટૂંકમાં કહી છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લંકાનું ઘણું લાંબુ વર્ણન આલેખેલું છે. અહીં કિલ્લો, નગર, ચતુરંગિણી સેના, રાક્ષસોના જુથ, વનની શોભા, સુંદરીઓનું અદ્‌ભુત સૌંદર્ય, પરાક્રમી યોદ્ધાઓ, પહેલવાનોની કસરત, નગરની રક્ષા અને રાક્ષસોનું ભક્ષણ, આ દસેયનું વર્ણન બહું ટૂંકમાં કરવામાં આવેલ છે. કેમ ગોસ્વામીજીએ આટલું ટૂંકમાં વર્ણન કર્યું છે? તો પહેલું કારણ એ છે કે, લંકામાં રાક્ષસીવૃત્તિ વધુ છે અને તેનું બહું વર્ણન કરવું યોગ્ય જણાયું નહિ હોય. બીજું કારણ, આ બધા રાક્ષસો બહું ટૂંક સમયમાં પ્રભુ શ્રીરામના બાણોરૂપી તીર્થમાં શરીર ત્યાગીને પરમગતિ પામવાના છે. ભગવાન શ્રીરામના બાણોથી મૃત્યુ પામી, આ પૃથ્વી છોડી દેવાના હોય, તેનું વધુ વર્ણન શું કરવું?

અહીં એક પ્રશ્ન તરત જ ઉદ્‌ભવે કે ભગવાન શ્રીરામ તો આવશે ત્યારે રાક્ષસોનો વધ કરશે અને પછી તેઓ પરમગતિ પામશે. પરંતુ તેની પહેલા નજીકના સમયમાં, પહેલા તો શ્રીહનુમાનજીના હાથે રાક્ષસોનો વધ થવાનો છે. આ શ્રીહનુમાનજીના હાથે હણાયેલા રાક્ષસોને પરમગતિ પ્રાપ્ત થશે? ચોક્ક્સ થાય જ, કારણ કે આપણે અગાઉ ‘જિમિ અમોઘ રઘુપતિ કર બાના’ ચોપાઈ વિશે આ લેખમાળાના અઢારમાં મણકા અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/)માં જોયું હતુ તે મુજબ, ગોસ્વામીજીએ શ્રીહનુમાનજીને પ્રભુ શ્રીરામના અમોઘ બાણની ઉપમા આપી દીધી છે. આમ, શ્રીહનુમાનજીના હાથે જે રાક્ષસોનો વધ થશે, તેઓને પણ પરમગતિ પ્રાપ્ત થવાની જ છે.

આમ, ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજે શ્રીરામચરિતમાનસમાં લંકાનગરીનું છંદના માધ્યમથી ટૂંકમાં વર્ણન કરેલું છે. આખા છંદને યાદ કરી આજની કથાને અહીં વિરામ આપીએ.

:: છંદ ::

કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના

ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના

ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।

બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ

બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહીં

નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં

કહુઁ માલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહીં

નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્હ તર્જહીં

કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુઁ દિસિ રચ્છહીં

કહુઁ મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥

એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી

રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥

હે સદ્‌ગુરુ શ્રીવિશ્વંભરદાસજી મહારાજ ! હું સુંદરકાંડ વિશે આ જે કથા લખું છું, તે આપની જ અસીમ કૃપાનો પ્રતાપ છે. મારામાં કોઇ શક્તિ નથી કે મારું એવું કોઇ સામર્થ્ય નથી કે હું સુંદરકાંડ વિશે કંઇપણ લખી શકું. હું સંપૂર્ણ રીતે આપનો આશ્રિત છું અને આપ મારા એકમાત્ર આશ્રય છો. આપની અનુકંપા આ બાળક ઉપર સદાય રાખજો…

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન (ભાગ- ૧) । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ(શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૮ | मेरा राम की कृपा से… – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-028/ )માં આપણે શ્રીહનુમાનજી સમુદ્રને પાર ઉતરીને વૃક્ષોથી આચ્છાદિત અને ફૂલોથી ભરેલી વનોની હારમાળામાં વિચરતા આગળ વધે છે, આગળ એક પર્વત જોઇ, દોડીને તેની ઉપર ચઢી જાય છે અને આ બધા પરાક્રમ એ પ્રભુનો જ પ્રતાપ છે તથા છેલ્લે કિલ્લાના ટૂંકમાં વર્ણન સુધીની કથા જોઇ હતી. છંદના માધ્યમથી ગોસ્વામીજી શ્રીતુલસીદાસજીએ કરેલા લંકાના વર્ણનથી આજની કથાનો શુભારંભ કરીએ.

:: છંદ ::

કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના

ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના

ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।

બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ

બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહીં

નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં

કહુઁ માલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહીં

નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્હ તર્જહીં

કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુઁ દિસિ રચ્છહીં

કહુઁ મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥

એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી

રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥

ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજે લંકાનગરીનું વર્ણન ફક્ત ત્રણ જ છંદમાં પણ ખૂબ અદ્‌ભૂત કર્યુ છે. પ્રથમ છંદથી શરૂઆત કરીએ તો –

કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના

ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના

ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।

બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ

વિચિત્ર મણિઓથી જડેલો સોનાનો કોટ છે, તેની અંદર ઘણાં જ સુંદર ઘરો છે. ચાર રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે; સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પાયદળ અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે, તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ શકાતી નથી.

‘કનક કોટ’ નગરની ચારેય બાજુ સુવર્ણકોટ એટલે કે બાઉન્ડ્રી વોલ હતી. લંકાના કિલ્લાના વર્ણનની શરૂઆત જ કેટલી અદ્‌ભુત છે. કિલ્લાની ફરતી બાજુનો વંડો સોનાનો. કોઇના ઘરમાં મંદિરમાં સોનાની મૂર્તિ હોય, કોઇ બહુ ધનવાન હોય તો કદાચ મંદિર આખુ સોનાનું હોય, પરંતુ ઘરની ફરતી દિવાલ સોનાની હોય? ન હોય ને! અહીં આખી લંકાનગરીના ફરતી બાજુનો કોટ સોનાનો છે. છે ને અદ્‌ભુત? પણ આપણને બધાને ખબર જ છે કે માનસમાં ખૂબ જ સુંદર અને ગુઢ જીવનદર્શનનું પણ નિરૂપણ કરવામાં આવેલું છે. અહીં પણ આ જીવનદર્શનના સંદર્ભમાં લંકાની ફરતી બાજુ સોનાના કોટ બાબતે સમજીએ તો –

પહેલું, શ્રીહનુમાનજી માટે હેમશૈલાભદેહમ્‌, કનક ભૂધરાકાર શરીરા, કંચન બરન, કનક બરન વગેરે વિશેષણો અલગ-અલગ જગ્યાએ વાપરવામાં આવેલા છે. તેનો એક અર્થ એવો પણ થાય છે કે શ્રીહનુમાનજીનું શરીર સુવર્ણની જેમ આગથી ન બળનારું અને વિકારરહિત છે. અહીં શ્રીહનુમાનજી સોનાના અને લંકા પણ સોનાની છે. હવે આગળ આગ પણ લાગવાની છે. જે બળી જાય તે સાચુ સોનું નથી. પરીણામ આપણને બધાને ખબર જ છે. બીજું, બાબાજી અહીં એવું કહેવા માંગે છે કે જે સોનાનો કિલ્લો તોડી શકે, તે જ ભક્તિને પામી શકે. ભલભલા ત્યાગીઓ સોનાનો કિલ્લો તોડી કે ભેદી શક્યા નથી. અગાઉ જોયેલા અન્ય વિઘ્નો કદાચ પાર કરી જાય, પરંતુ આ સોનાનો, ધનનો, સંપત્તિનો કિલ્લો પાર કરવો કે તેનો મોહ છોડવો ખરેખર દુર્ગમ જ છે. અરે આજ-કાલ અખાડાના મહંતે આત્મહત્યા કરી હોય શકે, તેવી બાબત નેશનલ ન્યુઝ હોય છે અને તે અખાડાની સંપત્તિ હજારો કરોડ હોવાની ચર્ચા ચોરેને ચૌટે થતી જોવા મળે છે. તેનાથી વધુ શું સાબિતી જોઇએ?

એક તો દુર્ગમ કિલ્લો અને તેમાં પણ વળી ગોસ્વામીજીએ તેને બિચિત્ર એટલે કે વિચિત્ર કહ્યો છે. આ સોનાના કિલ્લામાં વિવિધ રંગોના દિવ્ય મણીઓ જડવામાં આવ્યા હતા અને માટે તેને વિચિત્ર કહ્યો છે. ત્યારબાદ આવે છે, સુંદરાયતના ઘના. આયતનનો અર્થ વિસ્તાર અને આકાર બન્ને થાય છે, જ્યારે ઘનાનો અર્થ ગીચ વસ્તી ધરાવતો કે વધુ ઘરો વાળો એવો થાય છે. અહીં આ કિલ્લો સુંદર આકારનો અને ગીચ વસ્તી ધરાવતો હશે, તેવું માની શકાય.

આવા સુંદર અને વિચિત્ર કિલ્લાની અંદર એક શહેર વસેલું છે. આગળ ગોસ્વામીજી આ શહેરનું વર્ણન કરતા કહે છે કે, ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના નગરમાં ચોક, બજાર, સુંદર રસ્તાઓ, સડકો અને ગલિઓ છે. અતિસુંદર, સુવ્યવસ્થિત અને સુઆયોજિત નગર છે. પહેલા કોટનું વર્ણન કર્યું, પછી શહેરનું અને હવે માનસકાર તેના રક્ષકોનું વર્ણન કરે છે. ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ’. હાથી, ઘોડા, પાયદળ અને રથ આ ચારેય મળી ચતુરંગિણી સેના થાય. આ ચતુરંગિણી સેના સાથે ખચ્ચરોનો સમૂહ પણ રક્ષકો તરીકે સામેલ હતો. આ રક્ષકોની સંખ્યા એટલી વધુ હતી કે, શ્રીતુલસીદાસજીએ લખ્યુ કે, કો ગનૈ અર્થાત આ બધાને કોણ ગણી શકે?

આગળ ગોસ્વામીજી લખે છે, બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ’. બહુરૂપ એટલે કે વિવિધ રૂપોવાળા. અહીં એવું પ્રતિપાદિત થાય છે કે વિવિધ લંકામાં વિવિધ બટાલિયન હતી, વિવિધ રૂપોવાળા રાક્ષસો હતા. જેમ આપણે આર્મી, બીએસએફ, પોલીસ, કમાન્ડો વગેરે વિવિધ પ્રકારની રક્ષક ટૂકડીઓ હોય છે, તેમ અહીં પણ વિવિધ રૂપોવાળા રાક્ષસોના સમૂહો રક્ષા માટે તત્પર હતા. આવા વિવિધ સમૂહોના મુખ્યાઓ અગણિત હતા અર્થાત સેના ખૂબ જ મોટી અને બળવાન હતી, જેનું વર્ણન થઈ શકતું નથી.

ઉકત છંદ અન્વયે વધુ બે સુંદર વાતો પણ જોઈએ. પહેલી, અહીં નગરની સુરક્ષા માટે સાત આવરણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, હાથી, ઘોડા, રથ, પાયદળ, ખચ્ચર, પહેલવાનો અને યોદ્ધાઓ. તે સમયે આ એક આદર્શ સુરક્ષા વ્યવસ્થા ગણાતી હતી. બીજી, મહાભારતમાં સુરક્ષા સંદર્ભમાં સાત સ્થાનોનું વર્ણન કરવામાં આવેલું છે. નિર્જળ ભૂમિ, દલદલ, પાણીની ખાડી, વન, પર્વત, ચતુરંગિણી સેના અને કિલ્લો. રાજધાનીમાં આ સાતેય પ્રકારના આશ્રય સ્થાનો હોવા જોઈએ. લંકામાં દલદલ સિવાયના છ આશ્રય સ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે.

બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહીં

નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં

વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય. નાગો, દેવો, અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌન્દર્યથી મુનિઓના મનોને મોહી લે છે.

‘બન’ એટલે વન, જેમાં સિંહ, વાઘ વગેરે જંગલી પશુઓ રહે છે. વનને સામાન્ય રીતે ઉગાડવું પડતું નથી, એટલે કે આપ મેળે જ ઉગેલું વન કે જંગલ. જે રીતે આજે આપણે વૃક્ષો કાપીએ છીએ, હવે ઉગાડવું પડે છે અને તો પણ જંગલ ઘટતું જ જાય છે. ‘બાગ’ એટલે ફક્ત ફળ-ફૂલવાળા જ વૃક્ષો હોય તેવું સ્થળ અને ‘ઉપબન’ એટલે કે જેનો વિસ્તાર બાગથી વધુ અને વનથી ઓછો હોય, જેમાં ફરવા જઇ શકાય તેવું સ્થળ. ‘બાટિકા’ એટલે કે ફક્ત ફૂલોના જ છોડ હોય, તેવું સ્થળ. વાટિકા ફૂલે, બાગ ફળે અને વન ખીલે. આ વાટીકાની વચ્ચે જળાશય, કૂવો કે વાવડી હોય છે. અહીં વન, બાગ, ઉપવન, વાટીકા, જળાશય, કૂવો અને વાવડી આ સાતેયથી નગર શોભતુ હોય, તેઓનું વર્ણન કરવામાં આવેલું છે.

નર નાગ સુર ગંધર્બ કન્યા’ એટલે કે મનુષ્ય, નાગ, દેવો, ગંધર્વો, યક્ષો વગેરેની કન્યાઓ અહીં હતી. અને આ બધી કન્યાઓ કેવી હતી? તો ‘રૂપ મુનિ મન મોહહીં’ અર્થાત તેઓના રૂપ મુનિઓના મનને પણ મોહી લે તેવા હતા. ભલ-ભલા મુનિઓનો વૈરાગ્ય છૂટી જાય તેવી સુંદર આ સ્ત્રીઓ હતી. અહીં તરત જ એવો પ્રશ્ન થાય કે, રાક્ષસોના નગરમાં આ બધી કન્યાઓ કેમ હતી? શું કરતી હશે? તો, રાવણ આખી સૃષ્ટિમાં કોઈપણ સુંદર કન્યાને જોતો, પછી તે મનુષ્ય, નાગ, કિન્નર, દેવ, યક્ષ કે ગંધર્વ કોઇપણ કન્યા હોય, તેનું અપહરણ કરી લાવતો કે જીતી લાવતો હતો – “દેવ યક્ષ ગંધર્બ નર કિન્નર નાગ કુમારિ, જીતિ બરીં નિજ બાહુબલ બહુ સુંદરિ બર નારિ”.

આપણે રાવણ શબ્દ બોલીએ કે સાંભળીએ એટલે તરત જ મગજમાં કેવું ચિત્ર ઉપસે? રાક્ષસ, દસ માથાવાળો, કદમાં મોટો, વિકરાળ અને કાળો? કંઈક વિચિત્ર? એવું નથી. શાસ્ત્રોમાં વર્ણન મુજબ તે ખૂબ જ સ્વરૂપવાન હતો, જાણે કે તેજપુંજ. તેના રાણીવાસમાં એકથી એક વધે તેવી સુંદરીઓ હતી. આ બધી સુંદરીઓ તેને મન, વચન અને કર્મથી પ્રેમ કરનારી હતી, પછી તે કોઇ પણ હોય. નાગ કન્યા હોય કે ગંધર્વ કન્યા હોય, આ બધી સુંદર સ્ત્રીઓ બગીચામાં વિહાર કરી રહી હતી અને તેનું સૌંદર્ય એવુ હતું કે મુનિઓના મનને પણ મોહિ લે. આ સુંદર સ્ત્રીઓ વિહાર કરી રહી હતી કારણ કે શ્રીહનુમાનજી સૂર્યાસ્તમાં થોડી ઘડીઓની વાર હતી ત્યારે પહોંચ્યા હતા. વિહાર કરવાનો આ સૌથી યોગ્ય સમય હોય છે, માટે આવું વર્ણન કરવામાં આવેલું છે. લંકાનું વધુ વર્ણન આવતા અંકમાં કરીશું, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૮ | मेरा राम की कृपा से…| Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૨૭, “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ”માં કમિયાળા ધામની યાત્રા, આપણે સિંહિકા શ્રીહનુમાનજી સાથે શું છળ કરે છે? સુગ્રીવને આ છાયાગ્રહી જીવ સિંહિકા વિશે કઇ રીતે જાણકારી હતી? સો યોજનનો સમુદ્ર પાર કર્યા બાદ શ્રીહનુમાનજીની પરિસ્થિતિ શું હતી? અને પશુ-પક્ષીઓના સમૂહોને જોઇને શ્રીહનુમાનજીના મનમાં કેમ પ્રસન્નતા થઇ? વગેરે કથા જોઇ હતી. આગળ ગોસ્વામીજી લખે છે –

સૈલ બિસાલ દેખિ એક આગે તા પર ધાઇ ચઢે઼ઉ ભય ત્યાગે

સામે એક વિશાળ પર્વત જોઇને શ્રીહનુમાનજી ભય ત્યાગીને તેના ઉપર દોડીને ચઢી ગયા.

સૈલ એટલે પર્વત. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે વાનરશિરોમણી શ્રીહનુમાનજી વૃક્ષોથી આચ્છાદિત અને ફૂલોથી ભરેલી વનોની હારમાળામાં વિચરવા લાગ્યા. વનમાં થોડા આગળ વધતા પર્વત દેખાયો. કેવો હતો આ પર્વત? બિસાલ અર્થાત તે એક વિશાળ પર્વત હતો. જેવી રીતે કોઇ વિશિષ્ટ વસ્તુ કે વ્યક્તિના નામ સાથે અંગ્રેજીમાં THE” વાપરવામાં આવે છે, તેમ અહીં “એક” વાપરવામાં આવ્યુ છે. આવું જ આપણે રાક્ષસીઓના નામ સાથે પણ “એક” વપરાયેલું છે, તેની વિગતો આપણે ભાગ – ૨૫માં  અગાઉ જોઇ હતી. આ પર્વત વિશાળ હતો અને કંઇક ખાસ પણ હતો એટલે કે દુર્ગમ પણ હતો. શ્રીહનુમાનજી “તા પર ધાઇ” તેના ઉપર દોડીને ચઢી ગયા. વાનરો દુર્ગમ વિસ્તાર બે રીતે પાર કરતા હોય છે, એક કૂદીને અને બીજુ દોડીને. અહીં શ્રીહનુમાનજી દોડીને તેના ઉપર ચઢી જાય છે.

શ્રીતુલસીદાસજીએ છેલ્લે લખ્યુ છે, “ભય ત્યાગે”. અહીં ભય ત્યાગીને એવું કેમ લખ્યુ છે? તેનો કોઇ સ્પષ્ટ આશય સમજાતો નથી, પરંતુ ઘણા બધા તર્ક કરી શકાય. જેમ કે, પહેલો, સામા કાંઠે જેવો શ્રીહનુમાનજીએ પર્વત ઉપરથી કૂદકો માર્યો કે તે પાતાળમાં ચાલ્યો ગયો હતો. તેમ છતાં અહીં તેનો ભય રાખ્યા વગર કે આ પર્વતનું શું થશે? તેઓ દોડીને તેની ઉપર ચઢી ગયા. બીજો, સમુદ્ર પાર કરતી વખતે રસ્તામાં ઘણાં વિઘ્નો આવ્યા હતા. હવે તો તેઓ આ પાર ઉતરી ગયા છે માટે નવું કોઇ વિઘ્ન આવશે તેવો ભય ત્યાગીને તેઓ દોડીને પર્વત ઉપર ચઢી ગયા, એવું સમજી શકાય. ત્રીજો, લંકાનગરીથી તેઓ ઘણા જ નજીક આવી ગયા હતા. લંકાના સૈનિકો આ વનમાં પહેરો કરતા હોઇ શકે. આવા પહેરાની પણ ચિંતા કર્યા વગર તેઓ દોડીને પર્વત ઉપર ચઢી ગયા, એવો તર્ક પણ કરી શકાય. ચોથો, આ પર્વત સંબંધી બ્રહ્માજીના શ્રાપની પણ એક કથા છે. આ શ્રાપ મુજબ જે કોઇ આ પર્વત ઉપર પગ મૂકે તેનું મસ્તક ફાટી જાય. આવો શ્રાપ હોવા છતાં તેનો ભય ત્યાગીને શ્રીહનુમાનજી દોડીને પર્વત ઉપર ચઢી ગયા. પાંચમો અને છેલ્લો તર્ક જોઇએ તો, પર્વત ઉપર ચઢવાથી લંકાના રક્ષકો તેઓને જોઇ જશે, તેવો ભય ત્યાગીને શ્રીહનુમાનજી દોડીને પર્વત ઉપર ચઢી ગયા.

ગોસ્વામીજીનો ભય ત્યાગીને પર્વત ચડવા માટેનો તર્ક જે પણ હોય, પરંતુ એ બાબત એટલી જ સાચી છે કે, પ્રભુભક્તિ મેળવવા માટે સંસારસાગરના ભયને ત્યાગીને, દોડીને કે કૂદીને જ આગળ વધવુ પડે. એય… ને… આરામથી… ટહેલતા રહીએ તો ભક્તિ ન મળે. ભક્તિ મેળવવા માટેની મનમાં આગ જોઇએ, દ્રઢ નિષ્ચય જોઇએ. આમ, માનસકારે મનમાં કોઇપણ ભય રાખ્યા વગર ભક્તિમાર્ગે આગળ વધવા જણાવ્યું છે, તે તર્ક તો ચોક્કસ બંધ બેસે જ છે. આગળ શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે –  

ઉમા ન કછુ કપિ કૈ અધિકાઈ પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ

ગિરિ પર ચઢિ઼ લંકા તેહિં દેખી કહિ ન જાઇ અતિ દુર્ગ બિસેષી

અતિ ઉતંગ જલનિધિ ચહુઁ પાસા । કનક કોટ કર પરમ પ્રકાસા

હે ઉમા! આમાં વાનર શ્રીહનુમાનની કોઇ મોટાઈ નથી. આ બધો તો પ્રભુ શ્રીરામનો પ્રતાપ છે, જે કાળને પણ ગ્રસી જાય છે. પર્વત ઉપર ચઢીને તેઓએ લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, એટલો વિશિષ્ટ છે કે તેનું વર્ણન થઇ શકતુ નથી. તે અત્યંત ઉંચો છે, તેની ચારેય બાજુ સમુદ્ર છે. સોનાના કોટ(વંડા)નો પરમ પ્રકાશ થઇ રહ્યો છે.   

અહીં એકવાત એ યાદ કરી લઇએ કે, શ્રીરામચરિતમાનસ એ ભગવાન શંકર માતા પાર્વતીજીને પ્રભુ શ્રીરામની કથા કહે છે, તેવા વાર્તાલાપ સ્વરૂપે છે. અગાઉની ચોપાઇઓમાં ભગવાન શિવજી માતા પાર્વતીજી સામે શ્રીહનુમાનના પરાક્રમનું વર્ણન કરે છે. બીજા કોઇ કવિ હોત અને તેઓ શ્રીહનુમાનજીના સતત વખાણ કર્યે જાત તો ઠિક છે, પરંતુ અહીં તો શિવજી સ્વયં શ્રીહનુમાનજીના રૂપમાં છે. પોતાના મુખે પોતાનાને પોતાના વખાણ કરાય? આત્મશ્લાઘા કરવી એ તો સદ્‌ગૃહસ્થોમાં નિંદનીય બાબત છે. આમ, શિવજી શ્રીહનુમાનજીની અર્થાત પોતાની પરાક્રમ ગાથામાં થોડા અટકે છે અને કહે છે કે, આમાં કપિરાજ શ્રીહનુમાનજીની કોઇ મોટાઇ નથી. તેઓ જે કંઇ પણ કરે છે તે પ્રભુ શ્રીરામનો જ પ્રતાપ છે. પોતાના મુખે પોતાના વખાણ કરતા પરશુરામજીને બાલકાંડમાં લક્ષ્મણજીએ કટાક્ષમાં કહ્યુ જ હતુ ને કે, “અપને મુઁહ તુમ્હ આપનિ કરની, બાર અનેક ભાઁતિ બહુ બરની”. આમ, અહીં પ્રભુ શ્રીરામની સર્વોપરિતા કાયમી રાખવાનો ગોસ્વામીજીનો ભાવ છે.

પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ’ આ બધો તો પ્રભુ શ્રીરામનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. આ ચોપાઇ સંદર્ભમાં એક કથા એવી પણ છે કે, ત્રિકૂટા ચલ પર્વતના ત્રણ શીખરો પૈકીના આ એક શીખરની રક્ષાની જવાબદારી રાવણે સ્વયં કાળને સોંપી હતી. આ વાતની શ્રીહનુમાનજીને જાણ હતી, તેમ છતાં કાળનો પણ ભય રાખ્યા વગર તેઓ દોડીને પર્વત ઉપર ચઢી ગયા. જેવા શ્રીહનુમાનજી પર્વત ઉપર ચડ્યા કે કાળનો સામનો થયો. શ્રીહનુમાનજીએ કાળને પકડીને મોઢામાં દાંતથી દબાવ્યો. આમ, કાળને પકડીને દાંતથી દબાવવો એ કંઇ નાની-શુની વાત નથી. આ સંદર્ભમાં અહીં લખવામાં આવ્યુ છે કે, આમાં શ્રીહનુમાનની કોઇ બડાઇ નથી. આ બધો તો પ્રભુ શ્રીરામનો પ્રતાપ છે, જે કાળને પણ ગ્રસી જાય છે. આપણે નિમિત માત્ર હોઇએ છીએ, જે કંઇ પણ  બનતુ હોય છે, તે પ્રભુનો પ્રતાપ જ હોય છે. “આ હું કરુ છું”, તેવો ભાવ છોડી દો કારણ કે –

मेरा राम की कृपा से सब काम हो रहा है । मेरा राम की कृपा से सब काम हो रहा है ॥

करते हो मेरे राघव मेरा नाम हो रहा है । करते हो मेरे राघव मेरा नाम हो रहा है

मेरा आपकी कृपा से सब काम हो रहा है ॥

पतवार की बिना ही मेरी नाव चल रही है || पतवार की बिना ही मेरी नाव चल रही है ||

हैरान है जमाना मंजिल भी मिल रही है || हैरान है जमाना मंजिल भी मिल रही है ||

करता नहीं मै कुछ भी, करता नहीं मै कुछ भी, सब काम हो रहा है ||

मेरा राम की कृपा से सब काम हो रहा है ||

तुम साथ हो जो मेरे किस बात की कमी है || तुम साथ हो जो मेरे किस बात की कमी है ||

तेरे सिवा किसी की परवाह भी नही है || तेरे सिवा किसी की परवाह भी नही है ||

तेरी दया से दास अब, तेरी दया से दास अब, मालामॉल हो रहा है ||

मेरा राम की कृपा से सब काम हो रहा है ||

तूफान आंधियो में तुमने ही मुझको थामा || तूफान आंधियो में तुमने ही मुझको थामा ||

तुम कृषण बन कर आये मै जब बना सुदामा|| तुम कृषण बन कर आये मै जब बना सुदामा||

तेरा करम ये मुझ पर, तेरा करम ये मुझ पर, सरेआम हो रहा है ||

मेरा राम की कृपा से सब काम हो रहा है ||

मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ || मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ ||

टूटी हुई वाणी से, गुणगान कैसे गाऊँ || टूटी हुई वाणी से, गुणगान कैसे गाऊँ ||

तेरी ही प्रेरणा से, तेरी ही प्रेरणा से, ये कमाल हो रहा है ||

मेरा राम की कृपा से सब काम हो रहा है ||

करते हो मेरे राघव मेरा नाम हो रहा है । मेरा आपकी कृपा से सब काम हो रहा है ॥

मेरा राम की कृपा से सब काम हो रहा है || मेरा राम की कृपा से सब काम हो रहा है || 

હે મેરે રામ! હે પ્રભુ! આપકી કૃપાસે હી સબ હો રહા હૈં. ‘ગિરિ પર ચઢિ઼’, અહીં પર્વત ઉપર ચઢીને શ્રીહનુમાનજી લંકાનું નિરીક્ષણ કરે છે, અર્થાત આ પર્વત એટલો ઊંચો છે કે તેના ઉપરથી આખી લંકા નગરી જોઇ શકાય છે. કોઇ અજાણ્યા દેશમાં કે અજાણી જગ્યાએ જઇએ તો તેના વિશે અગાઉથી પુરતી માહિતી મેળવી લેવી જોઇએ, તેમાંય શત્રુના દેશમાં જતા હોઇએ ત્યારે તો ખાસ. તે સમયે માહિતી મેળવવાના સંશાધનો મર્યાદિત હતા. સુગ્રીવ અને સંપાતિ પાસેથી જે જાણવા મળ્યુ હતું, તેના આધારે લંકાના દ્વાર સુધી તો પહોંચી ગયા, હવે તેઓ ‘લંકા તેહિં દેખી’ અર્થાત પર્વત ઉપર ચઢીને લંકા નગરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેની રચના વગેરે એટલી વિશિષ્ટ છે કે તેનું વર્ણન થઈ શકતુ નથી.

આગળ માનસકાર લખે છે, ‘અતિ ઉતંગ જલનિધિ ચહુઁ પાસા’. લંકાપુરી ઉંચાઇ ઉપર વસેલી છે. ‘ગિરિ ત્રિકૂટ ઊપર બસ લંકા’ અર્થાત ત્રિકૂટ પર્વત ઉપર લંકા વસેલી છે અને કિલ્લાની ચારેય બાજુ સમુદ્રના રૂપમાં ઊંડી ખાડીઓ છે. ‘કનક કોટ કર પરમ પ્રકાસા’ અર્થાત આખો કિલ્લો સુવર્ણમંડિત હોય, સૂવર્ણના પ્રકાશથી ઝળહળ રહ્યો હતો અને વધુમાં કોટમાં દિવ્ય મણિઓ જડેલા હોય, તેનો પ્રકાશ પરમ હતો, શ્રીતુલસીદાસજીએ કિલ્લાનું ખૂબ જ ટૂંકમાં આવું અદ્‌ભુત વર્ણન કર્યુ છે. ત્યારબાદ છંદના માધ્યમથી શ્રીતુલસીદાસજી લંકાનું વર્ણન કરે છે. જે આવતા અંકથી જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૭ | “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ” | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૬ | અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-026/ ) માં આપણે અજીબોગરીબ અઘટિતઘટનાપટીયસી માયા, સિંહિકા એ ઇર્ષ્યાનું પ્રતિક છે માટે “ઘણીવાર તમારો વાંક-ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે”  અને આ સંદર્ભમાં પતંગનું ઉદાહરણ વગેરે જોયુ હતું.

આજની શ્રી સુંદરકાંડની કથા શરૂ કરતા પહેલા એક સુંદર પવિત્ર યાત્રા “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ”ની વાત કરવી છે. આજે ગાંધીનગરથી આશરે ૧૨૦ કિલોમીટર દૂર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કમિયાળા ગામમાં આવેલા કષ્ટભંજન દેવના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. આ મંદિર એક સુંદર  તળાવના કિનારે આવેલું છે, આ તળાવમાં શ્રીહનુમાનજીની એક મોટી પ્રતિમા મૂકવામાં આવેલી છે. મંદિર પહેલા બહું જ નાનું હતું, અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે અને આખુ સંકુલ વિકસાવવામાં આવી રહ્યું છે.

આ મંદિરનો ઇતિહાસ જોઇએ તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના જીવનકાળ દરમિયાન આ કમિયાળા ગામમાં ૩૨ વખત આવ્યા હતા. શ્રીજી મહારાજે આ ગામમાં રામનવમી જેવા તહેવારોની ઉજવણી કરી છે, તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિક્રમ સંવત ૧૮૯૧માં શ્રી ગોપાળાનંદ સ્વામી અહીં પધાર્યા હતા. તે સમયે આ ગામમાં ઘણા લોકો મરકી(પ્લેગ)ના રોગથી મૃત્યુ પામતા હતા. ગામના ભક્તોએ સ્વામીજીને કૃપા કરવા વિનંતી કરી. શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજી મહારાજના આશીર્વાદથી હું આ જળ કાંઠે શક્તિશાળી શ્રીહનુમાનજી મહારાજની સ્થાપના કરીશ. ત્યારબાદ યોગી શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રીહનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી અને તેનું નામ શ્રી કષ્ટભંજન દેવ રાખ્યું. એવું કહેવાય છે કે પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપનાના લગભગ ૧૪ વર્ષ પહેલા આ પ્રથમ કષ્ટભંજન દેવની સ્થાપના કરવામાં આવેલ છે. જે સમયે શ્રી ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી તે સમયે શ્રીહનુમાનજી મહારાજ સાક્ષાત પ્રગટ થયા હતા. સ્વામીજીએ શ્રી કષ્ટભંજન દેવને વિનંતી કરી હતી કે જે ભક્તો તમને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે, તમે તેઓની સમસ્યાઓ દૂર કરજો અને તેઓના શુભ સંકલ્પોની પૂર્તિ કરજો. આજે પણ કમિયાળા ગામના શ્રી કષ્ટભંજન દેવ હજારો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રી કષ્ટભંજન દેવની સ્થાપનાનો પ્રથમ વખત વિચાર અહીં આવેલો. ખરેખર ખૂબ જ અલૌકિક અનુભૂતિ થઈ. હાલ શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ સ્વામીજી ત્યાં સેવારત છે. તેઓ સાથે સત્સંગ કરીને પણ આનંદ થયો. બપોરની પ્રસાદી પણ ત્યાં જ લીધી હતી. હરિકૃપાથી જ આવો લ્હાવો મળતો હોય છે.

હવે આજની કથામાં આગળ વધીએ. શ્રીહનુમાનજીના પડછાયાને પકડીને સિંહિકા થાપ ખાઈ ગઈ. તેણીએ શ્રીહનુમાનજીનો પડછાયો સમજી જે છાયા પકડી હતી ને, તે શ્રીહનુમાનજીના પડછાયાની કાળાશ ન હતી, પરંતુ મારા રામજી લાલાના શ્યામ વર્ણની છાયા હતી, જે સતત તેઓની સાથે આશીર્વાદના રૂપમાં રહેતી હતી. તેની સામે ઇર્ષ્યારૂપી માયા શું ફાવી શકે? કદાપી નહી જ. ત્યારબાદ શ્રીતુલસીદાસજી લખે છે –

સોઇ છલ હનૂમાન કહઁ કીન્હા તાસુ કપટુ કપિ તુરતહિં ચીન્હા

તેણીએ એ જ છળ શ્રીહનુમાનજી સાથે પણ કર્યું. શ્રીહનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું.

સોઇ છલએ જ છળ, જીવ-જંતુને પડછાયાથી પકડીને તેની ગતિ અવરોધવી અને જ્યારે તે દરિયાના પાણીમાં પડે એટલે તેને પકડીને ખાઈ જવાનું છળ, તેણીએ શ્રીહનુમાનજી સાથે પણ કર્યું. સિંહિકાએ જેવો શ્રીહનુમાનજીનો પડછાયો પકડ્યો કે તેઓની ગતિ રુંધાવા લાગી. શ્રીહનુમાનજીએ આસપાસ, આગળ-પાછળ, ઉપર-નીચે નજર નાખી, તો નીચે સમુદ્રમાં આ ભયંકર રાક્ષસી સિંહિકાને જોઇ. શ્રીહનુમાનજીની કુશાગ્ર બુદ્ધિથી તો આપણે બધા પરિચિત જ છીએ, અગાઉ આ બાબતે ઘણી વાતો પણ આપણે કરી છે. તેઓને તરત જ સમજમાં આવી ગયું કે, કપિરાજ્ઞા યથાખ્યાતં સત્વમદ્‌ભુતદર્શનમ્‌ છાયાગ્રાહિ માહાવીર્યં તદિદં નાત્ર સંશય: એટલે કે વાનરરાજ સુગ્રીવે જે મહાપરાક્રમી છાયાગ્રહી અદ્‌ભુત જીવની વાત કરી હતી, તે નિ:સંદેહ આ જ છે. અહીં એક પ્રશ્ન તુરંત જ ઉદ્‌ભવે કે સુગ્રીવને આ છાયાગ્રહી રાક્ષસી વિશે કેવી રીતે ખબર પડી હશે? તેઓએ શ્રીહનુમાનજીને આ રાક્ષસી વિશે ક્યારે અને શું કહ્યું હશે? આ બધા પ્રશ્નોના જવાબ આપણને શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાંથી મળે છે.

શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણના કિષ્કિંધાકાંડમાં ૪૦ થી ૪૩માં સર્ગમાં સુગ્રીવ ચારેય દિશામાં માતા સીતાજીને શોધવા જઈ રહેલા વાનરવીરોને કઈ દિશામાં કેટલા અંતરે શું-શું આવશે? વાનરવીરો ક્યાં સુધી જઇ શકશે? ખાસ જગ્યાઓએ શું-શું કાળજી રાખવી વગેરે જણાવે છે, તેવું વર્ણન કરવામાં આવેલું છે. આમ જોઈએ તો આ ચાર સર્ગમાં આખા ભૂમંડળનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ ૪૬માં સર્ગમાં પ્રભુ શ્રીરામ સુગ્રીવને પુછે છે કે તમે આ બધુ કઇ રીતે જાણો છો? તેના જવાબમાં સુગ્રીવ દુન્દુભિ દાનવ, તેનું વાલી સાથેનું ભયંકર યુદ્ધ અને યુદ્ધ વખતે થયેલ ગેરસમજ તથા પાછા ફરી વાલીએ સુગ્રીવ પાસેથી જે રીતે તેની પત્નિ અને રાજ્ય સહિત બધુ છીનવી લીધુ હતું, તેની વાત કહે છે. વાલી આટલેથી અટકતો નથી અને સુગ્રીવ પાસેથી બધુ છીનવી લીધા બાદ પણ તેને મારી નાખવા તેની પાછળ પડી જાય છે. તે સમયે સુગ્રીવ વાલીથી બચવા ભૂમંડળની ચારેય દિશાઓના અંતિમ બિંદુઓ સુધી જાય છે. આમ, તેને આખા ભૂમંડળનું જ્ઞાન હોય છે. ચારેય દિશાઓ ફરી લીધા પછી પણ વાલીથી છૂટકારો ન મળતા, અંતે બુદ્ધિમાન મંત્રી શ્રીહનુમાનજીની સલાહ અનુસાર ઋષ્યમૂક પર્વત ઉપર આશ્રય લે છે, જે વાતથી આપણે બધા વાકેફ છીએ.

વિજ્ઞાનના આટ-આટલા આવિષ્કારો પછી પણ પૃથ્વીના અમૂક ભાગો સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી, પૃથ્વીના અમૂક રહસ્યો આજેય વણઉકેલ્યા છે, ત્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આખા ભૂમંડળનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે. આ આપણા મુનિઓ અને શાસ્ત્રોની સિદ્ધિ દર્શાવે છે. મોકો મળે તો આ વર્ણન વાંચવા જેવું છે. શ્રીહનુમાનજી સિંહિકાને ઓળખી જાય છે અને ત્યારબાદ કેવી રીતે તેણીને હણે છે? તેની કથા શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણ, અધ્યાત્મ રામાયણ વગેરેમાં અલગ-અલગ રીતે વર્ણવેલી છે. સબ કા માન રખતે હુએ, માનસકારને લિખ દિયા –

તાહિ મારિ મારૂતસુત બીરા બારિધિ પાર ગયઉ મતિધીરા

ધીરબુદ્ધિવાન મહાવીર પવનપુત્ર શ્રીહનુમાનજી તેને મારીને સમુદ્રને પાર કરી ગયા.

અહીં શ્રીહનુમાનજી માટે પવનપુત્ર, મહાવીર અને ધીરબુદ્ધિવાન એવા ત્રણ વિશેષણો પ્રયોજવામાં આવેલા છે. મારુતસુત તો એટલા માટે કે પવનને કોઇ રોકી શકતુ નથી, તેને કોઇ માયા પણ વ્યાપી શકતી નથી. બીરા અને મતિધીરા એટલા માટે કે આટલી પ્રબળ માયાવી સિંહિકાને બળ તથા બુદ્ધિથી જીતી લીધી. તેની માયા સામે સહેજ પણ ખચકાયા વગર ધીરબુદ્ધિથી તેને જીતી લીધી. આ ઉપરાંત આ ચોપાઈમાં માનસકાર સમુદ્રને ઓળંગવાનું પૂર્ણ કરાવે છે એટલે કે શ્રીહનુમાનજીએ સમુદ્રને પાર કરી લીધો તેવું વર્ણવેલુ છે. આ સમુદ્રને પાર કરવાની યાત્રામાં કેટ-કેટલા વિઘ્નો આવ્યા? છતાં પણ જરાયે વિચલિત થયા વગર તેઓ સમુદ્રને પાર કરે છે, જે અનુસંધાને ધીરબુદ્ધિવાન એવું વિશેષણ વાપરવામાં આવેલું હોઈ શકે છે.

સો યોજનનો સમુદ્ર પાર કર્યા બાદના વર્ણનમાં વાલ્મીકીય રામાયણમાં લખ્યું છે, “અનિ:શ્વસન્‌ કપિસ્તત્ર ન ગ્લાનિમધિગચ્છતિ” અર્થાત ન તેઓને કોઇ થાક હતો કે તેઓને લાંબો શ્વાસ પણ નહોતો લેવો પડતો. સમુદ્ર ઓળંગવા છલાંગ મારતી વખતે તેઓ જેટલા સામાન્ય હતા, તેટલા જ સમુદ્ર ઓળંગીને સામે પાર ઉતર્યા બાદ પણ દેખાતા હતા. તેઓના મુખ પર લગીરે થાક વરતાતો ન હતો. અને આપણે? એક દાદરો ચડીએ ત્યાં હાંફી જઈએ છીએ. શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેનો આ બધો પ્રતાપ છે. શ્રીહનુમાનજી સમુદ્ર પાર ઉતર્યા પછી માનસકાર લખે છે –

તહાઁ જાઇ દેખી બન સોભા ગુંજત ચંચરીક મધુ લોભા

નાના તરુ ફલ ફૂલ સુહાએ ખગ મૃગ બૃંદ દેખિ મન ભાએ

ત્યાં જઇને શ્રીહનુમાનજીએ વનની શોભા જોઇ. ત્યાં મધુ(પુષ્પરસ)ના લોભે ભ્રમર ગુંજન કરી રહ્યા હતા. વન અનેક પ્રકારના વૃક્ષો ફળ-ફૂલોથી સુશોભિત હતું. પશુ-પક્ષીઓના સમૂહોને જોઇને શ્રીહનુમાનજી મનમાં ઘણાં જ પ્રસન્ન થયા.

‘તહાઁ જાઇ’ અર્થાત ત્યાં જઇને. જેમ સમુદ્રને પેલી પાર વાનરસેના સાથે શ્રીહનુમાનજી હતા, તે સ્થળ સમુદ્રના કિનારાથી એકદમ નજીક ન હતુ અને શ્રીહનુમાનજી પર્વત ઉપર ચડવા ત્યાં ગયા હતા, તેવું વર્ણન હતું. તેવી જ રીતે અહીં પણ સમુદ્રના કિનારે ઉતરતા વેંત વન જ જોવા નથી મળ્યુ કે વનમાં જ નહોતા ઉતર્યા. રન-વે પછી ટર્મિનલ આવે અને ત્યાંથી બહાર નિકળીએ ત્યારે શહેરની શોભા જોવા મળે, તેમ અહીં ગોસ્વામીજી લખે છે, ‘તહાઁ જાઇ’ ત્યાં જઇને, ઉતરીને થોડા આગળ વધ્યા ત્યાં વન હતુ. પછી બાબાજી લખે છે, ‘દેખી બન સોભા’ એટલે કે વનની શોભા નિહાળી. આ વન દૂરથી લીલી ધરો અને વૃક્ષોથી આચ્છાદિત હોય તેવું ભાસતુ હતુ. થોડા વધુ નજીક જવાથી મધુ એટલે કે પુષ્પરસના લોભે ભ્રમરોનો ગુંજારવ સંભળાવા લાગ્યો. થોડા વધુ નજીક પહોંચતા નાના-મોટા તમામ વૃક્ષો ફળ-ફૂલો અને ઘણામાં બન્ને લાગેલા હતા. એકદમ નજીક આવતા શ્રીહનુમાનજીએ જોયુ કે, તેમાં પક્ષીઓ અને પશુઓના ટોળા હતા. આ બધુ જોઇને તેઓના મનને આ ખૂબ જ ગમ્યું અને તેઓ પ્રસન્ન થઇ ગયા.

વનની શોભા શ્રીહનુમાનજીને ગમી, તેના બે કારણો છે. પહેલું, પોતે વાનર સ્વરૂપે વનચર છે. આગળ વર્ણન કર્યા મુજબનું વન હોય તો વનચર જીવને ગમે જ તે સ્વાભાવિક છે. બીજુ, પક્ષીઓ સાથે પશુઓના ટોળાઓને જોઇને તે નિશ્ચિત થઇ ગયુ કે રાવણ ભલે રાક્ષસીવૃત્તિ ધરાવતો હતો, પરંતુ તે વનના પશુઓને હણવા દેતો નહિ હોય, મૃગયા કરવાની મનાઈ હશે. એ સમયે રાક્ષસો ય સમજદાર હતા અને અત્યારે? આ લેખ પબ્લિશ અત્યારે થઇ રહ્યો છે, પરંતુ જ્યારે હું લખી રહ્યો હતો, તે દિવસે એક નિર્દોષ પ્રાણીને મારીને મનાવાતા તહેવારની જાહેર રજા હતી. જ્યારે વન્ય જીવો(આમ તો કોઇ પણ જીવ)ને હાની પહોંચાડવાના સમાચારો સાંભળીએ છીએ કે વાંચીએ છીએ, ત્યારે ખરેખર દુ:ખ થાય છે. પછી તે કેરળમાં હાથીનો કિસ્સો હોય કે સાસણ-ગીરમાં સિંહના કિસ્સા હોય, ખરેખર અતિ દુ:ખદાયક હોય છે.

તમે જોયું? વનમાં આટલા સુંદર ફળ-ફૂલ જોઇને શ્રીહનુમાનજી ખુશ થાય છે, પરંતુ તેને ખાતા નથી. આપણે આટલી લાંબી ૧૨૦૦ કિમીની મુસાફરી કરીએ અને પછી મસ્ત ફાર્મહાઉસમાં ઉતારો મળે અને ત્યાં સુંદર-સુંદર વ્યંજનો ઉપલબ્ધ હોય તો? મજા પડી જાય, હે ને? બીજું, એવું પણ નથી કે વાનરસેના ત્યાં તકલીફમાં હશે અને હું કેમ ખાઉં? કારણ કે તેઓ વાનરસેનાને કહીને આવ્યા હતા કે, “સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ” (શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-015/ ). પરંતુ, તેઓને તો જરાય થાક કે ભૂખ ન હતી. તેઓ પ્રભુકાર્ય માટે દ્રઢનિશ્ચયી હતા, માટે જ અગાઉ મૈનાકને પણ કહ્યું હતું કે, “રામકાજુ કીન્હે બિનુ મોહિ કહાઁ બિશ્રામ” (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-020/ ). આજની કથાને અહીં વિરામ આપીએ.

ગયા અંકનો પ્રશ્ન – લંકા પહોંચીને શ્રીહનુમાનજીએ રાવણને સૌપ્રથમ કઇ સ્થિતિમાં જોયો હતો? – ઊંઘમાં

આ અંકનો પ્રશ્ન – દંડક વનમાં પ્રભુ શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી ઉપર ક્યા રાક્ષસે આક્રમણ કર્યું હતું?

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૬ | અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ (ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-025/) એટલે કે ૨૫માં ભાગમાં આપણે સુરસા જતી વખતે શું કહે છે, તે વિશે અધ્યાત્મ રામાયણમાં શું લખ્યુ છે? તે વાત જોઇ, ત્યારબાદ સુરસાના પ્રસંગ આધારિત માનસમાં સમાયેલું જીવનદર્શન અને તે મુજબ સુરસા વાસનાનું પ્રતિક છે, તે જોયું. માનસમાં રાક્ષસીઓના ઉલ્લેખ સંબંધમાં શ્રીતુલસીદાસજીએ સિંહિકાનું નામ નથી લખ્યુ અને અમૂક રાક્ષસીઓની સાથે ‘એક’ શબ્દનો ઉલ્લેખ કરેલ છે, આ બધી બાબતો વિશેના સુંદર તર્ક જોયા હતા. હવે ઉડતા જીવોને માયાથી સિંહિકા કેવી રીતે પકડતી હતી? અને પકડીને તેની સાથે શું કરતી હતી? ત્યાંથી આજની કથામાં આગળ વધીએ.

જીવ જંતુ જે ગગન ઉડા઼હીં જલ બિલોકિ તિન્હ કૈ પરિછાહીં

ગહઇ છાહઁ સક સો ન ઉડા઼ઈ એહિ બિધિ સદા ગગનચર ખાઈ

આકાશમાં જે જીવ-જંતુઓ ઉડતા હતા, તેઓનો પડછાયો જોઇને તે એ પડછાયાને પકડી લેતી હતી; તેથી તેઓ ઊડી શકતા ન હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઊડનારા જીવોને ખાધે રાખતી હતી.

સિંહિકાની પહેલી મોટી વિચિત્રતા તો એ છે કે, સમુદ્રમાં અસંખ્ય જીવો હોય છે, છતાં તેણી આકાશમાં ઉડતા જીવોને જ પકડે છે; જલમાંથી કોઇને પકડતી નથી. બીજી, તેણી ખૂબ જ માયાવી છે. સામાન્ય રીતે પડછાયાને પકડી ન શકાય, પરંતુ આ એવી જબરદસ્ત માયાવી છે, કે પડછાયાને પકડી શકે છે; જેને છાયાગ્રહિણી તરીકે ઓળખવામાં આવે છે. સિંહિકા જેવો પડછાયો પકડે એટલે આકાશમાં ઉડતા જીવની ગતિ અવરોધાય અને તે સમુદ્રના પાણીમાં પડે કે તુરંત તેણી તેને પકડી લેતી હતી. જેમ આકાશમાં ઉડતી પતંગને દોરી ખેંચીને નીચે ઉતારી લેવામાં આવે તેમ તેણી ઉડતા જીવને આકાશમાંથી નીચે ઉતારી લેતી અને પકડી લેતી. તેની આ અજીબોગરીબ માયાને અઘટિતઘટનાપટીયસી માયા તરીકે શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી છે.

જીવ-જંતુ, પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આકાશમાં ઉડતા નાના-નાના પક્ષીઓ વગેરેને પકડી-પકડીને ખાય તેમાં તેણીનું પેટ શું ભરાતું હશે? પરંતુ ધ્યાનથી શબ્દોને સમજીએ તો માનસકારે અહીં જંતુ જેવા સુક્ષ્મથી લઈ મોટા જીવો બધાને પકડી શકતી હતી, તેટલી તેની માયાવી શક્તિ પ્રબળ હતી, તેવું વર્ણવેલું છે. જે ગગન ઉડા઼હી અર્થાત જે આકાશમાં ઉડતા હતા, તેઓને પકડતી હતી. બધા જીવ-જંતુઓ ઉડી શકતા નથી. જે ઉડી શકતા હતા, તેઓને તેણી પકડતી હતી. અહીં પણ ગોસ્વામીજીના શબ્દોમાં ગુઢ જીવનદર્શન છુપાયેલું છે. ભક્તિના પથ ઉપર કંચન અને કામિની પછી ત્રીજું વિઘ્ન આવે છે, ઇર્ષ્યા. સિંહિકા એ ઇર્ષ્યાનું પ્રતિક છે. આપણે હમણાં જ આગળ જોયું કે સિંહિકા જલમાંથી કોઇને પકડતી ન હતી. તેનો અર્થ એવો સમજી શકાય કે, જે પોતાની સાથે કે પોતાનાથી નીચો થઇને રહે છે, તેને ઇર્ષ્યા પકડતી નથી. જે ઉંચો ઉડે તેને પકડવા ઇર્ષ્યા તૈયાર જ બેઠી હોય. ભક્તિનો પથ હોય કે જીવનનું કોઇપણ ક્ષેત્ર હોય, જેવા તમે ઉંચે ચઢો કે આગળ વધો એટલે ઇર્ષ્યા તરત જ તમને પકડીને નીચે પાડી દેવા પ્રયત્નશીલ થઇ જાય.

દરેક વ્યક્તિ જીવનમાં ડગલેને પગલે ઇર્ષ્યાનો ભોગ બનતા જ હોય છે, માટે આ બાબત સમજાવવા કોઇ ઉદાહરણ આપવાની જરૂર નથી. જો તમારું કંઇપણ સારુ દેખાયુ તો ગયા કામથી. કોઇપણ ભોગે, ભલેને ઇર્ષ્યા કરનારને પોતાને લાગું પડતું હોય કે ન હોય, આપના વિકાસ કે સફળતાથી તેને પોતાને કોઇ લાભ-હાનિ હોય કે ન હોય, બસ તમારું કંઇક સારુ દેખાય, તમે કંઇક સારા લાગ્યા, તમે કંઇક સફળતા હાંસલ કરી કે ઊંચાઈ પ્રાપ્ત કરી, તો બસ પત્યુ. આ વૃતિ આજ-કાલ સમાજમાં વધતી જાય છે અને આપણને ખોખલા બનાવતી જાય છે. એકની સફળતા બીજાથી પચતી નથી હોતી.

એક વખત વિદેશથી એક ટીમ ભારતના પ્રવાસે સમુદ્રને લગતા અભ્યાસ માટે આવી. તેની સાથે તેઓના ભારતીય સાથીદારો પણ જોડાયા. અભ્યાસ દરમ્યાન એક દિવસ તેઓ દરિયા કિનારે કરચલાઓનો અભ્યાસ કરતા હતા. વધુ અભ્યાસ અર્થે કરચલાઓને એક પેટીમાં ભરવા લાગ્યા. એક વિદેશી સભ્યએ સુચન કર્યુ કે, કરચલો પકડીને પેટીમાં મુક્યા બાદ ઢાંકણ બંધ કરવાનું રાખો નહિતર પેટીમાં રહેલા કરચલા બહાર નિકળી જશે અને આપણી મહેનત માથે પડશે. ભારતીય સંશોધક સભ્યએ બહુ જ સુંદર જવાબ આપ્યો, “ચિંતા ના કરો, આ ભારતીય કરચલાઓ છે”. તેને પુરો વિશ્વાસ હતો કે એક ઉંચો ચડવા જશે એટલે બીજો ટાંટિયો ખેંચી જ લેશે. જ્યારે હું આ લેખ લખતો હતો, એ જ સમયે મારા એક સિનિયર અધિકારીનો મેસેજ આવ્યો. જેનો ભાવાર્થ કંઇક એવો હતો કે, “ઘણીવાર તમારો વાંક-ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે.” બસ આ જ ઇર્ષ્યા. મેં તેઓને કોલ કરીને તરત જ કહ્યું પણ હતુ કે હું આ મેસેજને મારા લેખમાં સમાવવા માંગુ છું.

રાક્ષસીઓ સામાન્ય રીતે જમીન ઉપર વસતો જીવ છે. અહીં માનસકારે સિંહિકા દરિયામાં રહેતી હતી, તેવું દર્શાવીને ખૂબ જ સુંદર દ્રષ્ટાંત આપ્યુ છે કે માણસ ગમે તેટલો દરિયાદિલ હોય તો પણ તેનામાં ક્યાંક તો ઇર્ષ્યા છુપાઈને બેઠી હોઇ શકે છે. જો તમે ઇર્ષાળું જેવડા કે તેનાથી નાના હશો, તેનાથી નબળા દેખાતા હશો, ત્યાંસુધી કોઇ પ્રશ્ન નથી. જેવા તેનાથી આગળ વધો, ઉંચે ચઢો, થોડોક પણ વિકાસ કરો એટલે તમને પછાડવા ઇર્ષ્યા તૈયાર જ બેઠી હશે. વળી ઇર્ષ્યાનો સ્વભાવ છે કે તે પડછાયાને જ પકડશે. ઇર્ષ્યા કરતા હોય તેવા કાયરોની સીધા સામે આવવાની, ચર્ચા કરવાની, બીજાની લીટી અડ્યા વગર પોતાની લીટી મોટી કરવાની, સફળતાને સ્વીકારવાની તો હેસિયત હોય નહીં, એટલે શું કરે? તમારામાં કઇક પડછાયાની જેમ કાળુ શોધવાનો પ્રયત્ન કરે. કોઇ પણ માણસ ગમે તેટલો સફેદ હોય અર્થાત પવિત્ર હોય, તો પણ સામે વાળાની (ઇર્ષ્યાળુની) દ્રષ્ટીએ ભૂલ ગણી શકાય તેવી કોઇ બાબત તો તેને મળી જ જાય, અર્થાત સફેદમાં કાળુ મળી જ જાય. આમ પણ સફેદમાં કાળુ તરત જ દેખાય પણ જાય. જેવું આ કાળું દેખાય કે ઇર્ષ્યા તેને પકડી લેશે. આમ, મિત્રો, આ ઇર્ષ્યાનું વિઘ્ન છે ને તે જીવનમાં સૌથી મોટું વિઘ્ન છે, જે દરેક વ્યક્તિને નડે જ છે. ઇર્ષ્યા કોઇનેય છોડતી નથી.

ઇર્ષ્યાને વધુ સરળતાથી સમજવી હોય તો પતંગનો દાખલો લઈએ. બધી જ પતંગ સ્ટોલમાં હોય છે, ત્યાંસુધી કેવી ડાહી-ડમરી હોય છે? જુદા-જુદા રેકમાં ગોઠવાઇને બેઠી હોય છે. નાની જોડે નાની, મોટી જોડે મોટી, રંગ-વાઇઝ, સાઇઝ-વાઇઝ વગેરે-વગેરે. આ જ પતંગને ઉડવા આસમાન અને કોઇ દોરી મળે એટલે બસ કાપો-કાપો… આવી જ રીતે વ્યક્તિને સમાજરૂપી આસમાનમાં વિહરવા જ્યારે કોઇ દોર મળે એટલે તે ઉડવા માંડે. આ દોર સત્તાનો દોર પણ હોય, સફળતાનો પણ હોય, પ્રવૃતિનો પણ હોય, પદવીનો પણ હોય, પૈસાનો પણ હોય અને પ્રતિષ્ઠાનો પણ હોઇ શકે. આ પતંગો દોરના જોરે ઊંચે ચડે પછી કોણ કોને કાપી નાખે તે નક્કી નહીં. આ કપાયેલા પતંગના હાલ જોયા છે ને? આ પોતાના દોરના જોરે, કુદરતી હવામાં, વિશાળ આકાશમાં વિહરતા પતંગને જ્યારે બીજું કોઇ કાપી નાખે છે, ત્યારબાદ તેની હાલત ખૂબ જ દયનીય થઈ જાય છે. કોઇ રોડ ઉપર પડે છે ને પગ કે વ્હીલ નીચે કચડાય જાય છે, તો કોઇ વીજ વાયરમાં ફસાઇને ફાટી જાય છે. કોઇ ખેતરમાં પડી ખાતર થઇ જાય છે, તો કોઇ ઝાડી-ઝાંખરામાં ભરાઇને ચીરાઇ જાય છે. પતંગના કિસ્સામાં તો કદાચ આ મનોરંજન હશે, પણ વાસ્તવિક જીવનમાં કોઇને કાપીને, આ તારાજી મચાવીને શું મજા આવતી હશે? વળી, આ સિલસિલો ચાલુ જ રહે છે. જેણે પહેલા કોઇનો પતંગ કાપ્યો હોય, તેનો પતંગ બીજો કોઇ થોડીવાર પછી કાપી નાખે, કારણ કે બધા કાપવા જ બેઠા છે. અરે મસ્ત ગગનમાં બધા વિહરતા રહો ને? શું કામ કોઇને કાપી નાખવા છે? કેમ આ આપણી પ્રકૃતિ બની ગઈ છે કે બસ કોઇની તો પતંગ કાપવી જ છે? અરે, કોઇ ઉંચાઇ હાંસલ કરે અને આપણે તેટલી હેસીયત ન ધરાવતા હોઇએ, તો તેનો પતંગ ઉડતો જોઇને, તેની સફળતા જોઇને તેની લીટીને અડ્યા વગર આપણી લીટી મોટી કરો ને!  કેપેસીટી વધારોને!  બધા બધુ ન પણ મેળવી શકે. જો આપણે તે કક્ષા, પદ, પ્રતિષ્ઠા ન જ મેળવી શકતા હોઇએ, તો દુવા કરોને કે તે વધુને વધુ ઉંચાઇએ સ્થિરતાપૂર્વક ચગતો રહે. આ ઇર્ષ્યાને તો મારવી જ પડે. જો ઇર્ષ્યા મરે નહિ ને, તો ભવસાગર પાર કરી ન શકાય.

મનમાંથી ઇર્ષ્યાને મારવાની શુભભાવના સાથે આજની કથાને અહીં વિરામ આપીએ.

ગયા અંકનો પ્રશ્ન – દશરથજીના કયા મંત્રી અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા? – સુમંત્ર

આ અંકનો પ્રશ્ન –  લંકા પહોંચીને શ્રીહનુમાનજીએ રાવણને સૌપ્રથમ કઇ સ્થિતિમાં જોયો હતો?

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૫ | ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રીરામચરિતમાનસની દરેક ચોપાઈમાં ગોસ્વામીજીએ આધ્યાત્મિક ભાવની સાથે જીવનદર્શન પણ ખૂબ બારીકાઇથી વણી લીધુ છે. ગયા અઠવાડિયાની કથા શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા માં આપણે નાગમાતા સુરસા શ્રીહનુમાનજીને ‘રામ કાજુ સબુ કરિહહુ’ તેવા આશિષ આપીને જતા રહે છે, ત્યાં સુધીની કથા જોઇ હતી. સુરસા જતી વખતે શું કહે છે, તે વિશે અધ્યાત્મ રામાયણમાં શું લખ્યુ છે? ત્યાંથી આજની કથાની શરૂઆત કરીએ.

અધ્યાત્મ રામાયણમાં લખ્યુ છે કે સુરસાએ જતી વખતે શ્રીહનુમાનજીને એમ કહ્યુ કે, ‘હે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ! આપ જાઓ. પ્રભુ શ્રીરામચંદ્રજીનું કાર્ય ઝડપથી પૂર્ણ કરો. હે વાનરરાજ! દેવતાઓ આપની બળ-બુદ્ધિ જાણવા માંગતા હતા. તેથી મને અહીં આપની પાસે મોકલી હતી. મને ખાતરી છે કે તમે સીતાજીને જોઇને પાછા ફરશો અને ઝડપથી પ્રભુ શ્રીરામને મળશો.’

સુંદરકાંડની આ સુંદર કથામાં સુરસાના પ્રસંગ પછી ગોસ્વામીજી શ્રીતુલસીદાસજી દ્વારા વણી લેવામાં આવતા જીવનદર્શન વિશે થોડુ ચિંતન કરીએ. ભક્તિના માર્ગે આગળ વધીએ એટલે અનેક વિઘ્નો આવે. પહેલું વિઘ્ન આવે કંચનનું, ધન-દોલતનું. અગાઉ મૈનાક વિશેની કથામાં આપણે જોયું હતું કે તે સુવર્ણના શિખરોવાળો પર્વત હતો. કોઇએ સાચુ જ કહ્યુ છે, ‘જીવનમાં પૈસાની બહુ જરૂર છે, પરંતુ બહુ પૈસાની જરૂર નથી’. પૈસા-ધન-કંચનનો વિરોધ ન હોય, તેના વગર કોઇને ચાલવાનું નથી. તેનો વિરોધ કરનારા દંભી હોય છે, તેવું માની શકાય, પરંતુ अति सर्वत्र वर्जयेत्. શ્રીહનુમાનજીની જેમ તેને સ્પર્શ કરીને, તેનું માન જાળવીને આગળ વધી ગયા, તેમ જીવનમાં જરૂરી હોય તેટલું અર્થોપાજન કરીને, જીવનના સાચા ધ્યેય પ્રભુભક્તિ માટે આગળ વધી જવું જોઇએ.

બીજું વિઘ્ન આવે કામિની, એટલે કે અહીં તેનો અર્થ છે વાસના. સુરસા એ વાસનાનું પ્રતિક છે અને વાસનાનો સ્વભાવ છે, સતત વધતુ રહેવું. વાસના જેટલી ભોગવો તેટલી તેની તૃષ્ણા વધતી જ જાય, વાસના મોઢુ મોટુ કરતી જ જાય. આ વાસના સંદર્ભમાં ભર્તુહરિએ સ્મશાનની રાખ ઉપર બેસીને નીતિશતકમાં લખ્યુ છે, “ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા:” અર્થાત આપણે ભોગને નથી ભોગવતા, પરંતુ આપણે જ ભોગવાઇ જઇએ છીએ. એક વખત મોરારીબાપુની કથા સાંભળતો હતો, ત્યારે સુરસાના આ પ્રસંગમાં વાસના વિશે સમજાવતા બાપુએ એક સુંદર વાત કહેલી. આ કથાના અગાઉના ભાગ(http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-024/)માં આપણે સુરસા મુખ મોટુ કરે છે ત્યારે તેણીએ મુખ ઊભું ખોલ્યુ હશે, તેવા તર્ક સાથે કથા જોઇ હતી. જ્યારે બાપુએ કહ્યુ કે સુરસાએ ચારસો ગાઉના સમુદ્રમાં તેના જેવડું જ ચારસો ગાઉનું મુખ આડુ પહોળું કર્યુ હતું કે ખોલ્યુ હતું. જેનાથી આખો સમુદ્ર ઢંકાઇ ગયો હતો. તેનો અર્થ એવો સમજાવ્યો હતો કે આપણું આખુ જીવન, આપણો આખો ભવસાગર વાસનાથી વ્યાપ્ત થઇ જાય, તો પછી જીવ ભક્તિના માર્ગે ત્યાંથી આગળ કઇ રીતે વધી શકે? આ વાસના તેને ત્યાંથી આગળ વધવા જ ન દે.

ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ તપો ન તપ્તં વયમેવ તપ્તાઃ ।
કાલો ન યાતો વયમેવ યાતાઃ તૃષ્ણા ન જીર્ણાઃ વયમેવ જીર્ણાઃ ॥
 
આપણા વડે ભોગો નથી ભોગવાયા, પરંતુ આપણે જ ભોગાવઈ ગયા. આપણા વડે તપ ન તપાયું, પણ આપણે જ તપાઈ ગયા. કાળ નથી ચાલ્યો ગયો, પણ આપણે જ ચાલ્યા ગયા. તૃષ્ણા ઘરડી નથી થઈ, પરંતુ આપણે જ ઘરડા થઈ ગયા.
નિતીશાસ્ત્ર

અહીં બે વાત બહુ અગત્યની અને સમજવા જેવી છે. પહેલી, જો વાસનાનો પ્રતિકાર કરીએ કે અતિરેક કરીએ, તો પ્રભુકાર્ય શક્ય ન બને કે ભક્તિની પ્રાપ્તિ શક્ય ન બને. હા, બહુ સમજીને કહી રહ્યો છું કે તેનો પ્રતિકાર કરીએ, તો પણ ભક્તિની પ્રાપ્તિ શક્ય ન બને. વાસનાના મુખમાં પેસી, આંટો મારી અને પાછો બહાર નિકળી જાય તે વિરલો જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. સંસારમા રહીને ઉદાસિનતા કેળવવામાં આવે તો જ ભક્તિ પ્રાપ્ત થાય. વાસના ક્યારેય મરતી નથી, તેને જીતવી પડે અથવા તો સાંસારિક વાસનામાંથી ભગવદીય વાસના તરફ જીવને વાળવો પડે, તો ભક્તિની પ્રાપ્તિ થાય, તો પ્રભુ શરણ પ્રાપ્ત થાય. જીવનને પ્રભુકાર્યાર્થે વાળો તો વાસના ઉપર જીત ચોક્કસ મેળવી શકાય, પરંતુ તે કદી પણ મરતી નથી, તે સનાતન સત્ય છે. બીજું, વાસનાને જીતવી હોય તો ઇન્દ્રીયોને સંકોચતા શીખવું પડે કે આવડવું જોઇએ. ક્યા સમયે ઇન્દ્રીયોને સંકોચી લેવી, તે પણ ખૂબ મહત્વનું છે. કદાચ આ સમયનું વ્યક્તિને સ્મરણ રહે તે માટે જ પ્રાચિન સમયમાં ચાર આશ્રમ(બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ)ની વ્યવસ્થા રાખવામાં આવી હશે. બાકી તો જેમ વાસનાનો વિસ્તાર કરતા જાઓ તેમ તે વધતી જ જાય, વધતી જ જાય. તેનો કોઇ અંત નથી અને તેમાં જ આપણે ભોગવાઇ જઇએ છીએ.

ભક્તિનો મારગ છે શૂરાનો, નથી કાયરનું કામ. ભક્તિના પંથે ચાલો, તો એક પછી એક વિઘ્ન તો આવવાનું જ. ડગલે ને પગલે પરીક્ષા તો આવવાની જ. સુરસાની પરીક્ષામાંથી પસાર થઇ, શ્રીહનુમાનજી હવે સમુદ્રમાં આગળ વધે છે. ત્યાં તો –

નિસિચરિ એક સિંધુ મહુઁ રહઇ કરિ માયા નભુ કે ખગ ગહઇ

સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી અને તે માયા કરીને આકાશમાં ઊડતા પંખીઓને પકડી લેતી હતી.

અહીં ચોપાઇનો પ્રથમ શબ્દ છે, નિસિચરિ. નિશાચરનો શબ્દકોષ મુજબ અર્થ થાય છે, રાત્રે ફરનાર. તેનું સ્ત્રીલિંગ એટલે નિશિચરિ અર્થાત રાત્રિએ ફરનારી સ્ત્રી. રાક્ષસી અને ગણિકા બન્ને માટે આ જ શબ્દ વપરાય છે. અહીંયા બાબાજીએ રાક્ષસીની વાત કરી, પરંતુ તેનું નામ નથી લખ્યું. વાલ્મીકીય રામાયણ અને અધ્યાત્મ રામાયણમાં તેણીના નામનો ઉલ્લેખ જોવા મળે છે. આ રાક્ષસીનું નામ હતું, સિંહિકા. સિંહિકાનો થોડો પરિચય જોઇએ તો તેણી હિરણ્યકશિપુની પુત્રી, વિપ્રચિતિ રાક્ષસની પત્નિ અને રાહુ વગેરે જેવા અતિ ભયાનક ૧૩ રાક્ષસોની માતા હતી. તેણી ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી શકનારી અને છાયાગ્રહિણી એટલે કે પડછાયા થકી જીવને પકડીને ખાઇ શકનારી હતી.

શ્રીરામચરિતમાનસમાં અને આમ જોઇએ તો સુંદરકાંડમાં જ ઘણી રાક્ષસીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તે પૈકી શ્રીતુલસીદાસજીએ સુરસા, લંકિની, ત્રિજટા વગેરેના નામો લખ્યા, પરંતુ સિંહિકાનું નામ લખ્યું નથી. આ બધી રાક્ષસીઓમાં અને સિંહિકામાં કંઇક મૂળભૂત તફાવત છે. સિંહિકા સિવાયની અન્ય ત્રણેય પ્રભુકાર્યમાં બાધક ન હતી. સુરસા શ્રીહનુમાનજીના વિશિષ્ઠ બળ-બુદ્ધિની પરીક્ષા લેવા આવી હતી અને તે કાર્ય પૂર્ણ કરી, આશીર્વાદ આપીને જતી રહી. લંકિની લંકા નગરીની સુરક્ષા કરી રહી હતી માટે શ્રીહનુમાનજીને લંકા પ્રવેશ કરતા રોકે છે, પરંતુ પ્રભુ શ્રીરામના દૂત જાણી, લંકામાં પ્રવેશ કરવા દે છે. ત્રિજટા સીતાજી ઉપર અશોકવાટિકામાં પહેરો રાખે છે, પરંતુ રાક્ષસના શરીરમાં પણ પ્રભુ શ્રીરામની અનુરાગિણી જ છે. આ ત્રણેય નિષ્કપટ અને છળરહિત હતી, જ્યારે સિંહિકા કપટી અને દુષ્ટ હતી. તેણી શ્રીહનુમાનજીને પ્રભુ કાર્યમાં બાધક બનવા આવી હતી. આમ, સિંહિકાને રામવિમુખી અને પ્રભુદ્રોહી જાણી, ગોસ્વામીજીએ કદાચ તેનું નામ લખવાનું ટાળ્યું હશે.

આગળ શ્રીતુલસીદાસજીએ ‘એક’ શબ્દ લખ્યો છે, નિસિચરિ એક. આવો જ શબ્દપ્રયોગ લંકિની માટે ‘નામ લંકિની એક નિસિચરી’ અને ત્રિજટા માટે પણ ‘ત્રિજટા નામ રાક્ષસી એકા’ એવો કરવામાં આવ્યો છે. આ બધી રાક્ષસીઓ સાથે એક શબ્દના પ્રયોજનનું તાત્પર્ય એવું હોઇ શકે કે, દરેક પોતપોતાના ક્ષેત્રમાં અદ્વિતિય છે, સર્વશ્રેષ્ઠ છે. તેના જેવું અન્ય કોઇ નથી. આકાશમાં ઉડતા જીવનો સમુદ્રના પાણીમાં પડતો પડછાયો પકડીને તેની ગતિ રોકી લેવી અને પછી જેમ દોરીથી પતંગને ઉતારી લેવામાં આવે, તેમ તેને નીચે ઉતારી, પકડી અને ખાઇ જવા, તે શું કોઇ નાની-સુની આવડત છે? તેવી જ રીતે લંકા નગરીએ પોતે જ સ્ત્રીનું એટલે કે રાક્ષસીનું રૂપ ધારણ કરીને પોતાની જ રક્ષા કરવી અને મચ્છર જેવડું નાનકડું રૂપ લઇને નગરીમાં પ્રવેશતા શ્રીહનુમાનજીને પકડી પાડવા, એ પણ ખરેખર એક અજીબ સિદ્ધિ જ ગણાય. ત્રિજટા માટે જોઇએ તો રાક્ષસીનો જન્મ, તામસ દેહ અને છતાં પણ રામભક્ત, છેને અજોડ, અદ્‌ભુત? આવા વિવિધ તર્ક સાથે માનસકારે આ ત્રણેયની સાથે ‘એક’ શબ્દનો ઉપયોગ કર્યો હશે.

આગળ બાબાજી લખે છે, સિંધુ મહુઁ રહઇ અર્થાત સમુદ્રમાં જ રહેતી હતી, સુરસાની જેમ બહારથી આવી ન હતી. સુરસાને મોકલવામાં આવી હતી, આ ત્યાં દરિયામાં જ રહેતી હતી. આગળ જે ત્રણેય રાક્ષસીઓની વાત કરી, તેમાં પણ એક સુંદર સંયોગ ઊભો થયો છે. અહીં રાક્ષસીઓ એટલે કે વિઘ્ન, વિઘ્ન માટે કરવામાં આવેલુ પ્રતિકાત્મક સંબોધન. ભક્તિના પથ પર ચાલીએ તો વિઘ્નો આવે, તેવું આપણે આગળ જોયુ છે. આ વિઘ્નો કોઇપણ બાજુથી આવી શકે, તે અહીં દર્શાવવામાં આવ્યુ છે. તે સુરસાની જેમ આકાશમાંથી પણ આવે, સિંહિકાની જેમ જલમાંથી પણ આવે અને લંકિનીની જેમ જમીન પરથી પણ આવી શકે. આમ, વિઘ્ન કોઇપણ રસ્તેથી આવી શકે, ભક્તએ સતત સાવચેત રહેવું જોઇએ. દેશની રક્ષા કાજે પણ વિઘ્ન કોઇપણ રસ્તે આવી શકે, સુરક્ષા માટે દેશે દરેક ક્ષેત્રે તૈયાર રહેવું જોઇએ, એવો શાસ્ત્રોનો મત છે.

ત્યારબાદ શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે, કરિ માયા, માયાથી એટલે કે છળ કરીને. નભુ કે ખગ ગહઇ અર્થાત આકાશમાં ઉડતા જીવોને પકડી લેતી. અહીં ખગ એટલે પક્ષી એટલો જ ટૂંકો અર્થ નથી કરવાનો, પરંતુ ખ = આકાશમાં અને ગ = એટલે ગમન કરનાર. આમ, અહીં આકાશમાં ઉડતા તમામ જીવોની વાત કરવામાં આવી છે. માયાથી ઉડતા જીવોને પકડીને તેણી શું કરતી હતી? તેની વિગતો આવતા અંકમાં જોઇશુ. આજની કથાની અહીં વિરામ આપીએ.

ગયા અંકનો પ્રશ્ન – સંપાતિને જટાયુના મૃત્યુના સમાચાર કોણે આપ્યા હતા? – અંગદ

આ અંકનો પ્રશ્ન – દશરથજીના કયા મંત્રી અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા?  

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગલા ભાગમાં (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૩ | સકલગુણ નિધાનમ્‌ – શ્રીઅંજનીનંદન –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-023/ )માં આપણે સમીરસુત સુરસાને પ્રભુકાર્ય કરવા જવા દેવા કઇ-કઇ રીતે સમજાવે છે? અને પોતાના બળ તથા બુદ્ધિનું સામર્થ્ય કઇ રીતે બતાવે છે, તે જોયું હતું. અંતે સુરસા સો યોજન એટલે કે ચારસો ગાઉના સમુદ્રના જેવડું પોતાનું મુખ ફેલાવી દે છે, ત્યારે ગોસ્વામીજી લખે છે –

સત જોજન તેહિ આનન કીન્હા અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા

બદન પઇઠિ પુનિ બાહેર આવા માઁગા બિદા તાહિ સિરુ નાવા

જ્યારે સુરસાએ સો યોજન(ચારસો ગાઉ)નું વિશાળ મુખ કર્યું, ત્યારે શ્રીહનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું. આવું નાનું રૂપ ધારણ કરીને તેઓ સુરસાના મુખમાં પેસી ગયા અને પછી તરત જ પાછા બહાર પણ નીકળી આવ્યા અને તેણીને શીશ નમાવીને વિદાય માગી.

સુરસાએ સો યોજનનું વિશાળ મુખ કર્યુ. સુરસાએ મુખ આડું ખોલ્યુ હતુ કે ઊભું ખોલ્યુ હતું? તે એક યક્ષ પ્રશ્ન છે અને બન્ને માટે અલગ-અલગ તર્ક પણ છે. અહીં આપણે મુખ ઊભું ખોલ્યુ હશે, તેવા તર્ક સાથે આગળ વધીએ. શ્રીહનુમાનજીના પણ આખા શરીરનું વર્ણન છે એટલે કે તેઓના મોટા સ્વરૂપનું વર્ણન છે અર્થાત તેઓ ઉંચા થયા હતા, જાડા થયા ન હતા. જેવું સુરસાએ આટલુ મોટું મુખ ખોલ્યુ કે શ્રીહનુમાનજીએ અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા તુરંત જ એકદમ નાનું સ્વરૂપ ધારણ કરી લીધુ. ક્યારે અને કોની સામે નાનું બનવું, તે પણ બુદ્ધિચાતુર્યનું પ્રમાણ છે. જે યોગ્ય સમયે નાના નથી થઇ શકતા તે ઘણા હેરાન થતા હોય છે. સમાજમાં ફક્ત નાણાકીય સધ્ધરતાની બાબતમાં નાના ન થઇ શકવાને કારણે દેવામાં ડૂબી જતા ઘણા જોવા મળે છે. યોગ્ય સમયે નાના થઇ જવાથી ઘણી મુશ્કેલીઓમાંથી બચી શકાય છે. શ્રીહનુમાનજી ઝડપથી અતિ નાનું સ્વરૂપ ધારણ કરીને સુરસાના મુખમાં પેસી ગયા. અગાઉ આપણે જોયું હતુ કે, અધ્યાત્મ રામાયણમાં જ્યારે સુરસા શ્રીહનુમાનજીની સામે આવીને કહે છે કે દેવોએ મને આહાર તરીકે તમને આપ્યા છે, ત્યારે એવું પણ કહે છે કે, એહિ મે બદનં શીઘ્રં પ્રવિશસ્વ” અર્થાત આવો, ઝડપથી તમે મારા મુખમાં પ્રવેશ કરો. આમ, અગાઉ સુરસાએ શ્રીહનુમાનજીને મુખમાં પ્રવેશવાનું કહ્યુ હોય, શ્રીહનુમાનજી અતિ નાનું સ્વરૂપ ધારણ કરીને સુરસાના મુખમાં પેસી ગયા. સુરસાએ તો એટલુ મોટું મુખ ફેલાવ્યુ હતુ કે બંધ કરતા વાર તો લાગે જ ને! અને પ્રભુભક્ત? તુરંત જ નાનો થઇ શકે, પરંતુ વાસનાનો ભુખ્યો માણસ વધુને વધુ ભોગ ભોગવવા પોતાની પ્રવૃતિઓનો એટલો વિસ્તાર કરીને બેઠો હોય કે તેને સમેટતા વાર લાગે અર્થાત પોતાની વાસનાઓ કે ઇચ્છાઓને તુરંત છોડી શકતો નથી. સુરસા હજુ તો મુખ બંધ કરે તે પહેલા તો શ્રીહનુમાનજી તેના મુખમાં પ્રવેશી, આંટો મારીને પાછા બહાર પણ આવી ગયા.

શ્રીહનુમાનજીએ મુખમાંથી બહાર આવીને પછી માથું નમાવીને, પ્રણામ કરીને વિદાય માંગી. કોઇએ એવું કહ્યું કે સુરસાને ભોઠા પાડવા માટે શ્રીહનુમાનજીએ મસ્તક નમાવીને વિદાય માંગી. મારું માનવું છે કે શ્રીહનુમાનજી સુરસાને અગાઉ માતા તરીકે સંબોધન કરી ચૂક્યા છે, માટે આદરભાવ સાથે પ્રણામ કરી વિદાય માંગી રહ્યા છે. સુરસાએ કહ્યુ હતુ કે, ‘એહિ મે બદનં શીઘ્રં પ્રવિશસ્વ અને શ્રીહનુમાનજીએ પણ વચન આપ્યુ હતુ કે, તબ તવ બદન પૈઠહઉઁ આઈ’. આમ, સુરસાની ઇચ્છા અને પોતાના વચનને પૂર્ણ કરીને શ્રીહનુમાનજી માતૃભાવના આદર સહ મસ્તક નમાવીને, વંદન કરીને વિદાય માંગી રહ્યા છે. આ સમયે શ્રીહનુમાનજીનું સામર્થ્ય અને બુદ્ધિચાતુર્ય જોઇને સુરસા કહે છે –

મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા બુધિ બલ મરમુ તોર મૈં પાવા

દેવોએ મને જે કાર્ય માટે મોકલી હતી તે મુજબ મેં તમારા બળ-બુદ્ધિનો ભેદ પામી લીધો, તાગ મેળવી લીધો છે.

હવે સુરસા શ્રીહનુમાનજીને પોતાના આવવાનું સાચું તાત્પર્ય જણાવી દે છે કે હું આપનું ભક્ષણ કરવા માટે નહોતી આવી, પરંતુ મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા અર્થાત મને દેવોએ મોકલી હતી. બીજું, જેહિ એટલે કે જે કામ માટે. દેવોએ ક્યા કામ માટે મોકલી હતી? તો બુધિ બલ મરમુ તોર શ્રીહનુમાનજીના બળ-બુદ્ધિનો તાગ મેળવવા, તેઓના વિશિષ્ટ બળ-બુદ્ધિની કસોટી કરવા મોકલી હતી. તેણીએ શ્રીહનુમાનજીની કસોટી કરવાની હોઈ, જુઠુ બોલી હતી કે, આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા આજે દેવોએ તમને મારા આહાર તરીકે આપ્યા છે. આમ, સુરસા બન્ને સ્પષ્ટતા કરી દે છે કે તેણી દેવોના મોકલવાથી આવી હતી અને દેવોએ પણ પ્રભુકાર્યમાં વિઘ્ન ઊભું કરવા નહોતી મોકલી, પરંતુ શ્રીહનુમાનજીના વિશિષ્ટ બળ-બુદ્ધિની કસોટી કરવા મોકલી હતી.

અહીં એક પ્રશ્ન એવો ઉઠે કે આવી પરીક્ષા જ કેમ લીધી? જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે જતા હોય કે જેને જે કાર્ય સોંપવામાં આવ્યુ હોય, તે વ્યક્તિ તેને સોંપવામાં આવેલા કાર્યને કરવા માટે સક્ષમ તો છે ને? તે માટે કાર્યકુશળતાની પરીક્ષા લેવી પડે. શ્રીહનુમાનજીને આગળ જતા સિંહિકાના છળને શોધી તેને મારવાની છે, નાનકડું રૂપ ધરીને લંકામાં પ્રવેશ કરવાનો છે, સાત્વિક ચિહ્નો જોઇ વિભીષણ સારા માણસ છે તેવું અનુમાન લગાવવાનું છે વગેરે જેવા અપાર બળ અને કુશાગ્ર બુદ્ધિવાળા કાર્યો કરવાના હોય, તે મુજબ પરીક્ષા લેવામાં આવી છે. બીકોમની ડીગ્રી આપવાની હોય તો તે મુજબની અને સીએની ડીગ્રી આપવાની હોય તો તે મુજબની પરીક્ષા લેવામાં આવે છે, તેવી રીતે. સુરસા આગળ કહે છે કે –

:: દોહા – ૨ ::

રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન

હે સમીરસુત! આપ બળ-બુદ્ધિના ભંડાર છો, તેથી શ્રીરામચંદ્રજીના સર્વે કાર્યો કરશો. આવા આશીર્વાદ આપીને તેણી ચાલી ગઇ; પછી શ્રીહનુમાનજી હરખભેર આગળ ચાલ્યા.

અગાઉ જામવંતજીએ શ્રીહનુમાનજીને કહ્યુ હતુ કે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” અર્થાત હે તાત! આપ બસ એટલું કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો. જ્યારે ભગવાને આપણને કંઇક સંદેશો આપવો હોય તો તે કોઇપણ રૂપે આવીને આપે. અહીં સુરસાના ‘રામ કાજુ સબુ કરિહહુ’ શબ્દો થકી પ્રભુએ શ્રીહનુમાનજીને સંદેશો પાઠવ્યો કે, હે હનુમાન! તમારે જામવંતજીએ કહ્યુ છે એ ઉપરાંત વિશેષ કાર્યો પણ કરવાના છે. માતા સીતાજીને પ્રભુએ આપેલી મુદ્રિકા પહોંચાડવાની છે, અંગદના ભયને કાયમ માટે દૂર કરવા અક્ષકુમારનો વધ કરવાનો છે, રાવણના સામ્રાજ્યનો ચિતાર મેળવવાનો છે અને અંતે સૌથી અગત્યનું તેવું પ્રભુ શ્રીરામે શ્રીહનુમાનજીને માતા સીતાજીને શોધવા જતી વખતે કહ્યુ હતુ તે “બહુ પ્રકાર સીતહિ સમુઝાએહુ, કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ” એટલે કે સીતાને અનેક પ્રકારે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો. આ બધા કાર્યો કરવાના હોય, સુરસા કહે છે, ‘રામ કાજુ સબુ કરિહહુ’. સુરસા આગળ કહે છે, ‘તુમ્હ બલ બુદ્ધિ નિધાન’ તમે બળ અને બુદ્ધિના ભંડાર છો, માટે તમે આ તમામ કાર્યો કરી શકશો. સુરસા આવું ખાતરીપૂર્વક કહે છે કારણ કે પરીક્ષક છે ને? પોતે જ કસોટી કરી છે અને શ્રીહનુમાનજી તેમાં ઉતિર્ણ થયા છે, તેથી પુરા વિશ્વાસ સાથે કહે છે કે, ‘તુમ્હ બલ બુદ્ધિ નિધાન’.

“આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન”. શ્રીહનુમાનજીને તેઓ પ્રભુ શ્રીરામના ‘સબુ’ તમામ કાર્યો કરી શકશો, તેવા સુંદર આશીર્વાદ આપીને તેણી ત્યાંથી જતી રહે છે. અહીં સુરસા શ્રીહનુમાનજીને આશીર્વાદ આપે છે, તેનું કારણ સ્વાભાવિક રીતે જ તેણીને માતા તરીકે સંબોધન કરવામાં આવ્યું હતુ તે હોઇ શકે અને આ એક વધુ પ્રમાણ પણ છે કે શ્રીહનુમાનજીએ તેણીને આદરપૂર્વક જ માથું નમાવી વિદાય માંગી હતી. જેવા સુરસાના ચાલ્યા ગયા કે શ્રીહનુમાનજી ફરી પ્રભુકાર્યના પંથે આગળ વધ્યા. જ્યારે સમુદ્ર કિનારેથી શ્રીહનુમાનજી પ્રભુકાર્યાર્થે યાત્રાનો પ્રારંભ કરે છે, ત્યારે ચલેઉ હરષિ એટલે કે શ્રીહનુમાનજી હરખાઇને ચાલ્યા હતા અને અહીં માનસકાર ફરી લખે છે કે હરષિ ચલેઉ. એકવખત આપણે હર્ષભેર કોઇ કામ શરૂ કરીએ, ત્યારે જ કોઇ વિઘ્ન આવે અને પ્રભુકૃપાથી તે દૂર થઇ જાય, તો કેવો આનંદ થાય? હાશ! છુટ્યા, હવે ફરી પ્રભુકાર્ય થઇ શકશે. તેવી રીતે શ્રીહનુમાનજીના કાર્યમાં આવેલી બાધા પ્રભુકૃપાથી દૂર થઇ ગઇ હોય, બાબાજીને લિખા હૈ, હરષિ ચલેઉ હનુમાન.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા અંકે આ સંદર્ભમાં અધ્યાત્મ રામાયણમાં શું કહેવામાં આવ્યુ છે તથા માનસમાં વણી લેવામાં આવેલ જીવનદર્શન મુજબ ભક્તિના માર્ગના પથે ક્યા-ક્યા વિઘ્નો આવે અને તેમાં સુરસાનું શેનું પ્રતિક છે? તેની વિગતો સાથે કથાને આગળ ધપાવીશુ.

ગયા અંકનો પ્રશ્ન – રાજા જનક વતી પ્રભુ શ્રીરામના વિવાહનું આમંત્રણ લઈને રાજા દશરથ પાસે કોણ ગયું હતું? – શતાનંદ

આ અંકનો પ્રશ્ન – સંપાતિને જટાયુના મૃત્યુના સમાચાર કોણે આપ્યા હતા?

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||